Thursday, May 26, 2011
Tuesday, May 10, 2011
ઇસ્લામ અને લીડરશીપ : ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મહંમદ (સ.અ.વ.) સાહેબ એક આદર્શ લીડર હતા, તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહિ ગણાય. તેમણે અરબસ્તાનની જંગલી અને અસંસ્કૃત પ્રજામાં એક આગવી સંસ્કૃતિ અને સભ્યતાના બીજ વાવી તેને સમગ્ર વિશ્વમાં પ્રસરાવવાનું અશકય કાર્ય સફળતા પૂર્વક પાર પાડ્યું હતું. તે જ બાબત તેમના આદર્શ નેતૃત્વને અભિવ્યક્ત કરે છે. પણ તેની ચર્ચા આરંભીએ એ પૂર્વે આધુનિક મેનેજમેન્ટનો નેતૃત્વ કે લીડરશીપનો અભિગમ ટૂંકમાં જોઈએ. ઓકસફોર્ડ શબ્દકોશમાં લીડરશીપની સમજ આપતા કહ્યું છે,
“The action of leading a group of people or an organization, or the ability to do this”
આ જ અર્થને મેનેજમેન્ટના નિષ્ણાતોની ભાષામાં કહીએ તો,
“એક માનવ સમુહને પ્રોત્સાહિત કરી,સર્વ સામાન્ય ઉદેશની પ્રાપ્તિ અર્થે સક્રિય કરવો એટલે નેતૃત્વ શક્તિ” હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ના સામાજિક જીવનના આરંભથી જ તેમનામાં આ ગુણો અરબસ્તાનની પ્રજાએ મહેસુસ કર્યા હતા. તેમના જીવનનો સૌ પ્રથમ પ્રસંગ આ બાબતનું ઉમદા ઉદાહરણ છે.
હઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ કાબા શરીફનું સર્જન કર્યું. અને તેમણે જ કાબાની દિવાલમાં હઝરત જિબ્રાઈલે આપેલ “હજરે અસ્વદ” મઢ્યો હતો. એ પછી છેક મહમદ(સ.અ.વ.) સાહેબની ઉંમર ૩૫ વર્ષની હતી ત્યારે કાબાનું પુનઃ સર્જન થયું. કાબાની જૂની દીવાલો દૂર કરી નવી દિવાલો ઉભી કરવામાં આવી. એ સમયે “હજરે અસ્વદ”ને સાચવીને દિવાલમાંથી કાઢવામાં આવ્યો. જયારે નવી દીવાલોનું સર્જન થયું ત્યારે “હજરે અસ્વદ”ને પાછો તેની મૂળ જગ્યાએ ગોઠવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો. અને મક્કાના જુદા જુદા કબીલાઓમાં એ માન ખાટવા લડાઈ ઝગડા શરુ થયા. કબીલાઓ વચ્ચે આ અંગે મતભેદો એટલા ઉગ્ર બન્યા કે મામલો ખુન-ખરાબા પર આવી ગયો. કબીલાઓ વચ્ચે તલવારો ખેંચાય. “હજરે અસ્વદ” પોતાના કબીલાના સરદારના હસ્તે જ કાબાની દિવાલમાં મુકાય તેવો તમામ કબીલાઓ આગ્રહ રાખતા હતા. મક્કામાં લોહીના પ્યાલાઓમાં હાથ બોળીને સૌ કબીલોએ સોગંદ લીધા કે અન્ય કોઈ “હજરે અસ્વદ”ને હાથ પણ લગાડશે તો મક્કામાં ખૂનની નદીઓ વહેશે. સતત પાંચ દિવસ સુધી મક્કામાં આવું ઉગ્ર વાતવરણ રહ્યું. આ ઝગડાનો નિકાલ કેવી રીતે લાવવો એ જ કોઈને સમજાતું ન હતું. અંતે મક્કાના એક વયોવૃદ્ધ અબુ ઉમૈયહ બિન મુગીરહ મખ્ઝુમીએ માર્ગ ચિંધ્યો.
