Friday, February 15, 2013

ઇસ્લામમાં અહિંસા અને શાંતિ : ડો. મહેબૂબ દેસાઈ



ઇસ્લામ શબ્દ અરબિક ભાષામાંથી ઉતારી આવ્યો છે. અરબી ભાષાના મૂળ શબ્દ સલામ પરથી ઉતરી આવેલા આ શબ્દનો અર્થ થાય છે શાંતિ, સમર્પણ અને ત્યાગ. ઇસ્લામના ધર્મ ગ્રંથ "કુરાન-એ-શરીફ"મા પણ ઠેર ઠેર એ જ વાતનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે. કુરાને શરીફ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર "વહી" (ઈશ્વરીય સંદેશ) ખુદાના સંદેશાઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં માત્ર ધાર્મિક બાબતો નથી, પણ તે સમગ્ર માનવજાતને જીવન જીવવાની કળા શીખવતો ગ્રંથ છે. પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, સમભાવ, ભાઈચારો, પાડોશીધર્મ અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અને કથાઓ આ ગ્રંથમાં છે. ઇસ્લામ જેના માટે વિશેષ ચર્ચામાં રહ્યો છે તે જિહાદ અને કુરબાની જેવા વિષયો અંગે પણ સ્પષ્ટ આદેશો તેમાં આપવામાં આવ્યા છે.
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્ત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
"પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે."
કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અરરરહેમાન નિરરહિમ"થી થાય છે. જેનો અર્થ થાય છે,
"શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે."
કુરાને શરીફમાં પ્રેમ, કરુણા, અહિંસાને લગતી આયાતો ઠેર ઠેર જૉવા મળે છે. જેમ કે,
"ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે. એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે."
"અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો."
"ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે."
"જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જૉઈ રહ્યો છે. તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે."
"અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે? જૉ તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો."
"અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે."
"તેઓ જે સદ્કાર્યો કરે છે તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.
જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે."
"શેતાન માત્ર એટલું જ ઇરછે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વરચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો?"
આવી પ્રેમ, શ્રધ્ધા, કરુણા અને અહિંસાની શીખ આપતી કુરાને શરીફની આયાતોને હઝરત મહંમદ સાહેબે પોતાના જીવનમાં આચારમાં પણ મૂકી હતી.
 અને એટલેજ મહંમદ સાહેબના અંગે ગાંધીજીએ કહ્યું છે,
"મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું"
ઇસ્લામમાં માંસાહાર તેની સંસ્કૃતિના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે અરબસ્તાનો રેતાળ પ્રદેશ એ સમયે ઉપજાવ ન હતો. ત્યાં શાકભાજી, ફળફળાદી કે અન્ય કોઈ વનસ્પતી ઉત્પન થતી ન હતી. પરિણામે માનવ સમાજને ટકી રહેવા ફરજીયાત માંસાહાર કરવો પડતો હતો. પણ તેનો બિલકુલ એવો  અર્થ નથી થતો કે ઇસ્લામ માંસાહાર દ્વારા હિંસાને પ્રાધાન્ય આપે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ઠેર ઠેર અહિંસા અને શાંતિને વિશેષ મહત્વ આપવામાં આવેલ છે. લા ઇકરા ફીદ્દીન  અર્થાત
"દુનિયામાં ફસાદ કયારેય ફેલાવશો નહી" એવા કુરાને આદેશ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે,
"પરસ્પર ઝગડો ન કરો સંતોષમાં જ સુખ છે"
સમાજમા વ્યાપક બનતી જતી અશાંતિના મૂળમાં એકબીજા પ્રત્યેની પ્રસરી રહેલ નફરત જવાબદાર છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"ન તો તમે કોઈનાથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો. ખુદા જુલમ કરનારથી નાખુશ છે"
શાંતિમય સહ અસ્તિત્વના સિદ્ધાંતના પ્રખર પ્રચારક સમા કુરાને શરીફમાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
"જેણે કોઈને જીવ બચાવ્યો, તેણે સંપૂર્ણ માનવજાતિને જીવતદાન આપ્યું"
આવી શાંતિ અને અહિંસાના પુરસ્કર્તા હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ જીવનના અંતિમ દસ વર્ષોમા ચોવીસ યુધ્ધોમાં સરસેનાપતિ તરીકે લશ્કરને માર્ગદર્શન આપ્યું હતું. પરંતુ તેમના સરસેનાપતિ તરીકેના નેતૃત્વનો મુખ્ય ઉદેશ રક્ષણાત્મક હતો. તેમના દરેક યુધ્ધો આક્રમક નહિ, રક્ષણાત્મક હતા.
પંડિત સુંદરલાલજી મહંમદ સાહેબ (સ.અ.વ.)ના આવા અહિંસક અભિગમની નોંધ લેતા લખે છે,
"અસીમ ધેર્ય, શાંતચિત્ત, સહિષ્ણુતા અને શાલીનતા એ મહંમદ સાહેબના અહિંસક અભિગમના પાયામાં હતા."
   

