Wednesday, October 31, 2012

ધર્મ અને સમાજ : ડો. મહેબૂબ દેસાઈ



વ્યક્તિ સામાજિક પ્રાણી છે. પણ તેને માનવી બનાવવાનું કાર્ય ધર્મ કરે છે. સંસ્કૃત ના એક શ્લોકમાં કહ્યું છે, "આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ ચારે વૃત્તિઓ માનવી અને પશુમાં સરખી છે. પણ ધર્મ માણસને પશુથી અલગ પાડે છે."
અર્થાત પશુથી માણસને જુદો પાડનાર ભેદરેખા તે ધર્મ છે. નદી કિનારે બેસીને સ્નાન કરતા એક સાધુ નદીમાં તણાતા એક વીંછીને પાણીના પ્રવાહમાં તણાતા રોકવા વારંવાર તેને પકડી પાણીથી દૂર કરતા હતા. અને એ વીંછી વારંવાર ડંખ મારતો હતો. કોઈએ એ સાધુને તેમના આવા ગાંડપણ અંગે કહ્યું,
"એ વીંછીને આપ શા માટે વારંવાર છેડો છો ?" સાધુએ વીંછીના ડંખની પીડાને સહેતા કહ્યું,
"આવો નાનકડો જીવ પણ તેનો સ્વભાવ છોડતો નથી તો પછી હું તો માનવી છું. હું મારો તેને બચાવવાનો માનવીય ગુણ કેવી રીતે છોડી શકું ?"
ધર્મ માનવીને સાચા અર્થમાં માનવી બનાવે છે. પણ ધર્મનો દેખાડો અનિવાર્ય નથી.તેને ઘરની બહાર લાવી તેનું અવમુલ્યન કરવું જરૂરી નથી. કારણ કે ધર્મ એ વ્યક્તિની અત્યંત અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. અને તે છે માતા-પિતા અને મઝહબ. વ્યક્તિને તેના માતા-પિતા જન્મદત્ત મળે છે. માનવી કયારેય તેની પસંદગી કરી શકતો નથી. ઇસ્લામમાં તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. કુરાને શરીફમાં કહ્યું છે,
કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબને સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.
વળી, દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી.દરેક મઝહબ શ્રેષ્ટ છે.તેની શ્રેષ્ટતાને સાહજિક રીતે સ્વીકારવી જોઈએ. તેને માન આપવું જોઈએ. તેનો જીવનમાં અમલ કરવો જોઈ.  પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા સાબિત કરવા સંઘર્ષ કરે છે. તેની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળીમાનવી પોતાના મઝહબને શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. મારો મઝહબ શ્રેષ્ઠ છેઆપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમાજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.
૧૯૯૧ના ઓક્ટોબરમાં મેં કલકત્તામાં આવેલ બેલુર મઠની મુલાકાત લીધી હતી.ત્યારે આસપાસ કોઈ મસ્જિત ન હોઈ મેં મઠના સ્વામીજીને પૂછ્યું હતું,
"સ્વામીજી, આવતી કાલે શુક્રવારની નમાઝ હું બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી શકું ?"
મારો પ્રશ્ન સંભાળી બેઘડી તો આસપાસ બેઠેલા સાધુ-સાધવીઓમાં સોપો પડી ગયો. પણ સ્વામીજીએ અંત્યત સહજતાથી કહ્યું,
"મહેબૂબભાઈ, ધ્યાનખંડ ઈશ્વર-ખુદાની પ્રાર્થના માટે જ બનાવવામાં આવ્યો છે. તે સર્વ માટે ખુલ્લો છે." અને તે દિવસે મેં શુક્રવારની નમાઝ બેલુર મઠના ધ્યાન ખંડમાં પઢી. સમગ્ર નમાઝ દરમિયાન એક સ્વયંસેવક મારી આગળથી કોઈ પસાર ન થાય તેની તકેદાર રાખતો ઉભો રહ્યો. કારણ કે નમાઝ સમયે નમાઝ પઢનારની આગળથી પસાર થવાથી નમાઝની રકાત ખંડિત થઈ જાય છે. આવી અન્ય ધર્મ પ્રત્યેની ઈજ્જત જ સમાજમાં શાંતિ અને એખલાસ સ્થાપે છે.  
મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો જય જીનેન્દ્ર” કહું છું. રાજપૂત વડીલને જય માતાજી, તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને જય સ્વામીનારયણ” અચૂક કહું છું. પરિણામે મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.
આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પ્રાપ્ત થશે. મસ્જિતમાં નમાઝ પઢવામાં માટે વઝું અનિવાર્ય છે. તો પછી મંદિરમાં પ્રાર્થના માટે પ્રવેશતા પૂર્વે હાથ મો ધોઈ પવિત્ર થવાની ક્રિયા શા માટે ન સ્વીકારી જોઈએ ? પવિત્ર સ્થાન માટે ના નિયમો બધા માટે સરખા હોવા જોઈએ. અને તો જ દરેક ધર્મ અંગે માન અને પવિત્રતા સમાન રીતે સમાજમાં સ્થાપિત થશે.
 ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને તમારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો સૌ પ્રથમ શરત એ છે કે અન્યના મઝહબને ઈજ્જત બક્ષો. તેનું માન જાળવો. અને એ પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો.

