મારા એક અધ્યાપક મિત્ર હંમેશા એક ઉક્તિ બોલતા હોઈ છે,
"ન તલવાર કી ધાર સે, ન ગોલિયો કી બ્યોછાર
સે,
બંદા ડરતા હૈ, તો સિર્ફ પરવરદિગાર સે"
તેમના આ તકિયા કલમમા તેઓ માત્ર હિંસાથી ડરવાની
વાત નથી કરતા.પણ દુનિયાની નાનીમોટી દરેક પ્રકારની સમસ્યાઓથી ડરવા કરતા માત્ર
પરવરદિગારથી જ ડરવાનો ભાવ તેમાં છુપાયેલો છે. તેમની ઉક્તિમાં સમાયેલો શબ્દ
પરવરદિગાર ઉર્દૂ ભાષાનો છે. તેનો સાચો ઉચ્ચાર પરવર્દગાર થાય છે.પરવર એટલે પરવરીશ
કરનાર. દિગર એટલે અન્યની પરવરીશ કરનાર. એ અર્થમાં પરવરદિગાર એટલે અન્યની પરવરીશ
કરનાર. પરવરદિગાર શબ્દના સમાનાર્થી શબ્દો અલ્લાહ, ખુદા, મઅબૂદ,બારી, ખાલિક,
પરમાત્મા, ઈશ્વર છે. ખુદા શબ્દ ફારસી ભાષાનો છે. જેનો અર્થ સાહેબ કે માલિક થયા છે.
ખુદા શબ્દને તોડીને તેનો સાચો ભાવાર્થ જાણવો હોય તો કહી શકાય કે ખુદ+ આ = ખુદ
આવનાર, જાતે આવનાર. અર્થાત અલ્લાહતઆલા પોતાના વજુદ કે હસ્તી માટે કોઈનો મોહતાજ
નથી. એ જાતે જ, પોતે જ તેના બંદાઓની મદદે આવે છે. મઅબૂદ શબ્દ અરબી ભાષાના શબ્દ અબદ
પરથી આવ્યો છે. અબદ એટલે બેહદ આજીજી કે નમ્રતા સાથે ઈબાદત કરવી. એ અર્થમાં મઅબૂદ એટલે બેહદ નમ્રતા સાથે જેની
બંદગી કરવામા આવે છે તે અલ્લાહ. હઝરત અલી (ર.અ.) હંમેશા ખુદાની ઈબાદત અત્યંત
નમ્રતાથી કરતા હતા. અને એટલે જ તેમને "ઝયનુલ આબેદીન" અર્થાત બંદગી
કરનારાઓમાં ઝીન્નત રૂપ તરીકે ઓળખવામાં આવતા. અલ્લાહ માટે સામાન્ય રીતે વપરાતો એક
અન્ય શબ્દ બારી પણ છે. બારી શબ્દ પણ અરબી ભાષાનો છે. અને તે બઅર પરથી બન્યો છે
જેનો અર્થ થયા છે પયદા કરવું. એ મુજબ પયદા કરનાર એટલે બારી. ખાલિક એટલે પણ પયદા
કરનાર. એ પણ અરબી ભાષાનો શબ્દ છે. તે ખલક પરથી બન્યો છે. જેનો અર્થ થયા છે પયદા
કરવું, ઘડવું. ખલક શબ્દનો મૂળ અર્થ થાય છે,
"કોઈ વસ્તુનો સાચો અંદાજો લગાડવો" કુરાને
શરીફમાં અલ્લાહનો "અહસનુલ ખાલેકીન" તરીકે ઉલ્લેખ થયો છે. એટલે કે સૌથી
શ્રેષ્ટ અંદાજો લગાડનાર કે ભવિષ્ય ઘડનાર. ખલકનો એક અન્ય અર્થ પણ થાય છે. "કોઈ
પણ વસ્તુનું નમુના વગર સર્જન કરનાર" આ અર્થ અલ્લાહની શાનમાં વધુ યોગ્ય લાગે
છે. કારણ કે અલ્લાહ દુનિયામાં દરેક વસ્તુનું સર્જન પોતાની રીતે કરે છે. તેને સર્જન
કરવા કોઈ નમુનાની જરૂર નથી. દુનિયામા પૈદા થતા કરોડો માનવીઓના ચહેરાઓ એકબીજાથી
ભિન્ન હોય છે. એમ કરનાર અલ્લાહ છે, ખાલિક છે.
