જાણીતા સામાયિક "કુમાર"ના જુન ૨૦૧૧ના અંકમાં ગુજરાતના ઇતિહાસકારો શ્રેણીમાં
ડો. જયકુમાર શુકલે ડો. મહેબૂબ દેસાઈના ઇતિહાસકાર તરીકેના પ્રદાનની નોંધ લેતો લેખ લખ્યો છે.
જેની કોટો કોપી આ સાથે સામેલ છે.
Saturday, June 25, 2011
Friday, June 24, 2011
નિદા ફાજલી : ધર્મની સાચી વિભાવના : ડો. મહેબૂબ દેસાઈ
ભારતના આધુનિક શાયરોમાં નિદા ફાજલીનું નામ અગ્ર છે. તેમની શાયરીમાં વ્યક્ત થતી ધર્મ ભાવના ભારતની બિનસાંપ્રદાયિકતાની અસલ ઓળખ છે. તેમનો પેલો જાણીતો શેર આજે પણ ઇસ્લામના મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતોને સાકાર કરતો લોકજીભે જીવંત છે.
अपना ग़म लेके कहीं और न जाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर में बिखरी हुई चीज़ों को सजाया जाये
घर से मस्जिद है बहुत दूर चलो यूँ कर लें
किसी रोते हुए बच्चे को हँसाया जाये
किसी रोते हुए बच्चे को हँसाया जाये
નમાઝની અહેમિયત ઇસ્લામમાં અનહદ છે. પાંચ વકતની નમાઝ ફરજીયાત પઢવાનો આદેશ ઇસ્લામમાં હોવા છતાં, માનવતાનો ધર્મ ઇસ્લામના કેન્દ્રમાં રહ્યો છે. એ ધર્મને સાકાર કરતા નીદાજી ઉપરોક્ત ચાર લાઈનોમા ગઝલના રૂઢ સ્વરૂપ ઈશ્ક, સૌદર્ય અને વિરહના સ્થાને ઇસ્લામની મૂળભૂત વિભાવનાને વ્યક્ત કરે છે. તેમની આ ચાર લાઈનોમાં તેઓ કહે છે,પોતાના દુઃખોના ગાણા લોકો પાસે ગાવા કરતા, ખુદાએ તને જે આપ્યું છે, તેનો શુક્ર અદા કરી, તેને સજાવ તેની ખુશી માનવ. ખુદાએ તને જે કઈ આપ્યું છે તેનો શુક્ર અદા કરવા ઈબાદત કર નમાઝ પઢ. અને જો નમાઝ અદા કરવા મસ્જિત તારા ધરથી દૂર હોઈ તો કોઈ રડતા બાળકને રમાડ, તેને હસાવ. તે પણ ખુદાની જ ઈબાદત છે. જો કે આ ગઝલ પાકિસ્તાનમાં પઢ્યા પછી ત્યાના મૌલવીઓનો રોષ નીદાજીએ વોહરી લેવો પડ્યો હતો.
"આપને મસ્જિત ઔર બચ્ચે કો એક સા ગીન કર, ખુદા કે ઘર મસ્જિત કી તોહીન (અપમાન) કી હૈ"
આવા અનેક સવાલોનો એક માત્ર જવાબ આપતા નીદાજી એ કહ્યું હતું,
"મસ્જિત કો તો ઇન્સાનને અપને હાથો સે બન્યા હૈ, ઔર બચ્ચે કો તો ખુદ ખુદા ને બનાય હૈ." અને ખુદાના સર્જનને ચાહવું, તેને પ્રેમ કરવો, તેની ખિદમત કરવી એ જ તો ઇસ્લામનો મૂળભૂત ઉદેશ છે. નીદાજીના આવા વિચારો ઇસ્લામની સાચી ઓળખ છે. એ ઓળખને વાચા આપતા નીદાજીના દોહા પણ માણવા જેવા છે. તેમાં પણ ધર્મની આપણી રૂઢ વિભાવનામાં ક્રાંતિકારી પરિવર્તનના એધાણ વર્તાય છે. એવા કેટલાક દુહો સો પ્રથમ આપણે માણીએ અને પછી કેટલાકનું આચમન કરીએ.
“સાતો દિન અલ્લાહ કે ક્યાં મંગલ કયા પીર
જિસ દિન સોયે દેર તક ભૂખા રહે ફકીર”
“ઇસા, અલ્લાહ, ઈશ્વર, સારે મંતર શીખ
જાને કબ કિસ નામ પર મિલ જાયે ભીખ”
“અલ્લાહ અરબ મેં,ફારસીવાલો મેં વો ખુદા
મેને જો મા કા નામ લિયા ફિર કિસ કો ક્યા”
આ દુહાઓમાં ધર્મના નામ પર ચાલતા જીવનના દ્રષ્ટાંતો દ્વારા નીદાજી અલ્લાહના સાચા સ્વરૂપને સાકાર કરવાનો પ્રયાસ કરે છે. "મા" અલ્લાહનું આદર્શ સ્વરૂપ છે. ઇસ્લામમાં પણ ખુદા પછીનો દરજ્જો "મા" ને આપવામાં આવ્યો છે.
બચ્ચા બોલે દેખ કે મસ્જિત આલીશાન
અલ્લાહ તેરે એક કો ઇતના બડા મકાન
મંદિરો-મસ્જીતોના મોટા પાયા પર સર્જન પ્રત્યેની આપણી વધતી જતી ઘેલછાને આ દોહામાં અસરકારક રીતે નીદાજીએ અભિવ્યક્ત કરી છે. માનવીઓને રહેવા માટે ૧૦x૧૦ની નાનકડી ઓરડી પણ આજે નથી મળતી. ત્યારે ખુદા-ઈશ્વરના નામે આપણે મોટા મોટા મંદિરો અને મસ્જીતોનું સર્જન કરવાની હોડ આરંભી છે. અને તે માટે અશાંતિ પણ સર્જીએ છીએ. એ વિચારને એક બાળકના મુખે વ્યક્ત કરી નીદાજીએ સમાજના ઠેકેદારોને વિચારતા કર્યા છે.
અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
અંદર મુરત પર ચડે ઘી, પૂરી, મિષ્ઠાન
મંદિર કે બહાર ખડા, ઈશ્વર માંગે દાન
દરેક ધર્મમાં માનવતાનું મુલ્ય કેન્દ્રમાં છે. ભગવાન કે ખુદાના ચરણે આપણે જે કઈ ધરીએ છીએ,તે ખુદાને પહોંચે છે કે નહિ તે આપણે જાણતા નથી. છતાં આપણી આસ્થા, વિશ્વાસ આપણને તેમ કરવા સતત પ્રેરે છે. પણ જરૂરત મંદ માનવીને મદદ કરવામાં પણ ખુદા-ઈશ્વરનો વાસ છે. તે સત્ય આપણે વાતોમાં વાગોળીએ છીએ, પણ વ્યવહારમાં આચરતા નથી.
સબકી પૂજા એક સી, અલગ અલગ હર રીત
મસ્જિત જાયે મોલવી , કોયલ ગાયે ગીત
ઈબાદત કે ભક્તિની રીત દરેક ધર્મમાં અલગ અલગ છે. પણ તે તમામ ક્રિયાઓના કેન્દ્રમાં ઈશ્વર-ખુદાનું સાનિધ્ય સાધવાની ખેવના જ છે. એ ખેવનાનું સંગીત કોયલના સ્વર જેવું મધુર છે. જેમાં કોઈ ધર્મના ભેદો નથી માત્ર તેમાં મધુરતા અને એકાગ્રતા જ છે.
મુઝ જૈસા એક આદમી મેરા હી હમ નામ
ઉલટા સીધા વો ચલે, મુઝે કરે બદનામ
નીદાજીના આ દોહમાં ખુદા-ઈશ્વરની ફરીયાદનો સુર ભાસે છે."મારા બનાવેલા મને બનાવે છે" જેવો ભાવ વ્યક્ત થાય છે.માનવીના હદયમાં ખુદા-ઈશ્વરનો વાસ છે. એ જ માનવી પોતાના કર્મોને કારણે દુઃખ, યાતનાઓ અને મુશ્કેલીયોમાં ફસાય છે. ત્યારે તે ઈશ્વર કે ખુદાને બદનામ કરે છે, તેને કોશે છે.પણ તેને એ સમયે તેણે કરેલા ઉલટા સિધા કામો યાદ નથી આવતા.
પૂજા ઘર મેં મૂર્તિ, મીરા કે સંગ શ્યામ
જીતની જિસકી ચાકરી,ઉતના ઉસ કા દામ
આ દોહામાં નીદાજીએ પૂજા ઘરમાં મુકવામાં આવેલ મુરત અને તેની ચાકરી અર્થાત ઈબાદત-ભક્તિના સંદર્ભ સાથે દામનો ઉલ્લેખ કર્યો છે.દામ એ ભક્તિ કે ઈબાદતના સંદર્ભમાં ઈશ્વર કે ખુદા તરફથી મળતી ભેટ છે. આ ભેટનું સ્વરૂપ ગમે તે હોઈ શકે. અથવા તે નિરાકાર પણ હોઈ શકે. ઈબાદત અને ભક્તિ માનવીને સુકુન, શાંતિ અને પરમ આનંદનો અહેસાસ કરાવે છે. એ અર્થમાં દામનું સ્વરૂપ કળવું મુશ્કેલ છે. વળી, આપણી ભક્તિ કે ઇબાદતમાં મોટે ભાગે માગવાનો ભાવ વિશેષ હોઈ છે. આપણી એક પણ પ્રાર્થના નિસ્વાર્થ હોતી નથી.તેમાં કયાંકને ક્યાંક ખુદા-ઈશ્વર પાસેથી કઈક પ્રાપ્ત કરવાની ખેવના સંતાયેલી હોઈ છે. નીદાજી તેને અહિયા"દામ"ના સ્વરૂપે વ્યક્ત કરવાનું ભૂલ્યા નથી. એક શાયર પોતાની કલમમાથી સમાજ ધડતરના આવા રત્નો સમાજને અર્પે ત્યારે સમાજમાં કલમ ધારકનું મુલ્ય થોડી પળો માટે પણ આપણને સમજાય છે. અને તે જ કલમધારકની સાચી સિદ્ધિ છે.
Monday, June 20, 2011
યાત્રા (સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયાની)
આ મારું તાજું પુસ્તક છે. જેનું વિમોચન મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયું છે. "યાત્રા" એ મારા જુદાજુદા ઉદેશો અર્થે થયેલ બે વિદેશ પ્રવાસોના સ્મરણો છે. પ્રથમ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ, જે મારા પુત્ર ઝાહિદના આગ્રહથી મેં કર્યો હતો, તેના સુખદ અનુભવો છે. જયારે બીજો પ્રવાસ હજજ યાત્રા અર્થે મક્કા અને મદીનાની મેં કરેલ યાત્રાના સ્મરણો છે.
પુસ્તકનું પ્રકાશન પ્રાશ્વ પ્રકાશન, નીશાપોળ, ઝવેરીવાડ, રીલીફ રોડ, અમદાવાદએ કર્યું છે. ૯૬ પૃષ્ટના આ પુસ્તકની કિમંત રૂ. ૭૫ છે.
"ઇતિહાસ, વિચાર અને સંવેદના"
આ પણ મારું તાજું પુસ્તક છે. હાલમાં જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેનું વિમોચન થયું છે. ત્રણ વિભાગમાં વિભાજીત આ ગ્રંથમાં ઇતિહાસના લેખો પ્રથમ વિભાગમાં છે. બીજા વિભાગમાં વૈચારિક લેખો છે. જયારે ત્રીજા વિભાગમાં સંવેદનશીલ જીવન પ્રસંગો છે.
ગ્રંથનું પ્રકાશન પ્રાશ્વ પ્રકાશન, નિશાપોળ, ઝવેરીવાડ,રીલીફ રોડ, અમદાવાદ કર્યું છે. ૨૮૦ પૃષ્ટના આ ગ્રંથની કિંમત રૂ ૨૮૦ છે.
