Thursday, June 16, 2011

મેરાજ : હઝરત મહંમદ (સ.અ.વ.)ની આસમાની સફર : ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામી કેલેન્ડર મુજબ રજબ માસનો અંતિમ તબ્બકો ચાલી રહ્યો છે. ઇસ્લામમાં રજબનો માસ મેરાજ માટે જાણીતો છે. મેરાજની ૨૭ તારીખે  હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ)એ આસમાની સફર કરી હતી. પરિણામે આપણને જન્નત અને દોઝકનો તાદ્રશ્ય ચિતાર પ્રાપ્ત થયો છે. કુરાને શરીફની આયાત અને હદીસોમાં મહંમદ સાહેબના આ આસમાની પ્રવાસનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે. કુરાને શરીફના પારા (પ્રકરણ) ૧૫ની પ્રથમ આયાતમાં કહ્યું છે,
"અલ્લાહની જાત પાક છે. તે રાતોરાત પોતાના બંદા મહંમદને મસ્જિતએ હરમથી મસ્જિતએ અક્સા સુધીની સફર કરાવે છે. જેથી અમે તેને અમારી કુદરતના કેટલાક બેનમુન નમૂનાઓ બતાવી શકીએ."

મહંમદ સાહેબ(સ.અ.વ)ની આ આસમાની સફરનો સમય ઇસ્લામી સાહિત્યમાં જુદો જુદો આપવામાં આવ્યો છે. પણ મોટેભાગે હઝરત મહંમદસાહેબ(સ.અ.વ)ને વહી (ઈશ્વરીસંદેશ) ઉતરવાનો આરંભ થયો એ પછી પાંચમાં વર્ષે અથવા મહંમદસાહેબ(સ.અ.વ)ની ઉંમર ૪૫ વર્ષની થઈ ત્યારે રજબની ૨૭મી તારીખે રાત્રે આ સફર મહંમદ સાહેબે કર્યાનું માનવામાં આવે છે. એક રિવાયત મુજબ રજબની ૨૭મી તારીખે રાત્રે મહંમદ સાહેબ કાબા નજીક હતીમમાં આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે આ સફરનો આરંભ થયાનું માનવમાં આવે છે.  જયારે અન્ય એક રીવાયાત મુજબ મહમંદ સાહેબ ઉમ્મ્તે હામીના ઘરમાં સુતા હતા. ત્યારે હઝરત જિબ્રીલ "બુરાક"નામક એક સવારી લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયા. અને આપને એ સવારી પર બેસાડી સફરનો આરંભ કર્યો. સૌ પ્રથમ મહંમદ સાહેબે કાબાથી મસ્જિતએ અક્સા સુધી પ્રથમ પ્રવાસ કર્યો. જેને "ઇસરા" કહે છે. જેમાં હઝરત જિબ્રીલ મહંમદ સાહેબને મદીના, હઝરત ઈશાના જન્મ સ્થાન "મકાઈમ" અને કોહેતુર પર લઇ ગયા. એ પછી બયતુલ મુક્દસ પહોંચીયા. ત્યાં હઝરત આદમથી લઈને બધા જ નબીઓ સાથે આપની મુલાકાત કરાવી. ત્યાં મહંમદ સાહેબે બધાને નમાઝ પઢાવી અને "ઈમામુલ અંબીયા"નો ખિતાબ મેળવ્યો. એ પછી એ જ રાત્રે મસ્જિતએ અક્સાથી સાત આસમાન ઉપર આવેલા જન્નત અને દોઝક સાથે અલ્લાહના દીદાર સુધીના પ્રવાસનો આરંભ થયો. જેને ઇસ્લામમાં "મેરાજ" કહે છે.  અલ્લાહ સાથેના હઝરત મહંમદ પયગમ્બર સાહેબના સંવાદો અંગે  હઝરત મહંમદ સાહેબ લખે છે,
"પછી મને અલ્લાહના દરબારમાં લઇ જવમાં આવ્યો. એ સમયે અલ્લાહએ મારી ઉમ્મત માટે રોજ પચ્ચાસ નમાઝો ફર્ઝ-ફરજીયાત કરવાનો આદેશ આપ્યો. એ આદેશનો સ્વીકાર કરી હું અલ્લાહના દરબારમાંથી બહાર આવ્યો. રસ્તામાં હઝરત મુસા બીન ઈમરાન મળ્યા. તેમણે મને પૂછ્યું,' તમારી ઉમ્મત માટે તેટલી નમાઝો ફર્ઝ કરવામાં આવી ?' મેં કહ્યું,' પચ્ચાસ' તેમણે કહ્યું,' તે ઘણી વધારે છે. તમારી ઉમ્મત તે અદા નહિ કરી શકે.અલ્લાહને વિનંતી કરો કે નમાઝો ઓછી કરે" આમ બે ત્રણ વાર મેં અલ્લાહને વિનંતી કરી. અને ત્યારે અંતે અલ્લાહે મારી ઉમ્મત માટે દિવસની પાંચ નમાઝો ફરજીયાત પઢવાનો આદેશ સ્વીકાર્યો"
