Sunday, March 13, 2011

“સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે” હશીમ આમલા : ડૉ.મહેબૂબ દેસાઈ

૧૨ માર્ચ ૨૦૧૧ના રોજ હોબાર્ટ(ઓસ્ટ્રેલિયા)મા મારા પુત્ર ઝાહિદના નિવાસ સ્થાનમા સાઉથ આફ્રિકા અને ભારતની મેચ જોઈ રહ્યો હતો. અચાનક મારી નજર દક્ષિણ આફ્રિકાની ટીમના ઇસ્લામિક દાઢીધારી મુસ્લિમ ખેલાડી પર પડી. અને મને તેનો કોમેન્ટેટર ડીન જોન્સ સાથેનો વિવાદ યાદ આવી ગયો. મૂળ સુરત (ગુજરાત)નો હશીમ આમલા દક્ષિણ આફ્રિકાનો ઉત્તમ બેટ્સમેન અને મીડીયમ પેસ બોલર છે. હાશીમ મોહમ્મદ આમલા મુળ સુરતી મુસ્લિમ સુન્ની વહોરા છે. સુન્નિ વ્હોરાઓ મોટી સંખ્યામાં ઝિમ્બાબ્વે, કેન્યા, બર્મા (મ્યાનમાર) કેનેડા, મોરેશિયસ, ઇંગ્લેંડ,અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં સ્થાહી થયા છે. તે પૈકી હાશીમ આમલાના દાદા સુરતથી ડરબન આવીને એક પરચૂરણની દુકાનમાં નોકરીએ રહ્યા હતા. તેની દાદીમા દક્ષિણ આફ્રિકામાં જન્મેલાં સુન્ની મુસ્લિમ હતા. તે પણ મૂળ સુરતનાં જ હતાં.આમલાના પિતા મોહમ્મદ એચ. આમલા ડોક્ટર છે. ત્રણ પેઢીથી સુરતથી હિજરત કરીને ૧૯૨૭થી આમલા ફેમિલી ડરબનમા રહે છે.તેમના બે પુત્રો પૈકીનો એક હાશીમ છે. આજે પણ તેઓ ઘરમાં સુરતી-ગુજરાતી જ બોલે છે. આમલા કુટુંબ મુળ સુરતના હરીપુરા વિસ્તારમા રહેતું હતું. હરીપુરા વિસ્તારમાં વર્ષોથી સુન્ની વ્હોરા વસે છે. હરીપુરામાં આજે પણ હાશિમ આમલાના દુર ના સગાઓ રહે છે. ૩૧ માર્ચ ૧૯૮૩મા જન્મેલ હશીમ મોટે ભાગે ત્રીજા ક્રમે રમે છે. ડર્બન સ્કુલમાંથી સ્નાતક થયેલ હશીમએ તેની કારકિદી ભારતમાંથી શરુ કરી હતી. ૨૮ નવેમ્બર ૨૦૦૪ કોલકાત્તાના ઇડર ગાર્ડનમાથી પ્રથમ મેચ રમનાર હશીમ પાંચ વખતના નમાઝી અને પાબંધ મુસ્લિમ પરિવારમાંથી આવે છે. તેને જન્મજાત મળેલ ઇસ્લામિક સંસ્કારો તેની કારકિર્દીના દરેક વણાંક પર જોવા મળે છે.

૨૦૦૬ના ઓગસ્ટમા સાઉથ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. ટેન સ્પોર્ટ્સના કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ અંત્યંત ઉત્સાહમાં કોમેન્ટ્રી આપી રહ્યા હતા. એ જ ક્ષણે હશીમે બીજી વિકેટ લીધી. અને કોમેન્ટેટર ડીન જોન્સ બોલી ઉઠ્યા,

