Monday, March 7, 2011

“જન્નત અને દોઝકને સળગાવવા જઉ છું”: શિબલી : ડૉ. મહેબૂબ દેસાઈ

સૂફીસંત શિબલી એ મન્સૂર યુગના સૂફી હતા. મન્સૂર અને શિબલીના વિચારોમાં અંત્યંત સામ્યતા હતી. મન્સુરને તેના વિચારોને કારણે શૂળી પર ચઢવું પડ્યું. જયારે શિબલીને માત્ર જેલ મળી. આ રંજ શિબલીને જિંદગીભર રહ્યો. તેને વ્યક્ત કરતા શિબલી હંમેશા કહેતા,

લોકો એ મને નાદાન સમજીને છોડી દીધો. જયારે મન્સૂરને લોકોએ દાના (બુદ્ધિમાન) સમજીને શૂળી પર ચઢાવી દીધો

શિબલીના વિચારો અત્યંત ઉંચા અને ગહન હતા. ખુદાની ખાલિસ(શુદ્ધ) ઈબાદત અને તેમની પાસે પહોંચવાની તેમની તડપ અનહદ હતી. એકવાર બે સળગતી લાકડીઓ લઈને તેઓ ઝડપથી જઈ રહ્યા હતા. કોઈકે પૂછ્યું,

સળગતી લાકડીઓ લઈને ક્યાં જાવ છો ?

શિબલીએ ચાલતા ચાલતા જ જવાબ આપ્યો,

જન્નત(સ્વર્ગ) અને દોઝક(નર્ક)ને સળગાવવા જઉ છું

પેલો સામાન્ય માનવી શિબલીની વાત ન સમજ્યો. તે શીબલીને આશ્ચર્ય નજરે તાકી રહ્યો. એટલે શિબલીએ ફોડ પડતા કહ્યું,

જેથી લોકો વિના સ્વાર્થે ખુદાની ઈબાદત કરે

શિબલી પોતાના પ્રારંભિક દિવસોમાં ખુબ અમીર હતા. પણ ખલીફાના દરબારમાં એક એવી ઘટના બની જેણે શિબલીના સમગ્ર જીવનને બદલી નાખ્યું. એ દિવસે ખલીફાએ નગરના અમીરોને ભેટ સોગાતો આપી.એમાં શિબલી પણ હતા. એક અમીર ભેટ સોગાત લઇ પોતાના સ્થાને પાછા ફરતા હતા,ત્યારે તેમને છીંક આવી.તેમણે ખલીફા એ આપેલા ભવ્ય પોશાકથી પોતાનું નાક લુછ્યું. ખલીફા એ જોઈ અત્યંત નારાજ થયા.તેમણે એ અમીર પાસેથી બધીજ ભેટ સોગાતો પરત લઇ લીધી.એ જોઈ શિબલી પોતાના સ્થાન પરથી ઉઠ્યા. અને તેમણે ખલીફાએ આપેલ ભેટ સોગાતો પરત કરતા કહ્યું,

તમારી આપેલ ભેટ સોગતોનું અપમાન તમે નથી સહી શકતા. તો પછી ખુદાએ બક્ષેલ નેમત છીંકનું અપમાન હું કેવી રીતે સહી લઉં ?

અને એ દિવસે શિબલીએ દુનિયાનો દમામ છોડી સૂફીસંત ખૈર નિસારની વાટ લીધી. ત્યાં થોડો સમય રહી તેઓ સૂફી સંત જુનૈદ બગદાદી પાસે ગયા. વર્ષો તેમની અને તેમને ત્યાં આવતા સૂફીસંતોની ખિદમત કરતા રહ્યા. એક દિવસ સંત જુનૈદ બગદાદીએ શીબલીને પૂછ્યું,

શિબલી, તમારા અહંમનો દરજ્જો તમારી નજરમાં શું છે?

શિબલીએ આંખો બંધ કરી પોતાના જહેનમાં એક નજર કરતા કહ્યું,

હું મારી જાતને સમગ્ર દુનિયાના જીવોથી નાની માનું છું અને નાની અનુભવું છું

શિબલીનો જવાબ સાંભળી જુનૈદ બગદાદી બોલ્યા,

શિબલી, તારો ખુદા તારો મિત્ર બની ગયો છે. હવે તારે મારી જરુર નથી.

