Tuesday, July 31, 2012

હઝરત અલી (ર.અ.) : ડૉ. મહેબૂબ દેસાઈ



રમઝાન માસ માત્ર આસમાની કિતાબોના અવતરણ, ઈબાદત અને રોઝા,મહંમદ સાહેબ (સ.અ.વ.)પર  વહી(ખુદાનો સંદેશ)ઉતરવાનો આરંભ ઉપરાંત હઝરત અલી (અ.સ.)ના અવસાન માટે પણ જાણીતો છે. અબુ તાલિબ અને ફાતિમા બિન્તે અસદના પુત્ર અલી ઇબ્ને અબુ તાલિબનો જન્મ ૧૩ રજ્જબ હિજરી સન ૨૪, ઓક્ટોબર ૨૩ ઈ.સ.૫૯૮મા કાબામા થયો હતો. ઇસ્લામી ઇતિહાસમાં અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરી, જ્ઞાન, ઈમાનદારી, ત્યાગ. ઈમાન, અને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા (ઈ.સ.૬૫૬ થી ૬૬૧) પણ હતા. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ તેમના માટે હંમેશા કહેતા,
"અલી મારો બંધુ અને ધર્માધિકારી છે"
હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાં હદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે.ખ્વારીજ અબ્દ-અલ-રહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. એ યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,
"જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તો, હઝરત અલીનું માથું લાવીને મને આપ"
આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની એ મસ્જિતમા આવી સંતાયા, જ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા. એ દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢાવા મસ્જીતના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. હઝરત અલી ગંભીર રીતે ઘવાયા. આ ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં જ મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા પણ અફસોસ ન હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,
"ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી ન કરશો. જો મારું અવસાન થાય તો, ઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન ન કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે"
અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦, જાન્યુઆરી ૨૫ ઈ.સ.૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન થયું. કરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે. હઝરત અલી આજે પણ તેમના આદર્શ જીવન અને હિદયાતો-ઉપદેશો દ્વારા આપણી સાથે છે. ચાલો, તેનામાં જીવનમાં ઉતારવા લાયક થોડા સુવચનોને મમળાવીએ.
"જ્યારે દુનિયાનો માલ-દોલત તારી પાસે આવે ત્યારે તું તે તમામ દોલત જરૂરતમંદ લોકોમાં ઉદારતાથી ખર્ચ, કારણ કે દોલત તો ચંચળ છે, અસ્થિર છે. જે આજે તારી પાસે છે કાલે બીજા પાસે હશે"
"ઇન્સાનની સંપતિની વિપુલતા તેના દોષોને ઢાંકી દે છે. તે જુઠો હોવા છતાં તે જે કઈ કહે તે સૌ સાચું માને છે"
"વસ્ત્રોના શણગારથી તારી ખુબસુરતી કે સૌંદર્ય વધવાના નથી. પરંતુ સાચું સૌંદર્ય તો ઇલ્મ (જ્ઞાન) અને ઉચ્ચ અખ્લાસ (સદાચાર) વડે દીપે છે"
"અજ્ઞાનતાને કારણે ઉચ્ચ કુળ અને ખાનદાન માટે અભિમાન કરનાર એ ઇન્સાન, લોકો બધા એક જ માબાપથી જન્મ્યા છે"
"તું ચાહે તેનો પુત્ર બન. પણ ઉચ્ચ અખલાક હાંસલ કર, કારણ કે તે એ વસ્તુ છે જે અપનાવ્યા પછી તને ખાનદાનના નામની જરૂર નહિ રહે"
"જો તું એમ ઈચ્છતો હોઈ કે તારો મિત્ર તારાથી કંટાળી જાય, તો એને રોજ મળતો રહેજે. પરંતુ જો દોસ્તી વધારે મજબુત કરવાની ખ્વાહિશ હોય તો એકાદ દિવસને આંતરે તેને મળતો રહેજે"

હઝરત અલી(ર.અ.)ના ઉપદેશાત્મક વિધાનોમાં કડવી સત્યતા અને જીવન માર્ગને સંવારવાની ચાવી ડોકયા કરે છે.
"દુનિયાથી વફાદારીની ઉમ્મીદ રાખનારો એવો છે, જે ઝાંઝવાના જળથી મૃગજળની આશા રાખે છે"
"ફક્ત ઇલ્મ (જ્ઞાન) ધરાવનાર લોકો જ શ્રેષ્ટ છે. કારણ કે હિદાયત લેનારાઓને તેઓ સાચો માર્ગ ચીંધે છે"
"જાહિલ લોકોનો સંગ તું કદાપી ન કરીશ. બલકે હંમેશા તેનાથી દૂર રહેજે, ડરતો રહેજે"
"દરેક જખ્મ (ઘાવ) માટે કોઈને કોઈ ઈલાજ મળી રહે છે. પણ દુરાચાર જેવા જખ્મ માટે કોઈ ઈલાજ નથી"
અત્યંત જ્ઞાની હઝરત અલીને તેમના રાહબર મહંમદ સાહેબ(સ.અ.વ.)એ જીવનની અંતિમ પળોમા ઉપદેશ આપતા ફરમાવ્યું હતું,
"ખુદાના વાસ્તે બાંદીઓ અને ગુલામોના હક્કોનો પુરતો ખ્યાલ રાખજો. એમણે પેટ ભરીને ખાવાનું આપજો.સારા વસ્ત્રો પહેરા આપજો. અને તેમની સાથે હંમેશ નરમી અને સ્નેહપૂર્વક વ્યવહાર કરજો"

