૨૬મી જાન્યુઆરી ૨૦૧૨. આપણો ૬૩મો પ્રજાસતાક દિન. આપણી પીઢ લોકશાહીની ઉજવણીનો ઉલ્લાસ. એક જ દિવસે જન્મેલા બે રાષ્ટ્રો ભારત અને પાકિસ્તાન. આજે બંનેની તત્કાલીન સ્થિતિ તેના વિકાસ અને ભાઈચારાની સાક્ષી પૂરે છે. તેનું મૂળભૂત કારણ આપણા સમદ્રષ્ટિ નેતાઓની આદર્શ અને બધા ધર્મો પ્રત્યેની માનવાચક દ્રષ્ટી છે. અલબત્ત રાષ્ટ્રપિતા ગાંધીજી તેમાં મોખરે છે. ગાંધીજી દરેક ધર્મના અભ્યાસુ હતા. ઇસ્લામ અંગે પણ તેમને ઊંડી સમજ હતી. તે તેમના ઇસ્લામ વિશેના વિચારોમાં દ્રષ્ટિગોચર થાય છે. તેઓ ઇસ્લામ અંગે કહેતા,
‘હું ઇસ્લામને પણ ખ્રિસ્તી, બૌદ્ધ અને હિંદુ ધર્મની જેમ જ શાંતિનો ધર્મ સમજુ છું. પ્રમાણનો ભેદ છે એમાં શક નથી, પણ આ બધા ધર્મોનું લક્ષ્ય શાંતિ જ છે.’ (નવજીવન, ૨૩-૧-૧૯૨૭ પૃ ૧૬૪)
‘ઈશ્વર એક જ છે એવી નિર્ભેળ માન્યતા અને મુસલમાન નામથી જેઓ ઇસ્લામમાં છે તે સૌ માટે માણસ માત્ર ભાઈઓ છે એ સત્યનો વહેવારમાં અમલ એ બે વસ્તુઓ ઇસ્લામે હિંદની રાષ્ટ્રીય સંસ્કòતિમાં આપેલો અનોખો ફાળો છે. આ બે વસ્તુઓને મેં ઇસ્લામના અનોખા ફાળા લેખે ગણાવી છે. તેનું કારણ એ છે કે માણસમાત્રની બંધુતાની ભાવનાને હિંદુ ધર્મમાં વધારે પડતું તાત્ત્વિક સ્વરૂપ અપાઈ ગયું છે. તેવી જ રીતે હિંદુ ધર્મના તત્ત્વજ્ઞાનમાં ઈશ્વર સિવાય કોઈ દેવ નથી છતાં ઈશ્વર એક છે એ સત્યની બાબતમાં ઇસ્લામ જેટલો માન્યતામાં આગ્રહપૂર્વક અણનમ છે તેટલો વ્યવહારુ હિંદુ ધર્મ નથી એ બિના ના પાડી શકાય તેવી નથી.’ (અક્ષરદેહ - ૪૦ પૃ. ૫૭)
‘હું ઇસ્લામને જરૂર એક ઇશ્વર પ્રેરિત ધર્મ માનું છું તેથી કુરાને શરીફને પણ ઇશ્વરપ્રેરિત માનું છું. તેમ જ મહંમદ સાહેબને એક પયંગબર માનું છું.’( હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૩)
‘હું એવા અભિપ્રાય ઉપર આવ્યો છું કે કુરાને શરીફનો ઉપદેશ મૂળમાં જોતાં અહિંસાની તરફદારી કરનારો છે. એય કહ્યું છે કે અહિંસા એ હિંસા કરતાં બહેતર છે. અહિંસાનું આચરણ ફરજ સમજીને કરવાનો તેમાં આદેશ છે. હિંસાની માત્ર જરૂર તરીકે છૂટ મૂકી છે એટલું જ.’( હરિજનબંધુ, ૧૪-૭-૧૯૪૦, પૃ.૧૪૨)
"કેટલાક મુસ્લિમ મિત્રો મને સંભળાવે છે કે મુસલમાનો નિર્ભેળ અહિંસાને કદી સ્વીકારશે નહીં. તેમના કહેવા મુજબ મુસલમાનોને મન હિંસા એ અહિંસાના જેટલી જ ધમ્ર્ય તેમજ આવશ્યક છે. સંજૉગો અનુસાર બેમાંથી ગમે તે વડે કામ લેવાય. બેઉ માર્ગની ધમ્ર્યતા, પુરવાર કરવાને સારુ કુરાને શરીફનો ટેકો ટાંકવાની જરૂર નથી. એ માર્ગે તો દુનિયા અનાદિકાળથી ચાલતી આવેલી છે. વળી, દુનિયામાં નિર્ભેળ હિંસા જેવી કોઈ વસ્તુ નથી. લટું ઘણા મુસલમાન મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે, કે કુરાને શરીફમાં અહિંસાના આચરણનો આદેશ છે. એમાં વેર કરતાં સબ્ર (સહનશીલતા)નેે શ્રેષ્ઠ ગણી છે. ખુદ ઇસ્લામ શબ્દનો જ અર્થ શાંતિ એટલે કે અહિંસા છે." (હરિજનબંધુ ૮-૧૦-૧૯૩૯ પૃ.૨૪૬)