Thursday, June 16, 2011
મેરાજ : હઝરત મહંમદ (સ.અ.વ.)ની આસમાની સફર : ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામી કેલેન્ડર મુજબ રજબ માસનો અંતિમ તબ્બકો ચાલી રહ્યો છે. ઇસ્લામમાં રજબનો માસ મેરાજ માટે જાણીતો છે. મેરાજની ૨૭ તારીખે હઝરત મહંમદ પયગમ્બર(સ.અ.વ)એ આસમાની સફર કરી હતી. પરિણામે આપણને જન્નત અને દોઝકનો તાદ્રશ્ય ચિતાર પ્રાપ્ત થયો છે. કુરાને શરીફની આયાત અને હદીસોમાં મહંમદ સાહેબના આ આસમાની પ્રવાસનું સુંદર વર્ણન આપવામાં આવ્યું છે. કુરાને શરીફના પારા (પ્રકરણ) ૧૫ની પ્રથમ આયાતમાં કહ્યું છે,
"અલ્લાહની જાત પાક છે. તે રાતોરાત પોતાના બંદા મહંમદને મસ્જિતએ હરમથી મસ્જિતએ અક્સા સુધીની સફર કરાવે છે. જેથી અમે તેને અમારી કુદરતના કેટલાક બેનમુન નમૂનાઓ બતાવી શકીએ."
મહંમદ સાહેબ(સ.અ.વ)ની આ આસમાની સફરનો સમય ઇસ્લામી સાહિત્યમાં જુદો જુદો આપવામાં આવ્યો છે. પણ મોટેભાગે હઝરત મહંમદસાહેબ(સ.અ.વ)ને વહી (ઈશ્વરીસંદેશ) ઉતરવાનો આરંભ થયો એ પછી પાંચમાં વર્ષે અથવા મહંમદસાહેબ(સ.અ.વ)ની ઉંમર ૪૫ વર્ષની થઈ ત્યારે રજબની ૨૭મી તારીખે રાત્રે આ સફર મહંમદ સાહેબે કર્યાનું માનવામાં આવે છે. એક રિવાયત મુજબ રજબની ૨૭મી તારીખે રાત્રે મહંમદ સાહેબ કાબા નજીક હતીમમાં આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે આ સફરનો આરંભ થયાનું માનવમાં આવે છે. જયારે અન્ય એક રીવાયાત મુજબ મહમંદ સાહેબ ઉમ્મ્તે હામીના ઘરમાં સુતા હતા. ત્યારે હઝરત જિબ્રીલ "બુરાક"નામક એક સવારી લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થયા. અને આપને એ સવારી પર બેસાડી સફરનો આરંભ કર્યો. સૌ પ્રથમ મહંમદ સાહેબે કાબાથી મસ્જિતએ અક્સા સુધી પ્રથમ પ્રવાસ કર્યો. જેને "ઇસરા" કહે છે. જેમાં હઝરત જિબ્રીલ મહંમદ સાહેબને મદીના, હઝરત ઈશાના જન્મ સ્થાન "મકાઈમ" અને કોહેતુર પર લઇ ગયા. એ પછી બયતુલ મુક્દસ પહોંચીયા. ત્યાં હઝરત આદમથી લઈને બધા જ નબીઓ સાથે આપની મુલાકાત કરાવી. ત્યાં મહંમદ સાહેબે બધાને નમાઝ પઢાવી અને "ઈમામુલ અંબીયા"નો ખિતાબ મેળવ્યો. એ પછી એ જ રાત્રે મસ્જિતએ અક્સાથી સાત આસમાન ઉપર આવેલા જન્નત અને દોઝક સાથે અલ્લાહના દીદાર સુધીના પ્રવાસનો આરંભ થયો. જેને ઇસ્લામમાં "મેરાજ" કહે છે. અલ્લાહ સાથેના હઝરત મહંમદ પયગમ્બર સાહેબના સંવાદો અંગે હઝરત મહંમદ સાહેબ લખે છે,
"પછી મને અલ્લાહના દરબારમાં લઇ જવમાં આવ્યો. એ સમયે અલ્લાહએ મારી ઉમ્મત માટે રોજ પચ્ચાસ નમાઝો ફર્ઝ-ફરજીયાત કરવાનો આદેશ આપ્યો. એ આદેશનો સ્વીકાર કરી હું અલ્લાહના દરબારમાંથી બહાર આવ્યો. રસ્તામાં હઝરત મુસા બીન ઈમરાન મળ્યા. તેમણે મને પૂછ્યું,' તમારી ઉમ્મત માટે તેટલી નમાઝો ફર્ઝ કરવામાં આવી ?' મેં કહ્યું,' પચ્ચાસ' તેમણે કહ્યું,' તે ઘણી વધારે છે. તમારી ઉમ્મત તે અદા નહિ કરી શકે.અલ્લાહને વિનંતી કરો કે નમાઝો ઓછી કરે" આમ બે ત્રણ વાર મેં અલ્લાહને વિનંતી કરી. અને ત્યારે અંતે અલ્લાહે મારી ઉમ્મત માટે દિવસની પાંચ નમાઝો ફરજીયાત પઢવાનો આદેશ સ્વીકાર્યો"
આ અંગે હઝરત અબ્દુલ્લાહ બિન મસઉદ લખે છે,
"મહંમદ સાહેબે ફરમાવ્યું છે કે મને મેરાજની રાત્રે અલ્લાહે ત્રણ બાબતોથી નવાજયો હતો. પ્રથમ સુરે બકરાની અંતિમ આયાતો. બીજું, મારી ઉમ્મત માટે પાંચ વખતની નમાઝ અને ત્રીજું, મારી ઉમ્મત માટે અલ્લાહને સિફારીશ-ભલામણનો હક્ક"
રજબની ૨૭મી રાત્રની જે પળે મહંમદસાહેબ(સ.અ.વ)એ આ સફર આરંભી હતી, એ જ પળે તેઓ આ સફર પૂર્ણ કરી પાછા ફર્યા હતા. અર્થાત મેરાજની સફર વખતે સમય થંભી ગયો હતો. મહંમદ સાહેબની આવી અદભૂત આસમાની સફરમા તેમણે જોયેલ અને જાણેલ બાબતો કુરાનએ શરીફ અને હદીસોના અમુલ્ય ઉપદેશો છે. આ સફરમાં મહંમદસાહેબ(સ.અ.વ) સાથે હઝરત જિબ્રીલ પણ હતા. જેમણે મહંમદ સાહેબ સમક્ષ જન્નત અને દોઝાકના અનેક દ્રશ્યોના ઉદેશો વ્યક્ત કર્યા હતા.
