Monday, December 16, 2024

શુક્રિયા આભાર : ડૉ મહેબૂબ દેસાઈ

 

એક સૂફી સંત પાસે એક માનવી ફરિયાદ લઈને આવ્યો.

“આપ તો ખુદાની નજીક છો. ખુદા આપની વાત સાંભળે છે. તો મારી એક શંકાનું  સમાધાન કરો.”

“ બોલો, હું આપની શી મદદ કરી શકું ?”

“મહાત્મા, એક માનવી હંમેશા ખુદા પાસે માંગ્યા કરે છે. છતાં ખુદા તેને કશું આપતા નથી. અને એક માનવી ખુદા પાસે કશું માંગતો નથી. માત્ર ખુદાએ આપેલ નેમતો (બક્ષિશો) માટે ખુદાનો શુક્રિયા (આભાર) માન્યા કરે છે. છતાં ખુદા તેને આપ્યા જ કરે છે. આનું રહસ્ય મને સમજાતું નથી.”

સંતે એક નજર એ માનવી તરફ કરી. પછી ચહેરા પર સ્મિત પાથરતા સંત બોલ્યા,

“જ્યારે માનવી ખુદાએ આપેલ બક્ષિશોનો શુક્રિયા (આભાર) અદા કરતો રહે છે, ત્યારે ખુદા તેને અવશ્ય આપતો રહે છે. અને જ્યારે માનવી ખુદાનો શુક્ર અદા કરવાને બદલે ખુદા પાસે સતત માગતો રહે છે ત્યારે ખુદા તેને આપતો છે. ખુદાને તેના બંદાની શુક્રિયા અદા કરવાની અદા પસંદ છે.”

ઈશ્વરે કે ખુદાએ આપણને અઢળક કુદરતી સંપતિ, શારીરિક ક્ષમતા આપી છે. જેનો ઉપભોગ આપણે જીવનભર કરીએ છીએ. છતાં આપણે ક્યારેય તેનો આભાર નથી માનતા. પણ જ્યારે મુસીબતો કે મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે ખુદાને અચૂક ફરિયાદ કરીએ છીએ. જે ખુદા કે ઈશ્વરની બક્ષીશો માટે આભાર કે શુક્રિયા વ્યક્ત નથી કરતો તેને ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી. 

મારી વિદ્યાર્થિની વિભાવરી દવેએ મને આપણાં જાણીતા શાયર રાજેશ મિસ્કીનની “આભાર” ની મહત્તાએ વ્યક્ત કરતી એક ગઝલ વૉટશોપ પર મોકલી છે, જે સાચ્ચે જ માણવા જેવી છે.

“કૈંકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા

 શ્વાસ તારાથી સહજ લેવાય છે આભાર માન

 કૈંકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અંહી

 ટૂંકમાં બહેતર જીવન જિવાય છે, આભાર માન

 કૈંકને દ્રષ્ટિ નથી ને કૈંક જોતાં ધૂંધળું

 આંખથી ચોખ્ખું તને દેખાય છે ? આભાર માન

 કૈંક ઉબાઈ ગયા છે કૈંક પાગલ થઈ ગયા,

 જીવવાનું મન પળે પળે થાય છે ? આભાર માન

 એક સરખું જો હશે કૈં પણ તો કંટાળી જઈશ,

 વત્તું ઓછું જો હદય હરખાય છે, આભાર માન

 જીભના લોંચા નથી વળતાં ન દદડે આંસુઓ

 હોઠ ફફડે છે તો બોલે છે ? આભાર માન

 વ્હેણ સુકાયા નથી ને અવસરે શોભે હજી.

 આંસુઓ પણ પાંચમા પુછાય છે, આભાર માન

 કાલમાં સૌ જીવનાર હોય છે, પરવશ ફકત,

 આજ આ આભારવશ થઈ જાય છે, આભાર માન.”

 

મારા એક પિતરાઇ બંધુ વર્ષોથી ઘૂટંણના દર્દથી પીડાય છે. છતાં તેઓ ઘૂટંણનું ઓપરેશન કરાવતા નથી. મે તેમને પૂછ્યું,

“શા માટે તમે ઓપરેશન કરાવતા નથી ?”