આવા મહંમદ સાહેબ(સ.અ.વ.)ના નિકટના સાથી ઇસ્લામી શાશનના ચોથા ખલીફા યુગપુરુષ હઝરત અલી(ર.અ.)ને તેમની પુણ્ય તીથી નિમિત્તે આપણા સૌના કોટી કોટી વંદન.

લખ્યા તા.૧૫ જુલાઈ ૨૦૧૨                                           પ્રસિદ્ધિ તા ૨ ઓગસ્ત ૨૦૧૨








Prvasan : Sidhdhant Ane Vyvhar 
પ્રવાસન : સિધ્ધાંત અને વ્યવહાર 


       મારું નવું પુસ્તક "પ્રવાસન : સિધ્ધાંત અને વ્યવહાર" પ્રકાશક : ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય,અમદાવાદ 

Monday, July 30, 2012



 "Mazahab Hame Sikhata Aapsme Pyar Karna" 


My new book  "Mazahab Hame Sikhata Aapsme Pyar Karna" Published by Ygan Prkashan, Vadodara.

Thursday, July 26, 2012

લૈલતુલ કદ્ર : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામ અને આમ હિંદુ સમાજમાં રમઝાન માસના ૨૭મા રોઝાનું ઘણું મહત્વ છે. એટલે સુધી કે ઇસ્લામને ન માનનાર હિન્દુઓ પણ ૨૭મુ મોટું રોઝુ રાખવમાં ગર્વ અને આસ્થાન અનુભવે છે. પણ તેની પાછળના  ઉદેશથી મોટે ભાગે તેઓ અજાણ હોય છે. રમઝાન માસના ૨૭મા રોઝાની રાતે ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફના અવતરણનો આરંભ થયો હતો. જો કે કુરાને શરીફનું અવતરણ રમઝાન માસની કઈ રાત્રે થયું હતું, તે નિશ્ચિત પણે કહેવું મુશ્કેલ છે. કુરાને શરીફમાં પણ તે અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળતો નથી. અલબત્ત એટલું નિશ્ચિત છે કે એ રાત્રી રમઝાન માસના અંતિમ દિવસોમાં આવે છે. અંતિમ ખંડમા આવે છે. ઇસ્લામના આલિમો, મોલવીઓ અને જ્ઞાનીઓ રમઝાન માસની ૨૭મી રાતને મોટે ભાગે કુરાને શરીફના અવતરણ માટેની રાત ગણે છે.
ઇસ્લામમાં રમઝાન માસના ૨૭મા રોઝાની રાતને લૈલતુલ કદ્ર કહે છે. લૈલતુલ કદ્ર મૂળ અરબી ભાષાનો શબ્દ છે. લૈલ એટલે રાત્રી અને કદ્ર એટલે મહત્વની કે સન્માનીય રાત્રી. આ રાત્રી શબે કદ્ર તરીકે પણ ઓળખાય છે. એ એરેબીક ભાષાનો શબ્દ છે. શબ્ એટલે રાત્રી અને કદ્ર અર્થાત સન્માનીય. એ અર્થમા શબે કદ્ર એટેલે પણ સન્માનીય રાત્રી. આ રાત્રે ઇસ્લામના અંતિમ પયગમ્બર મહંમદ સાહેબ (સ.અ.વ.) પર કુરાને શરીફ ઉતરવાનો આરંભ થયો હતો. એ રાત્રે પણ હંમેશના નિયમ મુજબ મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ) મક્કામા આવેલ જબલે-નૂરની ટોચની નીચે ગારે હીરામાં ખુદાની યાદમાં લીન બેઠા હતા.ત્યારે અલ્લાહના ફરિશ્તા હઝરત જિબ્રીલ ત્યાં આવી આપ (સ.અ.વ.)ને કહ્યું, "ઇકરાઅ" અને એ સાથે સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર નાઝીલ થઈ. એ સુર: અલકની આયાતમા કહ્યું હતું,
"પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધી તેને શીખવી છે"
કુરાને શરીફમાં આ આયાત પછી તુરત “સુરતુલકદ્ર”ની આયાત આવે છે જેમાં કુરાને શરીફના અવતરણની રાત્રીની મહત્તા બયાન કરવામા આવી છે. તેમાં ફરમાવ્યું છે,
"અમે આ કુરાનને કદ્રની રાત્રીમાં ઉતાર્યું છે. અને તમે શું જાણો કે કદ્રની રાત શું છે ? કદ્રની રાત હજાર માસ કરતા વધુ બહેતર છે. ફરિશ્તાઓ અને રૂહો તેમાં પોતાના રબની મંજુરીથી દરેક માટે આદેશ લઈને ઉતરે છે. પરોઢના ઉદય સુધી તે રાત્રે દરેક માટે શાંતિ અને સલામતી છે"
એ જ રીતે કુરાને શરીફની  "ઇન્ના અન્ઝલના"સુરતમાં ફરમાવ્યું છે,