દોઝાકની મુલાકાત સમયે એક જગ્યાએ તાંબાના નખોવાળા માનવીઓ પોતાના જ નખોથી પોતાનો ચહેરો છોલી રહ્યા હતા. એ જોઈ મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " હે જિબ્રીલ , આ બધા કોણ છે ?" જિબ્રીલે કહ્યું,
"આ એ લોકો છે જેઓ દુનિયામાં પોતાના જ ભાઈઓનું માંસ ખાતા હતા. અર્થાત તેઓ પોતાના ભાઈઓની નિંદા, બદબોઈ કે ટીકાટીપણી કરતા હતા."
કેટલાક લોકો મોટા મોટા પથ્થરોથી પોતાનું જ માથું કચડી રહ્યા હતા. એ જોઈ મહંમદસાહેબે (સ.અ.વ) પૂછ્યું," આ બધા કોણ છે ?"
હઝરત જિબ્રીલએ કહ્યું,
"આ લોકો બેનમાઝી છે. જિંદગીમાં કયારેય નમાઝ પઢતા ન હતા. નમાઝને બોજા રૂપ સમજતા હતા."
આગળ જતા માટલા જેવા ફૂલેલા પેટવાળા લોકો જોવા મળ્યા. તેમના પેટમાં સાપ સાપોલીયાઓ ફરી રહ્યા હતા.આસપાસથી પસાર થતા લોકો તેમને લાતો મારતા હતા. મહંમદ સાહેબે પૂછ્યું,"આ લોકો કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"હે મહંમદ, આ આપની ઉમ્મત (પ્રજા)ના એવા લોકો છે જેઓ વ્યાજખોર છે. પોતાના જાનમાલ પર વ્યાજ ખાય છે."
દોઝાકમાં કેટલાક લોકો ગુપ્ત અંગો પર ચીથરા બાંધી, જાનવરો જેમ ઝ્ક્કુમ (કંટાળા વૃક્ષ)ને ખાઈ રહ્યા હતા. મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " આ બધા કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"આ એ લોકો છે જેઓ પોતાની સ્થાવર અને જંગમ મિલકતમાંથી ગરીબોને જકાત કે ખેરાત આપતા ન હતા." કેટલાક લોકો લોખંડની કાતરથી પોતાની જીભ અને હોઠોને કાપી રહ્યા હતા. મહંમદસાહેબ(સ.અ.વ)એ પૂછ્યું, " આ બધા કોણ છે ?" જિબ્રીલએ કહ્યું,
"આ આપની ઉમ્મત (પ્રજા)ના એ ખતીબો, ઈમામો અને ધર્મગુરુઓ છે જેઓ બીજાને તો નસીહત (ઉપદેશ) આપતા હતા પણ પોતે તેનો અમલ કરતા ન હતા."
મહંમદ સાહેબની આસમાની સફર આવા તો અનેક ઉપદેશાત્મક દ્રશ્યો સાકાર કરે છે. મેરાજની રાત્રે આપણે આ દેશ્યોની યાદ કરી, તેના ઉપદેશને જીવનમાં સાકાર કરવાનો પ્રયાસ કરીએ
એ જ દુવા- આમીન.
એ જ દુવા- આમીન.
Saturday, June 11, 2011
ગુજરાતમાં મુસ્લિમ શિયા વહોરા પંથનો ઉદભવ અને વિકાસ : ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામમા શિયાપંથના બે વિભાગો જાણીતા છે. તેમા મુસ્તાલી અર્થાત વહોરા અને નીમારી અર્થાત ખોજાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વહોરાપંથનો પ્રચાર કરનાર મૌલાના અબ્દુલ અલી સૈફ નામક ઇસ્માઈલી પ્રચારક હતા. તેઓ પોતાના ગ્રંથ "મજાલીસ સફફીયા" (રચના ઇ.સ. ૧૮૦૯)મા લખે છે,
"આદમ બિન ઝકીમુદ્દીને જણાવ્યુ છે કે મુસ્તનીસર લિલ્લાહ (ફાતિમા ખલીફા મિસર)એ અબ્દુલ્લાહ અને અહેમદ નામના બે મીસરીને યમનના પ્રચારક પાસે એવા ઈરાદાથી મોકલ્યા કે તેની પાસેથી હિન્દુસ્તાનમાં પ્રચારનું કાર્ય લઇ શકાય. અને તે બંને યમનથી પ્રચાર અર્થે ભારતના ખંભાત બંદરે આવ્યા."
ગુજરાતમાં શિયા વહોરા પંથના ઉદય માટે ઈ.સ. ૧૦૬૭ના અરસામાં અરબસ્તાનના યમન પ્રાંતના હીરોઝ ગામમાંથી ઈસ્માઈલી મુસ્તાલી કોમના વડા મુલ્લાજીએ અબ્દુલ્લાહ નામક એક દાઈને ગુજરાતમાં મોકલ્યા હતા. તેઓ ખંભાત બંદરે ઉતર્યા હતા. દાઈ અબ્દુલ્લાહ અત્યંત વિદ્વાન અને ચમત્કારી હતા. તેમણે સૌ પ્રથમ ખંભાતમાં રહીને ત્યાના લોકોની રહેણીકરણીનો ઊંડાણથી અભ્યાસ કર્યો. અને પછી પોતાના પંથનો પ્રચાર કર્યો. ધર્મ પ્રચારમાં તેમને સફળતા અપાવનાર બે કથાઓ શિયાપંથના ઇતિહાસમાં નોંધાયેલી છે. કાકા કેલા અને તેમની પત્ની કાકી કેલી ખંભાત પાસે એક ખેતરમાં કામ કરતા હતા. ત્યારે દાઈ અબ્દુલ્લાહ ત્યાંથી પસાર થયા. તેમણે આ દંપતી પાસે પીવા માટે પાણી માંગ્યું. પણ ખેતરના કુવામાં પાણી ન હતું. તેથી કાકી કેલીએ તેમને પાણી ન આપ્યું. ત્યારે દાઈ અબ્દુલ્લાહે કાકા કેલાને કહ્યું, " જો આપ બંને પતિ-પત્ની મુસ્લિમ થવા તૈયાર થાવ તો હું આ સુકાય ગયેલા કુવામાં પાણી લાવી આપું" કાકા કેલા સંમત થયા. અને દાઈ અબ્દુલ્લાહે કુવામાં