Sunday, July 27, 2025

યુ. એસ. કેનેડા બોર્ડરની વિટંબણા : ડૉ. મહેબૂબ દેસાઈ




વેનકુંવરમાં ચાર દિવસો મજાના પસાર થયા. પણ તેમાનો એક દિવસ અમારા માટે કપરો સાબિત થયો. એ દિવસે અમારા બે પ્રોગ્રામ હતા. પ્રથમ કપિલ શર્માના કેપ કાફેની મુલાકાત લેવી, ત્યાં સોફ્ટ ડ્રિન્ક લેવું. એ પછી યુ.એસ. કેનેડા બોર્ડર પાસેના પીસ આર્ક પાર્કની મુલાકાત લેવી. એ દિવસે બપોરે અગીયાર વાગ્યે હું, મારી પત્ની સાબેરા, મારો ભાણેજ અઝીઝ અને તેની પત્ની અઝીમાએ કારમાં કપિલ શર્માના કાફે તરફ પ્રયાણ કર્યું. જો કે અમે જયારે કેપ કેફે પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેના પર ફાયરીંન થવાને કારણે તે બંધ છે. અને ૨૦ જુલાઈથી તેનો પુનઃ આરંભ થવાનો છે. પણ કાફેની અંદર સ્ટાફ મૌજુદ હતો. એટલે મેં અંદરના સ્ટાફને વિનંતી કરી કે અમે ખાસ આપના કેફેની મુલાકાતે આવ્યા છીએ. પરિણામે તેમણે અમને કાફેમાં સહર્ષ પ્રવેશ આપ્યો. કાફેની સુંદર સજાવટ અને વિવેકી સ્ટાફે અમને પ્રસન્ન કર્યા. સ્ટાફના એક બહેને અમને આવકારતા કહ્યું

"આપ કા સ્વાગત હૈ પર કેફે કલ સે શરૂ હોગા. પર આપ ટેક અવે કરના ચાહો તો કર સકતે હો" 

તેમના સુંદર સ્વાગતે અમને પ્રોત્સાહિત કર્યા. અને અમે કાફેમાં ફોટા પાડયા. મારી ઈચ્છા કંઈક સોફ્ટ ડ્રિન્ક લેવાની હતી. પણ અઝીઝ અને અઝીમાની ઈચ્છા ઓછી લાગી. એટલે માત્ર કાફેની મુલાકાત લઇ અમે બહાર આવ્યા. અને અમારી કાર કેનેડા યુ. એસ. બોર્ડરના બગીચા તરફ આગળ વધી. યુ એસ બોર્ડરના માર્ગ પર અમારી કાર દોડતી હતી. પણ વાતોની રમઝટમાં કયારે યુ એસ બોર્ડરના પ્રવેશ માર્ગ પર અમે પહોંચી ગયા તેની અમને ખબર જ ન રહી. અચાનક અઝીઝને તેનો ખ્યાલ આવ્યો. એટલે એણે કાર રોકી. પણ બોર્ડરના પવેશ માર્ગ પર કારોની લાંબી લાઈનમાં અમારી કાર ફસાઈ ચુકી હતી. હવે પાછા વળવું શક્ય ન હતું. અઝીઝે અમને કહ્યું,

"મામા, તમે બધા અહીંયા યુ એસ બોર્ડરના વિશાળ ગેટ પાસે જ ઉતારી જાવ. ત્યાં બધા મુલાકાતીઓ ફોટા પાડી રહ્યા છે. તમે પણ ત્યાં ફરી લો. હું બોર્ડર ક્રોસિંગ સુધી જઉં છું. ત્યાં જઈ તેમને વિનંતી કરીશ કે હું ભૂલમાં હું આવી ગયો છું. માટે મને પાછા વળવાની રજા આપો."

અમે કારમાંથી ઉતરી ગયા. અને બોર્ડર પાસે બનાવેલા વિશાળ દરવાજા પાસે અઝીઝની રાહ જોવા લાગ્યા. પણ આ ઘટના એટલી સરળ ન હતી. એનો ખ્યાલ અમને પછી આવ્યો.  