ધી ટેરરીસ્ટ ગેટ્સ અનધર વિકેટ્સ અર્થાત આતંકવાદીએ વધુ એક વિકેટ લીધી

એક મુસ્લિમ ખેલાડીને વિશ્વ સમક્ષ આતંકવાદી તરીકે સંબોધવો, એ કોઈ પણ વ્યક્તિને ન ગમે. અને એ પણ એવા સમયે કે જયારે કેટલાક કહેવાતા મુસ્લિમો જેહાદના નામે સમગ્ર વિશ્વમા ઇસ્લામને બદનામ કરી રહ્યા હોઈ. પરિણામે મોટો વિવાદ સર્જાયો. એ વિવાદ એટલો વકર્યો કે ટેન સ્પોર્ટ્સના સંચાલકોએ કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ સાથેનો કરાર રદ કર્યો. ડીન જોન્સને ટેન સ્પોર્ટ્સ છોડવું પડ્યું. આમ છતાં હશીમએ આ ઘટના અંગે કોઈ જ પ્રત્યાઘાત ન આપ્યા કે કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ માટે એક પણ ઘસાતો શબ્દ ન ઉચાર્યો. એક પત્રકારે આં અંગે તેને પૂછ્યું,

આપને આતંકવાદી કહેનાર કોમેન્ટેટર શ્રી ડીન જોન્સ પર આપને જરા પણ ગુસ્સો નથી આવતો ?

ત્યારે અત્યંત શાંત સ્વરે હશીમ બોલ્યો,

ઇસ્લામમાં ક્ષમા અને સબ્ર મોટા આભૂષણો છે. તે દરેક માનવીએ અપનાવવા જેવા છે. એટલે હું તો તેમના એ વિધાનને ક્યારનો ભૂલી ગયો છું.

મુંબઈમાં આતંકવાદી હુમલો થયો. તેના સમાચાર વિશ્વમાં પ્રસરી ગયા. અને પુનઃ હશીમના ઇસ્લામી સંસ્કારો બોલી ઉઠ્યા,

આવી માનવ હિંસા કરનાર ઇન્સાન મુસ્લિમ નથી. કોઈ સાચો મુસ્લિમ આતંકવાદી ન હોઈ શકે

હશીમની ઇસ્લામ ધર્મની વિભાવના અને શ્રધ્ધાના કેન્દ્રમાં શુદ્ધ માનવતા છે. ઇસ્લામના પાંચ નિયમો ઈમાન (વિશ્વાસ), નમાઝ, ઝકાત(ફરજીયાત દાન), રોઝા(ઉપવાસ) અને હજજનું ચુસ્ત પણે પાલન કરનાર હશીમ એક મુસ્લિમને છાજે તેવી સુંદર દાઢી રાખે છે. ગમે તે સંજોગોમાં એ પાંચ વખતની નમાઝ પઢવાનું ચૂકતો નથી. શરાબનું બિલકુલ સેવન નથી કરતો. એટલું જ નહિ શરાબનું ઉત્પાદન કરતા વ્યવસાય સાથે પોતાનું નામ જાણ્યે અજાણ્યે પણ ન જોડાઈ જાય તેની ખાસ તકેદારી પણ રાખે છે. તેના ક્રિકેટર તરીકેના જીવનમાં તેનું સુંદર અને પ્રસંસનીય દ્રષ્ટાંત મળે છે.

આજકાલ ક્રિકેટરોનો મૈદાન પરનો પોષક જાહેરાતનું હરતું ફરતું બોર્ડ બની ગયો છે. તેના પર અનેક કંપનીઓ-સ્પોન્સરોના લોગો અને નામો ચારે બાજુ ચિતરાયેલા હોય છે. જેના અઢળક નાણા ક્રિકેટરોને મળે છે. દક્ષિણ આફ્રિકમાં રાષ્ટ્રીય ક્રિકેટર તરીકે હશીમની પસંદગી થઈ. અને તેના મૈદાન પરના પોષક પર દારૂ અને બીયર બનાવતી દક્ષિણ આફ્રિકાની મોટી કંપની કેસ્ટલનો લોગો આવ્યો. દરેક ક્રિકેટરે તે સ્વીકારી લીધો. પણ હશીમે તેનો વિરોધ કર્યો. દારૂ અને બીયરનો પ્રચાર કરતી કંપનીનો લોગો પોતાના પોષક પર ન રાખવા તેણે ક્રિકેટ બોર્ડને વિનંતી કરી. આં અંગે પણ દક્ષિણ આફ્રિકામાં કાફી વિવાદ થયો. પણ હશીમ મક્કમ રહ્યો. તેણે ક્રિકેટ બોર્ડને કહ્યું,

