ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે
નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે.
કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તમા
તેને અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ
મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા
કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે.
પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ
શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત,
આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ. માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર
-ખુદાને રહેવા લાયક બનાવવાનું છે.
ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુધ્ધના
મેદાનમાં કહ્યું હતું,
"દેહ અને દેહમાં રહેલ આત્માનો ભેદ જ તું
ભુલી ગયો છે. આત્મા અમર છે. માટે તું તારો ધર્મ બજાવ"
શ્રી કૃષ્ણએ
અર્જુનને જે ધર્મ નિભાવવાની,અદા કરવાની વાત કરી, તે કોઈ હિંદુ મુસ્લિમ
સંપ્રદાય નથી. તે તો જીવનના નૈતિક મુલ્યોને અનુસરવાનું કાર્ય છે. અર્થાત આપણે જેને
ધર્મ માનીએ છીએ તે તો ધર્મનું ઉપરનું આવરણ
માત્ર છે. ક્રિયાકાંડોનું નિર્જીવ માળખું
છે. તેમાં ક્યાય ધર્મ નથી. માત્ર કોઈ પણ સંપ્રદાયના સિદ્ધાંતો અને નિયમો ધર્મ ન
બની શકે. અલબત્ત આ નિયમો સિદ્ધાંતો આપણને નૈતિક માર્ગે ચાલવાનું કહે છે. પણ એમ તો
આપણો ભારતીય ફોજદારી ધારો પણ આપણને માનવ હિંસા કરવાની ના પાડે, ચોરી કરવાની ના
પાડે છે. અને તેમ કરવા બદલ સજાનો આદેશ પણ આપે છે.
છતાં આપણે તેને રામાયણ,ગીતા,કુરાન કે બાઈબલનો દરજ્જો આપતા નથી. તેને કાયદો
અને વ્યવસ્થા જાળવવા માટેનું પુસ્તક જ માનીએ છીએ.
કારણે કે ધર્મ નૈતિક મુલ્યોના જતન અને અમલ સાથે આધ્યાત્મિક
શુદ્ધિ તરફ આપણે દોરે છે. મુલ્યોને જીવનમાં ઉતારી ખુદા ઈશ્વરની પ્રાપ્તિ તરફ લઇ
જાય છે. સંપ્રદાયોને ઈશ્વર કે ખુદા સાથે ઝાઝો સંબંધ નથી. તેમના માટે તો તેના
સિદ્ધાંતોનો અમલ જ મુખ્ય છે. જયારે ધર્મના કેન્દ્રમાં મુલ્ય નિષ્ઠ માર્ગે ઈશ્વર
સમીપ જવાની તલબ કેન્દ્રમાં હોય છે. સાચા ધર્મ સિદ્ધાંતો કે નિયમોના આડંબરમાં રાચતો
નથી. તેને તો મુલ્યનિષ્ઠ જીવન અને ઈશ્વર કે ખુદાનો ડર જીવનના કેન્દ્રમાં હોય છે.
અને એટલે એવા ધર્મમાં માનનાર ન તો કોઈનું ધર બાળે છે. ન કોઈ મંદિર કે મસ્જિતને
તોડે છે.
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના
રોજ વિશ્વધર્મ પરીષદમાં આપેલ હિંદુ ધર્મનો આદર્શ એ જ ધર્મ ને વ્યક્ત કરે છે. તેમણે
કહ્યું હતું,
"મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું
પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે
સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ, પરંતુ સર્વ ધર્મો
સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ"
કિશોરલાલ મશરૂવાળા ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા કહે
છે,
"વૈદિક કે પારલૌકિક ધર્મનો હેતુ મનુષ્ય
મનુષ્ય વચ્ચે પ્રેમ,એકતા,સદાચાર,ન્યાય,નીતિ,સુખમય સમાજ જીવન તથા અનેક સદગુણો અને
સારી ટેવો નિર્માણ કરવાનો હોવો જોઈએ. મનુષ્યની સ્વતંત્ર રીતે વિવેક અને વિચાર
કરવાની શક્તિનો વિકાસ કરવાનો હોવો જોઈએ. કલ્પનાઓ,વહેમો વગેરેમાંથી બહાર કાઢનાર
હોવો જઈએ. અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે, પરાવલંબનમાંથી સ્વાવલંબન, અશક્તિમાંથી શક્તિ
પત્યે જવાની જે પ્રાણીની માત્રની સ્વાભાવિક ગતિ છે તેને મદદ કરનાર હોવો જોઈએ"
મોટે ભાગે આપણે ધર્મના નામે રૂઢિઓ, પરંપરાઓ અને
અંધ વિશ્વાસમાં જકડાયેલા છીએ. કોઈ ધર્મે આવા માનવવિહોણા પ્રતિબંધો મુક્યા નથી. એ
આપણા જ ઉભા કરેલા છે. કારણ કે આપણે ધર્મને સંકુચ અર્થમાં સમજીએ છીએ. પણ સાચા
અર્થમાં મનુષ્યનું જીવન કાર્ય જ તેનો સાચો ધર્મ છે.મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"ઇસ્લામ એટલે શું ?"
તેમણે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું,
"ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા
સૌનું ભલું ઇચ્છવું"
માનવીના વાણી વર્તનમાં ધર્મ પ્રગટે છે.જેમ
સત્યનું પ્રમાણ શબ્દ નથી પણ જીવન છે તેમ ધર્મનું પ્રમાણ કાર્ય છે. અંગ્રેજ ચિંતક
કોયલર કહે છે,
"દીપક બોલતો નથી, પણ પ્રકાશ આપે છે.એમ ધર્મ
એ બાહ્ય દેખાવ નથી, એ તો આંતરિક પ્રક્રિયા છે."
સત્યની શોધની તૈયારી એ જ ધર્મની શિક્ષા છે. માટે
જ ગાંધીજીએ કહ્યું છે,"સત્ય એ જ પરમેશ્વર છે"
કુરાન-એ-શરીફમાં પણ કહ્યું છે,
"ધર્મ એટલે એવો માર્ગ જે કુમાર્ગોથી અલગ અને
સ્પષ્ટ હોય. જે વ્યક્તિ કુવાસનાઓને ત્યજી દે. અને ખુદા કે ઈશ્વર પર શ્રધ્ધા રાખે તે
ધાર્મિક છે"
એટલે ધર્મિક હોવા માટે હિંદુ કે મુસ્લિમ હોવું
જરૂરી નથી.જીવનને નૈતિક મુલ્યો પ્રમાણે જીવતો માનવી જ સાચો ધાર્મિક છે. માનવી
માનવી વચ્ચે પ્રેમ પ્રગટાવે તે જ સાચો ધર્મ. જ્યાં મારું તારું નથી ત્યાં જ
પરમાત્માની પ્રાપ્તિણો આરંભ થયા છે. ચિત્તને બધી ગ્રંથીઓથી મુક્તિ તરફ લઇ જવાનો
માર્ગ ધર્મ છે. ધર્મ એટલે આંતરિક ખોજ.
No comments:
Post a Comment