Tuesday, February 12, 2013

બાયસેગના શૈક્ષણિક કાર્યક્રમમાં "ભારતમાં ભક્તિ અને સુફી આંદોલનો"વિષયક લાઈવ ટેલીકાસ્ટ પૂર્વેની તસ્વીર પ્રા.ફાલ્ગુનીબહેન. પ્રોફે. મહેબૂબ દેસાઈ અને પ્રોફે. મકરંદ મહેતા. — at ગાંધીનગર તા. ૧૨.૨.૨૦૧૩ સમય ૧૧ કલાકે




Sunday, February 3, 2013

ઇસ્લામ અને વેલેન્ટાઈન ડે : ડૉ. મહેબૂબ દેસાઈ


ઇસ્લામમાં પ્રેમ અને મહોબ્બતને અત્યંત મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. પ્રેમના એ વ્યવહારમાં કયાંય આછકલાઈ કે અવિવેક ન હતો. તેમાં માત્ર નિર્મળ અને પવિત્ર પ્રેમની અભિવ્યક્તિ જ હતી. એટલે ઇસ્લામ પ્રેમ અને લાગણીઓને જીવન મહત્વનું સ્થાન આપે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કે અભિવ્યક્તિમાં ઇસ્લામના વિચારો ભિન્ન છે. પ્રેમની અભિવ્યક્તિમાં ઇસ્લામે સંયમ અને સંસ્કારોને વિશેષ મહત્વ આપ્યું છે. અને એટલે જ ઇસ્લામમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીને  કોઈ જ સ્થાન નથી. એ માટે ઇસ્લામની અત્યંત તાર્કિક દલીલો જાણવા જેવી છે. પણ એ પહેલા આપણે વેલેન્ટાઇન ડેની ઉજવણીનો ટૂંકો ઇતિહાસ જોઈએ. એ પછી ઇસ્લામમાં તેની ઉજવણીની શા માટે મનાઈ કરવામાં આવેલ છે તે તપાસીએ. વેલેન્ટાઇન ડેનો ટૂંકા ઇતિહાસ નીચે મુજબ છે.

૧૪મી ફેબ્રુઆરીને વિશ્વભરમાં પ્રેમીઓ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવે છે. પણ પ્રેમના દિવસની ઉજવણી કરનાર યુવાનોને ભાગ્યે જ ખ્યાલ હશે કે જેના નામ પર તેઓ આ દિવસ ઉજવી રહ્યા છે તે સંત વેલેન્ટાઇનને કમર સુધી જમીનમાં દાટીને પથ્થર મારીને મારી નાખવામા આવ્યા હતા. પ્રાચીન રોમમાં ઇ.સ.૨૬૯માં ક્લોડિયસ દ્વિતિય નામે એક સમ્રાટ થઇ ગયો. તેને વિશ્વ વિજેતા થવાની અભિલાષા હતી. જેથી તે પોતાની સેનામાં યુવાનોની મોટાપાયે ભરતી કરવા ઇચ્છતો હતો. પણ તેણે જોયું કે પરણિત પુરૂષો લશ્કરમાં જોડાવા ઇચ્છતા નથી. એ માટે કુટુંબ અને પોતાની સુંદર યુવાન પત્ની પ્રત્યેનો પ્રેમ જવાબદાર હતા. પ્રેમનું આવું અતુટ બંધન યુવાનો તોડી શકતા ન હતા. તેથી તે સમ્રાટે પોતાના દેશમાં લગ્ન કરવા પર પ્રતિબંધ મુક્યો.
જગતમાં શાંતિનો સંદેશો આપનાર સંત વેલેન્ટાઇનનું હૃદય સમ્રાટના આ ક્રુર હુકમને કારણે દ્રવી ઉઠ્યું. અને તેમણે સમ્રાટની જાણ બહાર યુવાનોના લગ્ન ચર્ચમાં કરી આપવાનું શરૂ કર્યું હતું. સમ્રાટના કેટલાક ઇર્ષાળુ દરબારીઓએ સંત વેલેન્ટાઇનના આ કાર્યની સમ્રાટને માહિતી આપી દીધી હતી. પરિણામે રાજા ક્લોડિયસ દ્વિતિયએ સંત વેલેન્ટાઇનની ધરપડ કરી. તેને કમર સુધી માટીમાં દાટી, પથ્થરો મારી તેની હત્યા કરી. આમ તમામ યુવાન પ્રેમી હૈયાઓને લગ્નના સૂત્રથી બાંધનાર આ અત્યંત કૃપાળુ સંત વેલેન્ટાઇનની ૧૪મી ફેબ્રુઆરી ઇ.સ. ૨૬૯ના રોજ  રાજા ક્લોડિયસ દ્વિતિયએ હત્યા કરી. તેનું મસ્તક ધડ પરથી કાપી લેવાયું. ત્યારથી આ સંતના માનમાં ૧૪મી ફેબ્રુઆરીના દિવસને પ્રેમના પ્રતિક તરીકે વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે. આ ઘટમાં લગ્ન ન કરવાની રાજાની જાહેરાત સામે જંગ માંડનાર એક સંતની શહાદતની ગાથા વ્યક્ત થાય છે. આમ પ્રેમને સામજિક દરજ્જો  આપવા વેલેન્ટાઇને લગ્ન દ્વારા પ્રેમીઓના ભેગા કરવાનું ઉમદા કાર્ય કર્યું હતું. પણ આજે આ મુખ્ય વાત વિસરાતી જાય છે. અને તેના સ્થાને  લગ્ન સિવાયના પ્રેમ બંધનોની વાત વિસ્તરતી જાય છે. ઇસ્લામમા  આવા સબંધો આવકાર્ય નથી. તેને ઇસ્લામે અવૈધિક સબંધો કહ્યા છે. પરિણામે તેવા કોઈ દિવસની ઉજવણીમા ઇસ્લામ દૂર રહેવાનો આદેશ આપે છે.

