દરેક ધર્મમાં
કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં છે. માનવી જીવનમાં જેવા કર્મ કરશે, તેવું ફળ પામશે. ગીતામાં
પણ આ અંગેનો બહુ જાણીતો શલોક છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥
અર્થાત કર્મ પર જ તારો અધિકાર છે. કર્મ જ
હાથમાં છે. પણ તેના ફળની અપેક્ષા ન કરીશ. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં પણ કહ્યું છે,
”અલ આમલ બિન
નીયતે”
અર્થાત
સદકાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે. અર્થાત તમારા ખિસ્સામાં સો રૂપિયા હોય, અને કોઈ ગરીબ
કે લાચાર જરૂરતમંદને જોઇને તમારા મનમાં
માત્ર વિચાર આવે કે જો આ પૈસા મારી જરૂરિયાત ન હોત તો, પેલા ગરીબ જરૂરતમંદ માનવીને
આપી દેત. બસ, આપનો આ વિચાર માત્ર આપનું સદકાર્ય છે.
આ વિચારને સાકાર
કરતો એક કિસ્સો મને હમણાં આપણા વયોવૃદ્ધ ગાંધીવાદી વાપીના ઉદ્યોગપતિ મા. ગફુરભાઈ
બિલખીયા પાસેથી સાંભળવા મળ્યો. વાપીની મોર્ડન શાળાના એક કાર્યક્રમમાં ત્યાના સંચાલક
શ્રી રફીકભાઈ લાલોડીયાએ નિમંત્રણ પાઠવ્યું
હતું. એ સંદર્ભે વાપી જવાનું થયું. મા. ગફુરભાઈ બિલખીયા ૮૬ વર્ષની ઉમરે પણ “અતિથી
દેવો ભવઃ” ના સંસ્કારોને સાકાર કરતા અમને મળવા આવ્યા. અને મારી અને જાણીતા લેખક
રજનીકુમાર પંડ્યા સાથે રાત્રીના દસેક વાગ્યા સુધી વાતોએ વળગ્યા. એ દરમિયાન મા.
ગફુરભાઈએ તેમના જીવનની એક ઘટના અમને કહી.
લગભગ ૫૦-૬૦ વર્ષ
પહેલાની એ ઘટના છે. એ દિવસો ગફૂરભાઈ માટે ઘણાં તાણના હતા. આર્થિક તંગીના એ
દિવસોમાં ગફુરભાઈ ભાવનગર જીલ્લા પંચાયતના સભ્ય હતા. જીલ્લા પંચાયતના ગંગાજળિયા
તળાવના નાકે આવેલા ગેસ્ટ હાઉસમાં એ રાત્રે તેમનો ઉતારો હતો. ખિસ્સામાં માત્ર એકસો
દસ રૂપિયા હતા. બીજે દિવસે સવારે એસ.ટી.ની બસમાં જીલ્લા પંચાયતના કોઈ કાર્ય અંગે તેમને
ગાંધીનગર જવાનું હતું. એટલે જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના ચોકીદારને સવારે વહેલા
ઉઠાડવાનું કહી ગફુરભાઈ સૂઈ ગયા. સવારે ચા પીને તેઓ ગેસ્ટ હાઉસની બહાર આવ્યા. બહાર
એક બેહાલ માનવી લાચાર નજરે તેમને તાકી રહ્યો હતો. એ દિવસોમાં પણ ગફૂરભાઈનો પોશાક ખાદીનો
સફેદ કફની અને લેંઘો જ હતા. ગફૂરભાઈને જોઈ પેલો લાચાર માનવી તેમની પાસે દોડી
આવ્યો. અને ગળગળા સવારે બોલ્યો,
“મારી સાતેક
વર્ષની દીકરીને હોસ્પીટલમાં દાખલ કરી છે. દવાના પૈસા નથી. મને એક સો રૂપિયા આપો.”
ગફૂરભાઈ એ બેહાલ
માનવીને જોઈ રહ્યા. પછી બોલ્યા,
“જો મારી પાસે
માત્ર એકસો દસ રૂપિયા જ છે. એ પૈસા બસમાં ગાંધીનગર જવા માટે રાખ્યા છે. જો હું એ તને
આપી દઈશ તો, મારે ગાંધીનગર જવાનું મુલતવી રાખવું પડશે.”
