Monday, August 5, 2024

गाय हिन्दू हो गई और बकरा मुस्लमान हो गया : ડૉ મહેબૂબ દેસાઈ


8 ઓગસ્ટ 1942 “હિન્દ છોડો” ચળવળ નો આરંભ ગાંધીજીએ મુંબઈના ગોવાળિયા ટેન્કના મેદાનમાંથી કર્યો હતો. આજે એ ઘટનાને  82 વર્ષ થયા. છતાં આજે પણ એ યુગમાં પ્રવર્તતી હિન્દુ મુસ્લિમ એખલાસની સુગંધ ભારતના ઇતિહાસના પાનાંઓમાં મહેકી રહી છે.

 “ભારત છોડો” આંદોલન અને તેના સૂત્ર સાથે સંકળાયેલ યુસુફ મહેર અલીનું નામ બહુ ઓછા લોકો જાણતા હશે. સમાજવાદી વિચારધારના માલિક યુસુફ મહેર અલીએ જ ગાંધીજીને “હિન્દ છોડો”નું સૂત્ર આપ્યું હતું. એ સમયે ગાંધીજીએ ઘણા બધા નેતાઓ પાસે લડત માટે સૂત્ર સૂચવવા અનુરોધ કર્યો હતો. સી. રાજગોપાલચારી જેવા ઘણા નેતાઓએ “પીછે હટો” “વાપસ જાઓ” “બહાર નીકલો” જેવા સૂત્રો ગાંધીજીને સૂચવ્યા હતા. પણ ગાંધીજીને તેમાંથી એક પણ સૂત્ર ગમ્યું નહીં. ત્યારે યુસુફ મહેર અલીએ ગાંધીજીને “ભારત છોડો” સૂત્ર સૂચવ્યું અને તે તેમને ગમી ગયું. અને આમ ગાંધીજીએ એ આંદોલનને “ભારત છોડો” નામ આપ્યું. આંદોલન પૂર્વે યુસુફ મહેર અલીએ “હિન્દ છોડો” નામક એક નાનકડી પુસ્તિકા પણ લખી હતી. જેમાં આંદોલનના ઉદેશો અને ભારતમાં તેની મહત્તા આલેખવામાં આવ્યા હતા. એ પુસ્તિકા સમગ્ર ભારતમાં એક જ સપ્તાહમાં પ્રસરી ગઈ. પરિણામે “ભારત છોડો” આંદોલનના આરંભ પૂર્વે જ સમગ્ર ભારતમાં આંદોલનનું વાતાવરણ જામી ગયું હતું.

1942માં મુંબઈના મેયરની ચૂંટણી સમયે યુસફ મહેર અલી જેલમાં હતા. કોંગ્રેસના ઉમેદવાર તરીકે સરદાર પટેલના સમર્થનથી તેઓ ચુંટણીમાં ઊભા રહ્યા. અને સૌથી નાની વયના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા. ભારતના ઇતિહાસમાં  યુસુફ મહેર અલીનું નામ  આજે પણ ઘાટા અક્ષરોમાં લખાયેલું  છે. 

એવું જ એક બીજું નામ છે અરુણા આસફ અલીનું. પિતા ઉપેન્દ્રનાથ ગાંગુલી અને માતા અંબાલિકા દેવીને ત્યાં 16 જુલાઈ 1909 કાલકાપંજાબમાં જન્મેલ અરુણા એ આસફ અલી સાથે 1928માં પ્રેમ લગ્ન કર્યા હતા. એ સમયે અરુણા બહેન આસિફ અલીથી 20 વર્ષ નાના હતા. આસફ અલી સાથેના લગ્ન બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા તથા દાંડી સત્યાગ્રહ દરમિયાન જાહેર સભાઓમાં ભાગ લીધો. ૧૯૩૨માં તેમની ધરપકડ બાદ તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અહીં તેમણે  રાજનૈતિક કેદીઓ પ્રત્યેના ઉદાસીન વ્યવહાર બદલ ભૂખ હડતાળ શરૂ કરી. તેમના પ્રયાસોથી તિહાડ જેલની સ્થિતિમાં બદલાવ આવ્યો. બાદમાં તેમણે અંબાલા ખાતે એકાંત કારાવાસ માટે મોકલી આપવામાં આવ્યા. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ અસક્રિય રહ્યા પરંતુ ૧૯૪૨ના અંતમાં તેઓ સ્વતંત્રતા આંદોલનમાં ફરીથી સક્રિય બન્યા. 1942ના “હિન્દ છોડો” આંદોલનના આરંભે જ  બ્રિટીશ સરકારે કોંગ્રેસ કાર્યકારી સમિતિના નેતાઓ સહિત તમામ આગેવાનોની ધરપકડ કરી, આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. પરિણામે ૯ ઓગસ્ટના રોજ અધિવેશનની અધ્યક્ષતા સંભાળતા અરુણા આસફ અલીએ ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવી આંદોલનની વિધિવત શરૂઆત કરી હતી. પ્રત્યક્ષ નેતૃત્ત્વના અભાવ છતાં ભારતીય યુવાઓની આઝાદી મેળવવાની અદમ્ય ઇચ્છાની અભિવ્યક્તિના રૂપમાં સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનો થયાં. અરુણા આસિફ અલીના નામે પણ ધરપકડ વોરંટ નીકળ્યું. પરંતુ તેઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. અને ભૂગર્ભમાં રહીને તેઓએ  ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા આંદોલનને સક્રિય રાખ્યું.