“ભાઈ, ઓપરેશન પછી નવા ઘૂટંણ મને કુદરતી ઘૂટંણ જેવુ કામ નહીં આપે એ ડર  મને સતાવે છે.”

મે કહ્યું, “ ખુદા કે ઈશ્વરે જે શારીરિક અને કુદરતી સંપતિ માનવીને આપી છે તે અનમોલ અને અતુલ્ય છે. તેના જેવી એક રજ માત્ર માનવી કદાપિ બનાવી નહીં શકે માટે  તેની કદર કરવી અને તેનો હંમેશા આભાર માનતા રહેવું જોઈએ. પણ આપણે પામર માનવીઓ ઈશ્વરના આભારની મહત્તા જ વિસરી ગયા છીએ.”

ભગવાન બુધ્ધ તેમના શિષ્યો કે સાથે  પ્રયાણ કરી રહ્યા હતા. કલાકોના પગપાળા પ્રયાણ પછી સખત તાપને કારણે સૌ શિષ્યો થાકી ગયા. પરિણામે શિષ્યોની વિનંતીથી બુધ્ધ વિશ્રામ કરવા રોકાયા. શિષ્યો વૃક્ષોની છાંય શોધી આરામ કરવા લાગ્યા. એકાદ કલાકના આરામ પછી પુનઃ પ્રયાણનો આરંભ થયો. ભગવાન બુધ્ધે ચાલવાનું શરૂ કરતાં પૂર્વે જે વૃક્ષની છાંયમાં તેમણે વિશ્રામ કર્યો હતો, તે વૃક્ષની સમીપ જઈ તેમણે દંડવત પ્રણામ કર્યા. શિષ્યો આ જોઈ નવાઈ પામ્યા. એક શિષ્યે ભગવાન બુધ્ધને પૂછ્યું,

“ભગવાન્, આપે આ વૃક્ષને દંડવત પ્રણામ શા માટે કર્યા ?”

ભગવાન બુધ્ધ બોલ્યા,

“આ વૃક્ષે આપણા સૌને છાંય અને શાતાની આપી છે. વિના સ્વાર્થ અને કથન આપણને આપેલ છાંય અને શાતા માટે આપણે સૌ તેના આભારી છીએ. માટે દંડવત પ્રણામ કરી તેનો આભાર વ્યક્ત કરું છું.”

ભગવાન બુધ્ધની આ ચેસ્ટા પછી તમામ શિષ્યોએ પણ વૃક્ષને દંડવત પ્રણામ કર્યા અને પછી પ્રયાણ આરંભયું.

ટૂંકમાં સૃષ્ટિની હર રચના, માનવીનો હર સાંસ ઈશ્વરની દેન છે. હર દિન તેની બક્ષિશ છે. અને એટલે જ હર પળ ઈશ્વર કે ખુદાનો આભાર માનતા રહો. એજ ઈશ્વરને ખુશ કરવાનો રાજ માર્ગ છે.

 

 

Thursday, August 8, 2024

किसी का दिल जो तोड़ेगा खुदा क्या उस को छोड़ेगा : ડૉ. મહેબૂબ દેસાઇ

 દરેક મજહબમાં માનવીના કર્મોના ફળની વાત કરવામાં આવી છે. સ્વર્ગ અને નર્ક, જન્નત અને દોજકની પરિકલ્પના તેના ભાગ રૂપે અસ્તિત્વમાં આવેલ છે. પણ મૃત્યુ પછીની દુનિયાથી પામર માનવી બિલકુલ પરિચિત નથી. પરિણામે માનવીને તેના કર્મોનું સારૂ નરસું ફળ દુનિયામાં ભોગવવું પડે છે, માન્યતા પ્રબળ બનતી જાય છે. તેના અનેક દ્રષ્ટાંતો ઇતિહાસના પાનાંઓમાં અંકિત થયેલા છે. ભારતના સ્વાતંત્ર્ય ઇતિહાસમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ માટે જાણીતા થયેલ જનરલ રિજીનાલ્ડ ડાયર પર એક પુસ્તક