“કાલે સવારે જે વ્યક્તિ સૌ પ્રથમ હરમ શરીફ(કાબાના વિસ્તાર)માં દાખલ થાય તે વ્યક્તિ જે નિર્ણય કરે તે તમામ કબીલાઓએ માન્ય રાખવો.”
બીજે દિવસે અનાયસે જ હરમ શરીફમાં સૌ પ્રથમ હઝરત મહંમદ(સ.અ.વ.)સાહેબ દાખલ થયા. એ સમયે હજુ તેમના પર “વહી”(ખુદાનો સંદેશ) ઉતરવાનો આરંભ થયો ન હતો. છતાં મક્કમાં તેમની પ્રતિષ્ઠા ખાસ્સી હતી. વેપારમાં તેમને ઘણી સફળતા પ્રાપ્ત થઈ હતી. એક ઈમાનદાર વેપારી તરીકે મક્કામાં તેમનું ઘણું માન હતું. તેમને “અમીન” (અમાનત રાખનાર)અને “સાદીક”(સત્યવાદી) કહીને મક્કાવાસીઓ બોલાવતા હતા. આમ છતાં જાહેરમાં પોતાની નિર્ણય અને નેતૃત્વ શક્તિને વ્યક્ત કરવાનો તેમના માટે આ પ્રથમ અવસર હતો. પ્રથમ કસોટી હતી.મહંમદ સાહેબ (સ.અ.વ.)એ સૌ પ્રથમ તકરારનો મુદ્દો બરાબર જાણી લીધો. પછી ફરમાવ્યું,
“એક ચાદર લાવો”
ચાદર આપને પેશ કરવમાં આવી. હજારો મક્કાવાસીઓ આતુર નજરે મહંમદ સાહેબ(સ.અ.વ.)આ સળગતા પ્રશ્નનો શું ઉકેલ લાવે છે તે જોવા ઉત્સુક હતા. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ ફરમાવ્યું,
“ચાદરને જમીન પર પાથરી દો”
ચાદરને જમીન પર પાથરી દેવામાં આવી. પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)એ પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વદ” ચાદરમાં મુક્યો અને ફરમાવ્યું,
“દરેક કબીલના સરદાર ચારે બાજુથી આં ચાદરને પકડે અને સાથે મળીને આં ચાદર ઉપાડે”
અને આમ બધા કબીલાના સરદારોએ સાથે મળીને ચાદર ઉપાડી અને “હજરે અસ્વદ” કાબા શરીફની દીવાલ પાસે લઇ ગયા. પછી મહંમદસાહેબે પોતાના હાથો વડે “હજરે અસ્વદ”ને કાબા શરીફની દિવાલમાં ગોઠવી દીધો. આમ મહંમદ સાહેબના કુનેહપૂર્વકના નિર્ણય અને નેતૃત્વ શક્તિએ મક્કામાં ખુનામરકી થતી અટકાવી અને પુનઃ શાંતિ પ્રસ્થાપિત કરી.
પછી તો મહંમદ સાહેબના સમગ્ર જીવન દરમિયાન આવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થતા રહ્યા હતા, જેનો નિકાલ મહંમદ સાહેબે અત્યંત સુઝપૂર્વક કર્યો હતો.જેમાં તેમની નેતૃત્વ શક્તિના કેટલાક વિશિષ્ટઓ લક્ષણો ઉપસી આવ્યા હતા. એ મુજબ
૧. મહંમદ સાહેબ(સ.અ.વ.)એ કયારેય પોતાની જાતને પોતાના સહાબીઓથી ઊંચી ગણી ન હતી.
૨. તેમણે પોતાના વિચારો અને કાર્યોમાં જરા પણ ભેદ રાખ્યો ન હતો.
