ઇસ્લામમા શિયાપંથના બે વિભાગો જાણીતા છે. તેમા મુસ્તાલી અર્થાત વહોરા અને નીમારી અર્થાત ખોજાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વહોરાપંથનો પ્રચાર કરનાર મૌલાના અબ્દુલ અલી સૈફ નામક ઇસ્માઈલી પ્રચારક હતા. તેઓ પોતાના ગ્રંથ "મજાલીસ સફફીયા" (રચના ઇ.સ. ૧૮૦૯)મા લખે છે,
"આદમ બિન ઝકીમુદ્દીને જણાવ્યુ છે કે મુસ્તનીસર લિલ્લાહ (ફાતિમા ખલીફા મિસર)એ અબ્દુલ્લાહ અને અહેમદ નામના બે મીસરીને યમનના પ્રચારક પાસે એવા ઈરાદાથી મોકલ્યા કે તેની પાસેથી હિન્દુસ્તાનમાં પ્રચારનું કાર્ય લઇ શકાય. અને તે બંને યમનથી પ્રચાર અર્થે ભારતના ખંભાત બંદરે આવ્યા."
ગુજરાતમાં શિયા વહોરા પંથના ઉદય માટે ઈ.સ. ૧૦૬૭ના અરસામાં અરબસ્તાનના યમન પ્રાંતના હીરોઝ ગામમાંથી ઈસ્માઈલી મુસ્તાલી કોમના વડા મુલ્લાજીએ અબ્દુલ્લાહ નામક એક દાઈને ગુજરાતમાં મોકલ્યા હતા. તેઓ ખંભાત બંદરે ઉતર્યા હતા. દાઈ અબ્દુલ્લાહ અત્યંત વિદ્વાન અને ચમત્કારી હતા. તેમણે સૌ પ્રથમ ખંભાતમાં રહીને ત્યાના લોકોની રહેણીકરણીનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અને પછી પોતાના પંથનો પ્રચાર કર્યો. ધર્મ પ્રચારમાં તેમને સફળતા અપાવનાર બે કથાઓ શિયાપંથના ઇતિહાસમાં નોંધાયેલી છે. કાકા કેલા અને તેમની પત્ની કાકી કેલી ખંભાત પાસે એક ખેતરમાં કામ કરતા હતા. ત્યારે દાઈ અબ્દુલ્લાહ ત્યાંથી પસાર થયા. તેમણે આ દંપતી પાસે પીવા માટે પાણી માંગ્યું. પણ ખેતરના કુવામાં પાણી ન હતું. તેથી કાકી કેલીએ તેમને પાણી ન આપ્યું. ત્યારે દાઈ અબ્દુલ્લાહે કાકા કેલાને કહ્યું, " જો આપ બંને પતિ-પત્ની મુસ્લિમ થવા તૈયાર થાવ તો હું આ સુકાય ગયેલા કુવામાં પાણી લાવી આપું" કાકા કેલા સંમત થયા. અને દાઈ અબ્દુલ્લાહે કુવામાં તીર માર્યું. અને કુવામાં પાણી ઉભરાવા લાગ્યું. કાકા કેલી અને કાકી કેલી આ ચમત્કાથી પ્રભાવિત થયા. અને તેમણે ઇસ્લામનો અંગીકાર કર્યો. એ પછી ખંભાત વિસ્તારમાં ઘણા હિન્દુઓ મુસ્લિમ થયા. તેઓ બધા વહોરા કહેવાયા. આજે પણ ખંભાત પાસે આવેલી કાકા કેલાની મઝાર શિયા વહોરાઓનું મોટું યાત્રા ધામ છે. દાઈ અબ્દુલ્લાહનો બીજો ચમત્કાર પણ ખંભાતના જ લોકોએ જોયો હતો. એક જાહેર સ્થળે લોખંડનો એક વિશાળ હાથી હવામાં લટકતો હતો. જે જાહેર ઈમારતના ખંડમાં હાથી લટકતો હતો, તે ઓરડામાં ચારે બાજુ લોહચુંબક ગોઠવેલા હતા. દાઈ અબ્દુલ્લાહએ ધીમે ધીમે ચારે દીવાલોમાંથી લોહચુંબક કાઢ્યા. અને હાથીનો એક એક પગ જમીન પર ઉતાર્યો. તેમના આ ચમત્કાર પછી લોકોમા તેમના પરનો વિશ્વાસ અને ખ્યાતી બને વધ્યા. એ વખતના ગુજરાતના શાસક સિદ્ધરાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩) અને તેના વજીર ભારમલ અને તેના ભાઈ તારમલે દાઈ અબ્દુલ્લાહના આવા ચમત્કારોથી પ્રભાવિત થઈ ઇસ્લામ અંગીકાર કર્યાનો ઉલ્લેખ શિયા વહોરાઓના ઇતિહાસમાં જોવા મળે છે. જો કે આ ઉલ્લેખના ઐતિહાસિક આધારો પ્રાપ્ત થતા નથી. પણ તેના પરથી એટલું તારણ કાઢી શકાય કે દાઈ અબ્દુલ્લાહએ ગુજરાતમાં આવી, હિંદુ સમાજને પ્રભાવિત કરી, ઇસ્લામના શિયાપંથનો બહોળો પ્રચાર કર્યો હતો. કારણકે સિદ્ધરાજ જયસિંહ અને અજયપાલ (૧૧૭૩-૧૧૭૬)ના સમયમા શિયાપંથના અનેક અનુયાયીઓ ગુજરાતમાં આવ્યા હતા. અજયપાલે તો રાજ્યમાં શિયાપંથના પ્રચારકોને ઘણી સગવડતાઓ આપ્યાના આધારો મળે છે.
