વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી ૧૧ મેના રોજ સામાન્ય રીતે થાય છે. વર્ષના મેં માસના બીજા રવિવારને મધર્સ ડે તરીકે વિશ્વમાં ઉજવવામા આવે છે. એ દિવસે “મા”ની મહત્તાને સ્વીકારી તેને માનપાન આપવાનો રીવાજ વિકસ્યો છે. પણ માત્ર એક દિવસ માન આપી “મા”નું ઋણ ચૂકવવું શક્ય નથી. એ સનાતન સત્ય દરેક સમાજ અને ધર્મમાં સ્વીકારવામાં આવેલ છે. આપણા પુરાણોમાં માની મહત્તા નો વારંવાર ઉલ્લેખ કારવામાં આવ્યો છે. ઋગવેદમાં કહ્યું છે,
“માતૃ દેવો ભવ” અર્થાત માતાને હંમેશા ઈશ્વર સમાન પૂજો.
ઉપનિષદમાં કહ્યું છે “નાસ્તિ માતૃસમો ગુરૂ - માતા સમાન કોઈ
ગુરૂ નથી”
મહાભારતમાં ઉલ્લેખ છે, “જેનાથી માતા પ્રસન્ન થાય છે તેનાથી
આખી પૃથ્વી પ્રસન્ન થાય છે.”
યાજ્ઞાવલ્કય કહે છે, “માતાની પૂજા વગર તમામ પૂજા વ્યર્થ છે”
ચાણક્ય કહે છે, “માતા માનવ જીવનનું ગંગાજળ
છે” રામાયણમાં ઉલ્લેખ છે, “જનની અને
જન્મભૂમિ સ્વર્ગથીય ચડિયાતાં છે”
શંકરાચાર્ય કહે છે, ”પુત્ર કુપુત્ર થાય છે પણ માતા કદીય
કુમાતા થતી નથી”
આપણા જાણીતા ગુજરાતી કવિ શ્રી બોટાદકરે મા ની મહત્તા વ્યક્ત કરતું સુંદર કાવ્ય લખ્યું છે. જેમાં કહ્યું છે,
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
ઇસ્લામે પણ જનની અર્થાત જન્મ આપનાર માતાના મહત્તાને સ્વીકારેલ
છે. એકવાર એક અનુયાયીએ હઝરત મહંમદ સાહેબ(સ.અ.વ.)ને પૂછ્યું,
“સ્વર્ગ કયા છે?”
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
“સ્વર્ગ તમારી
માના કદમોમાં છે”
દિલ્હીના જાણીતા સૂફી સંત નિઝામુદ્દીન ઓલિયા ઘણી ગરીબીમાં
ઉછર્યા હતા. બાળક નિઝામુદ્દીનના ઘરમાં ઘણીવાર ભોજન ન હોય. અને ભૂખ્યા જ રહેવાનું
બને. ત્યારે બાળક નિઝામુદ્દીનની માતા તેમને કહેતા,
"બેટા, આજે આપણે ખુદા મહેમાન
છીએ" અને બાળક નિઝામુદ્દીન તે દિવસે મા પાસે ભોજન ન માંગતા. પણ જયારે ઘરમાં
લાગલગાટ રસોઈ બનતી ત્યારે બાળક નિઝામુદ્દીન ભોળપણમાં માતાને પૂછતાં,
"મા આપણે ખુદાના
મહેમાન કયારે થઈશું ?"
આવા સંસ્કારોનું સિંચન કરનાર
મા માત્ર જન્મ આપનાર જ ન હોય શકે. પણ ઉછેર કરનાર મા પણ એટલા જ માન અને મરતબાને કાબિલ
છે. ભગવાન શ્રી કૃષ્ણની બંને માતાઓ માટે
સુંદર ભજન લખાયું છે.
कन्हैया किसको कहेगा तू मैया ।
एक ने तुझको जनम दिया रे एक ने तुझको पाला
હઝરત મહંમદ સાહેબના દૂધમાતા બીબી હલીમા કે જેમણે પોતાનું
દૂધ પાઈને મહંમદ સાહેબને પાંચ વર્ષના કર્યા હતા. તેમની પણ મહંમદ સાહેબ ખુબ ઈજ્જત
કરતા હતા. જ્યારે પણ આપના દૂધમાતા હલીમા રૂમમાં પ્રવેશતા ત્યારે આપ ઉભા થઈ તેમને
આવકાર આપતા અને પોતાની પાસે જ તેમને બેસાડતા. એ જ રીતે પોતાને માત્ર સાત દિવસ
દૂધપાન કરાવનાર સુબીયાહને પણ મહંમદ સાહેબ જીવન ભર ભૂલ્યા ન હતા. તેમના અવસાન પછી તેમની
બધી કૌટુંબિક જવાબદારીઓ મહંમદ સાહેબે અદા કરી હતી. આમ ઇસ્લામમા પણ માનો દરજ્જો ખુદા પછીનો ગણવામાં આવ્યો છે.
માનવીના સર્જનની પ્રક્રિયાની “મા” સહભાગી છે. મા એવી વિભૂતિ
છે જે નવ માસ સુધી તેના ઉદરમાં બાળકને ઉછેરે છે, તેના જન્મની અઢળક પીડા
સહે છે. અને બાળકને આ દુનિયા દેખાડે છે. જો કે અહિયાં “મા”નું કાર્ય પૂર્ણ થતું
નથી. બાળકને દુનિયા દેખાડવાની સાથે તેની પરવરીશ કરી, તેને આ દુનિયામાં રહેવા
લાયક પણ “મા” જ બનાવે છે. તેમા સંસ્કારોનું સિંચન કરે છે.
એકવાર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ એક અનુયાયીએ પૂછ્યું,
“મારા સારા ઉછેર
અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?”
મહંમદ સાહેબે (સ.અ.વ.)એ કહ્યું,
“તારી માને”
“માતા પછી કોને ?”
“તારી માને”
“એ પછી કોણ?”
“તારા પિતાને”
ડૉ. ઇકબાલે તેમના એક ફારસી કાવ્યની પંક્તિમા કહ્યું છે,
“માદરી અઝ હિસ્સાએ
પયગમ્બરી” અર્થાત “માતાપણું,
માતૃત્વ એ
પયગમ્બરના કાર્યનો ભાગ છે”.
આવી જન્મદાતા અને સંસ્કારોનું
સિંચન કરનાર માતાને શત શત વંદન