 “એ રમઝાન માસનો મહિનો છે, જેમાં કુરાન ઉતારવાનું શરુ થયું. જે માર્ગદર્શક લોકો માટે. જે હિદયાતની રોશન સચ્ચાઈઓ ઘરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે. અમે આ કુરાન કદ્રની રાત્રે ઉતાર્યું છે. આપને શું ખબર હે નબી કે શું છે એ કદ્રની રાત”
આ સૂરતોનો ભાવાર્થ જાણવા જેવો છે. સૌ પ્રથમ તો કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં થયાનું પ્રથમ આયાતમાં સ્પષ્ટ પણે કહેવામા આવ્યું  છે. વળી, કુરાને શરીફ સમગ્ર માનવજાત માટે માર્ગદર્શક અને  હિદાયત છે.  જે સત્યને અને અસત્યથી અલગ કરી લોકો સમક્ષ મુકે છે. અને એટલેજ આવા મહાન ગ્રંથના અવતરણની રાત્રી અન્ય સામાન્ય રાત્રી જેવી ન હોય શકે. એ વિશિષ્ટ અને આદરણીય છે. મહાન દરજ્જા અને સન્માનની રાત્રી છે. ઈજ્જતવાળી રાત્રી છે. કારણ કે આ રાતે માનવીના ભવિષ્ય અર્થાત તકદીરનો નિર્ણય કરવામા આવે છે. માનવીના કિસ્મતને બનાવવાની આ રાત છે. આ રાતે થયેલું કુરાને શરીફનું ઉતરાણ દુનિયાની તકદીર બદલી નાખનારું છે. અને એટલે જ તે હજારો મહિનાઓથી વધુ સારી રાત્રી છે. માનવીની ભલાઈ માટે હજારો મહિનાઓમાં જે કાર્ય નહોતું થયું, તે આ રાત્રીમા કુરાને શરીફના અવતારના આરંભથી થયું છે. અને એટલે તેનું મહત્વ અનેક ગણું છે. આ રાત્રીમાં ફરિશ્તાઓ અને હઝરત જિબ્રીલ ખુદાની આજ્ઞાથી દરેક માટે હુકમ લઈને આવે છે. તેઓ સાંજથી બીજા દિવસની સવાર સુધી લોકો ઉપર શાંતિ અને સુરક્ષા વરસાવતા રહે છે. તેમાં બુરાઈને કોઈ સ્થાન નથી. કારણ કે અલ્લાહના સર્વ નિર્ણયો માનવજાતની ભલાઈ માટે જ હોય છે.  
શબે કદ્ર અંગે એક હદીસમાં મહંમદ સાહેબે ફર્માયું છે,
“આ રાત્રે ધરતી પર આવતા ફરિશ્તાઓની સંખ્યા રેતીના કણોની સંખ્યા કરતા પણ વધારે હોય છે”
ધરતી પર ઉતારી આવતા આ કરોડો ફરિશ્તાઓ દરેક માનવીને તેની ઈબાદત અને સદ્કાર્યોનો અનેક ગણો બદલો આપે છે. એ રાત શાંતિ અને સલામતીની રાત છે. ખુદના ફરિશ્તા સવાર સુધી લોકો પર શાંતિ , સલામતી અને પુણ્યનો વરસાદ વરસાવતા રહે છે. એમ માનવામાં આવે છે કે આ રાત્રે ખુદા દરેક માનવીનો આવતા વર્ષનો હિસાબ તૈયાર કરે છે. ટૂંકમાં તેના ભાગ્યનો નિર્ણય કરે છે. અને એટલા માટે જ આ આખી રાત મુસ્લિમો નમાઝ, કુરાને શરીફના પઠન અને અન્ય ઇબાદતમાં રત રહે છે. આ રાત્રે મસ્જિતમા ભારે ભીડ હોય છે. પરિણામે કેટલાક મુસ્લિમ બિરાદરો ફર્ઝ અને નીફલ નમાઝો મસ્જિતમા અદા કરી પોતાના ઘરોમાં એકાંતમાં ખુદાની ઇબાદતમાં લાગી જાય છે. એક હદીસમાં ફરમાવ્યું છે,
“જેણે આ રાતે જાગીને ખુદાની ઈબાદત કરી તેના એક વર્ષના ગુનાહ અલ્લાહ માફ કરે છે”
સાચા અર્થમાં જોઈએ તો આ રાત આધ્યાત્મિક જાગૃતિની રાત છે. પોતાના હદયમાં ખુદાને વસાવવાની રાત છે. નાનકડી ઈબાદત કે ભક્તિનો મોટો બદલો લેવાની રાત છે. આ રાત્રી અંગે ઇસ્લામિક ગ્રંથ
“તરગીબ વ તરહીબ” મા લખ્યું છે,
“લૈલતુલ કદ્રની રાતે હઝરત જિબ્રીલ જેની સાથે હાથ મિલાવે છે તે મોમીનનું હદય ગુલાબની પાંખડીઓ જેવું કોમળ બની જાય છે. તેની આંખોમાંથી વહેવાવાળા આંસુઓની સંખ્યા બમણી થઈ જાય છે”
અર્થાત  હઝરત જિબ્રીલ જેના પર પોતાની રહેમત વરસાવે છે તે માનવી ભાવવિભોર બની જાય છે. અને તેનું ભવિષ્ય ઉજ્વળ બની જાય છે.
ટૂંકમાં આ રાતે હદય પૂર્વક ઈબાદત કરનાર માનવી વધુ કોમળ, પ્રેમાળ અને પવિત્ર બની જાય છે. કારણ કે ખુદાના ફરિશ્તાની સતત રહેમત તેના પર વરસતી રહે છે.