વળી, વેલેન્ટાઇન ડેએ પ્રાચીન રોમન યુગનો વિચાર છે. તેમાં એ યુગની રાજકીય  અને સામાજિક જરૂરિયાત વ્યક્ત થાય છે. તેમાં હિંદુ કે ઇસ્લામિક સંસ્કારોની સુગંધ બિલકુલ જોવા મળતી નથી. ઇતિહાસના મધ્યકાળમાં ઇસ્લામિક યુગ દરમિયાન એ વિચાર તેની મૌલિકતા કે જરૂરિયાત ગુમાવી ચુક્યો હતો. અલ-અઝાર યુનિવર્સીટીના ઇસ્લામિક અને એરબીક વિભાગના પ્રોફેસર ડૉ. સુઆદ સાલીહએ આ અંગે આપેલી ઇસ્લામિક દલીલો જાણવા જેવી છે.
૧. ઇસ્લામમાં તહેવારોની ઉજવણીની પ્રથા સ્વીકારવામાં આવી છે. પણ તે સામાજિક અને ધાર્મિક સંદર્ભમાં. કુરાને શરીફમાં કહ્યું છે, "દરેક સમાજ માટે ખુદાએ ઉજવણીના દિવસો નક્કી કરેલ છે." અલબત્ત એ ઉજવણી ઉદેશપૂર્ણ અને સમાજલક્ષી હોવા પર ઇસ્લામે ભાર મુક્યો છે.
૨. ઇસ્લામ મૂળભૂત રીતે પ્રેમ અને સહકારનો ધર્મ છે. પણ પ્રેમની અભિવ્યક્તિ માટે તેણે કોઈ દિવસ મુક્કર કરેલ નથી.
૨. ઇસ્લામ માને છે કે પ્રેમની અભિવ્યક્તિ કે ઉજવણી માટે કોઈ નિશ્ચિત દિવસ અનિવાર્ય નથી. તે તો જીવનનો એક અનિવાર્ય ભાગ છે. એટલે તેની અભિવ્યક્તિ દર પળે થતી રહે છે. ભાઈ-બહેન કે પતિ પત્નીના પ્રેમને વ્યક્ત કરવા કોઈ દિવસની મોહતાજ ગીરી જરૂરી નથી.
૩.ઇસ્લામ સ્ત્રી-પુરુષ વચ્ચેના વિજાતીય પ્રેમને જ માનતો નથી. માતા-પુત્ર, પિતા-પુત્ર,ભાઈ-બહેન જેવા માનવીય સંબંધો વચ્ચેના પ્રેમ પ્રત્યે પણ ઇસ્લામ અતુટ શ્રધ્ધા ધરાવે છે. એટલે માત્ર વિજાતીય પ્રેમના દિવસની ઉજવણી જેવા સંકુચિત દિવસની ઉજવણી સમાજ માટે યોગ્ય નથી.
૪. પતિ-પત્નીના પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કોઈ દિવસ હોય ન શકે. એ તો અવિરત પ્રક્રિયા છે.તે તો દરેક પળે, દરેક પ્રસંગે વ્યક્ત થતી રહે છે.
૫. પ્રેમ માત્ર શરીર સુખ કે શારીરિક જરૂરિયાત સંતોષવા માટે નથી. પ્રેમ એ પવિત્ર બંધન છે. તેમાં જવાબદારીની સભાનતા અનિવાર્ય છે. ઇસ્લામમાં આ જ ભાવનાને નિયમોના બંધનમાં સ્વીકારવામાં આવેલ છે.
ભારતીય સભ્યતા અને સંસ્કૃતિ પણ આ જ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે. પ્રેમ એ અમૃત છે. જીવનમાં તે અનિવાર્ય છે. પણ સંયમ અને સંસ્કારો વગરનો પ્રેમ વ્યભિચાર બની જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે આપણે પ્રેમની સાચી પરિભાષા સમજીએ અને તેનો સંયમિત અને સંસ્કાર પૂર્ણ અમલ કરીએ એ જ અભ્યર્થના-આમીન  

Saturday, February 2, 2013

દુબઈની મુલાકાત


દુબઈની મુલાકાતના સ્મરણો : ૨૭ થી ૩૧ જાન્યુઆરી ૨૦૧૩