Sunday, July 15, 2012

રમઝાનની ફઝીલત : ડૉ. મહેબૂબ દેસાઈ



આમ તો રમઝાન મુબારકનું સ્વાગત કરવા મુસ્લિમો શાબાનના માસથી તૈયારી આરંભી દે છે. કારણ કે શાબાનના અંતિમ તબક્કામા મહંમદ સાહેબ(સ.અ.વ)એ ફરમાવ્યું છે,
"મોમીનો, તમારા પર એક અત્યંત મહત્વનો અને બરકતવાળો માસ આવી રહ્યો છે. જેની એક રાત્રી હજાર માસોથી ઉત્તમ છે. ખુદાએ આ માસમાં રોઝા ફર્ઝ કર્યા છે. જે માનવી આ માસમાં સાચા હદયથી રોઝા, ઈબાદત અને નેક કાર્ય કરશે, તેને અન્ય માસોની નમાઝો જેટલો સવાબ મળશે. અને જે મુસ્લિમ આ માસમાં ફર્ઝ ઈબાદત અદા કરશે તેને ખુદા બીજા માસો કરતા સત્તર ગણો સવાબ અર્પશે"
રોઝદાર અર્થાત ઉપવાસ કરનારનું મહત્વ ખુદા પાસે અનેક ગણું છે. એક હદીસમાં આ અંગે ફરમાવ્યું છે,
"ખુદા રમઝાન માસમાં અર્શ (આકાશ)ને પકડીને બેઠેલા ફરીશ્તાઓને હુકમ આપે છે કે તેઓ પોતાની ઈબાદત છોડીને રોઝા રાખનાર પોતાના બંદાઓની દુવોમાં આમીન કહેવા દોડી જાય"
કુરાને શરીફનું અવતરણ રમઝાન માસમાં જ થયું છે. આ ઉપરાંત ખુદાની ઉતરેલી અન્ય તમામ કીતાબોનું અવતરણ પણ રમઝાનમાં જ થયું છે. હઝરત ઇબ્રાહિમ(અ.સ.)અને અન્ય પયગમ્બરોને આ જ માસની પહેલી થી ત્રીજી તારીખ સુધીમાં જ સહીફેનું અવતરણ થયું હતું. સહીફે અન્ય પયગમ્બરો પર ઉતરેલ ખુદાના આદેશનો સંગ્રહ છે. હઝરત દાઉદ(અ.સ.)ને આ જ માસની ૧૨ થી૧૮ તારીખ દરમિયાન "જુબુર"નું અવતરણ થયું હતું. હઝરત મુસા(અ.સ.)ને આ જ માસની ૬ઠ્ઠી તારીખે "તૌરાત"નું  અવતરણ થવો આરંભ થયો હતો. હઝરત ઈસા (અ.સ.)ને આ જ માસની  ૧૨ થી ૧૩ તારીખ  દરમિયાન "ઈંજીલ"નું અવતરણ થયું હતું. એ દ્રષ્ટિએ પણ રમઝાન માસને અંત્યંત પવિત્ર માસ તરીકે ઇસ્લામમાં સ્વીકારવામા આવેલ છે.
રમઝાનમાં કુરાને શરીફનું પઠન, નમાઝ,રોઝા અને ઝકાત દ્વારા દરેક મુસ્લિમ સવાબનો ખજાનો મેળવવા ઉત્સુક રહે છે. આ માસમાં દરેક મુસ્લિમ ઝકાત (દાન) આપે છે. હઝરત મહમંદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ઉત્તમ દાતા હતા. આ અંગે એક હદીસમાં કહ્યું છે,
"જ્યારે હઝરત જિબ્રીલ રાત્રે આપની પાસે આવતા ત્યારે આપની સખાવત (દાન) તેજ હવાઓ કરતા પણ વધુ તેજ થઈ જતી હતી"
ઝકાત-દાન આપવાની રીત પણ ઇસ્લામમાં અત્યંત સલુકાઈ પૂર્ણ રીતે વ્યક્ત કરવામા આવી છે. ઝકાત આપનાર મુસ્લિમ હરગીઝએ ન માને કે તે ઝકાત લેનાર પર કોઈ અહેસાન કરે છે. એ તો માત્ર ખુદાની ખુશી હાંસલ કરવા ઝકાત આપે છે. ઝકાત સ્વાર્થ, લાભ કે પ્રતિષ્ઠાના હેતુથી કદાપી ન આપશો. એ અંગે કુરાને શરીફમાં ફરમાવ્યું છે,  
"અમે તમને અલ્લાહને ખુશ કરવા માટે આપીએ છીએ, નહિ કે તમે અમારું અહેસાન માનો, અમને શુક્રિયા કહો"
