Wednesday, April 29, 2020

કુરાન એ શરીફમાં મુલ્યો અને સાહિત્ય : ડૉ. મહેબૂબ દેસાઈ



ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન એ શરીફના અવતરણનો ઈતિહાસ જાણવા જેવો છે. એ ઘટના ઇસ્લામી ઈતિહાસમાં સુંદર રીતે આલેખાયેલી છે. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬માસ અને ૧૦ દીવસની હતી. રમજાન માસનો રમઝાન માસનો ચોવીસમો રોજો હતો. મહંમદ સાહેબ (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં ખુદાની ઈબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાંખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઈલ આવી ચડ્યા. હઝરત જિબ્રીલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરદાર હતા. કુરાને શરીફમાં તેમને "રુહુલ કુદ્સ" અને "રુહુલ અમીન" કહેલ છે. રુહુલ કુદ્સ અર્થાત પાક રૂહ, પવિત્ર આત્મા. એવા ઇલ્મ અને શક્તિના શ્રોત હઝરત જિબ્રીલે ગારે હીરામાં આવી મહંમદ સાહેબને કહ્યું,
"હું જિબ્રીલ આપને અલ્લાહનો શુભ સંદેશ આપવા માટે આવ્યો છું. આપ તેનો સ્વીકાર કરો. આપ અલ્લાહના રસુલ-પયગમ્બર (અલ્લાહનો સંદેશ લાવનાર સંદેશાવાહક) છો. પઢો અલ્લાહના નામે "ઇકરાહ"
અને પછી ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌ પ્રથમ આયાત મહંમદ સાહેબ પર ઉતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું છે,
 પઢો પોતાના પરવરદિગારના નામથી, જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.
કુરાને શરીફનો આરંભ "બિસ્મિલ્લાહ અરરરહેમાન નિરરહિમ"થી થાય છે. જેનો અર્થ થાય છે,
"શરૂ કરું છું અલ્લાહના નામે જે બેહદ મહેરબાન અને દયાળુ છે."
આમ વહી દ્વારા મહમદ સાહેબ પર ખુદની આયાતો ઉતરવા લાગી. એ આયાતોનો સંગ્રહ એટલે કુરાન એ શરીફ.
કુરાન શરીફમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. સામાજિક, આર્થિકરાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક વિષયો સાથે અનેક ઉપદેશાત્મક કથાઓ પણ સાહિત્યના ઉમદા નમૂના રૂપ કુરાને શરીફમાં આપવામાં આવેલ છે. અને એટલે કુરાને શરીફને માત્ર ધાર્મિક  ગ્રંથ કહેવો યોગ્ય નથી. સાચા અર્થમાં કુરાને શરીફ સમગ્ર માનવ સમાજને જીવન જીવવાની કળા શીખવતો અદભૂત ગ્રંથ છે.

આ અંગે મૌલાના ઇકબાલ મોહમ્મદ ટંકારવી કહે છે,
“કુરાને શરીફમાં ચર્ચાયેલા વિષયોની યાદી તો ઘણી લાંબી છે. જેમાં તૌહીદ (એકેશ્વરવાદ), નબીઓના (સંદેશાવાહકો) બોધપાઠ આપતા કિસ્સાઓ, આખિરત (પરલોક), ઈબાદત , સામાજિક પ્રશ્નો, અર્થતંત્ર, ખેતીવાડી
, રાજકારભાર, નાગરીકશાસ્ત્રના નિયમો, કાનૂની અહકામો, ન્યાયિક પ્રક્રિયા, દુશ્મનો પ્રત્યેનો વર્તાવ, સામાજિક જીવનની બારીકીઓ, જ્ઞાનની આવશ્યકતા, બલકે પ્રથમ વહીમાં જ શિક્ષણનો હુકમ તેની પ્રાથમિકતા અને અનિવાર્યતા દર્શાવે છે.”  
આમ એક સાથે અનેક વિષયો પર પ્રકાશ પાડતા પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં માનવ મુલ્યો અને બોધ કથાઓનો સુંદર સમન્વય છે. સૌ પ્રથમ આપણે કુરાન એ શરીફમાં ઠેર ઠેર પથરાયેલા જીવન મુલ્યોની મુદ્દાસર વાત કરીએ.