તીર માર્યું. અને કુવામાં પાણી ઉભરાવા લાગ્યું. કાકા કેલી અને કાકી કેલી આ ચમત્કાથી પ્રભાવિત થયા. અને તેમણે ઇસ્લામનો અંગીકાર કર્યો. એ પછી ખંભાત વિસ્તારમાં ઘણા હિન્દુઓ મુસ્લિમ થયા. તેઓ બધા વહોરા કહેવાયા. આજે પણ ખંભાત પાસે આવેલી કાકા કેલાની મઝાર શિયા વહોરાઓનું મોટું યાત્રા ધામ છે. દાઈ અબ્દુલ્લાહનો બીજો ચમત્કાર પણ ખંભાતના જ લોકોએ જોયો હતો. એક જાહેર સ્થળે લોખંડનો એક વિશાળ હાથી હવામાં લટકતો હતો. જે જાહેર ઈમારતના ખંડમાં હાથી લટકતો હતો, તે ઓરડામાં ચારે બાજુ લોહચુંબક ગોઠવેલા હતા. દાઈ અબ્દુલ્લાહએ ધીમે ધીમે ચારે દીવાલોમાંથી લોહચુંબક કાઢ્યા. અને હાથીનો એક એક પગ જમીન પર ઉતાર્યો. તેમના આ ચમત્કાર પછી લોકોમા તેમના પરનો વિશ્વાસ અને ખ્યાતી બને વધ્યા. એ વખતના ગુજરાતના શાસક સિદ્ધરાજ જયસિંહ (૧૦૯૪-૧૧૪૩) અને તેના વજીર ભારમલ અને તેના ભાઈ તારમલે દાઈ અબ્દુલ્લાહના આવા ચમત્કારોથી પ્રભાવિત થઈ ઇસ્લામ અંગીકાર કર્યાનો ઉલ્લેખ શિયા વહોરાઓના ઇતિહાસમાં જોવા મળે છે. જો કે આ ઉલ્લેખના ઐતિહાસિક આધારો પ્રાપ્ત થતા નથી. પણ તેના પરથી એટલું તારણ કાઢી શકાય કે દાઈ અબ્દુલ્લાહએ ગુજરાતમાં આવી, હિંદુ સમાજને પ્રભાવિત કરી, ઇસ્લામના શિયાપંથનો બહોળો પ્રચાર કર્યો હતો. કારણકે સિદ્ધરાજ જયસિંહ અને અજયપાલ (૧૧૭૩-૧૧૭૬)ના સમયમા શિયાપંથના અનેક અનુયાયીઓ ગુજરાતમાં આવ્યા હતા. અજયપાલે તો રાજ્યમાં શિયાપંથના પ્રચારકોને ઘણી સગવડતાઓ આપ્યાના આધારો મળે છે.
ગુજરાત પર મહંમદ ગઝનીના આક્રમણના અનેક રાજકીય અને ધાર્મિક કારણો ઇતિહાસમાં આપવામાં આવ્યા છે. પણ ફારસી સાહિત્યના ઇતિહાસમાં મહંમદ ગઝનવીની શિયાઓ પ્રત્યેની સુગને પણ એક મહત્વના કારણ તરીકે વ્યક્ત કરવામાં આવેલ છે. મહંમદ ગઝનવીએ અજયપાલના રાજ્યમાં હેરાનગતિ કરવાના બદલે મુલતાનમાં જ્યાં શિયાઓની વસ્તી વધારે હતી ત્યાં ચડાઈ કરી હતી. આવા કપરા સમયમાં પણ શિયા દાઈઓએ પોતાનો પ્રચાર અઢી દાયકા સુધી અર્થાત ચૌદમાં સૈકાના અંત સુધી ચાલુ રાખ્યો હતો. એ પછી ગુજરાતના સુબા તરીકે ઝફરખાન સાથે અનેક સુન્ની ઉલેમાઓ ગુજરાતમાં આવ્યા હતા. તેના પૌત્ર અને અહમદાબાદના સ્થાપક અહમદ શાહના શાસનકાળમાં શીયોનો પ્રચાર થોડો માર્યાદિત થયો હતો. મોગલ શાસનકાળ દરમિયાન પણ શિયા અને સુન્ની વચ્ચેનો સંઘર્ષ યથાવત રહ્યો હતો. આ યુગનો શિયાપંથનો મહત્વનો ઐતિહાસિક બનાવ વડા મુલ્લાજીનું યમનથી ઈ.સ. ૧૫૩૯ હિજરી સન ૯૪૬ ગુજરાતમાં આગમન હતો. એ માટે ગુજરાતમાં શિયાપંથનો વધતો જતો વિસ્તાર અને યમનમા શિયાપંથમાં આવેલી ઓટા જવાબદાર હતા. આ ઉપરાંત એક અન્ય કારણ પણ ઇતિહાસમાં નોંધાયેલ છે. ઈ.સ. ૧૫૩૭મા તુર્કોએ એડન અને કિનારાના પ્રદેશો જીતી લીધા હતા. આથી પરોક્ષ રીતે વડા મુલ્લાજીને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આમ ગુજરાતમાં આવનાર ૨૪મા દાઈ મુલ્લ્લાજી સાહેબ યુસુફ બિન સુલયમાન હતા. તેમણે ગુજરતામાં આવી પોતાની ગાદી સૌ પ્રથમ સિદ્ધપુરમાં સ્થાપી હતી.
મોગલ શાસનકાળ દરમિયાન શિયા વહોરા કોમમાં બે ફિરકા પડ્યા. એક દાઉદી વહોરા અને બીજા સુલયમાની વહોરા. આ ફાંટા ઈ.સ. ૧૫૯૧મા થયા. સુલયમાની વહોરા પ્રથમ ગુજરાતના વડા મુલ્લાજીને પોતાના ધાર્મિક વડા માનતા હતા. પરંતુ ઈ.સ. ૧૫૮૮મા ગુજરાતના વહોરાઓના વડા મુલ્લાજી દાઉદ બિન અજબ શાહ વફાત (અવસાન) પામ્યા. ત્યારે ગુજરાતના વહોરાઓએ વારસદાર તરીકે દાઉદ કુતુબ શાહને નીમી તેની જાણ યમનમા કરી. દરમિયાન યમનના મુલ્લાજીએ ત્યાના એક મુલ્લાજી સુલયમાનને મર્હુમ વડા મુલ્લાજીના વારસદાર તરીકે જાહેર કર્યા. અને તેઓ ગુજરાતમાં આવ્યા.પરંતુ ગુજરાતના જુજ વહોરાઓએ જ તેમનો સિવાય સ્વીકાર કર્યો હતો. જેથી તેઓ પાછા અરબસ્તાન જતા રહ્યા હતા. ગુજરાતના વહોરાઓમાંથી જેમણે સુલયમાનનો મુલ્લાજી તરીકે સ્વીકાર કર્યો, તેઓ સુલયમાની વહોરા કહેવાય. આજે પણ સુલયમાની વ્હોરાઓની સંખ્યા ગુજરાતમાં ઓછી છે.