Sunday, July 15, 2012

રમઝાન : તકવાની તૈયારી કરો : ડૉ.મહેબૂબ દેસાઈ



તા. ૨૧ કે ૨૨ જુલાઈથી ઇસ્લામના પવિત્ર માસ રમઝાનનો આરંભ થઈ રહ્યો છે. હિજરી સનના નવમા  માસ રમઝાનનું ઇસ્લામમાં વિશેષ મહત્વ છે. અરબી ભાષાના "રમઝ" શબ્દ પરથી ઉતરી આવેલા આ  શબ્દનો શાબ્દિક અર્થ થાય છે બાળવું. સખ્ત ગરમીમાં તાપ અને તકલીફો સહન કરવી. પણ આ તો  તેનો શાબ્દિક અર્થ છે. તેનો આધ્યાત્મિક અર્થ ગહન છે. આ માસ ગુનાઓને બાળવાનો અને ઈબાદત દ્વારા નેકીઓનો ખજાનો લુંટવાનો માસ છે. રોઝાની આરંભ ઇસ્લામમાં હિજરતના બીજા વર્ષથી મદીનામાં થયો હતો. આ અંગે કુરાને શરીફમાં ફરમાયું છે,
"એ ઈમાનવાળાઓ, રોઝા તમારા પર ફર્ઝ કરવામા આવ્યા છે. જેમ તમારી અગાઉના લોકો માટે તે ફર્ઝ કરવામાં આવ્યા હતા. જેથી તમો તકવા ઈખ્તિયાર કરો"
કુરાને શરીફની ઉપરોક્ત નાનકડી આયાત રોઝા અંગે ઘણું કહી જાય છે. તેનું વિશ્લેષણ જરૂરી છે. આ આયાતમાં નીચેની બાબતો સમાયેલી છે.
૧. દરેક મુસ્લિમ માટે રમઝાન માસના ત્રીસે ત્રીસ રોઝા ખુદાએ ફરજીયાત કર્યાં છે. દરેક બાલીગ અર્થાત પુક્ત સ્ત્રી પુરુષ માટે રોઝા ફર્ઝ છે.
૨. રોઝા માત્ર તમારા માટે જ ફર્ઝ નથી તમારા અગાઉની પ્રજા માટે પણ ફર્ઝ હતા. અને તમારા પછીની કોમ માટે પણ ફર્ઝ રહેશે.
૩. રોઝા એટલે માત્ર ભૂખ્યા,તરસ્યા રહેવું નહિ. પણ મન,વચન અને કર્મથી રોઝા રાખવા.કારણ કે રોઝામાં "તકવા" અત્યંત જરૂરી છે.
૪. "તકવા" એટલે પરહેજગારી, સંયમ. રોઝા રાખનાર દરેક મુસ્લિમ માટે ચાર બાબતો પર સંયમ આવશ્યક છે. બુરા મત કહો, બુરા મત દેખો, બુરા મત સુનો અને બુરા મત સોચો.
૫. આટલો સંયમ રાખ્યા પછી જ રોઝનો સાચો ઉદેશ આરંભાય છે. અને તે છે, ઈબાદત અને ઝકાત-ખેરાત.
૫. "તકવા" અર્થાત સંયમ વગર ઈબાદત નકામી છે. ઝકાત ખેરાત નકામા છે. અને ભૂખ્યા તરસ્યા રહેવું નકામું છે.
"તકવા" સાથેના રોઝા અને ઈબાદત જરૂરી છે. કારણ કે હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)એ ફરમાવ્યું છે, "રોઝા (દોઝાકથી બચવાની) ઢાલ છે"
બુખારી શરીફનું આ વિધાન પણ અત્યંત અર્થસભર છે. રોઝા માનવીને દુનિયાની બુરાઈઓથી બચાવે છે. રોઝા રાખનારા માનવી પવિત્ર, નિર્મળ અને ઇબાદતમાં લીન હોય છે. દુનિયામા તે જીવે છે. પણ તે મન વચન અને કર્મથી ખુદા સાથે બંધાયેલો રહે છે.વળી, રમઝાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્વ છે. કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં જ થયું છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,
"એ રમઝાનનો મહિનો છે. તેમાં કુરાન ઉતરવાનું શરુ થયું. જે માર્ગદર્શક છે લોકો માટે. જે હિદાયતની રોશન સચ્ચાઈઓ ધરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે."
કુરાને શરીફના અવતરણની કથા પણ જાણવા જેવી છે. મહંમદ સાહેબ હંમેશા રમઝાન માસમા સંસારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં  ગુજારતા હતા. રમઝાન માસ પૂર્ણ થતા તેઓ શહેરમાં પાછા ફરતા. સૌથી પહેલા ખાને કાબાહનો સાતવાર તવાફ કરતા. એ પછી આપ ઘરે જતા. રસ્તામાં મળતા ગરીબો કે જરૂરત મંદોને જમાડતા. આપનો આ નિયમ દર રમઝાન માસ માટે બરકરાર હતો. દર વર્ષની જેમ એ રમઝાન માસમાં પણ મહંમદ સાહેબ માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા. અને ખુદાની ઈબાદતમા લીન હતા. મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વ્હાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું. આમ છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા. અને ત્યારે મહંમદ સાહેબ પર પ્રથમ વહી ઉતારી. "વહી" એટલે છુપી વાતચીત,ઈશારો. ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ,પયગામ. એ મનઝર ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલ છે. એ સમયે  હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬માસ અને ૧૦ દીવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા.ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને "રુહુલ કુદ્સ" અને "રુહુલ અમીન" કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબ(સ.અ.વ.)ને કહ્યું,
"હું જિબ્રીલ આપને અલ્લાહનો શુભ સંદેશ આપવા માટે આવ્યો છું.આપ તેનો સ્વીકાર કરો. આપ અલ્લાહના રસુલ-પયગમ્બર(અલ્લાહનો સંદેશ લાવનાર સંદેશાવાહક) છો. પઢો અલ્લાહના નામે "ઇકરાહ"
અને પછી ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ(સ.અ.વ.)પર ઉતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર(સ.અ.વ.)પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતું,
 ‘પઢો પોતાના પરવરદિગારના નામથીજેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતોજેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.
વિશ્વના સર્જનહાર ખુદા એ વાતથી ચોક્કસ વાકેફ હશે કે આ દુનિયાનાં રહસ્યોને પામવા, તેની મખલુકને સમજવા અને તેની રજે રજને ઓળખવા ઇલ્મ-જ્ઞાન અને તેને પ્રસરાવતી કલમ અત્યંત જરૂરી છે અને તેથી જ સમગ્ર માનવજાત ઇલ્મ-જ્ઞાન મેળવે તે અનિવાર્ય છે માટે જ ઇલ્મ અંગેની આ આયાત સૌ પ્રથમ નાઝીલ થઈ હશે.
આમ પવિત્ર રમઝાન માસમાં હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)પર કુરાને શરીફની આયાતો ઉતરવાનો આરંભ થયો

