Friday, June 9, 2023

પ્રયાણ : મહેબૂબ દેસાઇ

આંતર રાષ્ટ્રીય પ્રવાસ કરવાની ઘણી તકો મળી છે. તેના પરિપાક રૂપે પ્રવાસ કથા અને પ્રવાસ વર્ણનો લખ્યા છે. પણ તેનાથી સંપૂર્ણ ભિન્ન આંતર રાષ્ટ્રીય પ્રયાણ કરાવવાનો અદભૂદ અનુભવ હમણાં મને થયો. જે સાચ્ચે જ જાણવા અને માણવા જેવો છે. મારી પુત્રી કરિશ્મા કેનેડા નિવાસી છે. કારણ કે તેના લગ્ન કેનેડા નિવાસી ફહાદ સુરતી સાથે થયા છે. પણ તેની પાસે હજુ પ્રવાસી વિઝા છે. તેના પી. આર.ની ફાઇલ તેના પતિ એ મૂકી દીધી છે. પણ હજુ તેને પી આર મળેલ નથી. ગત વર્ષે એ ગર્ભવતી થઈ. તેની પ્રસૂતિ કેનેડામાં કરાવવા તેના પતિ અને સાસરિયાઑ એ ઘણો આગ્રહ કર્યો. પણ દીકરીની પ્રથમ પ્રસૂતિ પિયરમાં જ કરવાનો આપણો સામાજિક રિવાજ કરિશ્માને પણ વળગી રહ્યો. તેથી તેણે  પોતાની પ્રથમ પ્રસૂતિ અમદાવાદમાં અમારી નિશ્રામાં કરવાનો આગ્રહ રાખ્યો. અને ત્યારે અમારા મોટા ભાગના સ્નેહીઓ, સ્વજનો અને શુભેચ્છકોએ મને સલાહ આપેલી,

કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

આમ છતાં સપ્ટેમ્બર 2022માં કરિશ્મા કેનેડાથી અમદાવાદ આવી ગઈ. 28 ઓકટોબર 2022ના રોજ તેને ઈશ્વરની કૃપાથી પુત્રનો જન્મ થયો. તેનું નામ તેના પિતાએ જોહાન રાખ્યું. જોહાનનું જન્મ પ્રમાણપત્ર અમદાવાદ મહા નગરપાલિકામાંથી કઢાવવામાં ખાસ્સો સમય લાગ્યો. એકાદ માસમા તેના જન્મ નું પ્રમાણપત્ર મળી ગયું. અહીંથી જ જોહાનની આંતર રાષ્ટ્રીય પ્રયાણની કથાનો આરંભ થાય છે.

જોહાનના પિતા કેનેડાના નાગરિક છે. એટલે તેમનો આગ્રહ હતો કે જોહાનના નાગરિક્ત્વ માટે કેનેડામાં અરજી કરવી. કારણ કે જોહાન કેનેડાની સિટીજનશીપ માટે કાયદાકીય રીતે લાયક છે. પણ તેની પ્રક્રિયા ઘણી લાંબી અને સમય માંગી લે તેવી હતી. છતાં ફહાદભાઈએ અત્રે થી બધા દસ્તાવેજો મેળવી તે માટેની ઓન લાઇન અરજી કેનેડા એમ્બેસીમાં કરી દીધી. અને અમે સૌ જોહાનની કેનેડાની સિટીજન શીપના ઇન્તજારમાં દિવસો ગણવા લાગ્યા. બે ત્રણ માસ નીકળી ગયા. પણ કેનેડા એમ્બેસીમાંથી કોઈ જવાબ કે ક્વેરી ન આવી. અંતે ફહાદભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે,

“આવા કેસોમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. ઘણીવાર તો એકાદ વર્ષ પણ લાગી જાય છે.”

માહિતી જાણી ફહાદભાઈ વિચારમાં પડી ગયા. એક વર્ષ સુધી પત્ની અને પુત્રથી દૂર કેમ

રહેવાય ? તેમણે મને વાત કરી. મે તેમને કહ્યું,

“એથી તો જલ્દી અને સરળ ભારતીય પાસપોર્ટ કઢાવી, જોહાનના વિઝા લઈને કરિશ્મા અને જોહાનને કેનેડા મોકલી શકાય. તેઓ ત્યાં પહોંચી જાય પછી આપ જોહાનની સિટીજન શીપ માટે નિરાંતે પ્રયાસ કરજો.”