"ઇસ્લામ માનવજાતના બંધુત્વ અને એકતાને માટે ખડો છે. માનવવંશની એકતાને છિન્નભિન્ન કરી નાંખવાનો તેનો ઉપદેશ નથી. તેથી, જે લોકો હિંદુસ્તાનને ઘણું ખરું પરસ્પર લડતા ઝઘડતા સમૂહોમાં વહેંચી નાંખવા માગે છે. તે લોકો હિન્દુસ્તાનના તેમજ ઇસ્લામના વેરી છે."( હરિજનબંધુ, ૧૩-૧૦-૧૯૪૬, પૃ. ૩૫૭)
ગાંધીજીના ઇસ્લામ અંગેના આ વિચારોમાં ઇસ્લામ ધર્મમાં વ્યક્ત થતી બંધુત્વ અને વતનપરસ્તીની ભાવના વ્યક્ત થાય છે. વતન પ્રેમ કે વતનની મીટ્ટીની પવિત્રતાનો સ્વીકાર ઇસ્લામના તયમ્મુમના સિધ્ધાંતમા પણ સાકાર થયો છે. "તયમ્મુમ" શબ્દ "યમ્મમ" પરથી આવ્યો છે. યમ્મમ એટલે કસદ કે ઈરાદો કરવો. જ્યારે મુસ્લિમ નમાઝનો ઈરાદો કરે છે. ત્યારે તેને વઝુ માટે પાણી ન મળે તો તે પવિત્ર માટીથી મો અને હાથપગ પર મસાહ કરવાની ક્રિયા કરે છે. એ ક્રીયાને "તયમ્મુમ" કહે છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે,
"અય મોમીનો, જ્યારે તમે નમાઝ માટે ઈરાદો કરો ત્યારે પહેલા તમે મો અને બંને હાથપગ ધુઓ અને જો એ માટે પાણી ન મળે તો પાક માટીથી તમારા મો અને બંને હાથપગ પર મસાહ કરી "તયમ્મુમ" કરો"
પાક માટી એટલે કોઈ વિશિષ્ટ માટી નહિ. પણ જ્યાં તમે રહેતા હોય એ વતનની સ્વચ્છ માટી. આ અંગે હઝરત મહંમદ પયગમ્બ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,
"મારી ઉમ્મત (પ્રજા)ને પાછલી ઉમ્મત કરતા ત્રણ વાતોમાં શ્રેષ્ટતા આપવામાં આવી છે. અમારી સફો (કતારો) ફરિશ્તાઓની કતારો જેમ વ્યવસ્થિત છે. અમારા માટે સમસ્ત ધરતી મસ્જિત છે. અને તેની માટી પાક (પવિત્ર) થવા માટેનું શ્રેષ્ટ સાધન છે, જ્યારે પાણી ન મળે ત્યારે"
જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય , તે ધર્મના એક બુદ્ધિજીવી અનુયાયી આરીફ મોહંમદ ખાને ઉર્દુમા કરેલ વંદેમાતરમનો મીઠો અને મધુર અનુવાદ આજના પ્રસંગે માણવા જેવો છે. તે દર્શાવી આલેખ પૂર્ણ કરીશ.
”માં તસ્લીમાત! માં તસ્લીમાત !
તું ભરી હૈ મીઠે પાની સે
ફળ-ફૂલો કી શાદાબી સે
દક્કીન કી ઠંડી હવાઓ સે
ફસલો કી સુહાની ફીજાઓ સે ... તસ્લીમાત, માં તસ્લીમાત !
તેરી રાતે રોશન ચાંદ સે
તેરી રોનક સબ્જે-ફામ સે
તેરી પ્યાર ભરી મુસ્કાન સે
તેરી મીઠી બહુત જુબાન સે
તેરી બાહોંમે મેરી રાહત સે
તેરે કદમો મેં મેરી જન્નત સે ... તસ્લીમાત, માં તસ્લીમાત !
No comments:
Post a Comment