ઇસ્લામના મૂળભૂત સિધ્ધાંત એકેશ્વરવાદ અર્થાત તોહીદનો છે. ઇસ્લામ કહે છે એક ઈશ્વર કે ખુદાની ઈબાદત કરો,  જેને કોઈ રૂપ, રંગ કે આકાર નથી. જેને કોઈએ નથી બનાવ્યો. પણ જેણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. એવા ઇસ્લાનમાં કેટલાક પાયાના માનવ મુલ્યો સૌ પ્રથમ જોઈએ.
. દરેક મુસ્લિમ તેની કુલ આવકના અઢી ટકા જકાત (ફરજીયાત દાન) તરીકે આપશે. જેથી સમાજમાંથી આર્થિક અસમાનતા નિવારી શકાય. સમાજમા સમાનતા સ્થાપી શકાય. રમઝાન માસ જકાત (દાન) આપવાનો ઉત્તમ માસ છે.
. ઇસ્લામ માનવતાવાદી ધર્મ છે. જકાત ફરજીયાત દાન છે. પણ ખેરાત મરજિયાત દાન છે. અને ખેરતા માત્ર પૈસાની હોય શકે. કોઈ પણ અસહાયને મદદ કરવી. સુરદાસને માર્ગ ઓળંગવામા મદદ કરવી. વિદ્યાર્થીને વિના મુલ્યે ભણાવવા. બધા કૃત્યો ખેરાત અર્થાત દાન કે સદકાર્યો છે. ઈસ્લામે માટે ખાસ કહ્યું છે કે અસહાયને મદદ કરનાર માનવી સાચો મુસ્લિમ છે.  
. ઇસ્લામમા રમઝાન માસ ઉપવાસ અર્થાત રોઝાનો માસ છે. સૂર્ય ઉગે તે પહેલાથી અને સૂર્ય આથમે પછી ભુખ્યા તરસ્યા રહી ખુદાની ઈબાદત કરવાનો ઇસ્લામમા આદેશ છે. ઉપવાસ કે રોઝા દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. કારણ કે તે મન અને શરીરને શુદ્ધ કરવાનો માર્ગ છે. ભૂખ અને તરસનો અહેસાસ કરવાનો માર્ગ છે.
. ઇસ્લામમાં દીકરીનો જન્મ ખુદાની રહેમત (કૃપા)ની નિશાની છે. જે માનવી પોતાની નૈતિક રોઝીમાંથી દીકરીનું પાલન પોષણ કરશે, તેને શિક્ષણ આપશે, અને સારા કુટુંબમાં તેની શાદી કરશે, તે માનવી સાચા અર્થમાં જન્નતનો (સ્વર્ગનો) અધિકારી બને છે.
. ઇસ્લામ કહે છે સૌથી સારો માણસ છે જે તમામ સ્ત્રીઓ સાથે વિવિક પૂર્ણ વ્યવહાર કરે છે.
. ઇસ્લામમાં વિધવા સ્ત્રીને અપ સૂકનીયાળ માનવામાં આવતી નથી. તેને પણ બહેતર જીવનનો અધિકાર છે. અને એટલે વિધવાઓ અને તેના બાળકોને શક્ય તમામ સહાય કરો. અને સમાજમાં તેને આદર અને માન આપો.
. ઇસ્લામમાં ઊંચ નીચના કોઈ ભેદો નથી. નમાઝ સમયે ખભાથી ખભો મિલાવી ઉભા રહો. તો નમાઝ પૂર્ણ થશે. કારણ કે ઇસ્લામ સમાનતાનો આગ્રહી છે. અને સમાનતા સ્વસ્થ સમાજ માટે અતિ અનિવાર્ય છે.
. ઇસ્લામમાં હિંદુ કે મુસ્લિમ કોઈ પણ ધર્મના પડોશીઓ સાથે હંમેશા સદ્વ્યવહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાડોશીના સુખમાં સુખી અને તેના દુઃખમાં દુઃખી રહેનાર માનવી સાચો મુસ્લિમ છે.
. ઇસ્લામ કહે છે શરાબ અર્થાત દારૂ અને જુગાર તમામ બૂરીઓના મૂળમાં છે. તેનાથી હંમેશા દૂર રહો. એટલુ નહિ પણ તેના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા માનવીઓ સાથે પણ કોઈ વ્યવહાર રાખો.