મારી વાત તેમના ગળે ઉતરી. અને મે જોહાનના ભારતીય પાસપોર્ટ માટે અરજી કરવાના દસ્તાવેજો એકત્રિત કરવા માંડ્યા. લગભગ એકાદ માસ પછીની પાસપોર્ટ માટેની તારીખ મળી. પણ તેમાં જો પતિ પત્નીમાંથી એકાદ જણ પણ વિદેશમાં હોય તો તેની સંમતિનું સહીવાળું ફોર્મ પાસપોર્ટ કચેરીમાં રજૂ કરવું પડે. મે તે ફૉર્મ (એનેકસર ડી) ફહાદભાઈને તુરત મોકલ્યું. અમે સૌ એ ફોર્મની કાગડોળે રાહ જોવા લાગ્યા. એ ફોર્મ વગર જોહાનના ભારતીય પાસપોર્ટની કોઈ જ કાર્યવાહી ન થાય. પંદર દિવસે એ ફોર્મ અમારા હાથમાં આવ્યું. ત્યારે અમને સૌને હાશકારો થયો. જોહાનના પાસપોર્ટ માટે મળેલી તારીખે કરિશ્મા અને હું બે માસના જોહાનને લઈને પાસપોર્ટ કચેરીએ પહોંચી ગયા. લાંબી કતાર અને લાંબી વિધિ અને લાંબી દલીલો પછી અમે પાસપોર્ટ કચેરીમાંથી બહાર આવ્યા, ત્યારે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવી અમને અનુભૂતિ થઈ.

જોહાનનો  ભારતીય પાસપોર્ટ આવતા લગભગ બીજા પંદર દિવસ નીકળી ગયા. પંદર દિવસમાં તે આવી ગયો ત્યારે મને લાગ્યું ચાલો દીકરી અને નવસો તેમના દેશ પહોંચી જશે. પાસપોર્ટ માટે વેઠેલ વ્યથા અને ખર્ચ લેખે લાગ્યાનો પણ સંતોષ થયો. અને એ જ ઉત્સાહમાં મે જોહાનના કેનેડાના વિઝા માટે પણ વિધિ આરંભી. તેના તમામ દસ્તાવેજો એકત્રિત કર્યા. તેની ઑન  લાઇન અરજી અને ફી પણ ભરી દીધી. અલબત્ત તેમાં સન વર્ડ ટ્રાવેલના દિશા ખત્રી એ મને ખાસ્સી મદદ કરી. અને હું નિરાંતે જોહાનના કેનેડાના વિઝાની રાહમાં દિવસો ગણવા લાગ્યો. પણ ઈશ્વરને મારી આવી નિરાંત મંજૂર ન હતી. જોહાનના વિઝા તો હજુ પ્રોસેસમાં હતા. અને કેનેડાથી જમાઈ ફહાદભાઈનો એક મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું,

“જોહાનની સિટીજન શીપની અરજી મંજૂર થઈ ગઈ છે. જેનું પ્રમાણપત્ર આપને મોકલું છું. હવે જોહાન કેનેડાનો નાગરિક છે. એટલે તેનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવો પડશે. અને તેની કેનેડાના વિઝાની અરજી પણ તુરત પાછી ખેંચી લેવી પડશે.”

મેસેજ વાંચી મને ખુશી અને રંજની મિશ્ર અનુભૂતિ થઈ. હવે પુનઃ નવી પ્રક્રિયા આરંભવી પડશે. જાણે મંજિલ પાછી દૂર ચાલી ગઈ. સૌ પ્રથમ જોહાનનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવાની વિધિનું સંશોધન મે શરૂ કર્યું. ત્યારે ખબર પડી કે આ વિધિ પણ નાની સુની નથી. તેમાં  પણ અનેક નાના મોટા  દસ્તાવેજો આપવા પડે છે. સાથો સાથ દિશા ખત્રીને જોહાનની વિઝા અરજી તુરંત મોકૂફ રાખવાની વિધિ કરવાની પણ સૂચના આપી. ભારતીય પાસપોર્ટ કઢાવવા જેટલા દસ્તાવેજો જરૂરી છે તેટલા જ દસ્તાવેજો પાસપોર્ટ રદ કરવા માટે જરૂરી છે. એ માટે પણ તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એપોઇન્ટમેન્ટ સમયે માતા અને પિતાના ભારત અને કેનેડાના બધા જ અસલ દસ્તાવેજો સાથે રાખવા પડે છે. મહા મુશ્કેલીએ પાસપોર્ટ રદ કરાવવાની એપોઇન્ટમેન્ટ મળી. એ દિવસે કરિશ્મા અને મારી પત્ની સાબેરા જોહાનને લઈને અમદાવાદની પાસપોર્ટ કચેરીએ પહોંચ્યા. એક કલાકની સઘન પૂછપરછના અંતે અધિકારીએ કરિશ્મા પાસે પ્રસૂતિ પછી ઇસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ થયાનું પ્રમાણ પત્ર માંગ્યું. કરિશ્માએ દલીલ કરી કે મે મહા નગરપાલિકાનું જોહાનના જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે. પછી ઇસ્પિતાલના ડિસ્ચાર્જ પત્રની જરૂર નથી. પણ અધિકારી ન માન્યા. અંતે કરિશ્માએ મને ફોન કર્યો.