રમઝાનની ફઝીલત : ડૉ. મહેબૂબ દેસાઈ



આમ તો રમઝાન મુબારકનું સ્વાગત કરવા મુસ્લિમો શાબાનના માસથી તૈયારી આરંભી દે છે. કારણ કે શાબાનના અંતિમ તબક્કામા મહંમદ સાહેબ(સ.અ.વ)એ ફરમાવ્યું છે,
"મોમીનો, તમારા પર એક અત્યંત મહત્વનો અને બરકતવાળો માસ આવી રહ્યો છે. જેની એક રાત્રી હજાર માસોથી ઉત્તમ છે. ખુદાએ આ માસમાં રોઝા ફર્ઝ કર્યા છે. જે માનવી આ માસમાં સાચા હદયથી રોઝા, ઈબાદત અને નેક કાર્ય કરશે, તેને અન્ય માસોની નમાઝો જેટલો સવાબ મળશે. અને જે મુસ્લિમ આ માસમાં ફર્ઝ ઈબાદત અદા કરશે તેને ખુદા બીજા માસો કરતા સત્તર ગણો સવાબ અર્પશે"
રોઝદાર અર્થાત ઉપવાસ કરનારનું મહત્વ ખુદા પાસે અનેક ગણું છે. એક હદીસમાં આ અંગે ફરમાવ્યું છે,
"ખુદા રમઝાન માસમાં અર્શ (આકાશ)ને પકડીને બેઠેલા ફરીશ્તાઓને હુકમ આપે છે કે તેઓ પોતાની ઈબાદત છોડીને રોઝા રાખનાર પોતાના બંદાઓની દુવોમાં આમીન કહેવા દોડી જાય"
કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં જ થયું છે. આ ઉપરાંત ખુદાની ઉતરેલી અન્ય તમામ કીતાબોનું અવતરણ પણ રમઝાનમાં જ થયું છે. હઝરત ઇબ્રાહિમ(અ.સ.)અને અન્ય પયગમ્બરોને આ જ માસની પહેલી થી ત્રીજી તારીખ સુધીમાં જ સહીફેનું અવતરણ થયું હતું. સહીફે અન્ય પયગમ્બરો પર ઉતરેલ ખુદાના આદેશનો સંગ્રહ છે. હઝરત દાઉદ(અ.સ.)ને આ જ માસની ૧૨ થી૧૮ તારીખ દરમિયાન "જુબુર"નું અવતરણ થયું હતું. હઝરત મુસા(અ.સ.)ને આ જ માસની ૬ઠ્ઠી તારીખે "તૌરાત"નું  અવતરણ થવો આરંભ થયો હતો. હઝરત ઈસા (અ.સ.)ને આ જ માસની  ૧૨ થી ૧૩ તારીખ  દરમિયાન "ઈંજીલ"નું અવતરણ થયું હતું. એ દ્રષ્ટિએ પણ રમઝાન માસને અંત્યંત પવિત્ર માસ તરીકે ઇસ્લામમાં સ્વીકારવામા આવેલ છે.
રમઝાનમાં કુરાને શરીફનું પઠન, નમાઝ,રોઝા અને ઝકાત દ્વારા દરેક મુસ્લિમ સવાબનો ખજાનો મેળવવા ઉત્સુક રહે છે. આ માસમાં દરેક મુસ્લિમ ઝકાત (દાન) આપે છે. હઝરત મહમંદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ઉત્તમ દાતા હતા. આ અંગે એક હદીસમાં કહ્યું છે,
"જ્યારે હઝરત જિબ્રીલ રાત્રે આપની પાસે આવતા ત્યારે આપની સખાવત (દાન) તેજ હવાઓ કરતા પણ વધુ તેજ થઈ જતી હતી"
ઝકાત-દાન આપવાની રીત પણ ઇસ્લામમાં અત્યંત સલુકાઈ પૂર્ણ રીતે વ્યક્ત કરવામા આવી છે. ઝકાત આપનાર મુસ્લિમ હરગીઝએ ન માને કે તે ઝકાત લેનાર પર કોઈ અહેસાન કરે છે. એ તો માત્ર ખુદાની ખુશી હાંસલ કરવા ઝકાત આપે છે. ઝકાત સ્વાર્થ, લાભ કે પ્રતિષ્ઠાના હેતુથી કદાપી ન આપશો. એ અંગે કુરાને શરીફમાં ફરમાવ્યું છે,  
"અમે તમને અલ્લાહને ખુશ કરવા માટે આપીએ છીએ, નહિ કે તમે અમારું અહેસાન માનો, અમને શુક્રિયા કહો"