૧૦. ઇસ્લામ કહે છે કે મજદૂરનો પસીનો સૂકાઈ પહેલા તેનું મહેનતાણું તેને ચૂકવી દો. મજદૂરની પસીનાની કે મહેનતની કમાઈને રોકી રાખવાનો તમને કોઈ અધિકાર નથી. કયારેય કોઈ મજદૂર કે અનાથની બદ્દદુવા લેશો. તેની એક બદ્દદુવા તમારી બરબાદીનું કારણ બની શકે છે.
૧૧. ઇસ્લામમાં ઈર્ષા અને ગીબત મોટા ગુનાહ છે. હંમેશા ઈર્ષાથી દૂર રહો. અને ગીબત અર્થાત કોઈની ટીકા ટિપ્પણ કરવામાં સમય બરબાદ કરો. એવી પ્રવૃત્તિ તમારા ગુનાઓમાં અભિવૃદ્ધિ કરે છે. અને જેની તમે ટીકા કરો છે તેના ગુનાઓને તે ધોવે છે. ટીકા તમારા સદકાર્યોને ઉધઈની જેમ ખાય જાય છે.
૧૨. ખુશ રહેવાનો ઉત્તમ માર્ગ ઇસ્લામમાં બતાવવામાં આવ્યો છે. અને તે છે તમારાથી અમીર ને જુવો. તમારાથી ગરીબને જોઈ હંમેશા ખુદાનો શુક્ર આભાર માનતા રહો કે ખુદાએ તમને તે ગરીબથી બહેતર જીવન આપ્યું છે.
૧૩. ઇસ્લામ કહે છે હંમેશા નૈતિક અર્થાત હલાલ કાર્યો આચરણમાં મુકો. સત્ય બોલવાનો આગ્રહ રાખો. વચન પાલન કરો. અને કયારેય કોઈનું દિલ દુભાવો. અનાયાસે કોઈને કઈ કહેવાય જાયતો તુરત તેની ક્ષમા યાચના કરી લો. અલ્લાહ તેમાં રાજી છે.
૧૪. ઇસ્લામમાં કહ્યું છે પાણીનો નિર્થક વ્યય કરો. વિના કારણ પાણીનો દુર વ્યય કરવો ગુનાહ છે. ઇસ્લામમાં વઝું અર્થાત નમાઝ પૂર્વે હાથ મોઢું ધોવાની ક્રિયામાં પણ પાણીની બચતને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે.  
૧૫. રસ્તામા અવરજવર કરનાર માનવીઓને અડચણ રૂપ કે તકલીફ આપતી કોઈ પણ વસ્તુ મોટો પથ્થર, ખીલો કે ખાડો હોય તો તેને દૂર કરવાનુ કાર્ય પણ સવાબ(પુણ્ય) છે.ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય ત્યારે તેને યથાવત કરવામા પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે વિવેકપૂર્ણ સહાય કરવી પણ પુણ્યનું કાર્ય છે.  સત્તાધીશો તે દૂર કરશે મારે શું ? એવું માનનાર સાચો મુસ્લિમ નથી.
૧૬. ઇસ્લામમાં સ્ત્રી સન્માનની ભાવના પાયામાં છે. કોઈ પણ અજાણી સ્ત્રી પર નજર કરો. એવા સમયે નજર ફેરવી લો. કારણ કે પર સ્ત્રી પર બૂરી નજર કરાવી તો ગુનો છે , પણ તેના પર નજર કરવી પણ યોગ્ય નથી.
આ તમામ આદર્શોને વાચા આપતી અનેક આયાતો કુરાને શરીફમાં જોવા મળે છે. જેમ કે,
"ખુદા ક્ષમાશીલ અને પ્રેમાળ છે. એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય, તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને જાણે છે."
"અને ખુદા તમારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઈચ્છે છે, પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો."
"ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો. નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે."
"જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જોઈ રહ્યો છે.”
“તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે."
"અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે ?  જો તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો."
"અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે."
"તમે જે સદ્કાર્યો કરો છો તેની કદર કરવામાં આવશે. અલ્લાહ સંયમી લોકોને સારી રીતે ઓળખે છે.
“જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે."
