Monday, October 15, 2012

ધર્મનું વ્યક્તિગત મહત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. માતા-પિતા અને મઝહબ. માતા-પિતા જન્મદત્ત છે. તેની પસંદગી શક્ય નથી. ઇસ્લામ તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતને પણ સ્વીકારતો નથી. કુરાને શરીફમાં કહ્યું છે,
“કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબ સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.

દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી. પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળી, માનવી પોતાના મઝહબ શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. “મારો મઝહબ શ્રેષ્ઠ છે, આપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.

મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો “જય જીનેન્દ્ર” કહું. રાજપૂત વડીલને “જય માતાજી” તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને “જય સ્વામીનારયણ” અચૂક કહું. મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને “સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.

આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પણ મળશે. ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને મારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો પ્રથમ અન્યના મઝહબને ઈજ્જત બક્ષો અને પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો. ઇસ્લામના અનુયાયીઓ કયારેક જાહેરમાં નમાઝ અદા કરતા હોઈ છે. ત્યારે તેમને મળતી સગવડતા અને માન અન્ય મઝહબને પણ આપવાની માનસિક તૈયારી તેમણે રાખવી જોઈએ. 

No comments:

Post a Comment