૩. દરેક મક્કા કે મદીનાવાસીઓ સાથે હંમેશા કૌટુંબિક ભાવનાથી તેઓ વર્તતા હતા.
૪. હેંમેશા પોતાની જવાબદારી અદા કરી, એમ કરવા લોકોને દ્રષ્ટાંત પૂરું પાડતા હતા.
૫. પ્રશ્નોના ઉકેલ માટે આયોજન અને ત્વરિત નિર્ણય લેવાની શક્તિ તેમનામાં દરેક પ્રસંગે જોવા મળી હતી.
૬. મહંમદ સાહેબ પોતાના સાથીઓને બરાબર ઓળખતા હતા અને તેમના વિકાસ કે ભલા માટે હંમેશા ઉત્સુક રહેતા.
૭. પોતાના સહાબીઓ અને અનુયાયીઓ સાથે હંમેશા સંપર્કમાં રહેતા. અને વખતો વખત તેમને માર્ગદર્શન આપી મુલ્યનિષ્ઠ જીવન માટે તૈયાર કરતા.
૮. ઇસ્લામના પ્રચાર-પ્રસાર માટે માનવ શક્તિ સાથે અન્ય સાધનોનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરવાની તેમની કુનેહ અદભૂત હતી.
( ક્રમશઃ)
Thursday, April 28, 2011
સૂફીસંત સલમાન ફારસી : ડો. મહેબૂબ દેસાઈ
સૂફીસંત સલમાન ફારસી હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના સમકાલીન સંત હતા. અત્યંત અમીર અને ઉચ્ચ ખાનદાનના નબીરા સલમાન ફારસી લખે છે,
“હું ઈરાન દેશનો વતની હતો. ઇસ્ફહાન પ્રાંતમાં જૈન નામના નાનકડા ગામમાં મારો જન્મ થયો. અમે પારસી ધર્મ પાળતા હતા. અમારા ઘરમાં ચોવીસ કલાક અગ્નિ પ્રગટેલો રહેતો.અમે અગ્નિને ખુદા માનતા.”
ઉચ્ચ શિક્ષણ મેળવી સલમાન મદાઈના ગવર્નર બન્યા. આમ છતાં સાદગી અને સ્વાવલંબન તેમના જીવન વ્યવહારમાં પ્રથમથી જ વણાયેલા હતા. ગવર્નર સલમાન ફારસી એક દિવસ બજારમાં જઈ રહ્યા હતા. તેમનો અત્યંત સાદો પોષક જોઈ એક વ્યક્તિએ તેમને મજુર માની લીધા.અને ઘાસનો ભારો ઉપાડવા કહ્યું. સલમાન ફારસી ચુપચાપ ઘાસનો ભારો ઉપાડી તે વ્યક્તિને ત્યાં મૂકી આવ્યા. અને મજુરીના દિરહમ લઇ લીધા. અને રાજ્યની તિજોરીમાં જમા કરવી દીધા. જયારે પેલા માણસને ખબર પડી ,તે દોડી આવ્યો. કરગરીને માફી માગવા લાગ્યો. પણ સલમાન ફારસી એટલું જ કહ્યું,
“હું તો રાજ્યનો નોકર છું. મારા માટે રાજ્યનું દરેક કામ મહત્વનું છે.”