Sunday, June 5, 2011
‘Jihad means fight against inner impurity’ : Prof. Mehboob Desai
‘Jihad means fight against inner impurity’
PRINCIPAL CORRESPONDENT
Monday, October 04, 2010 AT 12:08 PM (IST)
PUNE: Jihad is a grossly misunderstood concept. It calls for Muslims to wage inner war against impurities and not harm others, a senior Islamic scholar and historian said on Sunday.
“Jihad is a spiritual war against inner impurities. It is way of spiritual rediscovery. Nowhere Jihad is mentioned as form of violence and bloodshed. It means reforms,” professor and head, Department of History, Bhavnagar University, Gujarat Mehboob Desai said.
He was speaking at the valedictory function of two-day national round table conference on “Need to Promote the Culture of Peace in the World”, organised by World Peace Centre (Alandi) MAEER’s MIT, Pune.
“Despite this fact, the world still connects Jihad with killings and destruction. This is because we have ourselves failed in presenting our religion in proper form. Islam means peace. But we have given the religion our meaning,” Desai said.
“The level of tolerance in Indians is much higher than anywhere in the world. There has been so many rulers coming from outside. We have been tolerant enough to give everybody the space to come and rule here. But despite so many changes in rulers, our core Hinduism has not changed a bit,” he said.
Clarifying his statement, Desai said that by Hinduism, he meant the way of Indian culture and living, not religion.
“Hinduism is a culture and way of life. It is not a religion. Our core culture is tolerance and secularism. Hence, every Indian is a Hindu,” the History professor said.
He said that fundamentals of Islam don’t mention anything that would hurt anyone’s feelings. In conclusion, he recited a couplet of famous poet Nida Fazli: “Apne gamon pe na roya jaye, chalo ghar ki cheezon ko sajaya jaye, ghar se masjid haye bahut dur, chalo kisi rote huye bachche ko hasaya jaye.”
EXPERT SPEAK
“Jihad is a spiritual war against inner impurities. It is way of spiritual rediscovery. Nowhere Jihad is mentioned as form of violence and bloodshed. It means reforms.”
ફિઝીબિલીટી અને ઇસ્લામ : ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામમાં ઉદેશની પ્રાપ્તિ અર્થે શક્યતા અને સંભાવનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અંગ્રજીમાં જેને ફિઝીબિલીટી કહે છે. મેનેજમેન્ટમાં પણ ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ઉદેશની પ્રાપ્તિ અર્થે સંભવિત અને શક્ય તમામ પ્રયાસો કરવા અનિવાર્ય છે. પણ એ પ્રયાસોમાં કયાંય જડતા, રૂઢિચુસ્તતા કે અમાનવીયતાને સ્થાન નથી.મેનેજમેન્ટમાં પણ ઉદેશની પ્રાપ્તિ અર્થેના પ્રયાસો માનવતા પૂર્ણ અને પરિસ્થિતિને અનુરૂપ સંભવિત રીતે કરવાનો સિધ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"અલ્લાહ માનવી પર એટલું જ ભારણ આપે છે, જેટલું તે સહેવાની શક્તિ ધરાવે છે."
અર્થાત સંભવિત કે શકય સ્થિતિને નજર અંદાજ કરી,માત્ર જડવલણને વળગી રહેતો એક પણ સિધ્ધાંત ઇસ્લામમાં જોવા મળતો નથી. જેમ કે નમાઝ અને રોઝા ઇસ્લામમાં ફરજીયાત છે. ઈબાદતનો તે ફરજીયાત પ્રકાર છે. દરેક પુક્ત મુસ્લિમ માટે તે ફરજીયાત છે. પણ શક્ય અને સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માંદા માનવી માટે તેમાંથી મુક્તિનો આદેશ ઇસ્લામમાં આપવામાં આવ્યો છે. પણ જયારે તે પુનઃ સ્વસ્થ થઈ જાય પછી માંદગીને કારણે છૂટી ગયેલા રોઝા અને નમાઝ અદા કરવાનો આદેશ પણ ઇસ્લામમાં આપવામાં છે.
હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પોતાના જીવન અને ઉપદેશોમાં આ જ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું હતું. હઝરત મહંમદ સાહેબે ઉત્તર સિરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદા જુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્ર્ન્તના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાકીય શાસન ચલાવવા કાબેલ છે કે નહીં તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા હતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનું મહંમદ સાહેબે નક્કી કર્યું. પણ એ પહેલા મુઆઝનો ઇન્ટરવ્યૂ લેવા માટે મહંમદસાહેબ(સ.અ.વ.)એ તેને બોલાવ્યો અને વાતચીત આરંભ કરતા પૂછ્યું,
"તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?"
મુઆઝએ જવાબ આપ્યો,
"કુરાને શરીફની આયાતોને"
"પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ બંધબેસતી આજ્ઞા કુરાને શરીફમાં ન મળે તો ?"
"ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ"
"પણ જો પયગમ્બરના આદેશમાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ના મળે તો ?" મહંમદ સાહેબ(સ.અ.વ.)એ પૂછ્યું.
"મુઆઝએ જવાબ આપ્યો,
"ત્યારે હું મારી અક્કલ હોંશિયારીથી નૈતિક રીતે નિર્ણય લઈશ"
મહંમદસાહેબ(સ.અ.વ.) મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,
"જયારે બે માનવીઓ તારી પાસે ન્યાય મેળવવા આવે ત્યારે બંનેને સારી રીતે સંભાળ્યા પછી જ તારી વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય કરજે"
મેનેજમેન્ટના નિષ્ણાતો આજે આ જ નિર્ણય શક્તિની વાત વારંવાર કરે છે. જેમાં ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવનાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઇસ્લામના પ્રચાર પ્રસારમાં પણ આ જ ફિઝીબિલીટી- શક્યતા કે સંભાવનાને કેન્દ્રમાં રાખવામાં આવી હતી. ઇસ્લામના દુશ્મનો સામે યુદ્ધ અનિવાર્ય હતું. યુધ્ધમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેમ મહંમદસાહેબ ખુદ ઇચ્છતા હતા. એવા કપરા સંજોગોમાં પણ મહંમદ સાહેબે જડતા નથી દાખવી. દરેક નાનામાં નાના માનવીના સંજોગો અને સંભાવનાઓનો મહંમદ સાહેબે વિચાર કર્યો હતો. યુધ્ધના એ દિવસોમાં એક યુવાન મહંમદ સાહેબ પાસે આવ્યો અને બોલ્યો,
"હે પયગમ્બર, હું અલ્લાહને વાસ્તે લડાઈમાં જવા ઈચ્છું છું"
મહંમદ સાહેબે તેને પૂછ્યું,
"તારી માં જીવે છે ?"