"શેતાન માત્ર એટલું જ ઈચ્છે છે કે દારૂ અને જુગાર દ્વારા તમારી વચ્ચે દુશ્મનાવટ અને વેરભાવના ઉત્પન થાય. તમને અલ્લાહની યાદ અને નમાજથી અટકાવે. શું તમે અટકી જશો ?"
“અને તમને શું થઇ ગયું છે કે તમે અલ્લાને માર્ગે, નિર્બળો, સ્ત્રીઓ અને બાળકોના રક્ષણ માટે પણ નથી લડતા ?”
“પોતાના ઘરો સિવાઈ અન્યના ઘરોમાં દાખલ થતા પહેલા સલામ કરો અથવા સંમતિ લઈને દાખલ થાવ. શું ખબર કોણ કઈ સ્થિતિમાં હોય ?” 
આવી મુલ્ય નિષ્ટ અનેક આયાતો કુરાન એ શરીફના આભૂષણ સમાન છે. જેને હઝરત મહંમદ સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન આચણમાં મૂકી હતી.
તેને અનુમોદન આપતા ગાંધીજીએ કહે છે,
"મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું ? કારણ એ જ કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું"
ઇસ્લામમાં માંસાહાર તેની સંસ્કૃતિના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે. કારણ કે અરબસ્તાનો રેતાળ પ્રદેશ એ સમયે ઉપજાવ ન હતો. ત્યાં શાકભાજી, ફળફળાદી કે અન્ય કોઈ વનસ્પતી ઉત્પન થતી ન હતી. પરિણામે માનવ સમાજને ટકી રહેવા ફરજીયાત માંસાહાર કરવો પડતો હતો. પણ તેનો બિલકુલ એવો  અર્થ નથી થતો કે ઇસ્લામ માંસાહાર દ્વારા હિંસાને પ્રાધાન્ય આપે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં ઠેર ઠેર અહિંસા અને શાંતિને વિશેષ મહત્વ આપતી અનેક આયાતો છે. જેમ કે “લા ઇકરા ફીદ્દીન”  અર્થાત
"દુનિયામાં ફસાદ કયારેય ફેલાવશો નહી"
"પરસ્પર ઝગડો ન કરો સંતોષમાં જ સુખ છે"
કુરાને શરીફમાં કહ્યું છે,
"ન તો તમે કોઈનાથી નફરત કરો, ન કોઈ પર જુલમ કરો. ખુદા જુલમ કરનારથી નાખુશ છે"
શાંતિમય સહ અસ્તિત્વના સિદ્ધાંતના પ્રખર પ્રચારક સમા કુરાને શરીફમાં માનવીય અભિગમને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
નાપ તોલમાં બેઈમાની કરનાર માટે વિનાશ છે. જયારે કોઈની પાસે થી કઈ ખરીદો છો ત્યારે બરાબર તોલીને લો અને જયારે તેમને આપો છો ત્યારે પણ બરાબર તોલી ને જ આપો.”
"જેણે કોઈનો જીવ બચાવ્યો, તેણે સંપૂર્ણ માનવજાતિને જીવતદાન આપ્યું"
એ જ રીતે કુરાને શરીફનું સાહિત્યિક મુલ્ય પણ ઓછું નથી. સાહિત્યના કેન્દ્રમાં કથા અને ઉપમાઓ અનિવાર્ય હોય છે. એ દ્રષ્ટિએ કુરાને શરીફ મુલ્ય નિષ્ઠા કથાઓ અને ઉપમાઓનો અદભૂત સંગ્રહ છે. કુરાને શરીફમાં માનવજાતને સમજાવવા માટે ઘણા બધા પ્રકારના બોધપ્રદ દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે,
“ અમે લોકો માટે આ ગ્રંથમાં દરેક પ્રકારના દ્રષ્ટાંતો (ઉદાહરણો) દર્શાવ્યા છે. જેથી લોકો ધ્યાનથી નસીહત (બોધ) લઇ શકે.”   