ગવર્નર બન્યા છતાં તેમનું મન ખુદાની તલાશમાં ભટક્યા કરતુ. એક દિવસ ખુદાની તલાશમા તેમણે ગવર્નર પદ છોડ્યું. ઘરબાર છોડ્યા. અને દેશ વિદેશમાં રઝળપાટ શરુ કરી. સિરિયા અને રોમ ગયા. ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો. અનેક પાદરીઓ સાથે ખુદા અંગે ચર્ચા વિચારણા કરી. પણ તેમને સંતોષ થયો નહિ. અંતે ખુદાની તલાશનો તેમનો સીલસીલો કૂબામાં આવી અટક્યો. મહંમદ સાહેબ જયારે મક્કાથી મદીના આવ્યા ત્યારે માર્ગમાં થોડો સમય કુબા નામના સ્થળે રોકાયા હતા. તેની જાણ સલમાન ફારસીને થતા તેઓ કુબા પહોંચી ગયા. એ ઘટનાને વ્યક્ત કરતા સલમાન પોતાની આત્મકથામાં લખે છે,
“હું સલામ કરી તેમની પાસે બેસી ગયો. મેં આપની ખિદમતમા મારી જાતને પેશ કરતા કહ્યું, “હુઝુર, મેં સાંભળ્યું છે કે આપ મક્કાથી પધારેલા છો. આપના વિચારોએ મને ઘણો પ્રભાવિત કર્યો છે. આપ મારી ખિદમતનો સ્વીકાર કરો એવી ગુજારીશ છે.”
અને આમ મહંમદ સાહેબ(સ.અ.વ)ના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને વિચારોથી પ્રભાવિત થઈ સલમાન ફારસીએ ઇસ્લામનો અંગીકાર કર્યો. એ સમયે તેઓ એક યહૂદીના ગુલામ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.)ને તેની જાણ થઈ. આપે ફરમાવ્યું,
“સલમાન, તમારા માલિકની ગુલામીમાંથી મુક્ત થઈ જાવ”
સલમાન ફારસીએ પોતાના યહુદી માલિક સાથે એ અંગે વાત કરી. માલિકે કહ્યું,
“મને ૪૦ ઉકીયાહ (૧ ઉકીયાહ બરાબર ત્રણ તોલા)સોનું અને ૩૦૦ ખજૂરના છોડવા આપ તો તને મુક્ત કરું”
સલમાન ફારસી પાસે તો ઇસ્લામની દોલત સિવાય કશું ન હતું. એટલે તેમણે મહંમદ સાહેબ(સ.અ.વ)ને વાત કરી. મહંમદ સાહેબ(સ.અ.વ)એ સોના અને ખજૂરના છોડવા માટે સહાબીઓને અપીલ કરી,
“કોઈ આ ગરીબ મુસ્લિમને મદદ કરો”
મહંમદ સાહેબ (સ.અ.વ.)ની અપીલ સંભાળતા જ એક સહાબીએ સોનાની વ્યવસ્થા કરી આપી. અને જોત જોતામાં ૩૦૦ છોડવા પણ ભેગા થઈ ગયા. પછી મહંમદ સાહેબ (સ.અ.વ.)કહ્યું,
“સલમાન, જાવ ખાડો કરો. હું પોતે આ છોડવા રોપીશ”
મહંમદ સાહેબ (સ.અ.વ)એ રોપેલા ખજૂરના એ છોડવામાંથી આજે પણ બે છોડવા ખજૂરના મોટા વૃક્ષો બની ઉભા છે. તેના પર અંત્યંત મીઠી અને ભરપુર ખજુર થાય છે.મદીનાથી આશરે બે કિલોમીટર અંતરે આવેલ એ વાડી આજે સાઉદી સરકાર હસ્તક છે.
મહંમદ સાહેબ(સ.અ.વ)ને સલમાન ફારસીના જ્ઞાન અને ઈબાદત પ્રત્યે ખુબ માન હતું. એકવાર કેટલાક સહાબીઓ સલમાન ફારસી અંગે વિવાદ કરી રહ્યા હતા.
“સલમાન કોનો પુત્ર છે. તે કયા ખાનદાનનો છે?”
મહંમદ સાહેબ(સ.અ.વ)ને તેની જાણ થતા જ આપ બોલી ઉઠ્યા,
“સલમાન અમારા અહલે બૌતમાંથી છે.”
પણ જયારે સલમાન ફારસીને કોઈ પૂછતું કે તમે કોના પુત્ર છો ?”