Saturday, October 20, 2012

પ્રોફે. મહેબૂબ દેસાઈનો અભિનંદન ગ્રંથ




૨૮ ઓક્ટોબર ૨૦૧૨ના રોજ ભાવનગરના શિવશક્તિ હોલમાં યોજાનાર ડો.મહેબૂબ દેસાઈના અભિવાદન સમારંભમાં ડો. જયંતિ રવિ, કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ,ગુજરાત રાજયના હસ્તે વિમોચન થનાર ડો. મહેબૂબ દેસાઈનો અભિનંદન ગ્રંથ 
પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન,અમદાવાદ 

Monday, October 15, 2012

ધર્મનું વ્યક્તિગત મહત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ વ્યક્તિની અંગત બાબત છે. વ્યક્તિને જીવનમાં બે બાબતો ઈશ્વર-ખુદા દ્વારા મળે છે. તે બે બાબતોની પસંદગી વ્યક્તિ કયારેય કરી શકતો નથી. માતા-પિતા અને મઝહબ. માતા-પિતા જન્મદત્ત છે. તેની પસંદગી શક્ય નથી. ઇસ્લામ તો દત્તક પુત્ર લેવાના સિધ્ધાંતને પણ સ્વીકારતો નથી. કુરાને શરીફમાં કહ્યું છે,
“કહેવા માત્રથી કોઈ વ્યક્તિ તમારા મારા-પિતા થઈ જતા નથી.” એજ રીતે માનવી જ્યાં જન્મે છે તે મઝહબ તેને વારસામાં મળે છે. એ મઝહબને તે બદલી શકતો નથી. અને બદલે તો પણ તેના સારા નરસા સંસ્કારો જીવનપર્યંત તેની સાથે જોડાયેલા રહે છે. એ દ્રષ્ટિએ મઝહબ કે તેના સંસ્કારો માનવી સાથે તેની ત્વચા બની જોડાયેલા રહે છે. જેમ ત્વચા વ્યક્તિની અંગત બાબત છે તેમ મઝહબ પણ વ્યક્તિની અંગત બાબત છે. પણ જયારે વ્યક્તિ પોતાના મઝહબ સાર્વજૈનિક બનાવે છે ત્યારે જ સામાજિક અને રાજકીય પ્રશ્નો સર્જાયા છે.

દરેક માનવી માને છે કે તેનો મઝહબ શ્રેષ્ટ છે. જો કે એ માન્યતામાં કશું ખોટું નથી. પણ જયારે માનવી પોતાના મઝહબની શ્રેષ્ટતા અન્ય પર લાદવાનો દુરાગ્રહ કરે છે ત્યારે જ અશાંતિના મૂળ નંખાય છે. વળી, માનવી પોતાના મઝહબ શ્રેષ્ટ માને ત્યાં સુધી કોઈ જ સમસ્યા નથી. પણ પોતાની શ્રેષ્ટતા સાથે અન્યના મઝહબને કનિષ્ઠ માનવાની વૃતિ જ માનવ માનવ વચ્ચેના સંબંધોમાં કલહ ઉત્પન કરે છે. “મારો મઝહબ શ્રેષ્ઠ છે, આપનો મઝહબ પણ શ્રેષ્ઠ છે” એમ માનવાની માનવ વૃતિ સમજમાં કેળવવાની આજે તાતી જરૂર છે.

મારા ઘરના આંગળામાં હું રોજ સવારે આંટા મારતો હોઉં છું. એ સમયે ઘર પાસે થી પસાર થતા દરેક માનવીને તેની ધાર્મિક પરિભાષામાં અભિવાદન કરવાનું ચૂકતો નથી. કોઈ જૈનધર્મી વડીલ નીકળે તો “જય જીનેન્દ્ર” કહું. રાજપૂત વડીલને “જય માતાજી” તો સ્વામીનારયણ સંપ્રદાયના અનુયાયીને “જય સ્વામીનારયણ” અચૂક કહું. મારા આ સંબોધનોની એવી અસર થઈ કે ગમેતે સંપ્રદાયના અનુયાયી હોય પણ મારા અભિવાદનના જવાબમા સૌ મને “સલામુઅલ્યાકુમ” કહેવા લાગ્યા.