“પપ્પા, ઇસ્પિતાલ ડિસ્ચાર્જ જેવુ કોઈ સર્ટિફિકેટ છે ખરું ?”

“હા, તારી ઇસ્પિતાલની ફાઇલમાં છે. એ ફાઇલ કયા છે તે મને કહે”

કરિશ્માએ એ ફાઇલનું સ્થળ મને કહ્યું. અને એ ફાઇલમાંથી સર્ટિફિકેટ મેળવી તુરંત મે તે વૉટશોપ પર તેને મોકલી આપ્યું. ત્યારે અધિકારીને સંતોષ થયો. અને તેણે જોહાનના પાસપોર્ટ રદની અરજી માન્ય કરી અને કહ્યું,

“એકાદ અઠવાડિયામાં તમને કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળી જશે.”

અને આમ પાસપોર્ટ રદ કરવાની વિધિ પૂરી થઈ. રદ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર એકાદ અઠવાડિયા પછી મને મળ્યા.

જો કે અમે તેની પણ મેહની જેમ રાહ જોઈને બેઠા હતા. કારણ કે ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળે પછી જ જોહાનના કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી શકાય. જેવો અમને જોહાનનો ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળ્યા,અમે જોહાનના કેનેડીયન પાસપોર્ટ માટેની કાર્યવાહી આરંભી. એ માટે પુનઃ દસ્તાવેજો એકત્રિત કરવાનું શરૂ કર્યું. અને પછી દિલ્હીની કેનેડા એમ્બેસીમાં જોહાનના પાસપોર્ટ માટે દિશા ખત્રીએ ઓન લાઇન અરજી કરી. સાથે જરૂરી બધા દસ્તાવેજો પણ ડાઉન લોડ કર્યા. તેની જરૂરી ફી પણ ભરી દીધી. અમને થયું કામ પતી ગયું. પણ બીજા જ દિવસે મેસેજ આવ્યો દસ્તાવેજો અપૂરતા છે. જોહાનના પિતા ફહાદભાઈનું કેનેડાનું સી આર  જરૂરી છે. અમે તુરંત તે મોકલી આપ્યું. અને આમ એ વિધિ પૂર્ણ થઈ. પછી અમે જોહાનના કેનેડાના પાસપોર્ટની રાહ જોવા લાગ્યા. લગભગ પંદર દિવસમાં જોહાનનો કેનેડાનો પાસપોર્ટ આવી ગયો. સાથે એક પત્ર પણ હતો. જેમાં લખ્યું હતું.

“કેનેડા પ્રવાસ માટે આપે ભારતમાંથી ઇ વિઝા અર્થાત ભારત બહાર જવાના વિઝા લેવા પડશે.”

મને લાગ્યું આ તો કાયદાકીય પ્રક્રિયાનો અંત જ નથી આવતો. પણ નિરાશ કે હતાશ થયે પાલવે તેમ ન હતું. અમે પુનઃ એ માટેના દસ્તાવેજો એકત્રિત કર્યા. અને એ માટેની ઑન લાઇન  અરજી સાથે ફી પણ ભરી દીધી. ઈશ્વરની કૃપાથી જોહાનના વિઝા એકાદ અઠવાડિયામાં આવી ગયા. અમને સૌને હાશકારો થયો. ચાલો હવે તો બધી વિદાય પ્રક્રિયા પૂર્ણ થઇ. જોહાનનું કેનેડા પ્રયાણ પૂર્ણ થયું. પણ એમ અમે છૂટી જઈએ એ ઈશ્વરને મંજૂર ન હતું. કેનેડાથી ફહાદભાઇનો મેસેજ આવ્યો,

“કરિશ્માના પી આર. મંજૂર થઈ ગયા છે. એટલે તેનો પાસપોર્ટ કેનેડા એમ્બેસીમાં સબમિટ કરાવવો પડશે.”

