હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) : દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સૂફી
ડો,મહેબૂબ દેસાઈ
હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સુફી હતાં. દુનિયાના સૂફીઓના તેઓ આદર્શ હતાં.તેમના જીવનકવનમાંથી જ સમગ્ર દુનિયાના સૂફીઓએ સુફી વિચારધારાનો અર્ક મેળવ્યો છે. સાદગી, ત્યાગ, ઈબાદત, મૃદુતા,નમ્રતા, નિરાભિમાન અને ખુદાનો ખોફ તેમના જીવન આદર્શ હતાં. મદીનામાં મસ્જિત-એ-નબવીના સર્જન પછી સૌ પ્રથમ સૂફાખંડનું સર્જન કરવાની સલાહ ખુદ મહંમદ સાહેબે જ આપી હતી.ત્યારે એક સહાબીએ પૂછ્યું હતું,
“સૂફાખંડ શા માટે બનાવવો છે?’
મહંમદ સાહેબે તેનો જવાબ વાળતા ફરમાવ્યું હતું,
“ મસ્જિત-એ-નબવીમાં ખુદાના બંદાઓ ખુદાની ઈબાદત કરશે અને સૂફાખંડમાં તેઓ ખુદાની પ્રાપ્તિના માર્ગોની ચર્ચા કરશે.”
સુફી વિચારધારાનો તે પ્રારંભ હતો.પણ માત્ર સૂફાખંડના સર્જનથી સુફી વિચારધારા પ્રસરી નથી.સુફી વિચારના મૂળમાં મહંમદ સાહેબની સાદગી,ત્યાગ,બલિદાન,ઈબાદત અને સરળતા પડ્યા છે. અરબસ્તાનના વિશાળ સામ્રાજ્ય પર એક હથ્થુ શાશન કરવા છતાં મહંમદ સાહેબ નારિયેળીના પાંદડાની છતના ઝુંપડામાં રહેતા.ભવ્ય પલંગ પર નિંદ્રાધીન થવાને બદલે વાણના ખાટલામાં પાથરણા વગર સુતા.પોતાના ઘરમાં રોજ ભોજન બનાવવા જેટલી સમૃદ્ધિ ન હતી. છતાં ઘર આંગણે આવતા ફકીર કે મહેમાનને પોતે ભૂખ્યા રહી પ્રેમથી ભોજન પીરસતા અને પેટ ભરીને જમાડતા.તન પર આભૂષણો કે રેશમી વસ્ત્રો તો ઘણી દુરની વાત છે, પણ માત્ર શરીર પર એકાદ સુતરાવ કપડું ધારણ કરતા.પગમાં અત્યંત સાધારણ પગરખા પહેરતા.અરબસ્તાનના આવા બાદશાહનો કોઈ મહેલ કે દરબાર ન હતાં કે ન કોઈ દરબારીઓ હતાં.પોતાના સહાબીઓ (અનુયાયીઓ) કે સાથીઓ સાથેનો તેમનો વ્યવહાર અત્યંત સરલ અને સમાન હતો.
મુસાફરીમાં એકવાર સાથીઓ સાથે મહંમદ સાહેબ પગપાળા જઈ રહ્યા હતાં.ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયો.રાંધવા માટે સૌએ કામની વહેચણી કરી લીધી.પયગંબર સાહેબ (સ.અ.વ.)એ બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધું. સાથીઓએ કહ્યું,
“આપ એ તકલીફ ન લો. એ કામ અમે કરી લઈશું.”
મહંમદ સાહેબે ફરમાવ્યું,
“ પણ હું મારી જાતને તમારા કરતા ઊંચી રાખવા નથી માંગતો. જે પોતાને પોતાના સાથીઓ કરતા ઉંચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા”
મહંમદ સાહેબન ખુદાના અત્યંત પ્યારા નબી હતાં. છતાં પોતાના વખાણ કે પ્રશંશા તેમને કયારેય પસંદ ન હતાં.એકવાર મહંમદ સાહેબ મુઆવઝની દીકરીની શાદીમાં ગયા. તેમને જોઈને ઘરની બાળાઓ હઝરત મહંમદ સાહેબની આસપાસ ગોઠવાઈ ગઈ. અને બદ્રના શહીદોની પ્રશંશા કરતા ગીતો ગાવા લાગી. એક બાળાએ એ ગીતમાં એક કડી ઉમેરી અને ગાયું,
“ફીના નબીય્યુંન યાસઅલમુ માફીગદી”
અર્થાત “આમારી વચ્ચે એક નબી છે, જે કાલની વાત જાણે છે”
મહંમદ સાહેબે અત્યંત નમ્રતાથી ગીત ગાતી બાળાઓને રોકીને કહ્યું,
“જે ગાતા હતા તે જ ગાઓ. આવી વાત ન કરો”
મહંમદ સાહેબે ચાહ્યું હોત તો તેમની આસપાસ ધનદોલતના ભંડાર લાગી જાત.પણ મહંમદ સાહેબે કયારેય
ધનદોલતનો મોહ રાખ્યો ન હતો. તેમની જરૂરિયાતો જ એટલી મર્યાદિત હતી કે તેમને જીવન જીવવા માટે તેની ક્યારેય જરૂર પડી ન હતી.
એક રાત્રે તેમની ઝૂંપડીમાં તેઓ સુતા હતા.પણ તેમને ઊંઘ ન આવી. બેચેની જેવું લાગવા માંડયું. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું,
“આપણી છત નીચે પૈસા કે સોનું-ચાંદી નથીને ?”
હઝરત આયશા થોડીવાર વિચારી રહ્યા.પછી બોલ્યા,
“અબ્બા (હઝરત અબુબકર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે, તે પડ્યા છે.”
મહંમદ સાહેબ તુરત બોલી ઉઠ્યા,
“અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચી દે. તને ખબર નથી પ્રેષિતોની છત નીચે ધન ન હોઈ”
મહંમદ સાહેબના આવા જીવન મૂલ્યો એ જ સુફી સંતોને સુફી જીવનની સાચી રાહ બતાવી હતી. અને એટલે જ દુનિયાના પ્રથમ અને શ્રેષ્ઠ સૂફીનું સ્થાન આજે પણ મહંમદ સાહેબ શોભાવી રહ્યા છે. અને તા કયામત શોભાવતા રહેશે – આમીન.
No comments:
Post a Comment