પેલા માનવીએ આ સાંભળવા
છતાં લાચાર બની આજીજી ચાલુ રાખી. અને ગફૂરભાઈનું મન પીગળી ગયું. તેમણે ખિસ્સામાંથી
સો રૂપિયા કાઢી એ માનવીને આપી દીધા. અને ગાંધીનગર જવાનું મુલતવી રાખી, ગેસ્ટ હાઉસની લોબીમાં એક બાંકડા પર નિરાતે બેઠા.
થાડીવારે ભાવનગરના જાણીતા કાર્યકર શ્રી.પ્રતાપભાઈ શાહની ગાડી આવી ચઢી. ગફૂરભાઈ ને
જોઇને તેઓ બોલ્યા,
“ગફૂરભાઈ, ગાંધીનગર
આવવું છે ? સાંજના પાછા આવી જઈશું.”
“આવવું તો છે, પણ
મારે ત્યાં મંત્રીશ્રીને મળી એક કામ પતાવવાનું છે.”
“બધું થઇ પડશે.
આવી જાવને.”
અને એસ.ટી.ની
બસમાં ધક્કા ખાતા ખાતા જવાના બદલે શાંતિથી કારમાં જવાનું આયોજન કરનારા ખુદાને યાદ
કરતા ગફૂરભાઈ પ્રતાપભાઈ શાહ સાથે તેમની કારમાં બેસી ગયા.
સાંજે બધું કામ
પતાવી મા. પ્રતાપભાઈએ ગફૂરભાઈને જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના દરવાજે ઉતર્યા.
ત્યારે રાત્રીના લગભગ નવેક વાગ્યા હતા. ગફૂરભાઈને દરવાજે ઉતારી, પ્રતાપભાઈએ વિદાઈ
લીધી. ગફૂરભાઈ જીલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસના પગથીયા ચડ્યા કે સામે જ સવારે એક સો
રૂપિયા લઇ જનાર લાચાર માનવી ઉભો હતો. ગફૂરભાઈને જોઈ તે તેમની પાસે દોડી આવ્યો. તેણે
પોતાના હાથની હથેળીમાં દબાવી રાખેલી સોની નોટ ગફૂરભાઈ સામે ધરતા કહ્યું,
“વડીલ, આ આપના સો રૂપિયા પરત કરું છું. હવે મને તેની
જરુર નથી. ઈશ્વરે મારી દીકરીને એવી આકાશી મદદ મોકલી છે કે અત્યારે તે સંપૂર્ણ
સ્વસ્થ છે.”
ગફૂરભાઈ એ
માનવીની આંખોમાં સચ્ચાઈની રોશની જોઈ રહ્યા. પછી ચહેરા પર સ્મિત પાથરતા બોલ્યા,
“ભલા માણસ, એ સો
રૂપિયા તો હવે તું જ રાખ. તને સો રૂપિયા આપ્યા પછી મને તો ખુદાએ કાર મોકલી. હું
એસ.ટી.ની બસમાં ધક્કા ખાતા ખાતા ગાંધીનગર જવાનો હતો તેના બદલે કારમાં ગયો.
ગાંધીનગરનું બધું કામ કારમાં જ પતાવી આરામથી પરત આવી ગયો. અને તો ય મારા ખિસ્સામાં
હજુ દસ રૂપિયા બચ્યા છે.’
પોતાના
ખિસ્સામાંથી બચી ગયેલા એ દસ રૂપિયાની નોટ કાઢતા ગફૂરભાઈ બોલ્યા,
“આ દસ રૂપિયા પણ
હવે તો તું જ રાખી લે. રખેને ખુદા આ દસ રૂપિયા પણ મારી નેકીમાં સામેલ કરી મને અન્ય
કોઈ રીતે હજુ વધુ નવાજે.”
એમ કહી પેલા
બાકીના દસ રૂપિયા પણ એ માનવીના હાથમાં મૂકી ગફૂરભાઈ લાંબા ડગ માંડતા જીલ્લા પંચાયતના
તેમના રૂમમાં અલોપ થઇ ગયા. અને વાતાવરણમાં કર ભલા હો ભલા, અંત ભલે કે ભલા ઉક્તિને
સાકાર કરતા ગયા.
No comments:
Post a Comment