પછી એક નવી વિધિનો આરંભ થયો. ફહાદભાઈએ તેની વિધિ ઑન લાઇન કરી અને પાસપોર્ટ સબમિટ કરવાની તારીખ લીધી. કરિશ્મા એ દિવસે અમદાવાદની કેનેડા એમ્બેસીની કચેરીએ પહોંચી ગઈ. પાસપોર્ટ આપી દીધો. ફી ભરી દીધી. અને અધિકારીને પૂછ્યું,

“પી. આર.નો સિક્કો લાગીને દિલ્હીથી પાસપોર્ટ પરત ક્યારે આવશે ?”

જવાબ મળ્યો,

“લગભગ પંદર દિવસ લાગશે.”

દરમિયાનમાં ફહાદભાઈએ કરિશ્મા અને જોહાનની અમદાવાદથી ટોરેન્ટોની ટિકિટ બૂક કરાવી નાખી. મને મનમાં હજુ ડર હતો. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી જાય તો સારું. અન્યથા ટિકિટો રદ કરવી પડે અને મોટું નુકસાન ફહાદભાઈએ વેઠવું પડે. પણ ઈશ્વર કે ખુદાને ત્યાં દેર હોય છે, અંધેર નહીં. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી ગયા. આમ અનેક વિધિઓમાંથી પસાર થઈ અમે જોહાનના પ્રયાણની અંતિમ મંજિલ પર પહોંચ્યા. ત્યારે સાચ્ચે જ અમને અમારા સ્વજનો, શુભચિંતકો અને સબંધીઓએ કહેલ શબ્દો યાદ આવી ગયા,

“કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

તેમના આ શબ્દો પ્રથમ દ્રષ્ટિએ સત્ય લાગ્યા. પણ એ સ્વજનો, શુભેચ્છકો અને સબંધીઓને અમે આઠ માસ જોહાન સાથે ગુજારેલ પળે પળના આનંદની અનુભૂતિ કયાંથી થાય ? જોહાનના જન્મથી માંડીને તે આઠ માસનો થયો ત્યાં સુધી તેને હસતો, રમતો, ભાખોડિયા ભરતો અને બેબી વોંકરમાં આખા ઘરમાં દોડતો જોવાનો આનંદ અમૂલ્ય હતો. દૂધની બોટલથી માંડીને ચપચપ બેબી ફૂડ ખાતો જોહાન અમારા જીવનનો અતૂટ હિસ્સો બની ગયા હતો. મારી અને સાબેરાની આંખોમાં આંખો નાખી તે અમારી સાથે વાતો કરો, હસતો ત્યારે દુનિયાના સુખની પરાકાષ્ટા અમે અનુભવી હતી.

આજે આઠ માસના અંતે કરિશ્મા અને જોહાન કેનેડા જઈ રહ્યા છે. અમે તેમને એરપોર્ટ પર મૂકવા ગયા, ત્યારે દીકરી કરતાં જોહાન વધુ રડતો હતો. અને ત્યારે અમારી વૃધ્ધ આંખોમાં તેના વિરહની વેદના આંસુ બનીને ઉભરાઇ આવી. એ સમયે જોહાનના કાયદાકીય પ્રયાણની વ્યથાનો સહેજ પણ ભાર અમારા મનમાં ન હતો. માત્ર જોહાનનો હસતો રમતો ચહેરો અને કિલકારીઓ કરતો તેનો મીઠો અવાજ અમારી ચારે બાજુ ગુંજતો હતો.

 

 

 

 

 

 

 

 

Tuesday, December 20, 2022

મારા પિતા જીની બિસ્મિલ્લાહ


 આ તસ્વીર લગભગ  ઈ.સ. ૧૯૨૮ની છે. જેમાં મારા દાદા હાજી હુસેનભાઈ દેસાઈ અને મારા સાત વર્ષના પિતા ઉસ્માનભાઈ ઘોડા પર બિરાજ માન  છે. મારા દાદા અંગ્રેજના શાસનમાં ધોળકામાં પોલોસ સબ ઇસ્પેકટર હતા. આ તસ્વીર ઇસ્માલામિક પરંપરા મુજબ મારા પિતાજીની બીસ્મિલાહ પઢાવી એ દિવસની છે. એ સમયે બિસ્મિલ્લાહ ધામધૂમથી ધોળકા ગામમાં ઘોડા પર બેસાડી વર ઘોડો કાઢીને દાદાએ પઢવી હતી. 