આ ઘટના સૂચવે છે કે અન્યના મઝહબ અને સંસ્કારોને તમે માન આપશો તો આપો આપ તે તમારા મઝહબ અને તમને પણ મળશે. ટૂંકમાં મઝહબ વ્યક્તિની અંગત બાબત છે. તેને મારા ઘર અને અંગત જીવન વ્યવહાર સાથે સંબધ છે. પણ જો તેને બહાર કાઢો તો પ્રથમ અન્યના મઝહબને ઈજ્જત બક્ષો અને પછી તમારા મઝહબ માટે માનની અપેક્ષા રાખો. ઇસ્લામના અનુયાયીઓ કયારેક જાહેરમાં નમાઝ અદા કરતા હોઈ છે. ત્યારે તેમને મળતી સગવડતા અને માન અન્ય મઝહબને પણ આપવાની માનસિક તૈયારી તેમણે રાખવી જોઈએ. 

Saturday, October 13, 2012

ધર્મ એટલે શું ? : ડૉ. મહેબૂબ દેસાઈ



ધર્મ એટલે હિંદુ કે મુસ્લિમ નહિ. પણ ધર્મ એટલે નૈતિક માર્ગ. ધર્મ એવા અજ્ઞાતની શોધ છે, જે અભ્યંતર છે. ધર્મ આનંદનું દ્વાર છે. કારણ કે ધર્મ પોતાના પ્રત્યેની જાગૃતિ છે. જે પોતાના પ્રત્યે જાગે છે તેને તમા તેને અભાવ લાગતો નથી. પણ તે સાક્ષાત આનંદથી ભરાઈ જાય છે. કારણે કે તેને પછી કઈ જ મેળવવાનું બાકી રહેતું નથી. ધર્મમાં માનનાર દરેક માનવી પરમાત્માની શોધમાં રહે છે. પરમાત્મા કયા છે ? મંદિર મસ્જિત , ગુરુદ્વારા કે ચર્ચમાં ? હા, જરૂર પરમાત્માનું પણ ઘર છે. પણ તે ઈંટ કે પથ્થરોનું બનેલું નથી. ઈંટ કે પથ્થરોથી જે બને છે. તે હિંદુ, મુસ્લિમ શીખ કે ઈસાઈઓનું ઘર હોઈ શકે. પણ પરમાત્માનું તો ન જ હોઈ. આવું મંદિર કે મસ્જિત, આકાશ કે ધરતી પર નથી. પણ આપણા હદયમાં છે. તેને બનાવવાની જરુર નથી. તે તો છે જ.  માત્ર તેને ખોલવાનું છે. તેની સફાઈ કરવાની છે. ઈશ્વર -ખુદાને રહેવા લાયક બનાવવાનું છે.

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને યુધ્ધના મેદાનમાં કહ્યું હતું,
"દેહ અને દેહમાં રહેલ આત્માનો ભેદ જ તું ભુલી ગયો છે. આત્મા અમર છે. માટે તું તારો ધર્મ બજાવ"
શ્રી કૃષ્ણએ  અર્જુનને જે ધર્મ નિભાવવાની,અદા કરવાની વાત કરી, તે કોઈ હિંદુ મુસ્લિમ સંપ્રદાય નથી. તે તો જીવનના નૈતિક મુલ્યોને અનુસરવાનું કાર્ય છે. અર્થાત આપણે જેને ધર્મ  માનીએ છીએ તે તો ધર્મનું ઉપરનું આવરણ માત્ર છે. ક્રિયાકાંડોનું  નિર્જીવ માળખું છે. તેમાં ક્યાય ધર્મ નથી. માત્ર કોઈ પણ સંપ્રદાયના સિદ્ધાંતો અને નિયમો ધર્મ ન બની શકે. અલબત્ત આ નિયમો સિદ્ધાંતો આપણને નૈતિક માર્ગે ચાલવાનું કહે છે. પણ એમ તો આપણો ભારતીય ફોજદારી ધારો પણ આપણને માનવ હિંસા કરવાની ના પાડે, ચોરી કરવાની ના પાડે છે. અને તેમ કરવા બદલ સજાનો આદેશ પણ આપે છે.  છતાં આપણે તેને રામાયણ,ગીતા,કુરાન કે બાઈબલનો દરજ્જો આપતા નથી. તેને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેનું પુસ્તક જ માનીએ છીએ.