યુવાન બોલ્યો, " હા "
મહંમદ સાહેબે પૂછ્યું, "શું કોઈ તેની સંભાળ રાખનાર છે ?"
પેલા યુવાને જવાબ આપ્યો, "ના"
મહમંદ સાહેબે કહ્યું, "તો જા તારી માની સંભાળ રાખ, કારણકે તેના પગોમાં જ જન્નત છે."
ઇસ્લામમાં વઝુ અર્થાત પાણી દ્વારા પવિત્ર થવાની ક્રિયા કર્યા પછી જ કુરાને શરીફને સ્પર્શ, તેનું વાંચન, નમાઝ કે મસ્જિત પ્રવેશ શક્ય બને છે. પણ અરબસ્તાનમાં વઝુ માટે પાણી અછતની સંભાવના અને શક્યતાઓને સ્વીકારી કુરાને શરીફમાં પાણી વગર પવિત્ર થવાની ક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને તયમ્મુમ કહેવામાં આવે છે. આ અંગે કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
"જો તમે બીમાર છો, મુસાફરીમાં છો, કે કોઈ અપવિત્ર ક્રિયા જેવી કે હાજત કે પત્ની સાથે હમબિસ્તર કરીને આવ્યા છો. એવા સમયે પવિત્ર થવા પાણી ઉપલબ્ધ ન હોય તો પવિત્ર મિટ્ટી કે માટીથી તયમ્મુમ કરો"
અર્થાત માટી પર હાથ મૂકી તે હાથો ચહેરા અને હાથો પર ફેરવો. તમે પવિત્ર થઈ જશો. તયમ્મુમ માટે ઇસ્લામે અગ્નિથી સળગી જાય કે ઓગળી જાય તેવી વસ્તુઓ માન્ય કરેલ નથી. એ માટે રેત, પથ્થર, કંકર, માટીની કાચી કે પાકી ઈંટોનો ઉપયોગ થઈ શકે. ઉપરોકત વસ્તુઓ જો ઉપલબ્ધ ન હોય ત્યારે તમારા ચહેરા કે હાથો પર જામી ગયેલ ધૂળ કે રેતી પર હાથ ફેરવી તે હાથ મો અને હાથો પર ફેરવવાથી પણ પવિત્ર થઈ જવાશે.
ઇસ્લામના આવા અનેક વ્યવહારુ નિયમો અને આદેશો તેની શક્યતા અને સંભાવનાઓ અંગેની પાકી સમજ પર આધારિત છે. અને એટલે જ આજના આધુનિક મેનેજમેન્ટના નિયમોને ઇસ્લામે આજથી સાડા ચૌદસો વર્ષ પૂર્વે સાકાર કાર્ય હતા, એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય.
Saturday, June 4, 2011
નૈતૃત્વ કૌશલ્ય અને ઇસ્લામ : ડૉ.મહેબૂબ દેસાઈ
લીડરશીપ અર્થાત નૈતૃત્વ કૌશલ્ય અંગેના લક્ષણોની ચર્ચા મેનેજમેન્ટના ગ્રંથોમાં વિશદ રીતે આપવામાં આવી છે. પણ તેની ચર્ચા કરવાનો અત્રે ઉપક્રમ નથી. ઇસ્લામિક સાહિત્યમાં તે અંગે આપવામાં આવેલા અવતારણો, ઉલ્લેખો અને ઉદાહરણોની થોડી વાત કરવી છે. અબુ દાઉદની એક હદીસમાં કહ્યું છે,
“જો પ્રવાસમાં ત્રણ વ્યક્તિઓ સાથે હોય તો તેમાંથી એકને તેનું નૈતૃત્વ સોંપવું જોઈએ”
એક તબરાની હદીસમાં કહ્યું છે,
“પ્રજાના નેતા પ્રજાના સેવક છે.”
ઇસ્લામ અને મેનેજમેન્ટ નામના ગ્રન્થના લેખક ડૉ. નિક્યુર જબનોયુમ ઇસ્લામિક નૈતૃત્વના લક્ષણોને આલેખતા લખે છે,
“ઇસ્લામિક નૈતૃત્વ કરનાર વ્યક્તિ, લેવા કરતા પ્રજાને વધુ આપવામાં ખુશ થાય છે. એ અર્થમાં તેઓ પ્રજાના સાચા સહાયક છે.” એનું ઉત્તમ ઉદાહરણ હઝરત મહંમદ (સ.અ.વ.) અને ઇસ્લામના ચાર ખાલીફાઓ છે. જેમણે ઇસ્લામિક શાશન દરમિયાન પ્રજાના હિતોનું ભરપુર પોષણ કર્યું હતું. તેમનું સાદું અને સરળ જીવન પ્રજા માટે આદર્શરૂપ હતું. તેમની સરળ પણ અસરકાર સલાહો પ્રજામાં અત્યંત લોકપ્રિય બની હતી. એકવાર એક વ્યક્તિએ હઝરત ઉમર પાસે અન્ય કોઈ વ્યક્તિની પ્રશંશા કરી. ખલીફા હઝરત ઉમરે શાંતિથી સાંભળી પૂછ્યું,
“તમારે તેની સાથે કયારેય કોઈ કામ પડ્યું છે ?”