"The Butcher of Amritsar: Brigadier-General Reginald Dyer" by Nigel Collett લખ્યું છે. જેમાં જનરલ ડાયરની ક્રૂરતા, ગાંડપણ અને અંતિમ દિવાસોની વિસ્તાર પૂર્વક વાત કરવામાં આવી છે.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પંજાબ પ્રાંતમાં બ્રિટીશ શાસનનો વિરોધ વધી ગયો હતો. પરિણામે ૧૯૧૮માં બ્રિટીશ જજ સિડની રોલેટની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ભારત, ખાસ કરીને પંજાબ અને બંગાળના ક્ષેત્રોમાં અંગ્રેજ સરકાર પ્રત્યેના વધતા જતા વિરોધ પાછળ વિદેશી તાકતોનો હાથ રહેલો છે. સમિતિની દરખાસ્તોને સ્વીકારી ભારત પ્રતિરક્ષા અધિનિયમ (૧૯૧૫)નું રોલેટ એક્ટ તરીકે વિસ્તરણ કરવામાં આવ્યું. સમગ્ર ભારતમાં લાગુ કરાયેલ એક્ટ અંતર્ગત આઝાદીની ચળવળને દબાવી દેવા માટે બ્રિટીશ સરકારને અધિક સત્તાઓ આપવામાં આવી હતી. કાયદા મુજબ પ્રેસ પર સેન્સરશીપ લાગુ કરવામાં આવી. પ્રાંતિક સરકાર કોઇ પણ પ્રકારના વોરન્ટ વગર ગમે તે વ્યક્તિની ધરપકડ કરી શકતી, નેતાઓને અદાલતી કાર્યવાહી વિના જેલમાં રાખી શકતી. તેમના પર વિશેષ અદાલતો બંધ ઓરડામાં કેસ ચલાવી શકતી. અદાલતે ફરમાવેલી સજા પર અપીલ કરવાની જોગવાઇ પણ હતી. આવા કાળા કાયદાનો સમગ્ર ભારતમાં પ્રચંડ વિરોધ થયો. ગાંધીજીના આદેશથી ૬ઠ્ઠી એપ્રિલ ૧૯૧૯ના રોજ સમગ્ર દેશમાં સભા-સરઘસ, દેખાવો-પ્રદર્શનો અને હડતાળોનું આયોજન કરવામાં આવ્યું. બ્રિટીશ સરકાર દ્વારા વિરોધ આંદોલનને નિષ્ફળ બનાવવા અગ્ર  નેતાઓની ધરપકડો કરવામાં આવી. પરિણામે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો. રસ્તા, રેલવે તથા ડાક-સંચાર સેવાઓ ખોરવી નાખવામાં આવી. દિલ્હી, લાહોર, અમૃતસર, મુંબઈ જેવા શહેરોમાં તોફાનો ફાટી નીકળ્યા. અમૃતસર અને પંજાબના અન્ય શહેરોમાં સરકારી મકાનોસંપતિઓને નુકસાન પહોચાડવામાં આવ્યું. બેંકો લૂંટવામાં આવી. કેટલાક સ્થળોએ બે-ચાર અંગ્રેજોની હત્યા પણ કરવામાં આવી.