ત્યારે એક પળનો પણ વિચાર કર્યા વગર તેઓ બોલી ઉઠ્યા,
“હું તો ઇસ્લામનો પુત્ર છું”
સલમાન ફારસી એક દિવસ તેમના મિત્ર હઝરત અબુ દરદાને મળવા તેમના ઘરે ગયા. તેમના પત્નીએ વિખરાયેલા વાળ અને મેલા અસ્તવ્યસ્ત કાપડમાં તેમને આવકાર્ય. એ જોઈ સલમાન ફારસીએ પૂછ્યું,
“ભાભી સાહેબા, આપ આવી હાલતમાં કેમ રહો છો ?”
“ભાઈસાહબ, તમારા ભાઈને ઇબદાતમાંથી ફુરસત જ નથી મળતી. પછી કોના માટે સજીધજીને રહું?”
અને સલમાન ફારસી બધો મામલો સમજી ગયા. અને તે રાત્રી અબુ દરદાની ત્યાજ રોકાઈ ગયા.આખા દિવસનો રોઝો છોડીને અબુ દરદા તો આખી રાત ઇબાદતમાં લગી ગયા. સલમાન આ બધું ચુપચાપ જોઈ રહ્યા. સવારે ફઝરની નમાઝ પછી સલમાન ફારસીએ અબુ દરદાને કહ્યું,
“તમારા પર માત્ર અલ્લાહનો જ હક્ક નથી. તમારી પત્ની, બાળકો, મહેમાનો અને સગાવહાલાઓનો પણ અધિકાર છે. તમે તો અલ્લાહનો હક્ક અદા કરવામાં બીજાના હક્કો ભૂલી ગયા છો.”
અને સલમાન ફારસી ચાલ્યા ગયા.તેમના આ કથનની જાણ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ)ને થઇ ત્યારે આપ બોલી ઉઠ્યા,
“સલમાન સાચ્ચે જ જ્ઞાની છે”
Monday, April 18, 2011
ઇસ્લામ અને મેનેજમેન્ટ : ડૉ. મહેબૂબ દેસાઈ
ઇસ્લામ સાથેનો મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનનો સબંધ સ્થાપિત કરતા અનેક શોધપત્રો લખાયા છે, અને લખતા રહેશે. કારણ કે ઇસ્લામના પાયાના ગ્રંથ “કુરાન-એ-શરીફ”નો ઊંડાણથી અભ્યાસ કરતા માલુમ પડે છે કે તે માત્ર ધાર્મિક ગ્રંથ નથી. તેમાં ધર્મ સાથે સામાજિક, રાજકીય, આર્થિક અને વ્યવસાયિક નિયમો પણ આલેખવામાં આવ્યા છે. જેમ કે સામજિક દ્રષ્ટિએ નિકાહ,તલાક, સ્ત્રી-પુરુષના સ્થાન અને સ્ત્રી-પુરુષ વચ્ચે વારસાની વહેચણી અંગેના નિયમો કુરાન-એ-શરીફમાં સવિસ્તર આપવામાં આવે છે. એ જ રીતે વ્યવસાયને લગતા નિયમો જેવાકે તોલમાપ,માલની ગુણવત્તા,વેપાર અને વ્યાજ અંગેના નિયમો પણ તેમાં જોવા મળે છે. શિક્ષણ, તાલીમ,વ્યક્તિત્વ વિકાસ, શાસકધર્મ અંગેનું માર્ગદર્શન પણ તેમાં આપવામાં આવ્યું છે. જીવન વ્યવહાર અર્થાત કેમ જમવું , કેવા વસ્ત્રો પહેરવા, કોઈને