ઝકાત છુપી રીતે કે જાહેરમાં આપી શક્યા છે. જાહેરમાં આપવા પાછળનો મકસદ એ છે કે તેનાથી અન્ય મોમીનોને પણ ઝકાત આપવાની પ્રેરણા મળે. અલબત્ત તેમાં દેખાડો કે પ્રતિષ્ઠા મેળવવાની ભાવના કે ઈરાદો ન હોવો જોઈએ. પણ અન્ય સદાકાઓ(દાન) છુપી રીતે આપો. જેથી સમાજમાં વધુમાં વધુ એખલાસ પ્રસરે અને બંને પક્ષે ઈજ્જત જળવાઈ રહે.બુખારી શરીફમાં કહ્યું છે,
"કયામતના અત્યંત બિહામણા ખુલ્લા તપતા મૈદાનમા, જ્યાં કોઈ પણ પડછાયો કે છત નહિ હોઈ. ત્યાં ખુદા પોતાના એવા બંદાને અર્શના ઠંડા સાયામા રાખશે, જેણે એવી છુપી રીતે રીતે દાન કર્યું હશે જેની જાણ તેના ડાબા હાથને પણ ન થઈ હોઈ"
રમઝાન માસમા માત્ર નમાઝ, રોઝા અને ઝકાત એ જ સવાબ (પુણ્ય)ના માર્ગો નથી. માનવીનો માનવી સાથેનો વ્યવહાર પણ રમઝાન માસમાં પુણ્યનો વરસાદ વરસાવે છે.રમઝાન માસમાં દરેક સાથે નમ્ર અને મહોબ્બત ભર્યો વ્યવહાર રાખો. તમારા નોકરને પણ આરામ અને પ્રેમ આપો. ખુલ્લા દિલથી તેની જરૂરિયાત પૂર્ણ કરો. એ જ રીતે ઘરના નાના મોટા દરેક સભ્યો સાથે પણ નમ્રતા અને પ્રેમથી વર્તો.રમઝાન માસ ઈબાદત અને સખાવતનો માસ છે. તેમાં ગુસ્સો, નફરત, નિંદા, અસત્ય, અપમાન ખુદાને પસંદ નથી. એ જ રીતે રોઝામાં પાબંદી અર્થાત સંયમ, તકવા પણ અનિવાર્ય છે.પણ ઇસ્લામ સંકુચિત કે અપરિવર્તનશીલ ધર્મ નથી. તે સાચા અર્થમાં માનવ ધર્મ છે. અને એટલે જ રોઝા રાખનારા વૃધ્ધો અને બીમાર મુસ્લિમોને ઉપચાર સબંધી કેટલીક સગવડતાઓ આપવામાં આવી છે. જેનો ઉલ્લેખ મૌલાના હુઝ્યફહ વસ્તાનવી સાહેબે "બયાને મુસ્તુફા" (નવેમ્બર ૨૦૦૩,પૃ ૨૩ થી ૨૭)ના અંકમાં કર્યો છે. તેમાના કેટલાક અંશો અત્રે રજુ કરું છું.
૧. રોઝામાં જરૂર પડ્યે ઇન્જેક્શન લેવું કે નસ દ્વારા શરીરમાં ગ્લુકોઝ ચઢાવવાથી રોઝો તૂટતો નથી. ઇન્જેક્શન કે ગ્લુકોઝનું પ્રવાહી જો જઠરમાં પહોંચે તો જ રોઝો તૂટે છે.
૨. રોઝાની હાલતમાં લોહી ટેસ્ટ કરવાથી રોઝો તૂટતો નથી.
૩.રોઝાની હાલતમાં હદય અથવા પેટનું ઓપરશન કરાવવાથી રોઝો તૂટતો નથી. જઠરમાં કોઈ પ્રવાહી કે ઘન દવા સ્વરૂપે જાય તો જ રોઝો તૂટે છે.
૪. રોઝાની હાલતમાં દુખતા દાંત કઢાવવાથી રોઝો તૂટતો નથી. અલબત્ત જો તેનું લોહી કે દવા ગળામાં ઉતરે તો જ રોઝો તૂટે છે.
૫. હદયમાં લોહી પહોંચાડનારી નસમાં ચરબી જામી ગઈ હોય તો એવી ગંભીર સ્થિતિમાં ઓપરેશન (બાયપાસ સર્જરી) કરાવવાથી રોઝો તૂટતો નથી.
૬. એન્ડોસ્કોપી (Endoscopy) દ્વારા તપાસ કે ચકાસણી કરવાથી રોઝો તૂટતો નથી.
આ તમામ બાબતોને આપણી સમક્ષ મુકનારા મૌલાના હુઝ્યફહ વસ્તાનવી સાહેબના આપણે આભારી છીએ. તેમણે રોઝા સમયે પણ ઇસ્લામના માનવીય અભિગમને વ્યક્ત કરી ઇસ્લામને પુનઃ એકવાર માનવધર્મ તરીકે સ્થાપિત કર્યો છે.

