"સત્ય મેવ જયતે" સત્યનો જય થાવ આપણો રાષ્ટ્રીય મુદ્રા લેખ છે. આપણા રાષ્ટ્રીય ચિહ્નનું અવિભાજ્ય અંગ છે. ઉપનીષદોમાથી તે સુત્ર લઈ તેને આપણે રાષ્ટ્રીય આદર્શ બનાવેલ છે. તેના રટણ સાથે જ આપણે સૌ ઉછર્યા છીએ. "સત્ય એજ ઈશ્વર" કહેનાર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ તેનું જીવનમાં આચરણ કરી બતાવ્યું છે. છતાં એ પ્રત્યેની આપની ઉદાસીનતા યથાવત છે. એ જ સત્યને કેદ્રીય વિચાર બનાવી લોક્નાદ સંસ્થા એ સાંઝી વિરાસત નામક કેલેન્ડર તૈયાર કરેલ છે. જેમાં સત્યને વિચારોમાં સાકાર કરતા આપણા જાણીતા સંતોના દોહો અને તેના હિન્દીમાં આપેલ અનુવાદો આપણને "સત્ય મેવ જયતે"ના આપણા રાષ્ટ્રીય મુદ્રાલેખ અંગે ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે વિચારવા મજબુર કરે છે. ઈશ્વર અને અલ્લાહને એક જ માનતા કબીર (૧૩૯૮-૧૫૧૮)સત્યના જબરા ઉપાસક હતા. તેમના એક દોહામાં તેઓ કહે છે,
"પ્રેમ પ્રીત કા ચોલના
પહિરિ કબીર નાચ
તન મન તા પર બારહૂં
જો કોઈ બોલે સાંચ"
અર્થાત પ્રેમનો ચોલો પહેરી કબીર ઝુમી રહ્યા છે અને કહે છે સત્ય બોલનાર પર હૂં મારું તન અને મન બધું ન્યોછાવર કરી દેવા તૈયાર છું. ભારતીય સંત પરંપરામાં કબીરનું સ્થાન આજે પણ મોખરે છે. ગુરુ નાનકે તેમને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. ગુરુ ગ્રંથ સાહિબમાં કબીરના ૫૦૦થી પણ વધુ દોહા છે. એ જ રીતે પંજાબના કવિ ઉસ્તાદ દામન (૧૯૧૧-૧૯૮૪) કહે છે,
"સચ બોલિયા જિહને વી ઢાર ચઢીયા
સચ્ચ બોલ કે હોએ નુકસાન લકખાં
સિક્કા જુઠ દા ચમકદાર દામન
ઈહનૂ વેખ કે ચુન્નીયાં હોણે અકખાં"
અર્થાત જેણે પણ સત્ય કહ્યું તે જેલના સળિયાઓ પાછળ ગયો.સત્ય કહેનારને અનેક યાતનાઓ સહેવી પડે છે. દામન કહે છે ખોટો સિક્કો એટલો ચમકદાર હોઈ છે કે તેને જોઈને જ આંખો અંજાઈ જાય છે. પંજાબના સંત અને કવિ ઉસ્તાદ દામન મૂળભૂત રીતે લાહોરના નિવાસી હતા. ભારતની આઝાદીના સંગ્રામમાં તેમણે તેમના કાવ્યો દ્વારા અદભૂત પ્રદાન આપ્યું હતું. એક સારા દરજી હોવા ઉપરાંત તેઓ સત્યના પ્રખર ઉપાસક હતા. આઝાદી પછીના કોમી હુલ્ડોમાં તેમની દુકાન સળગાવી નાખવામાં આવી હતી. છતાં સત્યની તેમની વિભાવના બદલાઈ ન હતી.
આપણા જાણીતા સંત રહીમ(૧૫૫૬-૧૬૨૭) પણ સત્યના આચરણની સમસ્યાને સાકાર કરતા કહે છે.