ઝકાત છુપી રીતે કે જાહેરમાં આપી શક્યા છે. જાહેરમાં આપવા પાછળનો મકસદ એ છે કે તેનાથી અન્ય મોમીનોને પણ ઝકાત આપવાની પ્રેરણા મળે. અલબત્ત તેમાં દેખાડો કે પ્રતિષ્ઠા મેળવવાની ભાવના કે ઈરાદો ન હોવો જોઈએ. પણ અન્ય સદાકાઓ(દાન) છુપી રીતે આપો. જેથી સમાજમાં વધુમાં વધુ એખલાસ પ્રસરે અને બંને પક્ષે ઈજ્જત જળવાઈ રહે.બુખારી શરીફમાં કહ્યું છે,
"કયામતના અત્યંત બિહામણા ખુલ્લા તપતા મૈદાનમા, જ્યાં કોઈ પણ પડછાયો કે છત નહિ હોઈ. ત્યાં ખુદા પોતાના એવા બંદાને અર્શના ઠંડા સાયામા રાખશે, જેણે એવી છુપી રીતે રીતે દાન કર્યું હશે જેની જાણ તેના ડાબા હાથને પણ ન થઈ હોઈ"
રમઝાન માસમા માત્ર નમાઝ, રોઝા અને ઝકાત એ જ સવાબ (પુણ્ય)ના માર્ગો નથી. માનવીનો માનવી સાથેનો વ્યવહાર પણ રમઝાન માસમાં પુણ્યનો વરસાદ વરસાવે છે.રમઝાન માસમાં દરેક સાથે નમ્ર અને મહોબ્બત ભર્યો વ્યવહાર રાખો. તમારા નોકરને પણ આરામ અને પ્રેમ આપો. ખુલ્લા દિલથી તેની જરૂરિયાત પૂર્ણ કરો. એ જ રીતે ઘરના નાના મોટા દરેક સભ્યો સાથે પણ નમ્રતા અને પ્રેમથી વર્તો.રમઝાન માસ ઈબાદત અને સખાવતનો માસ છે. તેમાં ગુસ્સો, નફરત, નિંદા, અસત્ય, અપમાન ખુદાને પસંદ નથી. એ જ રીતે રોઝામાં પાબંદી અર્થાત સંયમ, તકવા પણ અનિવાર્ય છે.પણ ઇસ્લામ સંકુચિત કે અપરિવર્તનશીલ ધર્મ નથી. તે સાચા અર્થમાં માનવ ધર્મ છે. અને એટલે જ રોઝા રાખનારા વૃધ્ધો અને બીમાર મુસ્લિમોને ઉપચાર સબંધી કેટલીક સગવડતાઓ આપવામાં આવી છે. જેનો ઉલ્લેખ મૌલાના હુઝ્યફહ વસ્તાનવી સાહેબે "બયાને મુસ્તુફા" (નવેમ્બર ૨૦૦૩,પૃ ૨૩ થી ૨૭)ના અંકમાં કર્યો છે. તેમાના કેટલાક અંશો અત્રે રજુ કરું છું.
૧. રોઝામાં જરૂર પડ્યે ઇન્જેક્શન લેવું કે નસ દ્વારા શરીરમાં ગ્લુકોઝ ચઢાવવાથી રોઝો તૂટતો નથી. ઇન્જેક્શન કે ગ્લુકોઝનું પ્રવાહી જો જઠરમાં પહોંચે તો જ રોઝો તૂટે છે.
૨. રોઝાની હાલતમાં લોહી ટેસ્ટ કરવાથી રોઝો તૂટતો નથી.
૩.રોઝાની હાલતમાં હદય અથવા પેટનું ઓપરશન કરાવવાથી રોઝો તૂટતો નથી. જઠરમાં કોઈ પ્રવાહી કે ઘન દવા સ્વરૂપે જાય તો જ રોઝો તૂટે છે.
૪. રોઝાની હાલતમાં દુખતા દાંત કઢાવવાથી રોઝો તૂટતો નથી. અલબત્ત જો તેનું લોહી કે દવા ગળામાં ઉતરે તો જ રોઝો તૂટે છે.
૫. હદયમાં લોહી પહોંચાડનારી નસમાં ચરબી જામી ગઈ હોય તો એવી ગંભીર સ્થિતિમાં ઓપરેશન (બાયપાસ સર્જરી) કરાવવાથી રોઝો તૂટતો નથી.
૬. એન્ડોસ્કોપી (Endoscopy) દ્વારા તપાસ કે ચકાસણી કરવાથી રોઝો તૂટતો નથી.
આ તમામ બાબતોને આપણી સમક્ષ મુકનારા મૌલાના હુઝ્યફહ વસ્તાનવી સાહેબના આપણે આભારી છીએ. તેમણે રોઝા સમયે પણ ઇસ્લામના માનવીય અભિગમને વ્યક્ત કરી ઇસ્લામને પુનઃ એકવાર માનવધર્મ તરીકે સ્થાપિત કર્યો છે.

No comments:

Post a Comment