એક, બે અને ત્રણ કલાક વીતી ગયા, છતાં અઝીઝ પાછો ન આવ્યો. એટલે અમારી ચિંતા વધી. અમે ત્રણે ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા. અઝીઝ પાસે ન તો પાસપોર્ટ હતો, ન કોઈ અધિકૃત પી. આર હતો. એ ખુદ વર્કિંગ વિઝા પર હતો. અલબત્ત તેની પત્ની અઝીમા પાસે પી. આર. હતો. અને અમારા બંને પતિ પત્ની પાસે અમેરિકાના દસ વર્ષના વિઝા હતા. પણ અત્યારે અમારી પાસે પાસપોર્ટ ન હતા. લગભગ ત્રણ કલાકના ઇન્તઝાર પછી અઝીઝની કાર અમે આવતા જોઈ. અને અમારા બધાના જીવમાં જીવ આવ્યો. પણ અઝીઝે તો જરા પણ ટેંશન વગર અમને હાથ હલાવી પોતે આવી ગયાની ખુશી વ્યક્ત કરી અને તે કારને પાર્કિંગ તરફ દોરી ગયો. અમે પણ તેની પાછળ ઝડપથી દોરાયા. પણ જેવા અમે કદમો માંડ્યા, બોર્ડર સિક્યુરિટી પોલીસ અમારી પાસે દોડી આવ્યો અને અમને કહ્યું,

"આપ ત્રણે અમેરિકાની બોર્ડરમાં હતા એટલે પૂરતી ચકાસણી પછી જ આપ હવે કેનેડાની બોર્ડરમાં જઈ શકશો."

બોર્ડર સિક્યુરિટી પોલીસ અમને કેનેડાની ચેક પોસ્ટ સુધી દોરી ગયો. ત્યાં અમારી પાસે ઓળખના  પુરાવા માંગવામાં આવ્યા. અમે ત્રણે મૂંઝાયા. અમારી પાસે તો કોઈ જ દસ્તાવેજો હતા નહિ. થોડી સ્વસ્થા કેળવી. મનને શાંત કરી. અમે ત્રણે અમારા ઓળખ પત્રો શોધવા મગજને કામે લગાડ્યું. મને યાદ આવ્યું કે મારા મોબાઈલમાં મારા અને સાબેરાના પાસપોર્ટની કોપી છે. મેં મોબાઈલમાં સંશોધન આરંભ્યું. થોડી વારે અમારા બંનેના પાસપોર્ટ ની કોપી મળી આવી. અઝીમા પાસે તેનું પી.આર. કાર્ડ હતું. અમે તે તમામ દસ્તાવેજો ચેક પોસ્ટની લેડી ઓફિસરને આપ્યા. લગભગ 15 મિનિટની સધન તપાસ પછી લેડી ઓફસરે અમને વોર્નિગ આપી કેનેડામાં પ્રવેશ આપ્યો. અને અમે ત્રણે એ હાશકારો અનુભવ્યો. અમને થયું ચાલો આટલેથી પત્યું. પણ ઈશ્વર અમારી હજુ કસોટી લેવા માંગતો હતો.

અઝીઝ કાર લઈને બહાર આવ્યો. અને તેણે કાર ડ્યુટી ફ્રી શોપના કાર પાર્કિંગમાં પાર્ક કરી. પછી તે અમારી પાસે આવ્યો. અમે તેના પર શું વીત્યું તે જાણવા પૂછ્યું,

"કેમ આટલી બધી વાર લાગી ?"

તેણે હળવાશથી કહ્યું,

"મામા, મેં તો પ્રથમથી જ સ્પષ્ટતા કરી દીધી કે હું ભૂલથી અહીંયા આવી ગયો છું. મારે યુ.એસ. જવું નથી. છતાં મારી સઘન તપાસ થઇ. પેપર્સ થયા. મારા બંને આંગળીઓના નિશાન લીધા. મારો ફોટો પાડયો. મારી કારનું સઘન ચેકીંગ થયું. અને પછી વિઝા રિજેક્શન નો કાગળ મને આપી જવા દીધો."

અમે તેની વાત સાંભળતા સાંભળતા કારમાં બેઠા. લગભગ નવેક વાગી ગયા હતા. બધાને સખત ભૂખ લાગી હતી. આટલેથી છૂટ્યા એમ માની અમે ઈશ્વરનો આભાર માન્યો. પણ હજુ અમારા નસીબમાં શાતા ન હતી. અઝીઝે કાર પાર્કિંગમાંથી બહાર કાઢવા ડ્યુટી ફ્રી શોપના પાર્કિંગમાં બેત્રણ ચક્કર માર્યા. પણ કોઈ રસ્તો કેનેડા તરફ જવાનો મળે જ નહિ. એક જ માર્ગ હતો જે અમેરિકા બોર્ડરની ચેક પોસ્ટ તરફ જતો હતો. અંતે અઝીઝે કાર રોગ સાઈડ પર લઇ કેનેડાના માર્ગ પર લેવા પ્રયાસ કર્યો. ત્યાંજ બોર્ડર સિકયુરિટી પોલીસનો જવાન આવી પહોંચ્યો. અઝીઝે તેને વિગતે વાત કરી. કે “અમે કેનેડાના માર્ગ પર જવા માંગીએ છીએ.”