"અબ રહીમ મુશ્કિલ પડી
ગાઢે દોઉ કામ
સાંછે સે તો જગ નહીં
જિથે મલે ના રામ"
અર્થાત હું તો ઉલઝનમા પડી ગયો છું. બંને કામ મુશ્કેલ છે. સત્યનો સાથ આપું છું તો દુનિયા મને છોડી દે છે. અને સત્યને છોડી દઉં છું તો ઈશ્વર મને છોડી દે છે. એ જ રીતે લાહોરમાં જન્મેલા સંત શાહ હુસૈન (૧૫૩૯-૧૫૯૯)ના ગુરુ મોલવી આબુબક્ર હતા. ઈબાદત અને માનવ સેવા તેમના જીવનનું મુખ્ય ધ્યેય હતા. એ જ ઉદેશને વળગી તેમણે સમગ્ર જીવન વ્યતીત કર્યું હતું. માધો લાલ સાથેની તેમની દોસ્તી જગ વિખ્યાત હતી. માધો લાલ હુસૈનના નામે બંન્ને જાણીતા હતા. એ શાહ હુસૈન સત્યની પોતાની પરીભાષાને સાકાર કરતા કહે છે,
"સચ્ચી ગલ સુણીવે કયુંકર
કચ્ચી હડ્ડા દી રચ્ચી
સચ્ચી ગાલ સુણી તીનાહાં
ચિણગ જીના તન મચ્ચી"
અર્થાત જેના રોમ રોમમાં અસત્ય સમાયું છે, તે સત્યને કેવી રીતે સાંભળી શકે, સત્ય તો એ જ સાંભળી શકે છે જેના હદયમાં તેની ચિનગારી પ્રજ્વલિત હોય. મહારાષ્ટ્રના મહાન સુધારક, વિચારક અને સાહિત્યકાર જ્યોતિબા ફૂલે(૧૮૨૭-૧૮૯૦) પોતાની એક રચનામા કહે છે,
"સત્ય સર્વાંચ આદિ ઘર
સર્વ ધાર્મંચ માહેર
જગાંમાજી સુખ સારે
ખાસ સ્ત્યાંચી તી પોરે"
અર્થાત સત્ય હર ચીજનું ઉગમસ્થાન છે. સત્ય દરેક ધર્મના કેન્દ્રમાં છે. દુનિયાના તમામ સુખો સત્યના સંતાનો છે. સમાજિક વર્ગ પ્રથા સામે જેહાદ કરનાર અને સ્ત્રી શિક્ષણના પ્રખર હિમાયતી જ્યોતિબા ફૂલે સત્યને દરેક ધર્મનો હાર્દ માને છે. પંજાબના એક અન્ય સૂફી સંત બુલ્લે શાહ (૧૬૮૦-૧૭૪૮) સત્યની પોતાની વિભાવનાને સાકાર કરતા કહે છે,
"સચ્ચ સુણકે લોક ના સહીંદે ની
સચ્ચ આખીયે તા ગાલ પહીંદે ની
ફિર સચ્ચે પાસ ના બહિંદે ની
સચ્ચ મીઠ્ઠા આશક પ્યારે નું"
અર્થાત લોકો સત્ય નથી સહી સકતા.સત્ય બોલનારનું જીવન અકારથ થઈ જાય છે. અને સત્ય આચરતા માનવી પાસે કોઈ બેસતું પણ નથી.પણ ભગવાનની મોહબ્બત પામવા સત્ય સૌથી મીઠો માર્ગ છે. સત્યના આચરણ તરફ દોરતા આ વિચારો આપણા રાષ્ટ્રીય સુત્ર "સત્ય મેવ જયતે" તરફ આપને એકાદ કદમ ચાલવા પ્રેરશે તો પણ તે ૬૩મા પ્રજાસત્તાક દિને સાર્થક ગણાશે.
No comments:
Post a Comment