પેલાએ કહ્યું, “ના”
આપે પૂછ્યું, “કયારેય મુસાફરીમાં પણ સાથે રહ્યા છો ?” પેલાએ કહ્યું, “ના”
એ સાંભળી હઝરત ઉમરે ફરમાવ્યું, “ એટલે તમે એવી વ્યક્તિની વાત કરો છો જેને તમે ઓળખતા જ નથી. કયારે અજાણ્યા માનવી માટે કોઈ અભિપ્રાય ન આપશો”
હઝરત ઉમર સાદગી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ હતા. તેમના કપડા હંમેશા થીગડાંઓથી ભરપુર રહેતા.પણ તેના પ્રત્યે કયારે તેમનું ધ્યાન ન જતું. એકવાર એક પ્રાંતનો ગવર્નર તેમને મળવા આવ્યો. તેણે અત્યંત મૂલ્યવાન વસ્ત્રો, અત્તર અને ખુશબુદાર તેલ વાળમાં નાખ્યા હતા. એ જોઈ હઝરત ઉમર ખુબ નારાજ થયા. અને તુરત તેમના કિંમતી વસ્ત્રો ઉતરાવી તેમને મોટો સાદો ઝ્ભો પહેરાવી દીધો અને પછી ફરમાવ્યુ,
“સમાજના સેવકોની સાદગી સમાજ માટે પ્રેરણા હોય છે.”
હદીસ બુખારી શરીફમાં પણ એક આવી જ ઘટના આલેખવામાં આવે છે. જેમાં લખ્યું છે,
“હઝરત ફારુખે એક જોડ વિચાર રેશમી કપડા જોયા. તેમણે મહંમદ સાહેબને કહ્યું,’આપ તેને ખરીદી લો જુમ્માના દિવસે તે પહેરજો. એ દિવસે કોમના પ્રતિનિધિઓ આપને મળવા આવે છે.’ મહંમદ સાહેબે એ સાંભળી ફરમાવ્યું, ‘ આવા કપડા એવા લોકો પહેરે છે જેને આખિરતમાં કોઈ હિસ્સો નથી. ખુદાને ત્યાં તેને કોઈ જ સ્થાન નથી.’
આદર્શ નેતા તેના અનુગામીના વિચારોને સાંભળે છે. તેની ભૂલોને સુધારે છે. અને તેનું ઘડતર કરે છે. જેથી તેની ગેરહાજરીમાં પણ ઉદેશની પૂર્ણતાનું કાર્ય અવિરતપણે ચાલતું રહે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ પોતાના અનુગામીની ભૂલોને સુધારી પોતાના અનુગામીઓને ઘડ્યા હતા. અને તેમને સત્તાના સુત્રો સોંપ્યા હતા. તેનું ઉત્તમ ઉદાહરણ ઇસ્લામના ચાર ખાલીફાઓ હઝરત અબુ બક્ર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન અને હઝરત અલી છે. જેમના શાસનકાળ દરમિયાન ઇસ્લામના વિચારો વિશ્વભરમાં પ્રેમ અને એખલાસના સંદેશ સાથે પ્રસરતા રહ્યા હતા.
એ જ રીતે આદર્શ નેતા કે લીડર પોતાન નિર્ણયને પોતાના કર્મચારી કે પ્રજા ઉપર કદાપી લાદતા કે થોપતા નથી. હઝરત ઉમરના ખલીફા તરીકેના સાડા દસ વર્ષના શાસનકાળ દરમિયાન તેમણે કયારેય કોઈ આદેશ આપ્યો ન હતો. જયારે પણ કોઈ નિર્ણય આપવાનો થતો ત્યારે તેઓ અત્યંત નમ્ર સ્વરેપોતાના મંત્રીઓ કે પ્રજાને કહેતા,
“આ અંગે મારો નમ્ર અભિપ્રયા એ છે કે ......”
અને પછી પોતાનો એ વિચાર રજુ કરતા. અને તેમનો એ વિચાર મંત્રીઓ કે પ્રજા માટે આદેશ બની જતો. તેમના આ વ્યવહારમાં તેમની સત્તા કરતા લોકોને સાથે રાખીને ચાલવાની તેમની નીતિ લોકોને સ્પર્શી જતી હતી. શક્તિશાળી અને વિશ્વાસપાત્ર વ્યક્તિ કોઈ પણ સંસ્થા માટે જણસ સમાન હોય છે. એ જ બાબત પર ભાર મુક્તા કુરાને શરીફમા કહ્યું છે,
“એવા માનવીને નોકરીએ રાખો જે શક્તિશાળી અને વિશ્વાસપાત્ર હોય,” અહીંયા શક્તિનો અર્થ શારીરિક બળ નથી. શક્તિ અર્થાત નૈતિકબળ. આત્માબળએ દરેક નેતાનું આગવવું લક્ષણ છે. એ જ રીતે સમાજ કે સંસ્થામા કાર્ય કરનાર દરેક માનવીના વ્યવહાર વર્તનની અસર સમગ્ર સમાજ પર થતી હોય છે. અને એટલે જ નૈતૃત્વ કરનાર માનવીનું અન્ય સાથેનું વર્તન હંમેશા માન અને માનવતા પૂર્ણ હોવું જોઈએ. હદીસ બુખારી શરીફમાં આ અંગે કહ્યું છે,
“જે માનવી પોતાની બિરાદરી સાથે માન અને માનવતા પૂર્ણ સંબંધો જાળવી રાખે છે, તેને ખુદા પોતાની સાથે રાખે છે.”
આજે લીડરશીપ કે નૈતૃત્વ કૌશલ્ય માત્ર રાજકારણનો વિષય નથી રહ્યો. વેપાર ઉદ્યોગમાં પણ તેનો સૈધાંતિક વિકાસ થયો છે. ઇસ્લામમાં પણ વેપારના વિકાસમાં નૈતૃત્વ શક્તિઓ સ્વીકાર થયો છે. ખુદ મહંમદ સાહેબ મૂલ્યનિષ્ઠ સફળ વેપારી હતા. કુરાને શરીફમાં પણ વેપારની નૈતૃત્વ શક્તિ માટે
માર્ગદર્શક આદેશો આપવામા આવ્યા છે.
“તારા વેપારના વિકાસ માટે અનૈતિક માર્ગો ન અપનાવીશ. ત્રાજવાની દાંડીને ઠેસ તારી બાજુ કદાપી ન નમાવીશ”
આવા અનેક આદેશો ઇસ્લામમાં નૈતૃત્વ શક્તિના વિકાસ માટે આપવામાં આવ્યા છે. બસ આપણે તેનો અમલ માત્ર કરવાનો છે. એ માટે ખુદા-ઈશ્વર આપણને શક્તિ આપે-આમીન.
Subscribe to:
Posts (Atom)