જનાબ મુર્તઝા પટેલની કેફિયત


 


દોસ્તો, અહીં પ્રસ્તુત ફોટો માટે તેમાંથી જ નીકળેલ શેરથી શરૂઆત કરું...

"
જુઓ કેવી જામી છે અમારી આ મિજબાની !
જેમાં એક છે 'મહેબૂબ' અને બીજા છે 'જાની'."

હાં ! તો વાત એમ બની કે...મારા મુરબ્બા જેવા મુરબ્બી દોસ્ત સુરેશ દાદા જાનીએ મને 'ઐતિહાસિક સાહિત્ય'માં ડૂબીને તરી આવેલા બીજા એક વડીલ પ્રો. ડૉ. Mehboob Desai સાથે મુલાકાત કરાવી ગઈકાલની સાંજ જબરદસ્ત રીતે સુધારી આપી.
અમારી એ સાહિત્યિક ગોઠડીને હું 'મહેબૂબી ઇન્ટરવ્યૂ' કહીશ. કેમ કે ડૉ. મહેબૂબ સાહેબ એટલે ગુજરાતી સાહિત્યમાં ગોઠવાયેલું એ બોલતું પુસ્તક છે, જેનું 'બાઈન્ડીંગ' દેશ-વિદેશના ઇતિહાસના સોનેરી પાનાંઓની માહિતીઓથી થયેલું છે.
(
એક મિનિટ ! સબૂર. હમણાં આ પોસ્ટ વાંચી લેશો, પછી ગૂગલ અને યૂટ્યૂબ પર Dr Mehboob Desai નામ સર્ચ અને તેમના કામોનું રિસર્ચ કરશો તો અમને ત્રણેયને ઘણું વધારે ગમશે.)

વેલ ! એકવાર થયું એવું કે...મિર્ઝા ગાલિબ સાહેબ પાસે તેમનો એક શિષ્ય ઘણાં દિવસે મળવા આવ્યો, ત્યારે મિર્ઝા સાહેબે તેને કુતુહલવશ પૂછ્યું કે "અમાં બરખુર્દાર, ઇતને દીનો સે કહાં ગાયબ થે?"
ત્યારે શિષ્યએ ભોળા ભાવે કહ્યું: "ઉસ્તાદજી, ચન્દ દીનો કે લિયે દિલ્હી સે બહાર જાના હુવા થા. મશરૂફ થા. ઇસલિયે આપ સે મુખાતિબ ન હો સકા, મોઆફી ચાહતા હૂં. ઇતને દીનો સે ન કુછ લિખા ઔર ન કોઈ કિતાબ પઢી. તો આજ સોચા કી કુછ લમ્હે બસ ! આપ કે પાસ બૈઠ કર હી ગુઝાર લૂં. મેરા પઢના-લિખના દોનો કામ એકસાથ હો જાયેગા."