એક સમય હતો જયારે શિબલી સામે કોઈ અલ્લાહનું નામ લેતું, તો શિબલી તેનું મો મીઠાઈથી ભરી દેતા. તેને અશરફીઓ ભેટમાં આપતા. પછી સમય બદલાયો. શિબલી ખુલ્લી તલવાર લઈને ફરતા. કોઈ અલ્લાહનું નામ તો તેનું માથું વાઢી નાખવાની ધમકી આપતા. એક જણે તેમને પૂછ્યું,

આવું શા માટે કરો છો ?

શિબલી વાણી,

પહેલા હું સમજતો હતો કે લોકો અલ્લાહનું નામ તેમના પ્રત્યેની પાક ઈબાદત કે મહોબ્બતને કારણે લે છે. પણ મને હવે ખબર પડી કે લોકો અલ્લાહનું નામ તેના ખોફ (ભય)ને કારણે લે છે

એક દિવસ શિબલીને તેના અંતરઆત્માનો અવાજ સંભળાયો,

ક્યાં સુધી અલ્લાહના નામને ઈશ્ક કરતો રહીશ. જો અલ્લાહથી સાચી મહોબ્બત હોય તો અલ્લાહને ઈશ્ક કરઅને તે દિવસથી શિબલી ઈશ્કે ઇલાહીમા પાગલ થઈ ગયા. અલ્લાહને પ્રાપ્ત કરવાની તેમની તલબ એટલી વિસ્તરી કે તેમણે બગદાદની મોટી નદીના પડતું મુક્યું. ખુદાએ તેમને બચાવી લીધા. ભયંકર આગમાં કુદી પડ્યા.છતાં બચી ગયા. એક ઉંચી પહાડી પરથી કુદી પડ્યા. ત્યાંથી પણ ખુદાએ તેમને બચાવી લીધા.અંતે થાકીને તેમણે અલ્લાહને પોકારીને કહ્યું,

યા અલ્લાહ, તને પામવા મેં મૌતના તમામ પ્રયત્નો કર્યા, છતાં હજુ હું જીવતો છું

અને ગેબી અવાજ તેમના કાને પડ્યો,

જે અલ્લાહના નામ પર તું મરી ગયો છે તેને અલ્લાહની મખલુક(ઈશ્વરના સર્જનો) કેવી રીતે મારી શકે?

ઇદને દિવસે દુનિયાભરના મુસ્લિમો નવા વસ્ત્રો ધારણ કરી ખુશી ખુશી ઈદ મનાવતા હતા. ત્યારે શિબલી કાળા વસ્ત્રો ધારણ કરી ફરતા હતા. કોઈકે પૂછ્યું,

ઇદના દિવસે કાળા વસ્ત્રો ધારણ કરી શા માટે ફરો છો ?

ખુદાથી ગાફિલ (અજાણ્યા) માણસો ઈદ મનાવે છે. એના દુઃખમાં કાળા વસ્ત્રો ધારણ કર્યા છે

કહે છે કે શિબલીની ઈબાદત એટલી આકરી હતી કે ઈબાદત કરતા કરતા ઊંઘ ન આવી જાય માટે તેઓ આંખોમાં મીઠું (નમક) નાખતા.તેમનું જીવન ચરિત્ર આલેખનાર વિદ્વાનો લખે છે કે તેમણે જાગતા રહેવા

તેમની આંખોમાં સાત મણ મીઠું નાખ્યું હતું.

અંતિમ દિવસોમાં શિબલીની હાલત વિચિત્ર હતી. તેમને અલ્લાહના દુશ્મન શૈતાનની ઈર્ષા આવતી હતી. કોઈકે તેનું કારણ પૂછ્યું,

શૈતાન પર તો અલ્લાહે પોતાની લાનત (નફરત) ઉતારી છે. તેની ઈર્ષા ન હોઈ.તેની તો ખુશી હોઈ

અને શિબલી વાણી,

અલ્લાહની મોકલેલી દરેક વસ્તુ મારા માટે નેમત (ભેટ) છે. મારા પર અલ્લાહ લાનત મોકલશે તો પણ મને ખુશી થશે. કારણ કે એ રીતે પણ અલ્લાહની નજર મારા પર તો છે

No comments:

Post a Comment