કુરાને શરીફની અનેક કથાઓમાં વિશ્વમાં પ્રસિદ્ધ કથા હઝરત યુસુફ અલૈ. અને ઝુલેખાની છે.   કથા જીવનના મુલ્યોને સાકાર કરતી એક ઉત્તમ બોધકથા છે. કથા માત્ર સુરત આપવામાં આવેલ છે. સમગ્ર કુરાનમાં બીજીવાર તેનું ક્યાંય વર્ણન થયું નથી. કહાનીને પવિત્ર કુરાનમાં એહસનુલ કસસ અર્થાત અનુપમ કહાની કહેવામાં આવી છે. કથા અનેક લેખકો અને કવિઓની કથાનું કેન્દ્ર પણ બની છે. સૌ પ્રથમવાર ફારસી કવિ નુરુદ્દીન અબ્દુલરહેમાન જામી (૧૪૧૪-૧૪૯૨) પોતાની રચના હપ્ત અવરંગમાં કથાને રજુ કરી હતી. પછી મહમૂદ ગામી (૧૭૫૦-૧૮૫૫) કાશ્મીરીમાં કથાને સાકાર કરી. હાફીઝ  બરખુરદાર (૧૬૫૮-૧૭૦૭) પંજાબીમાં કથાને રજુ કરી હતી. શેખ નિસારે અવધીમાં તેને કાવ્ય રૂપે રજુ કરી છે. કુરાને શરીફ ની કથાને કવિ નિસારે ૧૯૧૭-૧૮મા પ્રેમદર્પણ નામે રજુ કરેલ છે. શાહ મુહમ્મદ સગીરે પણ કથાને ૧૪મી સદીમાં બાંગલામાં રજુ કરી હતી. સૂફી સંતો ફિરદૌસ, અમીર ખુસરો અને બુલ્લેશાહએ પણ પોતાની રચનાઓમાં કથાને સાકાર કરેલ છે. આવી અદભૂદ કથામાં હઝરત યુસુફ અલૈ. ના જીવનના બોધદાયક પ્રેમ પ્રસંગનું ચિત્રણ કરવામાં આવ્યું છે. જેમાં તેમનું શુદ્ધ ચારિત્ર અભિવ્યકત થાય છે. સૌ પ્રથમ નાનકડી પ્રેમકથા માણીએ.
પિતાના વહાલા પુત્ર યુસુફ અલૈ.પોતાના ભાઈઓની ઈર્ષાનો ભોગ નાનપણથી બનતા રહે છે. અને તેના કારણે તેમના ભાઈઓ તેમને એક અવાવરા કુવામાં નાખી દે છે. ત્યાંથી તેમને એક રાહબર બચાવી, તેમને સજાવી ગુલામ તરીકે વેચવા બજારમાં મુકે છે. આવો અતિ સુંદર ગુલામ સૌ કોઈ ખરીદવા લલચાય ?. પણ અઝીઝ નામના એક અમીરે યુસુફ અલૈ.ને ખરીદી લીધા. ખરીદતી વેળા અઝીઝ સમજી ગયા હતા કે તેમણે એક અણમોલ રતન ખરીદ્યું છે. યુસુફ અલૈ.ની પ્રમાણિકતા, પવિત્રતા, કામ કરવાની ધગસ અને સુઝબુઝ, નિયમિતતા, સહનશીલતા અને બુદ્ધિ ચાતુર્ય અને અત્યંત ખુબસુરતી જોઇને અઝીઝ અને તેમની પત્ની ઝૂલેખા તેમની સાથે આદર પૂર્વક વ્યવહાર કરતા હતા. વીસેક વર્ષના ભર યુવા હઝરત યુસુફ અલૈ.નું અદભૂત સૌંદર્ય કોઈ પણ સ્ત્રીનું મન મોહી લે તેવું હતું. અને એમ બન્યું. હઝરત અઝીઝની પત્ની ઝુલેખા ગુલામ હઝરત યુસુફ અલૈ. પર મોહી ગઈ. પણ અત્યંત ચારિત્રવાન યુસુફ અલૈ. પર તેમના પ્રેમનો જાદુ ચાલ્યો. પણ એક દિવસ ઝુલેખાએ ઘરના બધા દરવાજા બંધ કરી દીધા. અને તેણે હઝરત યુસુફ અલૈ.ને રીઝવવાનો પ્રયાસ કર્યો. યુસુફ અલૈ. માટે કપરી કસોટીનો સમય હતો. એક ખુબસુરત સ્ત્રી તેમને સામેથી સહર્ષ આવકારી રહી હતી. પણ યુસુફ અલૈ. ઝુલેખાના ઈરાદાઓને પામી ગયા હતા. તેમણે અલ્લાહનો ખોફ પોતાના દિલમાં મજબૂત રીતે પકડી રાખ્યો હતો. ખુબ નમ્ર ભાવે તેમને ઝુલેખાને કહ્યું,
હું અલ્લાહની પનાહ માંગું છું. મારાથી કૃત્ય નહિ થયા. હું અલ્લાહની અવગણના નહિ કરી શકું. વળીજેણે મને ગુલામીની દશામાં રાખતા પોતાના પુત્ર જેમાં રાખ્યો છે, તેવા મારા માલિકનો હું કૃત્ઘ્ની  બની શકું નહી.