કારણે કે ધર્મ  નૈતિક મુલ્યોના જતન અને અમલ સાથે આધ્યાત્મિક શુદ્ધિ તરફ આપણે દોરે છે. મુલ્યોને જીવનમાં ઉતારી ખુદા ઈશ્વરની પ્રાપ્તિ તરફ લઇ જાય છે. સંપ્રદાયોને ઈશ્વર કે ખુદા સાથે ઝાઝો સંબંધ નથી. તેમના માટે તો તેના સિદ્ધાંતોનો અમલ જ મુખ્ય છે. જયારે ધર્મના કેન્દ્રમાં મુલ્ય નિષ્ઠ માર્ગે ઈશ્વર સમીપ જવાની તલબ કેન્દ્રમાં હોય છે. સાચા ધર્મ સિદ્ધાંતો કે નિયમોના આડંબરમાં રાચતો નથી. તેને તો મુલ્યનિષ્ઠ જીવન અને ઈશ્વર કે ખુદાનો ડર જીવનના કેન્દ્રમાં હોય છે. અને એટલે એવા ધર્મમાં માનનાર ન તો કોઈનું ધર બાળે છે. ન કોઈ મંદિર કે મસ્જિતને તોડે છે.
સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૧ સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ વિશ્વધર્મ પરીષદમાં આપેલ હિંદુ ધર્મનો આદર્શ એ જ ધર્મ ને વ્યક્ત કરે છે. તેમણે કહ્યું હતું,
"મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્વના પાઠ શીખવ્યા છે. અમે સર્વ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ છીએ. એટલું જ નહિ, પરંતુ સર્વ ધર્મો સત્ય છે એનો પણ અમે સ્વીકાર કરીએ છીએ"
કિશોરલાલ મશરૂવાળા ધર્મનો અર્થ સ્પષ્ટ કરતા કહે છે,
"વૈદિક કે પારલૌકિક ધર્મનો હેતુ મનુષ્ય મનુષ્ય વચ્ચે પ્રેમ,એકતા,સદાચાર,ન્યાય,નીતિ,સુખમય સમાજ જીવન તથા અનેક સદગુણો અને સારી ટેવો નિર્માણ કરવાનો હોવો જોઈએ. મનુષ્યની સ્વતંત્ર રીતે વિવેક અને વિચાર કરવાની શક્તિનો વિકાસ કરવાનો હોવો જોઈએ. કલ્પનાઓ,વહેમો વગેરેમાંથી બહાર કાઢનાર હોવો જઈએ. અજ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે, પરાવલંબનમાંથી સ્વાવલંબન, અશક્તિમાંથી શક્તિ પત્યે જવાની જે પ્રાણીની માત્રની સ્વાભાવિક ગતિ છે તેને મદદ કરનાર હોવો જોઈએ"

મોટે ભાગે આપણે ધર્મના નામે રૂઢિઓ, પરંપરાઓ અને અંધ વિશ્વાસમાં જકડાયેલા છીએ. કોઈ ધર્મે આવા માનવવિહોણા પ્રતિબંધો મુક્યા નથી. એ આપણા જ ઉભા કરેલા છે. કારણ કે આપણે ધર્મને સંકુચ અર્થમાં સમજીએ છીએ. પણ સાચા અર્થમાં મનુષ્યનું જીવન કાર્ય જ તેનો સાચો ધર્મ છે.મહંમદ સાહેબને કોઈ કે પૂછ્યું,
"ઇસ્લામ એટલે શું ?"
તેમણે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું,
"ભૂખ્યાને ભોજન આપવું અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"
માનવીના વાણી વર્તનમાં ધર્મ પ્રગટે છે.જેમ સત્યનું પ્રમાણ શબ્દ નથી પણ જીવન છે તેમ ધર્મનું પ્રમાણ કાર્ય છે. અંગ્રેજ ચિંતક કોયલર કહે છે,
"દીપક બોલતો નથી, પણ પ્રકાશ આપે છે.એમ ધર્મ એ બાહ્ય દેખાવ નથી, એ તો આંતરિક પ્રક્રિયા છે."
સત્યની શોધની તૈયારી એ જ ધર્મની શિક્ષા છે. માટે જ ગાંધીજીએ કહ્યું છે,"સત્ય એ જ પરમેશ્વર છે"
કુરાન-એ-શરીફમાં પણ કહ્યું છે,
"ધર્મ એટલે એવો માર્ગ જે કુમાર્ગોથી અલગ અને સ્પષ્ટ હોય. જે વ્યક્તિ કુવાસનાઓને ત્યજી દે. અને ખુદા કે ઈશ્વર પર શ્રધ્ધા રાખે તે ધાર્મિક છે"
એટલે ધર્મિક હોવા માટે હિંદુ કે મુસ્લિમ હોવું જરૂરી નથી.જીવનને નૈતિક મુલ્યો પ્રમાણે જીવતો માનવી જ સાચો ધાર્મિક છે. માનવી માનવી વચ્ચે પ્રેમ પ્રગટાવે તે જ સાચો ધર્મ. જ્યાં મારું તારું નથી ત્યાં જ પરમાત્માની પ્રાપ્તિણો આરંભ થયા છે. ચિત્તને બધી ગ્રંથીઓથી મુક્તિ તરફ લઇ જવાનો માર્ગ ધર્મ છે. ધર્મ એટલે આંતરિક ખોજ.