Sunday, March 24, 2024

પુસ્તક દિનની સાર્થક ઉજવણી : ડૉ. મહેબૂબ દેસાઇ

 

૨૩ મી એપ્રિલે વિશ્વભરમાં ૧૦૦ કરતાં પણ વધુ દેશોમાં વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવાઈ છે. મહાન નાટયકાર અને પ્રખર સાહિત્ય સર્જક વિલિયમ શેક્સપિયર અને લેખર ઈન્કા ગાર્સીલાસો ડે લા વેગા જેવા અન્ય લેખકોનું ૨૩  એપ્રિલના દિવસે અવસાન થયું હોવાથી ૧૯૯૫માં યુનેસ્કોએ ૨૩ એપ્રિલની તારીખે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ ઉજવવાનું જાહેર કર્યું હતું. શેક્સપીયરના યોગદાનને જોતા ભારત સરકારે પણ ૨૦૦૧માં દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી. દિવસ ઉજવવાનો હેતુ માનવજાતના સામાજીક અને સાંસ્કૃતિક વિકાસમાં લેખકોએ આપેલા યોગદાન પ્રત્યે નવી પેઢીને  જાગૃતિ કરવાનો છે. લોકો અને પુસ્તકો વચ્ચેના અંતરને દૂર કરી, લોકોના પુસ્તકો પ્રત્યેનો લગાવને જીવંત રાખવાનો છે.

૨૩ એપ્રિલ ૧૯૯૫ના રોજ  પ્રથમ વખત યુનાઇટેડ કિંગડમમાં તેની ઉજવણીનો આરંભ લંડનના ગ્લોબ થિયેટરમાં વડાપ્રધાન ટોની બ્લેર દ્વારા કરવામાં આવ્યો હતો. પુસ્તક દિન નિમિત્તે દર વર્ષે વિશ્વમાં પુસ્તક ટોકન રૂપે મેળવતા બાળકોની સંખ્યામાં વધારો થતો ગયો  છે. દિવસે પુસ્તકો ખરીદવા માટે વિદ્યાર્થીઓને ખાસ વાઉચર આપવામાં આવે છે. ઉપરાંત પુક્ત વયના લોકોની પુસ્તક વાંચનની રૂચીને જીવંત રાખવા પુસ્તક ક્વિજ, ક્વીક રીડ (વાંચન શિબિરો), પુસ્તક રિવ્યુ જેવા કાર્યક્રમોનું પણ વિશ્વમાં આયોજન કરવામાં આવે છે. પરિણામે ૨૦૦૭માં વર્લ્ડ બુક ડેની 10મી વર્ષગાંઠની ઉજવણી સમયે દસ લાખ પુસ્તકોનું પ્રકાશન વિશ્વમાં થયું હતું. આ ઉપરાંત પુસ્તક દિન ની ઉજવણીના ભાગ રૂપે 2.99 યુરોની કિંમતની ઑડિયો વિના મૂલ્યે વિદ્યાર્થીઓને આપવાનો આરંભ થયો છે. જેથી પ્રસાર માધ્યમોના વિકાસ સાથે કદમ મિલાવી પુસ્તક વાંચનની વિરાસતને જીવંત રાખી શકાય.

ભારતમાં પણ આપણે પણ પુસ્તક દિન ની ઉજવણી કરીએ છીએ. જો કે પુસ્તકોની દુનિયાને વિકસતા પ્રસાર મધ્યમોને કારણે જરૂર અસર થઈ છે. મારા પુસ્તકોના જાણીતા પ્રકાશક સાથે હાલમાં જ થયેલા સંવાદો જાણવા અને સમજવા જેવી છે. તેમણે કહ્યું,

દેસાઇ સાહેબ, એક સમયે અમે મોટા ગજાના લેખકોના પુસ્તકોની પાંચ હજાર જેટલી નકલો છાપતાં હતા. અને તે વેચાઈ પણ જતી હતી. પણ આજે અમે કોઈ પણ લેખકના પુસ્તકની ત્રણસો કે વધુમાં વધુ પાંચસો નકલો છાપવાની હિંમત કરીએ છીએ.”

મે પૂછ્યું, એવું શા માટે છે ?

તેમણે કહ્યું,

એક સમયે શાળા, કોલેજો, ખાનગી સરકારી ગ્રંથાલયોમાં પુસ્તકોની ખરીદી સારા પ્રમાણમાં થતી હતી. પણ આજે સ્થગિત થઈ ગઈ છે. પરિણામે પ્રકાશકો  પુસ્તકના પ્રકાશનમાં રસ દાખવતા નથી. સિવાઈ આપણાં વિકસિત પ્રસાર માધ્યમો જેવા કે ટીવી, મોબાઈલ, વૉટશોપ, ઇન્સટાગ્રામ, ટેલિગ્રામ, ફેસબુક અને તેને પ્રાણ પૂરતા ઈન્ટરનેટનો ફાળો મહત્વનો છે. જો કે દરેક વિકસતા સાધનોના ફાયદા ગેરફાયદા બંને હોય છે. પણ યુવા વર્ગ જે રીતે તેના ઉપયોગમાં સમય અને શક્તિનો ભોગ આપી રહ્યો છે, તે સાચ્ચે ચિંતા જનક છે.”

આ કોઈ એક વ્યક્તિ કે પ્રકાશકની વ્યથા નથી પણ બદલાતા જતાં સમયમાં વિશ્વભરની સમસ્યા છે.

એક સમયે અધ્યાપકો, શિક્ષકો, સંશોધકો કે વાંચક વિચારકોને નાનામાં નાની માહિતી મેળવવા ગ્રંથાલયમાં પુસ્તકોનો સહારો લેવો પડતો. પણ આજે ઈન્ટરનેટ કે ગૂગલ દ્વારા માહિતીનો વિસ્ફોટ થયો છે. ગમે તેવી માહિતી આંગળીના ટેરવે અલ્પ સમયમાં ઉપલબ્ધ થઈ જાય છે. પરિણામે માહિતીના સ્રોત તરીકે પુસ્તકોનું મૂલ્ય ઘટ્યું છે. પણ માહિતી અને જ્ઞાન વચ્ચે આછી ભેદ રેખા છે. તે સમજવા જેવી છે. માહિતી વિષય વસ્તુ કે ઘટનાનો માત્ર શાબ્દિક કે આંકડાકીય ચિતાર આપે છે. તેનું અર્થઘટન, વિશ્લેષણ કે તેની પાછળના કારણો પરિણામે તપાસવાનું કાર્ય નથી કરતી. એટલે જ આજના ડિજીટલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ વિશ્વમાં ઓછું થયું નથી. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. વર્તમાન યુગ એ જ્ઞાન અને માહિતીનો યુગ છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે.

 

ટૂંકમાં, વિદેશોમાં પુસ્તક દિનની ઉજવણી એક સેવાકીય કાર્ય તરીકે અત્યંત ગંભીરતાથી થાય છે. પરિણામે આજે પણ વિદેશોમાં પુસ્તકો બહોળી માત્રમાં છપાય છે અને વંચાય પણ છે. આપણે પણ પુસ્તક દિનની ઉજવણી દ્રષ્ટિ કરવાનો આરંભ કરીશું, તો અવશ્ય પુસ્તક અને વાચકો પ્રત્યે ઊભી થઈ રહેલી દિવારને દૂર કરી શકીશું. આશા છે આપણે તરફ  કદમો માંડી પુસ્તક દિનની સાર્થક ઉજવણી કરીએ : અસ્તુ