૧૯૫૭મા બનેલી દિલીપ કુમારની એક ફિલ્મ “નયા દૌર”ના
એક ગીતનું મુખડું પણ આવું જ હતું. સાહિર લુધીયાનવી લિખિત એ ગીતના શબ્દો હતા “આના હૈ તો આ રાહ
મેં કુછ દેર નહિ હૈ, ભગવાન ઘર દેર હૈ અંધેર નહિ હૈ” જીવનના માર્ગ પર આ ઉક્તિ
એક યા બીજા સ્વરૂપે ઘણીવાર આપણને સાંભળવા મળે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વિધાનમા
સનાતન સત્ય સમાયેલું છે. આપણને જયારે કોઈના
તરફથી અન્યાય થયાનું લાગે છે, આપણું મન કોઈના કૃત્યથી દુભાય છે, ત્યારે અચુક આ
ઉક્તિ આપણા મનમાં કે મુખમાં ઉપસી આવે છે. અને આપણું મન કે જીભ બોલી ઉઠે છે “ભગવાનના
ઘરમા દેર છે, અંધેર નથી.” દરેક મઝહબ કહે છે કે માનવીને તેના સારા કે નરસા કર્મોનો
બદલો ભગવાન કે ખુદા જરૂર આપે છે. આ જ વિચારના કેન્દ્રમાં હિંદુ અને ઇસ્લામ બને
ધર્મમાં જન્નત અર્થાત સ્વર્ગ અને દોઝક અર્થાત નર્કનો વિચાર રહેલો છે. પણ એ સાથે એક
અન્ય વિચાર પણ પ્રબળ બનતો ગયો છે. અને તે એ છે કે જન્નત અને દોઝક બંને માનવીના જીવનમા જ છે.
માનવીને તેના સદકાર્યો કે અપકાર્યોનો બદલો આજીવનમાં જ મળે છે. પણ એ ક્યાં, ક્યારે અને
કયા સ્વરૂપે મળશે એ કોઈ પણ પામર માનવી કહી શકતો નથી. માનવી પોતાની સમજ મુજબ તે
સમગ્ર ઘટના અને વ્યક્તિને મળેલ ઇન્સાફની મુલવણી કરતો રહે છે. અને તેમાંથી પોતાના જીવનમાં
સત્ય નિષ્ઠા, ઉદારતા અને પરોપકારીતા જેવા ગુણોને સાકાર કરવાનો પ્રયાસ કરતો રહે છે.
હમણાં હું રાજ મોહન ગાંધી લિખિત પુસ્તક “અન્ડરસ્ટેન્ડિંગ
ધી મુસ્લિમ માઈન્ડ”વાંચતો હતો, તેમાનો એક પ્રસંગ મને સ્પર્શી ગયા. ભારતના ભાગલા
માટે મહમદઅલી જિન્ના કેન્દ્રમાં હતા. તેમના સક્રિય પ્રયાસોએ પાકિસ્તાનનું સર્જન
કર્યું હતું. તેઓ પાકિસ્તાનના સર્વેસર્વા હતા. તેમની અંતિમ પળોનું વર્ણન રાજમોહન
ગાંધીએ મહમદઅલી જિન્નાના પ્રકરણના અંતિમ પેરેગ્રાફમા કર્યું છે, તે તેમના જ
શબ્દોમાં અત્રે રજુ કરું છું.
“૨૯ જુલાઈના રોજ ક્વેટાની સિવિલ હોસ્પિટલની
નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ અંગ્રેજ મહિલા ફિલિપ ડનહમ જિન્નાની સંભાળ માટે બોલાવવામાં
આવી. જો કે જિન્નાને એ પસંદ ન હતું. છતાં અંતે તેઓ માની ગયા.
૯ ઓગસ્ટના રોજ ઝીયારત (પાકિસ્તાનમાં આવેલ બલુચિસ્તાન
પ્રદેશનું એક શહેર)ની ભયંકર ઉંચાઈ પરથી જીન્નાને ક્વેટા લાવવામાં આવ્યા. એક સમયએ
એવું લાગવા લાગ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો આવી રહ્યો છે. પરંતુ ૨૯ ઓગસ્ટે તેમણે
તેમના ડૉ. બક્ષને કહ્યું “આપ જાણો છો, જયારે આપ પહેલીવાર ઝીયારત આવ્યા હતા, ત્યારે
હું જીવવા માંગતો હતો. પરંતુ અત્યારે મારા જીવવા ન જીવવાનો કોઈ અર્થ નથી.” ડૉકટરે જોયું કે આ કહેતા સમયે તેમની આંખમાં આંસુ હતા.