અલ્લાહના આ તમામ નામો તેના અપાર પ્રભુત્વને વ્યકત
કરે છે. ઈશ્વર-ખુદા કે અન્ય ગમેતે નામે આપણે તેને સંબોધીએ, તેની બંદગી કરીએ પણ
તેની શક્તિ એક સરખી અને અપરંપાર છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"ખુદા એક છે. તે નિરપેક્ષ છે. તેના સિવાય
કોઈ ઈબાદત(ભક્તિ)ને લાયક નથી" આ જ બાબત દરેક
ધર્મમા સ્વીકારવામાં આવી છે. ગુરુ ગોવિંદસિંહ કહે છે,
"કોઈ હિંદુ, કોઈ મુસલમાન, કોઈ રાફ્જી અને
કોઈ સુન્ની આ બધા ભેદો મિથ્યા છે. સૌ મનુષ્યની એક જ જાત છે. સૌ સરખા છે અને સૌનો
એક જ ખુદા છે"
સંત દાદુએ તેમના એક દુહામાં કહ્યું છે,
"એકે અલહ રામ હૈ, સમરથ સાંઈ સોઈ,
મૈદે કે
પકવાન સબ ખાતા હોઈ સો હોઈ"
અર્થાત તે જ અલ્લાહ છે અને તે જ ઈશ્વર છે. તે જ
સર્વ શક્તિમાન છે. મેંદામાંથી જુદા જુદા પકવાનો જેમ બંને છે તેમ ઈશ્વર-અલ્લાહના
જુદા જુદા નામો છે. જેને જે નામ ભાવે-ગમે તે તે નામ ઉચ્ચારે છે. ગીતામાં કહ્યું
છે,
"આ સકળ જગત ઈશ્વરથી પ્રાપ્ત છે. આ દુનિયામાં
જે કઈ છે તે સર્વનો સર્જક ઈશ્વર છે"
ઉપનિષદમા ઠેર ઠેર ઈશ્વરની પ્રાર્થના કરતા કહ્યું
છે,
"તમાસો મા જ્યોતિર્મય" અર્થાત
"ઈશ્વર-ખુદા તિમિર(અંધકાર)માંથી જ્યોતિમાં લઈ જનાર છે"
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
"હે અલ્લાહ મને પ્રકાશ આપ"
આવા પરવરદિગારની શક્તિ અપરંપાર છે. ઈશાપનિષદમા
કહ્યું છે,
"ઈશ્વર એ સર્વ પ્રાણી માત્રનો આદિ, મધ્ય અને
અંત છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"અલ્લાહ જ સર્વનો આદિ છે, તે જ સૌનો અંત
છે"
ગીતામાં કહ્યું છે,
"આકશમાં હજાર સુર્યનું તેજ એક સાથે પ્રકાશી
ઉઠે, તો પણ ઈશ્વરના તેજ જેવું કદાપી ન થાય"
આવા હજારો નામો અને અમાપ શક્તિના માલિક પરવરદિગારની
આરાધના દરેક માનવીની ફરજ છે. સુર્યના પ્રથમ કિરણો સાથે ફજરની નમાઝ કે પ્રાર્થના
સાથે ખુદાની બંદગીનો આરંભ કરતા માનવી માટે જીવનનો કાંટાળો માર્ગ પણ આસન અને સુગંધી
બની જાય છે. અને એટલે જ મારા અધ્યાપક મિત્રનું જીવનમંત્ર સમું પેલું કથન
"ન તલવાર કી ધાર સે, ન ગોલિયો કી બ્યોછાર
સે,
બંદા ડરતા હૈ, તો સિર્ફ પરવરદિગાર સે"
આપણા સૌના જીવન માટે પણ એટલું જ સાચું પુરવાર થાય
છે.
No comments:
Post a Comment