સ્વાતંત્ર્ય બાદ અરુણા આસફ અલીને ૧૯૬૪માં આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર તથા ૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય સમજ માટે જવાહરલાલ નહેરુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ૧૯૯૨માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં તથા ૧૯૯૭માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી (મરણોત્તર) સન્માનિત કરવામાં આવ્યાં. ૧૯૯૮માં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની એક સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. નવી દિલ્હીમાં તેમના સન્માનમાં એક માર્ગનું નામ અરુણા આસફ અલી માર્ગ આપવામાં આવ્યું છે.

તેમના પતિ આસફ અલી પણ પ્રખર બેરિસ્ટર અને સ્વાંતત્ર સેનાની હતા. શહિદ ભાગતસિહએ પોતાનો કેસ લડવા આસિફ અલીને પસંદ કર્યા હતા. એ ઘટના પણ ભારતીય ઇતિહાસનું એક આગવું પ્રકરણ છે. આસિફ અલી પણ 1942ના આંદોલનમાં સક્રિય હતા. પરિણામે તેમની ધરપકડ કરવામાં આવી. અને તેમને જવાહરલાલ નહેરુ સાથે અહમદનગરની જેલમાં કેદમાં રાખવામાં આવ્યા હતા.

આ ઘટનાઓ ઓગસ્ટ માસમાં યાદ કરવાનું પ્રયોજન એ છે કે ભારતનો મુક્તિ સંગ્રામ હિન્દુ મસ્લિમ એકતાની અદભૂદ મિશાલ છે. એ જ ભારતમાં આજે આપણે હિન્દુ મુસ્લિમ ભેદ ભરમની દીવાલ ઊભી કરીએ છીએ ત્યારે એક અજાણ્યા શાયરની રમૂજ પ્રેરિત રચના મનમાં ગુંજવા લાગે છે.

नफ़रतों का असर देखो जानवरों का बटवारा हो गया

गाय हिन्दू हो गई और बकरा मुस्लमान हो गया

ये पेड़ ये पत्ते ये शाखे परेशा हो जाये  

अगर परिंदे भी हिन्दू और मुस्लमान हो जाये

सूखे मेवे भी देख कर हेरान हो जाये  

जाने कब नारियेल हिन्दू

और खजूर मुसलमान हो जाए

जिस तरह से धर्म मजहब के नाम पे

हम रंगों को भी बांटते जा रहे है

हरा मुस्लमान का है और लाल हिन्दू का है

तो वो दिन दूर नहीं

जब सारी की सारी हरी सब्जिया मुसलमान की हो जाय 

हिन्दूओ के हिस्से बस टमाटर और गाजर ही जाय  

अब ये समज में नहीं रहा की

ये तरबूज किस के हिस्से जाय  

ये तो बेचारा ऊपर से मुस्लमान 

ओर अंदर से हिन्दू रह जा    

ઉપરોક્ત ઉપહાસ રચના આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં ભાસતી કોમી એકતાના સંદર્ભમાં આજે આપણને ઘણું બધુ કહી જાય છે.          

 

 

No comments:

Post a Comment