Tuesday, July 3, 2012

પરવરદિગાર : ડૉ.મહેબૂબ દેસાઈ



મારા એક અધ્યાપક મિત્ર હંમેશા એક ઉક્તિ બોલતા હોઈ છે,
"ન તલવાર કી ધાર સે, ન ગોલિયો કી બ્યોછાર સે,
બંદા ડરતા હૈ, તો સિર્ફ પરવરદિગાર સે"
તેમના આ તકિયા કલમમા તેઓ માત્ર હિંસાથી ડરવાની વાત નથી કરતા.પણ દુનિયાની નાનીમોટી દરેક પ્રકારની સમસ્યાઓથી ડરવા કરતા માત્ર પરવરદિગારથી જ ડરવાનો ભાવ તેમાં છુપાયેલો છે. તેમની ઉક્તિમાં સમાયેલો શબ્દ પરવરદિગાર ઉર્દૂ ભાષાનો છે. તેનો સાચો ઉચ્ચાર પરવર્દગાર થાય છે.પરવર એટલે પરવરીશ કરનાર. દિગર એટલે અન્યની પરવરીશ કરનાર. એ અર્થમાં પરવરદિગાર એટલે અન્યની પરવરીશ કરનાર. પરવરદિગાર શબ્દના સમાનાર્થી શબ્દો અલ્લાહ, ખુદા, મઅબૂદ,બારી, ખાલિક, પરમાત્મા, ઈશ્વર છે. ખુદા શબ્દ ફારસી ભાષાનો છે. જેનો અર્થ સાહેબ કે માલિક થયા છે. ખુદા શબ્દને તોડીને તેનો સાચો ભાવાર્થ જાણવો હોય તો કહી શકાય કે ખુદ+ આ = ખુદ આવનાર, જાતે આવનાર. અર્થાત અલ્લાહતઆલા પોતાના વજુદ કે હસ્તી માટે કોઈનો મોહતાજ નથી. એ જાતે જ, પોતે જ તેના બંદાઓની મદદે આવે છે. મઅબૂદ શબ્દ અરબી ભાષાના શબ્દ અબદ પરથી આવ્યો છે. અબદ એટલે બેહદ આજીજી કે નમ્રતા સાથે ઈબાદત કરવી.  એ અર્થમાં મઅબૂદ એટલે બેહદ નમ્રતા સાથે જેની બંદગી કરવામા આવે છે તે અલ્લાહ. હઝરત અલી (ર.અ.) હંમેશા ખુદાની ઈબાદત અત્યંત નમ્રતાથી કરતા હતા. અને એટલે જ તેમને "ઝયનુલ આબેદીન" અર્થાત બંદગી કરનારાઓમાં ઝીન્નત રૂપ તરીકે ઓળખવામાં આવતા. અલ્લાહ માટે સામાન્ય રીતે વપરાતો એક અન્ય શબ્દ બારી પણ છે. બારી શબ્દ પણ અરબી ભાષાનો છે. અને તે બઅર પરથી બન્યો છે જેનો અર્થ થયા છે પયદા કરવું. એ મુજબ પયદા કરનાર એટલે બારી. ખાલિક એટલે પણ પયદા કરનાર. એ પણ અરબી ભાષાનો શબ્દ છે. તે ખલક પરથી બન્યો છે. જેનો અર્થ થયા છે પયદા કરવું, ઘડવું. ખલક શબ્દનો મૂળ અર્થ થાય છે,
"કોઈ વસ્તુનો સાચો અંદાજો લગાડવો" કુરાને શરીફમાં અલ્લાહનો "અહસનુલ ખાલેકીન" તરીકે ઉલ્લેખ થયો છે. એટલે કે સૌથી શ્રેષ્ટ અંદાજો લગાડનાર કે ભવિષ્ય ઘડનાર. ખલકનો એક અન્ય અર્થ પણ થાય છે. "કોઈ પણ વસ્તુનું નમુના વગર સર્જન કરનાર" આ અર્થ અલ્લાહની શાનમાં વધુ યોગ્ય લાગે છે. કારણ કે અલ્લાહ દુનિયામાં દરેક વસ્તુનું સર્જન પોતાની રીતે કરે છે. તેને સર્જન કરવા કોઈ નમુનાની જરૂર નથી. દુનિયામા પૈદા થતા કરોડો માનવીઓના ચહેરાઓ એકબીજાથી ભિન્ન હોય છે. એમ કરનાર અલ્લાહ છે, ખાલિક છે.
