Saturday, April 3, 2010

ઈબ્ન હિશામની કૃત " સીરતુંન - નબી : એક અદભૂત ગ્રંથ

ઈબ્ન હિશામની કૃત " સીરતુંન - નબી : એક અદભૂત ગ્રંથ

ડો.મહેબૂબ દેસાઈ



હઝરત મુહંમદ પયગમ્બર(સ.અ.વ.)નું પ્રથમ ચરિત્ર લખનાર ઈબ્ન હિશામની અંગેનો લેખ વાંચી એક વાચકે મને પત્ર લખ્યો અને મુહંમદ સાહેબનું એ ચરિત્ર વાંચવા ભલામણ કરી. અલબત એ ગ્રન્થનું વર્ષો પૂર્વે મેં આચમન કર્યું હતું . છતાં મને એ વાચકનું સુચન ગમી ગયું.એ ગ્રંથનો ગુજરાતી અનુવાદ મને મારા વિદ્વાન મિત્ર જનાબ હસનભાઈ ભડ્વોદરીએ સપ્રમ મોકલ્યો હતો. વાચકની ભલામણે મને પુનઃ તેના પાના ફેરવવા મજબુર કર્યો અને તેમાંથી મને આ અનમોલ પ્રસંગ સાંપડ્યો.

મુહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે અનેક બાદશાહોને પત્રો પાઠવ્યા હતા. એવો જ એક પત્ર તેમણે હઝરત અબ્દુલ્લાહ સાથે ઈરાનના બાદશાહ ખસરું પરવેઝને લખ્યો હતો.જેમા સૌ પ્રથમ "બિસ્મિલ્લાહ અર રેહેમાન નીર્રહીમ" અર્થાત "શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત દયાવાન અને કૃપાળુ છે" અને પછી "અલ્લાહના રસુલ તરફથી બાદશાહ ખુસરુ પરવેઝને ઇસ્લામમાં આવવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.પત્ર સાંભળી ઈરાનનો બાદશાહ
અત્યંત ક્રોધિત થયો. તેણે મુહંમદ સાહેબના પત્રના ટુકડા કરી નાખ્યા અને કહ્યું,
" આ પત્રમાં સૌ પ્રથમ ખુદાનું નામ છે. પછી મુહંમદનું નામ છે. અને છેલ્લે મારું નામ છે. આવો બદતમીઝી ભર્યો પત્ર લખનારને મારી સમક્ષ હાજર કરો"
ઈરાનના બાદશાહનો હુકમ છૂટ્યો એટલે તેના બે સિપાયો અને એક ગવર્નર મુહંમદ સાહેબને પકડવા મદીના શહેર આવી ચડ્યા.મુહંમદ સાહેબ પાસે પહોંચી તેમણે પોતાના બાદશાનો હુકમ સંભળાવ્યો,
"ઈરાનના શહેનશાહએ આપને તેના દરબારમાં હાજર થવા હુકમ કર્યો છે. આપ રાજીખુશીથી અમારી સાથે આવશો તો ઠીક છે, અન્યથા આપને કેદ કરી અમારે લઇ જવા પડશે"
મુહંમદ સાહેબ આ સાંભળી મલકાય અને એકદમ શાંત સ્વરમાં ફરમાવ્યું,

" આપ અમારા મહેમાન છો. આજે મહેમાન ખાનામાં આરામ ફરમાવો. કાલે આ અંગે નિરાંતે વાત કરીશું."

ગવર્નર અને બન્ને સિપાયોને નવાઈ લાગી. જેમને કેદ કરવા આવ્યા છીએ એ તો આપણને મહેમાન ગણે છે ! નવાઈના એ ભાવ સાથે ત્રણે મહેમાનખાને પહોંચ્યા. અને ત્યાં રાતવાસો કર્યો. બીજા દિવસે સવારે ત્રણે પાછા મુહંમદ સાહેબ પાસે આવી ચડ્યા અને પોતાના બાદશાહનો હુકમ સંભળાવ્યો. એ સાંભળી મુહંમદ સાહેબે ફરમાવ્યું,

" તમે તમારા દેશ પાછા જાવ. મારા ખુદાએ તમારા બાદશાહની બાદશાહત ખત્મ કરી નાખી છે. તેના જ પુત્રે તેની હત્યા કરી છે. અને તેનો પુત્ર ગાદી પર બેસી ગયો છે"

સમાચાર સાંભળી ત્રણે દંગ થઈ ગયા. શું બોલવું તે ભૂલી ગયા. મુહંમદ સાહેબ એક પળ તેમને જોઈ રહ્યા. પછી ફરમાવ્યું,
"તમારા નવા બાદશાહને મારો એટલો જ સંદેશો આપ જો કે આપ ઇસ્લામની દોલત સ્વીકારશો એવી આમારી વિનંતી છે.યમનના જેટલા પ્રદેશ પર તમારી હકુમત છે,તે તમારી જ રહેશે. અમારે દેશ નથી જોયતા. અમારે તો ઇસ્લામના નૂરથી તમારા દેશને રોશન કરવો છે"

આ સાંભળી ત્રણે શરમિંદા થયા. શરમથી તેમના મસ્તક ઝુકી ગયા.મુહંમદ સાહેબે એ ત્રણેને બાઈજજત પોતાના વતન પાછા ફરવા વ્યવસ્થા કરી આપી.
ઇસ્લામના પ્રચારમાં મુહંમદ સાહેબે આચરેલ આવી માનવતા અને ખુદાએ તેમને આપેલ સાથ ઇસ્લામના પ્રચારની સાચી તરાહ વ્યક્ત કરે છે.ઈબ્ન હિશામની કૃત "સીરતુંન નબી" આવા અનેક પ્રસંગોથી ભરપુર છે. એ અસલ ગ્રંથનો અનુવાદ જનાબ અહમદ મુહંમદ હથુરાનીએ કર્યો છે. જયારે તેનું પ્રકાશન મુહંમદ યુસુફ સીદાત ચાસવાલાએ કર્યું છે. એ બને મહાનુભાવોને ખુદા તેનો ઉત્તમ અજર બક્ષે એજ દુવા- આમીન.

No comments:

Post a Comment