મળવા તેના ઘરે કયા સમયે જવું અને ઘરમાં પ્રવેશતા પૂર્વે દરવાજે દસ્તક દેવા જેવા માનવીય આદેશો કુરાને શરીફમાં મોજુદ છે. ટૂંકમાં “કુરાન-એ-શરીફ”એ માત્ર ધર્મગ્રંથ ન રહેતા મૂલ્યનિષ્ઠ જીવન તરફ નિર્દેશ કરતો માનવીય ગ્રંથ વિશેષ છે. અને એટલે જ મેનેજમેન્ટ અર્થાત વ્યવસ્થા-સંચાલનના તજજ્ઞો તેમાં મેનેજમેન્ટના આદર્શ સિદ્ધાંતો જોવે છે. જો કે એ માટે સૌ પ્રથમ ઇસ્લામને ધર્મ કરતા એક વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરવો જરૂરી છે. અલબત તેનો ઉકેલ પણ કુરાન-એ-શરીફની એક આયાતમાં આપવામાં આવ્યો છે. “કુરાન-એ-શરીફ”માં વારંવાર “રબ્બીલ આલમીન” અર્થાત “સમગ્ર માનવ જાતના ખુદા” કહેવામાં આવ્યું છે. “રબ્બીલ મુસ્લિમ” અર્થાત“માત્ર મુસ્લિમોના ખુદા” જેવા સંકુચિત શબ્દનો પ્રયોગ કયાંય કરવામાં આવ્યો નથી. એ બાબત જ ઇસ્લામને સમગ્ર માનવજાત સાથે જોડે છે. અને સમગ્ર માનવજાતના કલ્યાણ માટે કાર્ય કરતી વૈશ્વિક સંસ્થા તરીકે સ્થાપિત કરે છે. અલબત ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા માત્ર આ દલીલ મેનેજમેન્ટના નિષ્ણાતો માટે પુરતી નથી. મેનેજમેન્ટના પારિભાષિક શબ્દોમાં સંસ્થા-સંગઠનને ઓર્ગેનાઈઝેશન કહેલ છે. અને તેની અનેક તજજ્ઞોએ જુદી જુદી વ્યાખ્યાઓ પણ આપી છે. સૌ પ્રથમ એવી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. અને પછી ઇસ્લામને એ વ્યાખ્યામાં એક સંસ્થા-સંગઠન તરીકે મૂકી શકાય કે નહિ તે તપાસીએ. મેનેજમેન્ટના વિદ્વાન સ્ટોનર અને ફ્રીમેન ઓર્ગેનાઈઝેશન-સંસ્થાની વ્યાખ્યા આપતા લખે છે,
“બે કે તેથી વધુ વ્યક્તિઓનો સમૂહ સંગઠિત થઈ બંધારણીય માર્ગે નિશ્ચિત ઉદેશની પ્રાપ્તિ અર્થે પ્રયાસ કરે તેને સંસ્થા કહેવામા આવે છે.”
અન્ય એ વિદ્વાન રીચાર્ડ ડ્રાફ્ટ સંસ્થાની વ્યાખ્યા આપતા કહે છે,
“એક એવો માનવા સમૂહ જે સર્વ સામાન્ય ઉદેશની પ્રપ્તિ માટે સંગઠિત થઈ કાર્ય કરે છે”
એ જ રીતે મોરહેડ અને ગીફીન લખે છે,
“એવો માનવા સમૂહ જે એવા પ્રશ્નનો સંગઠિત થઇ જવાબ આપે છે જેમાં પૂછવામાં આવે છે “આપણે શું કાર્ય કરીએ છીએ ?”