રોલેટ એક્ટના વિરોધમાં ૧૩ એપ્રિલ ૧૯૧૯ના રોજ સાંજે ચાર વાગ્યે અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં બાળકો અને સ્ત્રીઓ સહિત લગભગ ૫૦૦૦ જેટલા લોકો એકઠા થયા હતા. સભા દરમિયાન કેટલાક નેતાઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જનરલ ડાયર ૯૦ જેટલા સૈનિકોની ટુકડી લઈને બાગના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યો. કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી વિના તેણે ગોળીબાર શરૂ કરી દીધો. પરિણામે ઉપસ્થિત મેદનીમાં ભાગદોડ મચી ગઈ. ૧૦ મિનિટમાં કુલ ૧૬૫૦ રાઉન્ડ ગોળીઓ છોડવામાં આવી. બાગમાં લગાવેલી તકતી અનુસાર ૧૨૦ મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. અમૃતસરના ડેપ્યુટી કમિશ્નરના કાર્યાલયમાં ૪૮૪ શહિદોની સૂચિ છે, જ્યારે જલિયાંવાલા બાગમાં ૩૮૮ શહિદોની સૂચિ મૂકેલી છે. બ્રિટીશ રાજના અભિલેખમાં ઘટનામાં ૨૦૦ લોકો ઇજાગ્રસ્ત થયાનો તથા ૩૭૯ લોકો શહીદ થયાનો ઉલ્લેખ જોવા મળે છે.

આવા ભયંકર હત્યાકાંડની વિશ્વવ્યાપી નિંદા થતાં તત્કાલીન સેક્રેટરી ઓફ સ્ટેટ્સ એડવિન મોન્ટેગ્યુએ વિલિયમ લોર્ડ હંટરની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી. સમિતિ સમક્ષ જનરલ ડાયરે સ્વીકાર કર્યો કે લોકો પર ગોળીબાર કરવાનો નિર્ણય તે પહેલેથી કરીને આવ્યો હતો તથા સાથે બે તોપ પણ લાવ્યો હતો પરંતુ સાંકડા રસ્તાને કારણે તે તોપ અંદર લાવી શક્યો હતો. હંટર સમિતિના અહેવાલ આધારે જનરલ ડાયરને બ્રિગેડિયરમાંથી કર્નલ તરીકે અવક્રમન કરી સક્રિય સરકારી સેવાઓમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. પણ તેના અમાનવીય ગુનાહની પૂરતી સજા હતી. ઈશ્વરીય ઇન્સાફ તો હજુ બાકી હતો.

જીવનના અંતિમ વર્ષોમાં એકલતા, બોલી શકવાની અસમર્થતા, અસહય શારીરિક વેદના અને પથારીવશતા જનરલ ડાયરના જીવનની અત્યંત કરૂણતા હતી. અંતિમ દિવસોમાં જનરલ ડાયર બ્રેન સ્ટ્રોકને કારણે અપાહિજ થઈ ગયા હતા. પક્ષઘાતે તેમના શરીરને અસહાય કરી મૂક્યું હતું. તેમની વાચા હણાઈ ગઈ હતી. એકલતા અને શારીરિક નિર્બળતાએ તેમને સંપૂર્ણ ભાંગી નાખ્યા હતા. મહિનાઓ સુધી તેઓ મૃત્યના ઇન્તજારમાં પથારીમાં પીડાતા રહ્યા. અંતે 29 જુલાઈ 1927ના રોજ સેરેબ્રલ હેમરેજને કારણે તેમનું અવસાન થયું. મૃત્યું શય્યા પર પીડાતી અવસ્થામાં પોતાની ભાંગી તૂટી વાચામાં તેમણે કહ્યું હતું,

કેટલાક લોકો અમૃતસરની ઘટના અંગે મને કહે છે, મે યોગ્ય કર્યું, જ્યારે કેટલાક લોકો કહે છે મે અંત્યંત ખોટું કર્યું. હું તો માત્ર મૃત્યુની રાહ જોઈ રહ્યો છું મૃત્યુ પછી ઈશ્વર પાસે જઈ તેને પૂછીશ કે મે કરેલું કૃત્ય સારું હતું કે ખરાબ ?”

જનરલ ડાયરના અપકૃત્ય અંગે ઈશ્વરે તેમને શો પ્રત્યુત્તર પાઠવ્યો તે તો આપણે જાણતા નથી.  પણ મૃત્યુના ઇંતજારના તેમના અંતિમ દિવસોની વ્યથા, પીડા, એકલતા અને વિવશતા નિર્દોષ માનવીઓની હત્યાનું પરિણામ હશે તેમ માનવું અસ્થાને નહીં ગણાય