આ અંગે હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ લખે છે,
"મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે મને મેરાજની રાત્રે અલ્લાહે ત્રણ બાબતોથી નવાજયો હતો. પ્રથમ સુરે બકરાની અંતિમ આયાતો. બીજું, મારી ઉમ્મત માટે પાંચ વખતની નમાઝ અને ત્રીજું, મારી ઉમ્મત માટે અલ્લાહને સિફારીશ-ભલામણનો હક્ક"
રજબની ૨૭મી રાત્રની જે પળે મહંમદસાહેબ(સ.અ.વ)એ  આ સફર આરંભી હતી, એ જ પળે તેઓ આ સફર પૂર્ણ કરી પાછા ફર્યા હતા. અર્થાત મેરાજની સફર વખતે સમય થંભી ગયો હતો. મહંમદ સાહેબની આવી અદભૂત આસમાની સફરમા તેમણે જોયેલ અને જાણેલ બાબતો કુરાનએ શરીફ અને હદીસોના અમુલ્ય ઉપદેશો છે. આ સફરમાં મહંમદસાહેબ(સ.અ.વ) સાથે હઝરત જિબ્રીલ પણ હતા. જેમણે મહંમદ સાહેબ સમક્ષ જન્નત અને દોઝાકના અનેક દ્રશ્યોના ઉદેશો વ્યક્ત કર્યા હતા.
દોઝાકની મુલાકાત સમયે એક જગ્યાએ તાંબાના નખોવાળા માનવીઓ  પોતાના જ નખોથી પોતાનો ચહેરો છોલી રહ્યા હતા. એ જોઈ મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " હે જિબ્રીલ , આ બધા કોણ છે ?" જિબ્રીલે કહ્યું,
"આ એ લોકો છે જેઓ દુનિયામાં પોતાના જ ભાઈઓનું માંસ ખાતા હતા. અર્થાત તેઓ પોતાના ભાઈઓની નિંદા, બદબોઈ કે ટીકાટીપણી કરતા હતા."
કેટલાક લોકો મોટા મોટા પથ્થરોથી પોતાનું જ માથું કચડી રહ્યા હતા. એ જોઈ મહંમદસાહેબે (સ.અ.વ) પૂછ્યું," આ બધા કોણ છે ?"
હઝરત જિબ્રીલએ કહ્યું,
"આ લોકો બેનમાઝી છે. જિંદગીમાં કયારેય નમાઝ પઢતા ન હતા. નમાઝને બોજા રૂપ સમજતા હતા."
આગળ જતા માટલા જેવા ફૂલેલા પેટવાળા લોકો જોવા મળ્યા. તેમના પેટમાં સાપ સાપોલીયાઓ ફરી રહ્યા હતા.આસપાસથી પસાર થતા લોકો તેમને લાતો મારતા હતા. મહંમદ સાહેબે પૂછ્યું,"આ લોકો કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"હે મહંમદ, આ આપની ઉમ્મત (પ્રજા)ના એવા લોકો છે જેઓ વ્યાજખોર છે. પોતાના જાનમાલ પર વ્યાજ ખાય છે."
દોઝાકમાં કેટલાક લોકો ગુપ્ત અંગો પર ચીથરા બાંધી, જાનવરો જેમ ઝ્ક્કુમ (કંટાળા વૃક્ષ)ને ખાઈ રહ્યા  હતા. મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " આ બધા કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"આ એ લોકો છે જેઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકતમાંથી ગરીબોને જકાત કે ખેરાત આપતા ન હતા." કેટલાક લોકો લોખંડની કાતરથી પોતાની જીભ અને હોઠોને કાપી રહ્યા હતા. મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " આ બધા કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"આ આપની ઉમ્મત (પ્રજા)ના એ ખતીબો, ઈમામો અને ધર્મગુરુઓ છે જેઓ બીજાને તો નસીહત (ઉપદેશ) આપતા હતા પણ પોતે તેનો અમલ કરતા ન હતા."
મહંમદ સાહેબની આસમાની સફર આવા તો અનેક ઉપદેશાત્મક દ્રશ્યો સાકાર કરે છે. મેરાજની રાત્રે આપણે આ દેશ્યોની યાદ કરી, તેના ઉપદેશને જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરીએ
 એ જ દુવા- આમીન.

No comments:

Post a Comment