આજે વિશ્વની ૧.૫. બિલિયન પ્રજા ઇસ્લામને અનુસરે છે. તેના જીવન આદર્શોને પામવા પ્રયાસ કરે છે. ઇસ્લામના નિયમો અને આચાર સંહિતાનો અમલ કરે છે. ઇસ્લામના મઝહબી આર્થાત ધાર્મિક નિયમો સાથે તેના વ્યવસાયિક અને આર્થિક, સામાજિક બંધારણ મુજબ પોતાનો જીવન વ્યવહાર કરે છે. જેમ કે આજે વિશ્વના અનેક દેશોમાં ઇસ્લામી બેંકો કાર્યરત છે. જેમાં વ્યાજ લેવામાં કે આપવામાં આવતું નથી. આ ઉપરાંત સમાજના આર્થિક વિકાસને પામવા સમાન સમાજ રચનાનો આદર્શ પણ ઇસ્લામની દેન છે. ઇસ્લામમાં ઊંચ-નીચ, અમીર-ગરીબ જેવા ભેદો નથી. એટલે તેને નિવારવા ઝકાત- ખેરાતના સિધ્ધાંતનો ફરજીયાત અમલ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. આવી તમામ બાબતો ઇસ્લામને વૈશ્વિક સંસ્થા-સંગઠન તરીકે સ્થાપિત કરવા પુરતી છે. અને એટલે જ ઇસ્લામ માટે મોટેભાગે મઝહબ કરતા “દીન” શબ્દ વપરાય છે. “દીન” એટલે માત્ર ધર્મ કે પંથ નહિ, પણ વિશ્વાસ, ઈમાન કે શ્રધ્ધા. આમ વિશ્વનો એક મોટો માનવા સમૂહ ઇસ્લામના સંસ્થાગત નિયમો-આચાર સંહિતાને સંગઠિત થઇ અનુસરે છે. અને તે દ્વારા એક નિશ્ચિત જીવન ઉદેશને પામવાનો પ્રયાસ કરે છે.
ઇસ્લામની સંસ્થાગત દરજ્જાની પ્રાપ્તિ સાથે જ તેના મેનેજમેન્ટ અંગેના અભિગમનો આરંભ થાય છે.તત્કાલીન મેનેજમેન્ટની સર્વ સામાન્ય વ્યાખ્યા આપતા કહી શકાય કે,
“Manage your men tactfully that is Management”
અર્થાત “માનવ શક્તિનો યુક્તિ પૂર્વક ઉપયોગ કરવાનું કાર્ય એટલે મેનેજમેન્ટ” એક અન્ય વ્યાખ્યામા પણ માનવ શક્તિના ઉપયોગ તરફ ઈશારો કરતા કહેવામાં આવ્યું છે.
“Management means Getting things done, through others”
અર્થાત “અન્ય પાસેથી કાર્ય લેવાની કળા એટલે મેનેજમેન્ટ”
કુરાને શરીફની અલ ઝકહરાફ સુરમાં કહ્યું છે,
“અમે કેટલાકને અન્ય કરતા વધારે બુદ્ધિમત્તા આપી છે. જેથી તેઓ અન્ય પાસેથી કાર્ય લઇ શકે”
આજથી સાડા ચૌદ સો વર્ષ પૂર્વે મેનેજમેન્ટની આધુનિક વ્યાખ્યાઓ સાથે સુસંગત વ્યાખ્યા કુરાન-એ શરીફમા આપવામાં આવી છે. એ બાબત દર્શાવે છે કે કુરાન-એ-શરીફની આયાતોમાં મેનેજમેન્ટના આધુનિક સિદ્ધાંતો છુપાયેલા પડ્યા છે. જેમાં પ્લાનીગ, લીડરશીપ, માનવા સંસાધન વિકાસ,સમય આયોજન (ટાઈમ મેનેજમેન્ટ) ઉત્પાદન, જ્ઞાન અને ડહાપણ (નોલેજ અને વિઝડમ),ભાગીદારી,જવાબદારી, ભરતી અને તાલીમ, વ્યક્તિત્વ વિકાસ જેવા મેનેજમેન્ટના અનેક પાસાઓ પર પ્રકાશ પાથરવામાં આવ્યો છે. અલબત તેના માટે કુરાને શરીફ અને હદીસોનું ઊંડાણ પૂર્વક સંશોધન જરૂર છે.