પણ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું,

"હવે આપે પાછા યુ.એસ. બોર્ડરની ચોકી પર જવું પડશે. ત્યાંથી ક્લિયરન્સ મળે પછી જ આપ કેનેડામાં પાછા આવી શકશો"

અને અમારી ધડકનો વધી ગઈ. પણ હવે અન્ય કોઈ વિકલ્પ ન હતો. એટલે અઝીઝે કાર પુનઃ યુ.એસ. બોર્ડરની ચોકી તરફ હંકારી. યુ. એસ. બોર્ડરની ચેક પોસ્ટ પર અમારી કાર આવી કે તુરત તેનો કબજો જવાનો એ લઈ લીધો. અને અમે ચારે બોર્ડરના કાર્યાલયમાં પહોંચ્યા. કાર્યાલયમાં અમારા જેવા ભૂલમાં આવી ચડેલા ૫૦ જેટલા સ્ત્રી પુરુષો લાઇનમાં ઊભા હતા. અઝીઝ અને અઝીમા તેમની સાથે લાઇનમાં જોડાઈ ગયા. જ્યારે અમે બંને સિનિયરો માટેની બેઠક વ્યવસ્થામાં ગોઠવાયા. મારી બાજુમાં એક ગુજરાતી મહાનુભાવ બેઠા હતા. મારી સામે સ્મિત કરતાં તેમણે પૂછ્યું,

“ભૂલમાં આવી ગયા ને ?” મે પણ સહેજ સ્મિત કરતાં કહ્યું “હા”

તેમણે મારી ચિંતા ઓછી કરવા કહ્યું,

“ચિંતા ન કરો. અહિયાં રોજ આપણા જેવા ૨૦૦ માણસો ભૂલમાં આવી ચડે છે. પણ તેમની સંપૂર્ણ ચકાસણી પછી તેમને પરત જવા દેવામાં આવે છે.”

લગભગ બે કલાક પછી અમારો વારો આવ્યો. અઝીઝે પોતાની ભૂલ કબૂલ કરતાં તપાસ અધિકારીને કહ્યું,

“હું તો આજે ભૂલમાં બીજીવાર આવી ચડયો છું. મારી ભૂલનો ભોગ મારા સ્વજનો થયા છે. જો કે તેમની પાસે અમેરિકાના દસ વર્ષના વિઝા છે.”

ઓફિસર અઝીઝની વાત સાંભળતા સાંભળતા તેનું કાર્ય કરતો રહ્યો. અમારા ચારેના બંને હાથના ફિંગર પ્રિન્ટ લીધા. ફોટા પાડયા. અમારા પાસપોર્ટની વિગતો નોંધી. અમારી કારની સંપૂર્ણ તપાસ કરી. અને અંતે એ ઓફિસર અમને અમારી કાર સુધી મૂકી ગયો. ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા. અમે જ્યારે અમારી કારમાં બેઠા ત્યારે બધાએ મનોમન એક નિર્ણય લઈ લીધો હતો,

“હવે કોઈ દિવસ યુ.એસ. કેનેડા બોર્ડર પાસેના પીસ આર્ક પાર્કના દર્શને નહીં આવવાનું. કોઈ સ્વજનોને અહિયાં નહીં લાવવા. અને ના છૂટકે લાવવા પડે તો પાસપોર્ટ સાથે રાખવા. તકેદારી રાખી કેનેડાની હદમાં જ કાર પાર્ક કરવી. અને કેનેડાની બોર્ડરની મર્યાદામાં રહી ને જ બોર્ડરના બગીચાનો આનંદ માણવો”

આ પ્રતિજ્ઞા સાથે રાત્રે ૧૨ વાગ્યે અમે ભોજન લીધું અને એક વાગ્યે અમે પથારીમાં પોઢ્યા.    

No comments:

Post a Comment