અલ્લાહના આ તમામ નામો તેના અપાર પ્રભુત્વને વ્યકત કરે છે. ઈશ્વર-ખુદા કે અન્ય ગમેતે નામે આપણે તેને સંબોધીએ, તેની બંદગી કરીએ પણ તેની શક્તિ એક સરખી અને અપરંપાર છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"ખુદા એક છે. તે નિરપેક્ષ છે. તેના સિવાય કોઈ ઈબાદત(ભક્તિ)ને લાયક નથી" આ જ બાબત દરેક  ધર્મમા સ્વીકારવામાં આવી છે. ગુરુ ગોવિંદસિંહ કહે છે,
"કોઈ હિંદુ, કોઈ મુસલમાન, કોઈ રાફ્જી અને કોઈ સુન્ની આ બધા ભેદો મિથ્યા છે. સૌ મનુષ્યની એક જ જાત છે. સૌ સરખા છે અને સૌનો એક જ ખુદા છે"
સંત દાદુએ તેમના એક દુહામાં કહ્યું છે,
"એકે અલહ રામ હૈ, સમરથ સાંઈ સોઈ,
 મૈદે કે પકવાન સબ ખાતા હોઈ સો હોઈ"
અર્થાત તે જ અલ્લાહ છે અને તે જ ઈશ્વર છે. તે જ સર્વ શક્તિમાન છે. મેંદામાંથી જુદા જુદા પકવાનો જેમ બંને છે તેમ ઈશ્વર-અલ્લાહના જુદા જુદા નામો છે. જેને જે નામ ભાવે-ગમે તે તે નામ ઉચ્ચારે છે. ગીતામાં કહ્યું છે,
"આ સકળ જગત ઈશ્વરથી પ્રાપ્ત છે. આ દુનિયામાં જે કઈ છે તે સર્વનો સર્જક ઈશ્વર છે"
ઉપનિષદમા ઠેર ઠેર ઈશ્વરની પ્રાર્થના કરતા કહ્યું છે,
"તમાસો મા જ્યોતિર્મય" અર્થાત "ઈશ્વર-ખુદા તિમિર(અંધકાર)માંથી જ્યોતિમાં લઈ જનાર છે"
મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
"હે અલ્લાહ મને પ્રકાશ આપ"
આવા પરવરદિગારની શક્તિ અપરંપાર છે. ઈશાપનિષદમા કહ્યું છે,
"ઈશ્વર એ સર્વ પ્રાણી માત્રનો આદિ, મધ્ય અને અંત છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"અલ્લાહ જ સર્વનો આદિ છે, તે જ સૌનો અંત છે"
ગીતામાં કહ્યું છે,
"આકશમાં હજાર સુર્યનું તેજ એક સાથે પ્રકાશી ઉઠે, તો પણ ઈશ્વરના તેજ જેવું કદાપી ન થાય"
આવા હજારો નામો અને અમાપ શક્તિના માલિક પરવરદિગારની આરાધના દરેક માનવીની ફરજ છે. સુર્યના પ્રથમ કિરણો સાથે ફજરની નમાઝ કે પ્રાર્થના સાથે ખુદાની બંદગીનો આરંભ કરતા માનવી માટે જીવનનો કાંટાળો માર્ગ પણ આસન અને સુગંધી બની જાય છે. અને એટલે જ મારા અધ્યાપક મિત્રનું જીવનમંત્ર સમું પેલું કથન
"ન તલવાર કી ધાર સે, ન ગોલિયો કી બ્યોછાર સે,
બંદા ડરતા હૈ, તો સિર્ફ પરવરદિગાર સે"
આપણા સૌના જીવન માટે પણ એટલું જ સાચું પુરવાર થાય છે.