ગુજરાત પર મહંમદ ગઝનીના આક્રમણના અનેક રાજકીય અને ધાર્મિક કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યા છે. પણ ફારસી સાહિત્યના ઇતિહાસમાં મહંમદ ગઝનવીની શિયાઓ પ્રત્યેની સુગને પણ એક મહત્વના કારણ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. મહંમદ ગઝનવીએ અજયપાલના રાજ્યમાં હેરાનગતિ કરવાના બદલે મુલતાનમાં જ્યાં શિયાઓની વસ્તી વધારે હતી ત્યાં ચડાઈ કરી હતી. આવા કપરા સમયમાં પણ શિયા દાઈઓએ પોતાનો પ્રચાર અઢી દાયકા સુધી અર્થાત ચૌદમાં સૈકાના અંત સુધી ચાલુ રાખ્યો હતો. એ પછી ગુજરાતના સુબા તરીકે ઝફરખાન સાથે અનેક સુન્ની ઉલેમાઓ ગુજરાતમાં આવ્યા હતા. તેના પૌત્ર અને અહમદાબાદના સ્થાપક અહમદ શાહના શાસનકાળમાં શીયોનો પ્રચાર થોડો માર્યાદિત થયો હતો. મોગલ શાસનકાળ દરમિયાન પણ શિયા અને સુન્ની વચ્ચેનો સંઘર્ષ યથાવત રહ્યો હતો. આ યુગનો શિયાપંથનો મહત્વનો ઐતિહાસિક બનાવ વડા મુલ્લાજીનું યમનથી ઈ.સ. ૧૫૩૯ હિજરી સન ૯૪૬ ગુજરાતમાં આગમન હતો. એ માટે ગુજરાતમાં શિયાપંથનો વધતો જતો વિસ્તાર અને યમનમા શિયાપંથમાં આવેલી ઓટા જવાબદાર હતા. આ ઉપરાંત એક અન્ય કારણ પણ ઇતિહાસમાં નોંધાયેલ છે. ઈ.સ. ૧૫૩૭મા તુર્કોએ એડન અને કિનારાના પ્રદેશો જીતી લીધા હતા. આથી પરોક્ષ રીતે વડા મુલ્લાજીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આમ ગુજરાતમાં આવનાર ૨૪મા દાઈ મુલ્લ્લાજી સાહેબ યુસુફ બિન સુલયમાન હતા. તેમણે ગુજરતામાં આવી પોતાની ગાદી સૌ પ્રથમ સિદ્ધપુરમાં સ્થાપી હતી.
મોગલ શાસનકાળ દરમિયાન શિયા વહોરા કોમમાં બે ફિરકા પડ્યા. એક દાઉદી વહોરા અને બીજા સુલયમાની વહોરા. આ ફાંટા ઈ.સ. ૧૫૯૧મા થયા. સુલયમાની વહોરા પ્રથમ ગુજરાતના વડા મુલ્લાજીને પોતાના ધાર્મિક વડા માનતા હતા. પરંતુ ઈ.સ. ૧૫૮૮મા ગુજરાતના વહોરાઓના વડા મુલ્લાજી દાઉદ બિન અજબ શાહ વફાત (અવસાન) પામ્યા. ત્યારે ગુજરાતના વહોરાઓએ વારસદાર તરીકે દાઉદ કુતુબ શાહને નીમી તેની જાણ યમનમા કરી. દરમિયાન યમનના મુલ્લાજીએ ત્યાના એક મુલ્લાજી સુલયમાનને મર્હુમ વડા મુલ્લાજીના વારસદાર તરીકે જાહેર કર્યા. અને તેઓ ગુજરાતમાં આવ્યા.પરંતુ ગુજરાતના જુજ વહોરાઓએ જ તેમનો સિવાય સ્વીકાર કર્યો હતો. જેથી તેઓ પાછા અરબસ્તાન જતા રહ્યા હતા. ગુજરાતના વહોરાઓમાંથી જેમણે સુલયમાનનો મુલ્લાજી તરીકે સ્વીકાર કર્યો, તેઓ સુલયમાની વહોરા કહેવાય. આજે પણ સુલયમાની વ્હોરાઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે.
No comments:
Post a Comment