ઇસ્લામના નિયમ મુજબ દારૂનું સેવન કરવું, તે સેવન કરનારની મદદ કરવી, તેનું નિર્માણ કે વેચાણ કરનારને તેના કાર્યમાં કોઈ પણ રીતે મદદ કરવી એ મોટો ગુનાહ છે. એટલે હું મારા પોષક પર કેસ્ટલકંપનીનો લોગો નહિ લગાડું.

અને દક્ષિણ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે હશીમની વાત સ્વીકારી. અને હશીમના મૈદાન પરના તમામ પોશાકો પરથી કેસ્ટલકંપનીનો લોગો દૂર કરવામાં આવ્યો. ઇસ્લામના આવા માનવીય સિદ્ધાતોને જીવનમાં સાકાર કરનાર રમતવીરને તેમના આવા વલણ અંગે એક પત્રકારે કહ્યું,

તમે તો એક રમતવીર કરતા એક સંત જેવી વાતો કરો છો

અને ત્યારે સહેજ સ્મિત કરતા હશીમેં કહ્યું,

હું સાચ્ચે જ સંત નથી. પણ ઇસ્લામની જીવન પદ્ધતિએ મને સારા ક્રિકેટર બનવામાં અવશ્ય મદદ કરી છે. હું દારૂ નથી પીતો.પાંચ વખતની નમાઝ પઢું છું , જે મને માનસિક શાંતિ અને સ્વસ્થતા આપે છે. જેના કારણે મારી રમતમા હું મારું પૂર્ણ સત્વ રેડી શકું છું.

1 comment:

  1. માનનીય મહેબુબ સાહેબ આપની પોસ્ટ સરસ લાગી...અને એક મસ્લિમ તરીકે હાશીમ પ્રત્યે મને ગર્વ છે....

    આપની જાણ માટે લખુ છુ કે હાશીમ મોહમ્મદ આમલા એક સાચો મુસ્લિમ હોવાના સાથે મુળ ગુજરાતી ભારતીય ૫ણ છે જે અ૫ણા માટે વધુ ગર્વની વાત છે

    હાશીમ મોહમ્મદ આમલા મુળ સુરતી સુન્ની વહોરા મુસ્લિમ છે......સુન્નિ વ્હોરાઓ મોટી સંખ્યામાં ઝિમ્બાબ્વે, કેન્યા, બર્મા (મ્યાનમાર) કેનેડા, મોરેશિયસ, ઇંગ્લેંડ,અમેરિકા અને દ. આફ્રિકામાં સ્થાયી થયા છે તે પૈકી હાશીમ આમલાના દાદા સુરતથી ડરબન આવીને એક પરચૂરણ દુકાનમાં નોકરી કરતા હતા. તેની દાદીમા દ. આફ્રિકામાં જન્મેલાં સુન્ની મુસ્લિમ હતા. તે પણ મૂળ સુરતનાં જ હતાં.આમલાના પિતા મોહમ્મદ એચ. અમલા ડોક્ટર છે. ત્રણ પેઢીથી સુરતથી હિજરત કરીને ૧૯૨૭થી આમલા ફેમિલી ડરબન રહે છે.તેમના બે પુત્રો પૈકીનો એક હાશીમ છે, તેમના ડરબનના ઘરમાં સુરતી-ગુજરાતી જ બોલાય છે.

    અમલા મુળ સુરતના હરીપુરા વિસ્તારના રહેવાસી છે, હરીપુરા વિસ્તાર સુરત સ્ટેશનથી બે-ત્ર્ણ કિલોમિટર ના અંતરે છે...હરીપુરા વિસ્તારમાં મુખ્યત્વે સુન્નીવ્હોરા વસે છે અને અહીં હાશિમ અમલાના દુર ના કુટુંબીઓ પણ રહે છે.

    ReplyDelete