બસ એવું જ કાંઈક હું મહેબૂબ સાહેબને મૂકમાં કહી શકું છું અને સુરેશ જાની સાહેબને જણાવી શકું છું.
જેમની ઝીંદગી પોલીસ તરીકે પસાર થઇ હોય, તેવા દીકરાને 'પોલીસ' નહિ, પણ 'પોલિશ'ડ લાઈફ આપતા માંગતા પિતાએ બાળપણથી ખાદી(વાળી) સાદી ઝીંદગીમાં ઉછેર્યા હોય તેવો દીકરો આગળ જઈને પિતાનું નામ રોશન જ નહિ, મહેબૂબ પણ કરે ત્યારે, તેમાં સખ્ખત, ધમધોકાર અને અથાક મહેનતનું કોમ્બિનેશન હોય, હોય અને હોય જ.
ને આ દેસાઈ સાહેબ પાછા એમાં સબૂરી અને શ્રદ્ધાનું મોણ નાખે તો રોટલો કેવો મીઠ્ઠો પાકે ?!
(
અરે ! કોઈ સવાલ જ નથી બોસ. એકદમ મીઠ્ઠો જ પાકે. ને પછી તેની સાથે જોડાયેલાં લોકોની મુહબ્બત, માણસાઈ જોડાય ત્યારે મિજબાની મોટી જ બને.)
ડૉ. મહેબૂબ દેસાઈ સાહેબ એક એવું વ્યક્તિત્વ કહી શકાય કે જેમણે 'કર્મણ્યે વાધિકારસ્તે...' શ્લોકની સાથે કુરાન-એ-પાકના 'અલ આમાલો બિન નિયાત' આયાતને બખૂબી જીવી જાણી છે.
'
હેં ? એ કઈ રીતે ?'
એવો સવાલ તમને પણ થાય ત્યારે, તમે પણ તેમને રૂહ-બ-રૂહ જ મળીને જાણો તો સારું. એટલા માટે કે હું અને જાની દાદા બેઉ જણા તેમની સાથે બેસી એ થોડુંક જ જાણી લાવ્યા છે. (અને તમને તો ખબર છે કે મારી આદત...'થોડામાં ઘણું' કરવાની છે.)
છતાં આ દેસાઈ સાહેબના જીવનના અદભૂત પ્રસંગોની મહેફિલ માણવા માટે હું વ્હાલા Raam Moriને, બહેન Desai Shilpaને, ભાઈશ્રી Vivek Desaiને ખાસ ભલામણ કરી શકું કે આવનાર દિવસોમાં 'મારી કેફિયત' અંતર્ગત શ્રી મહેબૂબ દેસાઈ સાહેબનો પણ પ્રોગ્રામ નવજીવન પ્રેસના 'દેસાઈ' હોલમાં ગોઠવે.
કારણકે 'નવજીવન' મેળવતા રહેવું એ આપણા સૌનો અધિકાર છે. ને આમેય 'ગાંધી'ને આસિસ્ટ કરનાર 'દેસાઈ' જ તો હતા ને. તો જામવા દો 'દેહાઇઓનો મેળાવડો...'
ત્યાં હુધી હું આ નીકળ્યો બીજા એક મહેબુબી દોસ્તને મળવા....

 

Tuesday, October 4, 2022

ગીતા અને કુરાનમાં કર્મનો સિધ્ધાંત : ડૉ. મહેબૂબ દેસાઈ*

  


ભારતીય સંસ્કૃતિના બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન આપણી સમન્વય સંસ્કૃતિના પાયામાં છે. બન્ને ની વિચારધાર અને સિદ્ધાતોમાં અનેક સામ્ય છે. ભગવદ્ ગીતા ૧૮ અધ્યાયોમાં પ્રસરેલ છે. તેના કુલ ૭૦૦ શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણના મુખે ૫૭૩ શ્લોકો ઉચ્ચાર્યા છે. અર્જુનના મુખે ૮૫ શ્લોકો છે. ૪૧ શ્લોક સંજયના મુખે છે. જયારે ધ્રુતરાષ્ટ્રના મુખે એક જ શ્લોક મુકાયો છે, જેના દ્વારા ગીતાનો આરંભ થાય છે. કુરાને શરીફ ૩૦ પારા (પ્રકરણો)માં પથરાયેલ છે. અને તેમાં કુલ ૬૬૬૬ આયાતો છે. બંને મહાન ધર્મગ્રંથોના સર્જકોને દેવી દરજ્જો પ્રાપ્ત છે. લગભગ ૧૨૫ વર્ષનું આયુષ્ય ભોગવનાર ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ રમતિયાળ અને ગુઢ હતું. હઝરત મહંમદ પયગમ્બર (ઈ.સ.૫૭૧-૬૩૨) સાહેબ(સ.અ.વ.)નું વ્યક્તિત્વ અંતર્મુખી, માનવીય અને સાદગીના અભિગમથી તરબતર હતું. બંનેના ઉપદેશોમાં મુલ્યનિષ્ઠ ધર્મ કેન્દ્રમાં છે. ભગવાન કૃષ્ણ જેવું બુધ્ધીતત્વ પામેલી બહુ આયામી વ્યક્તિ એ પરમાત્મા તરફથી સમગ્ર માનવજાતને મળેલી અનમોલ ભેટ છે. ૬૧ વર્ષનું આયુષ્ય ભોગવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબ પણ માનવજાતીના મસીહા બની ખુદાના અંતિમ પયગમ્બર તરીકે અવતર્યા હતા. તેમને ખુદા તરફથી "વહી" દ્વારા મળેલ ઉપદેશોનો સંગ્રહ એ જ કુરાને શરીફ.