પ્રસંગનું વર્ણન પવિત્ર કુરાનમાં આપવામાં આવ્યું છે. તેનો ટૂંક સાર નીચેના શબ્દોમાં આપી શકાય.
 આમ યુસુફ અલૈ. દરવાજો ખોલી બહાર નીકળવા કદમો માંડ્યા. પણ તેમને રોકવા ઝુલેખાએ દોટ મૂકી. અને હઝરત યુસુફ અલૈ.નું પહેરણ પાછળથી પકડી લીધું. હઝરત યુસુફ અલૈ. પહેરણ છોડાવી આગળ જવા લાગ્યા. ખેંચતાળમાં હઝરત યુસુફ અલૈ.નું પહેરણ ફાટી ગયું. આમ પહેરણ ઝુલેખના હાથમાંથી સરકી ગયું. અને હઝરત યુસુફ અલૈ. ઝડપથી દરવાજો ખોલી બહાર નીકળી ગયા. ઝુલેખાએ પોતાના કૃત્યને છુપાવવા હઝરત યુસુફ અલૈ. પર આક્ષેપ મુક્યો. અને પોતાના પતિને કહ્યું,
જે માનવીએ તમારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો છે. તેને કેદની સજા કરવામાં આવે.
જો કે હઝરત યુસુફની નિર્દોષતાને સિદ્ધ કરતા એક વ્યક્તિએ કહ્યું કે,
જો યુસુફનો કુરતો આગળથી ફાટેલો હોય તો તે દોષિત છે પણ જો તેનો કુરતો પાછળથી ફાટેલો હોય તો યુસુફ નિર્દોષ છે. અને સાચે યુસુફનો કુરતો પાછળથી ફાટેલો હતો. તેથી તે બિલકુલ નિર્દોષ છે.
આમ હઝરત યુસુફ અને ઝુલેખાની પ્રેમ કથાનો અંત આવ્યો. જો કે પ્રેમ માત્ર તરફી હતો. જેમાં માત્ર ઝુલેખાં હઝરત યુસુફ તરફ આકર્ષાય હતા. હઝરત યુસુફ પ્રત્યે બિલકુલ નિર્લેપ હતા. કુરાને શરીફની કથા યુગની ઇન્સાફની પરંપરા અને હઝરત યુસુફના શુદ્ધ ચારિત્ર્યને સાકાર કરે છે.

આવી જ એક અન્ય પ્રસિદ્ધ કથા કુરબાનીની છે. જેના કારણે ઇસ્લામના અનુયાયીઓ બકરા ઈદ ની ઉજવણી કરે છે. ઇસ્લામમાં ખુદાના નામે મા-બાપ, વતન અને પોતાના એક માત્ર સંતાનની કુરબાની આપનાર હઝરત ઈબ્રાહીમની કથામાં સંઘર્ષ અને બલિદાનનું ઉત્તમ દ્રષ્ટાંત છે. ઇસ્લામમાં કુરબાની (ત્યાગ)ની મિશાલ કાયમ કરનાર હઝરત ઈબ્રાહીમને "ખલિલુલ્લાહ" અર્થાત ખુદાના પ્યારા દોસ્ત કહેવામાં આવ્યા છે. હઝરત ઈબ્રાહીમનો જન્મ ઈ.સ. પૂર્વે ૨૦૩૨માં થયેલો મનાય છે. તેમના માતા મુસલી અને પિતા આઝર હતા. કુરાને શરીફમાં આપવામાં આવેલા સંદર્ભ મુજબ નાનપણથી જ પિતાના વિચારો સાથે બાળક ઈબ્રાહીમના વિચારો મેળખાતા ન હતા. હઝરત ઈબ્રાહીમ પિતાને કહેતા,
"ખુદા એક છે અને તેની ઈબાદત કરો. એ જ સત્ય છે"
જયારે પિતા કહેતા,
"તું મારા ઘરમાંથી બહાર નીકળી જા. મારા ધર્મમાંથી તું ચલિત થઇ ગયો છે"
યુવાવસ્થામાં પણ હઝરત ઈબ્રાહીમ પોતાના આ વિચારોનો પ્રચાર-પ્રસાર કરતા રહ્યા. હઝરત ઈબ્રાહીમના આવા વિચારોની જાણ ઈરાકના બાદશાહ નમરુદને થઇ. અને તેણે હઝરત ઈબ્રાહીમને પોતાની સાથે ચર્ચા કરવા તેડાવ્યા. કુરાને શરીફની સુરા: બકરાહમાં હઝરત ઈબ્રાહીમ અને બાદશાહ નમરુદ વચ્ચેના કેટલાક સુંદર સંવાદો આપવામાં આવ્યા છે.
