Sunday, July 15, 2012

રમઝાન : તકવાની તૈયારી કરો : ડૉ.મહેબૂબ દેસાઈ



તા. ૨૧ કે ૨૨ જુલાઈથી ઇસ્લામના પવિત્ર માસ રમઝાનનો આરંભ થઈ રહ્યો છે. હિજરી સનના નવમા  માસ રમઝાનનું ઇસ્લામમાં વિશેષ મહત્વ છે. અરબી ભાષાના "રમઝ" શબ્દ પરથી ઉતરી આવેલા આ  શબ્દનો શાબ્દિક અર્થ થાય છે બાળવું. સખ્ત ગરમીમાં તાપ અને તકલીફો સહન કરવી. પણ આ તો  તેનો શાબ્દિક અર્થ છે. તેનો આધ્યાત્મિક અર્થ ગહન છે. આ માસ ગુનાઓને બાળવાનો અને ઈબાદત દ્વારા નેકીઓનો ખજાનો લુંટવાનો માસ છે. રોઝાની આરંભ ઇસ્લામમાં હિજરતના બીજા વર્ષથી મદીનામાં થયો હતો. આ અંગે કુરાને શરીફમાં ફરમાયું છે,
"એ ઈમાનવાળાઓ, રોઝા તમારા પર ફર્ઝ કરવામા આવ્યા છે. જેમ તમારી અગાઉના લોકો માટે તે ફર્ઝ કરવામાં આવ્યા હતા. જેથી તમો તકવા ઈખ્તિયાર કરો"
કુરાને શરીફની ઉપરોક્ત નાનકડી આયાત રોઝા અંગે ઘણું કહી જાય છે. તેનું વિશ્લેષણ જરૂરી છે. આ આયાતમાં નીચેની બાબતો સમાયેલી છે.
૧. દરેક મુસ્લિમ માટે રમઝાન માસના ત્રીસે ત્રીસ રોઝા ખુદાએ ફરજીયાત કર્યાં છે. દરેક બાલીગ અર્થાત પુક્ત સ્ત્રી પુરુષ માટે રોઝા ફર્ઝ છે.
૨. રોઝા માત્ર તમારા માટે જ ફર્ઝ નથી તમારા અગાઉની પ્રજા માટે પણ ફર્ઝ હતા. અને તમારા પછીની કોમ માટે પણ ફર્ઝ રહેશે.
૩. રોઝા એટલે માત્ર ભૂખ્યા,તરસ્યા રહેવું નહિ. પણ મન,વચન અને કર્મથી રોઝા રાખવા.કારણ કે રોઝામાં "તકવા" અત્યંત જરૂરી છે.
૪. "તકવા" એટલે પરહેજગારી, સંયમ. રોઝા રાખનાર દરેક મુસ્લિમ માટે ચાર બાબતો પર સંયમ આવશ્યક છે. બુરા મત કહો, બુરા મત દેખો, બુરા મત સુનો અને બુરા મત સોચો.
૫. આટલો સંયમ રાખ્યા પછી જ રોઝનો સાચો ઉદેશ આરંભાય છે. અને તે છે, ઈબાદત અને ઝકાત-ખેરાત.
૫. "તકવા" અર્થાત સંયમ વગર ઈબાદત નકામી છે. ઝકાત ખેરાત નકામા છે. અને ભૂખ્યા તરસ્યા રહેવું નકામું છે.
"તકવા" સાથેના રોઝા અને ઈબાદત જરૂરી છે. કારણ કે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)એ ફરમાવ્યું છે, "રોઝા (દોઝાકથી બચવાની) ઢાલ છે"
બુખારી શરીફનું આ વિધાન પણ અત્યંત અર્થસભર છે. રોઝા માનવીને દુનિયાની બુરાઈઓથી બચાવે છે. રોઝા રાખનારા માનવી પવિત્ર, નિર્મળ અને ઇબાદતમાં લીન હોય છે. દુનિયામા તે જીવે છે. પણ તે મન વચન અને કર્મથી ખુદા સાથે બંધાયેલો રહે છે.વળી, રમઝાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્વ છે. કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં જ થયું છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,
"એ રમઝાનનો મહિનો છે. તેમાં કુરાન ઉતરવાનું શરુ થયું. જે માર્ગદર્શક છે લોકો માટે. જે હિદાયતની રોશન સચ્ચાઈઓ ધરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે."
કુરાને શરીફના અવતરણની કથા પણ જાણવા જેવી છે. મહંમદ સાહેબ હંમેશા રમઝાન માસમા સંસારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં  ગુજારતા હતા. રમઝાન માસ પૂર્ણ થતા તેઓ શહેરમાં પાછા ફરતા. સૌથી પહેલા ખાને કાબાહનો સાતવાર તવાફ કરતા. એ પછી આપ ઘરે જતા. રસ્તામાં મળતા ગરીબો કે જરૂરત મંદોને જમાડતા. આપનો આ નિયમ દર રમઝાન માસ માટે બરકરાર હતો. દર વર્ષની જેમ એ રમઝાન માસમાં પણ મહંમદ સાહેબ માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા. અને ખુદાની ઈબાદતમા લીન હતા. મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વ્હાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું. આમ છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા. અને ત્યારે મહંમદ સાહેબ પર પ્રથમ વહી ઉતારી. "વહી" એટલે છુપી વાતચીત,ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે  હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬માસ અને ૧૦ દીવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને "રુહુલ કુદ્સ" અને "રુહુલ અમીન" કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબ(સ.અ.વ.)ને કહ્યું,
"હું જિબ્રીલ આપને અલ્લાહનો શુભ સંદેશ આપવા માટે આવ્યો છું.આપ તેનો સ્વીકાર કરો. આપ અલ્લાહના રસુલ-પયગમ્બર(અલ્લાહનો સંદેશ લાવનાર સંદેશાવાહક) છો. પઢો અલ્લાહના નામે "ઇકરાહ"
અને પછી ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ(સ.અ.વ.)પર ઉતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,
 ‘પઢો પોતાના પરવરદિગારના નામથીજેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતોજેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.
વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હશે કે આ દુનિયાનાં રહસ્યોને પામવા, તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે માટે જ ઇલ્મ અંગેની આ આયાત સૌ પ્રથમ નાઝીલ થઈ હશે.
આમ પવિત્ર રમઝાન માસમાં હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)પર કુરાને શરીફની આયાતો ઉતરવાનો આરંભ થયો

No comments:

Post a Comment