ગીતાનો આરંભ "ધર્મક્ષેત્ર" અથવા "ધર્મભૂમિ" શબ્દથી થાય છે. જયારે કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ" શબ્દથી થાય છે. બંને શબ્દો આધ્યાત્મિક અભિગમનું પ્રતિક છે. ગીતાનો પ્રથમ શ્લોક અંધ ધૃતરાષ્ટ્રના મુખે મુકાયેલો છે. આ પ્રથમ શ્લોકમાં ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે,
"
હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના યુદ્ધમાં, યુદ્ધ કરવાની ઈચ્છાવાળા મારા પાંડુઓના પુત્રોએ ભેગા થઈને શું કર્યું?"
શ્રીમદ્ ભગવદ ગીતામા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મની પરિભાષા બહુ વિસ્તૃત રીતે કરી છે. તેનો આરંભ આ શ્લોકથી થાય છે. ધર્મ-અધર્મની વિશદ છણાવટ ગીતાના ઉપદેશનો કેન્દ્રીય વિચાર છે. કર્મ, અકર્મ અને વિકર્મને કેન્દ્રમાં રાખી ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મની વિભાવના સમગ્ર ગીતામાં સમજાવી છે. ગીતામાં શ્રીકૃષ્ણએ જે ધર્મની વાત કરી છે, તે કોઈ સંપ્રદાય નથી. તે તો માનવધર્મ છે. માનવી તરીકેના કર્તવ્યની વાત છે. એ અર્થમાં ધર્મક્ષેત્રની વિભાવના સમજાવવાનો આ પ્રથમ શ્લોકમાં આરંભ થયો છે . શાબ્દિક દ્રષ્ટિએ જોઈએ તો આ શ્લોકમાં કુરુક્ષેત્રના મેદાનને ધર્મભૂમિ તરીકે મૂલવવામાં આવી છે. જ્યાં ધર્મ અને અધર્મ, સત્ય અને અસત્યનું યુદ્ધ આકાર પામવાનું છે.
એ જ રીતે કુરાનનો પ્રથમ શબ્દ છે "બિસ્મિલ્લાહ અર્રહેમાન નીર્રહીમ " અર્થાત "શરુ કરું છું અલ્લાહના નામે જે અત્યંત કૃપાળુ અને અને દયાળુ છે" એ પછી ઉતરેલી કુરાનની પ્રથમ આયાત ઇસ્લામની કોઈ ક્રિયા,ઈબાદત પદ્ધતિ કે નિયમને વ્યક્ત કરતી નથી. એમાં માત્ર ઈશ્વર ખુદાના ગુણગાન સાથે ભક્ત પોતાને સદ્ માર્ગે ચલાવવાની ખુદાને પ્રાર્થના કરે છે. એ પ્રાર્થનામાં કહ્યું છે,

"
પ્રશંશા એક માત્ર અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો રબ(ખુદા)છે, ન્યાયના દિવસનો માલિક છે,
અમે તારી જ ઈબાદત કરીએ છીએ, અને તારી જ મદદ માંગીએ છીએ, અમને સીધો માર્ગ બતાવ, એ લોકોનો માર્ગ જેની ઉપર તે કૃપા કરી છે, જે તારા પ્રકોપનો ભોગ બન્યા નથી, જે પદભ્રષ્ટ નથી"


ઉપરોક્ત આયાતમા એક વાક્ય "રબ્બીલ આલમીન" આવે છે. જેનો અર્થ "સમગ્ર સૃષ્ટિનો રબ" થાય છે. અર્થાત સમગ્ર માનવ જાતનો રબ-ખુદા-ઈશ્વર. અહિયા "રબીલ મુસ્લિમ" માત્ર "મુસ્લિમોનો ખુદા" શબ્દ વપરાયો નથી. એ બાબત દર્શાવે છે કે ઈશ્વર એક છે, અને તે કોઈ એક કોમ કે સંપ્રદાયનો નથી. પણ સમગ્ર માનવજાતનો છે.