નમરુદ હઝરત ઈબ્રાહીમને પૂછે છે,
"તારો રબ (ખુદા-ઈશ્વર)કોણ છે ?"
હઝરત ઈબ્રાહીમે જવાબ આપ્યો,
"મારો રબ એ છે જેના અધિકારમાં જીવન અને મૃત્યુ છે"
બાદશાહ નમરુદ અહંકારથી કહે છે,
"જીવન અને મૃત્યુ તો મારા અધિકારમાં છે"
હઝરત ઈબ્રાહીમએ ફરમાવ્યું,
"એ સત્ય નથી. એમ જ હોય તો ખુદા સુર્યને હંમેશા પૂર્વમાંથી ઉગાડે છે. તું તેને એકવાર પશ્ચિમમાંથી ઉગાડી દેખાડ"
અને હઝરત ઈબ્રાહીમની આ દલીલ સામે બાદશાહ નમરુદ નિરુત્તર બની ગયા.
જો કે હઝરત ઈબ્રાહિમના આવા એકેશ્વરવાદ અર્થાત "તોહીદ"ના વિચારોથી રાજા નમરુદ અને તેની પ્રજામાં હઝરત ઈબ્રાહિમ વિરુદ્ધ સખત વિરોધ વ્યાપી ગયો. પરિણામે હઝરત ઈબ્રાહીમના ખુદા પરના આવા ઈમાન (વિશ્વાસ)ને કારણે તેમને અનેક યાતનાઓ ભરી કપરી કસોટીઓથી પસાર થવું પડ્યું. એકવાર પ્રજાએ હઝરત ઈબ્રાહીમને જીવતા સળગાવી મુકવાનો નિર્ણય કર્યો. શહેરની નજીક કોસી નામના પહાડની તળેટીમાં એક ખાડો ખોદવામાં આવ્યો. એ ખાડામાં અઢળક લાકડાઓ નાખવામાં આવ્યા. એ પછી હઝરત ઈબ્રાહીમને બાંધીને તે ખાડામાં બેસાડવામાં આવ્યા. કુરાને શરીફમાં આ અંગે લખવામાં આવ્યું છે,
"અને તેમને ધગધગતા અગ્નિમાં નાખવામાં આવ્યા" અને "હવે જોઈએ છીએ તારો ખુદા તને કેવી રીતે બચાવે છે ?"
બરાબર એ જ વખતે ખુદાના ફરિશ્તા હઝરત જિબ્રીલે આવીને હઝરત ઇબ્રાહિમને પૂછ્યું,
"અય ખલિલુલ્લાહ, તમારે મારી મદદની જરૂર છે ?"
હઝરત ઈબ્રાહીમે ફરમાવ્યું,
"મારે તમારી નહિ, મારા ખુદાની મદદની જરૂર છે. મને વિશ્વાસ છે કે તે મને જરૂર મદદ કરવા આવશે"
ખુદાના મિત્ર સમા હઝરત ઈબ્રાહીમનો આવો અડગ વિશ્વાસ જોઈને ખુદા અંત્યત ખુશ થયા. અને જે આગને પ્રગટાવવામાં સાત દિવસ લાગ્યા હતા, તે આગ એકાએક ઠંડી પડવા લાગી. હઝરત ઈબ્રાહિમના બંધનો એક પછી એક તૂટવા લાગ્યા. અને તેઓ આગમાંથી હેમખેમ મુક્ત થઇ ગયા.