૧૧ સપ્ટેમ્બરના રોજ ગવર્નરનું વાઈકિંગ વિમાન
તેમને કરાંચી લઇ જવા માટે ક્વેટા આવ્યું. શહેરમાં બેચેની ન પ્રસરે એટલા માટે આ
યાત્રાને ગુપ્ત રાખવામાં આવી હતી. પ્રધાનમંત્રીને જાણ કરવામા આવી હતી. પણ તેમને હવાઈ
મથક પર આવવાની ના પાડવામાં આવી હતી.
કરાંચી જ્યાં ૭૨ વર્ષ પહેલા જિન્નાનો જન્મ થયો
હતો. જયારે વાઈકિંગ ત્યાં ઉતર્યું ત્યારે એ શહેર તેના સામાન્ય કામકાજમા વ્યસ્ત હતું.
અશક્ત જિન્નાને એક સ્ટ્રેચર નાખી લશ્કરની એમ્બ્યુલન્સમા મુકવામાં આવ્યા. હવાઈ મથકથી
શહેર તરફ જવાના રસ્તામા વચ્ચે એક ગીચ શરણાર્થીઓની વસ્તી આવતી હતી. એ વસ્તી પાર કરી
કે અચાનક એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ. કરાંચીથી બીજી એમ્બ્યુલન્સ આવવામાં લગભગ ૬૦
મિનીટ વીતી ગઈ.
એ પૂરા એક કલાક સુધી ગવર્નર જનરલ જેને દરેક
નાગરિક કાયદે આઝમ કહેતા હતા અને જેને રાષ્ટ્રપિતા કહીને બોલાવવામાં આવતા હતા, એ
માનવી એમ્બ્યુલન્સમા એવી અસહાય અવસ્થામાં પડ્યો હતો, જેમ કોઈ અસહાય માનવી શરણાર્થી
વસ્તીમાં પડ્યોં હોય. સિસ્ટર ડનહમએ આસપાસ નજર કરી એક કપડાનો ટુકડો શોધી કાઢ્યો.
અને તે દ્વારા કાયદે આઝમ પર મંડરાતી માખીઓને ઉડાડવાની કોશિશ કરી. થોડી મીનીટો પછી જિન્નાએ
એક હાથ ઊંચો કર્યો અને સિસ્ટરના ખભા પર મુક્યો. તેમણે કશું ન કહ્યું પણ તેમની આંખોમા
કૃતજ્ઞતાનો ભાવ હતો. એમ સિસ્ટર ડનહમએ પોતાના નિવેદનમાં કહ્યું છે. એક કલાક પછી
બીજી એમ્બ્યુલન્સ તેમને ગવર્મેન્ટ હાઉસ લઇ ગઈ. અને રાત્રે ૧૦.૨૦ કલાકે જિન્નાએ
અંતિમ શ્વાસ લીધા.”
એક રાષ્ટ્રના સર્જકની આવી અસહાય અંતિમ સ્થિતિ
આપણે ઘણું કહી જાય છે. કુરાને શરીફમા વારંવાર એ શબ્દ “આમલનામા” આવે છે. આમાલનામાનો
અર્થ થાય છે “ક્રમપત્રિકા” આમાલ શબ્દ અમલનું બહુવચન છે. અને નામા એટલે
નોંધ. આમલનામાને “નામા એ આમલ” પણ કહે છે. દુનિયામાં આપણે જે સારા નરસા કાર્યો
કરીએ છીએ તેની નોધ ખુદાને ત્યાં લેવાય છે. અને એ મુજબ ખુદા ઇન્સાફ કરે છે. કુરાને
શરીફમા કહ્યું છે,
“કયામતને દિવસે લોકો જુદી જુદી સ્થિતિમાં
કબરોમાંથી નીકળશે અને તેમને દરેકને તેમના આમલનામા મુજબ ઇન્સાફ આપવમાં આવશે”
પણ ખુદાનો ઇન્સાફ કયારેક કયામતના દિવસની રાહ પણ
નથી જોતો. જીવનના આવા અનેક પ્રસંગો એ તરફ આપણું ધ્યાન દોરે છે. અને આપણને નૈતિક
માર્ગે ચાલવા પ્રેરે છે. અલબત્ત એ કહેવું સાચ્ચે જ અશક્ય છે કે ખુદાનું કયું કૃત્ય
માનવીના કયા કાર્યનું પરિણામ છે. અને એટલે જ માનવીએ હંમેશા ખુદાનો ખોફ રાખીને
જીવવું એ જ બહેતર કે ઉત્તમ માર્ગ છે.
No comments:
Post a Comment