ઇસ્લામ અને હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત પાયામાં છે. માનવીના કર્મના આધારે જ ઇસ્લામમાં જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં સમજાવવામા આવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે તેમાં અલોકિક અને તલસ્પર્શી શૈલીમાં કર્મનો સિધ્ધાંત સમજાવ્યો છે. કર્મના સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

"
કર્મણયેવાધીકારસ્તે મા ફલેષુ કદાચન,
મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી"

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે
૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે
૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર છે.
૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.
૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણકે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળનું ઈશ્વર જરૂર આપશે.

 

ઇસ્લામમાં કર્મને "આમાલ" કહેલ છે. આમાલ શબ્દ અરબી ભાષાનો છે. જેનો અર્થ થાય છે સારા-નરસા કાર્યો. ભારતના નવમાં રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા (૧૯૧૮-૧૯૯૯)એ વર્ષો પૂર્વે એક કાવ્ય લખ્યું હતું. પ્રકૃતિ, પ્રેમ કે કલ્પના પર ન લખાયેલ એ કાવ્ય, ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ પર હતું. કાવ્યનું મથાળું હતું,  “એ મુસલમાનો તુમને યે કયા કિયા ?

 

જેની પ્રથમ પંક્તિમાં તેમણે લખ્યું હતું,


“આમલ કી કિતાબ થી

 દુવા કી કિતાબ બના દિયા”

 

કાવ્યમાં આગળ તેઓ લખે છે,

 

સમઝને કી કિતાબ થી

પઢને કી કિતાબ બના દિયા

 

જીન્દો કા દસ્તુર થા

મુર્દો કા મન્સુર બના દિયા

 

જો ઇલ્મ કી કિતાબ થી

ઉસે લા ઇલ્મો કે હાથ થમા દિયા

 

'તસ્ખીર-એ-કાયનાત' કા દર્સ દેને આઈ થી  

સિર્ફ મદરસો કા નિસાબ બના દિયા

 

મુર્દા કૌમો કો જિન્દા કરને આઈ થી

મુર્દો કો બક્ષવાને પર લગા દિયા

 

આ કાવ્યમાં પણ “આમાલ” પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. કારણ કે આમાલ ઇસ્લામમાં કેન્દ્રીય વિચાર છે. ઇસ્લામમાં માનવીના કર્મો (આમાલ) જ માનવીનો સાચો ધર્મ છે. ઇસ્લામની એક હદીસમાં કહ્યું છે,

“અલ્લાહને તેના બંદાના પાંચ આમાલો ખુબ પસંદ છે.

૧. કોઈ પણ વ્યક્તિને ખુશી આપવી.

૨. કોઈ પણ વ્યક્તિની તકલીફ દૂર કરવી.

૩. કોઈ વ્યક્તિનું દેવું કે કર્ઝ માફ કરવું કે ચુકેતે કરવું.

૪. કોઈ પણ ભૂખ્યા માનવીને ભોજન કરાવવું

૫. કોઈ પણ વ્યક્તિની નૈતિક જરૂરિયાતને પૂર્ણ કરવી.

આ પાંચ આમાલો કરનાર વ્યક્તિ ખુદાને પ્યારો છે.

 

કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. "અલ આમલ બીન નિયતે" અર્થાત "સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે" દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે "ફી સબીલિલ્લાહ" અર્થાત "ખુદાના માર્ગે કર્મ કર" અને તારા એ નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

"
અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યા જ આપીશું.”
“અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે તેમને અમે તેનો તુરત બદલો આપીશું"
"
જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ"
"
એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે"
ગીતામાં આ જ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,
"
આલોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે"

 

ગીતા અને કુરાનની આ અલ્પ તુલનામાંથી પ્રાપ્ત થતી હકીકતો બંને ગ્રંથો વચ્ચેની સમાનતાને સાકાર કરે છે. જે દર્શાવે છે કે દરેક ધર્મના કેન્દ્રમાં માનવતા રહેલી છે. તેને ઉજાગર કરવાનું કાર્ય જે તે ધર્મના જાણકારો અને આલિમો-વિદ્વાનોનું છે. જો તેઓ તેને ઉત્તમ રીતે સાકાર કરેશે તો ધર્મના નામે સમાજમાં ઉત્પન થતા ભેદભરમો કે વિવાદો ભારતમાંથી અવશ્ય નિવારી શકશે.

"ચાહે ગીતા વાંચીએ, યા પઢિયે કુરાન,
તેરા મેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન"

 

 

-----------------------------------------------------------------------------

*પ્રોફેસર અને અધ્યક્ષ (નિવૃત્ત), ઈતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