ખુદાના આવા દોસ્ત હઝરત ઈબ્રાહીમને એક રાત્રે સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં ખુદાએ તેમના પ્યારા પુત્ર ઈસ્માઈલની ખુદાના નામે કુરબાની આપવાનો આદેશ આપ્યો. ખુદાના આદેશનું પાલન કરવા પોતાના એકના એક વ્હાલસોયા પુત્રને લઇ હઝરત ઈબ્રાહીમ જંગલમાં જવા નીકળી પડ્યા. મુનહર પહાડી પર પહોંચ્યા, પોતાના પુત્રને એક પથ્થર પર સુવડાવી તેની કુરબાની કરવા તેના ગળા પર તેમણે છરી ફેરવી ત્યારે તેમને આકાશવાણી સંભળાય.
"ઈબ્રાહીમ, તે ખુદાના આદેશનું શબ્દસહ પાલન કર્યું છે. ખુદા પોતાના નેક બંદાઓની આ જ રીતે કસોટી કરે છે. તું ખુદાની કસોટીમાથી પાર ઉતાર્યો છે. તેથી તારા વહાલા પુત્રને બદલે પ્રતિક રૂપે એક જાનવરની કુરબાની કર"
અને તે દિવસથી બકરા ઈદ અર્થાત ઈદે-એ-કુર્બાનો આરંભ થયો. આ કથા હઝરત ઇબ્રાહીમની ખુદાએ લીધે કસોટી વ્યક્ત કરે છે. ખુદા માટે પોતાના વહાલા પુત્રનો પણ ત્યાગ કરવાની ભક્તની કેટલી તૈયારી છે, તે જ તેમાં તપાસવાનો પ્રયાસ છે. અને એટલે જ કથાનું હાર્દ વ્યક્ત કરતા કુરાને શરીફમાં કહેવામાં  આવ્યું છે,
"ખરેખર તો એ એક કસોટી  હતી"

આવી અનેક કથાઓ અને મુલ્ય નિષ્ઠ ઉપદેશો દર્શાવે છે કે કુરાને શરીફ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. પણ સમગ્ર માનવજાતને નૈતિક જીવન માર્ગ ચિંધતો અદભૂત ગ્રંથ છે. તેમાં જીવન જીવવાનો ઉત્તમ માર્ગ બતાવવામાં આવ્યો છે. અને એટલે જ દરેક માનવીએ જીવનમા એકવાર તો કુરાને શરીફનું અધ્યન કરવું જોઈએ. જેથી ઇસ્લામ ધર્મ અંગે વ્યાપેલી અનેક ગેરસમજોનું આપો આપ નિરાકાર થઇ જાય.

------------------------------------------------------------------------------------------------------------
૧. ટંકારવી, ઇકબાલ મોહમ્મદ (સંપાદક), પવિત્ર કુરઆન સારંશ, પ્ર. દારૂલૂ ઉલૂમ ઇસ્લામિય્યાહ, માટલીવાલા, ભરૂચ, ૨૦૧૪, પૃ. ૭૭
૨. કુરાન એ શરીફ, પ્રકરણ ૧૮, સૂરતુન-નૂર, આયાત ૨૭.
૩. નવજીવન (સાપ્તાહિક), ૨, નવેમ્બર ૧૯૨૪, પૃ. ૭૨
૪. ટંકારવી, ઇકબાલ મોહમ્મદ (સંપાદક), પવિત્ર કુરઆન સારંશ, પૃ. ૭૪
૫. આ કથા કુરાન શરીફના બારમાં પ્રકરણમાં આપવામાં આવેલ છે. ૧૧૧ આયાતો અને ૧૨ રુકુમાં પથરાયેલી છે.
૬. આ કથા કુરાન એ શરીફની સૂરે યુસુફની આયાત ૨૫ થી ૨૯મા આપવામાં આવેલ છે.
૭. આ કથા કુરાન એ શરીફના ૨૩માં પ્રકરણ સુરતુ સફ્ફતની આયાત નંબર ૧૦૧ થી ૧૦૭માં આપવામાં આવી છે.

1 comment:

  1. I am happy reading the summery of Quran.
    I know only you can summarise this precisely,
    I have written the similar article during last three months.
    Thanks

    ReplyDelete