૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ મને પેરીસની ગ્રાંડ મસ્જિતની મુલાકાત લેવાની તક
સાંપડી. ફ્રાંસમા ૮૩ થી ૮૮ ટકા લોકો કેથોલિક સંપ્રદાયના છે. જયારે ૫ થી ૧૦ ટકા
મુસ્લિમો છે. આમ છતાં ગ્રાંડ મસ્જિતનું સર્જન પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ફ્રાંસની
સરકારે ભાઈચારાના પ્રતીક સમું કર્યું છે. એ સાચ્ચે નોંધપાત્ર બાબત છે. તેનું કારણ
પણ જાણવા જેવું છે. પ્રથમ વિશ્વ યુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) સમયે ફ્રાંસના એક લાખ મુસ્લિમ
સિપાઈઓ જર્મની સામેના યુદ્ધમા શહીદ થયા હતા. તેમની દેશ ભક્તિ અને શહાદતની યાદમાં ૧૯૨૨
થી ૧૯૨૬ દરમિયાન પેરિસના ડુ પુઈત્સ ડી ઈર્મીર્ત વિસ્તારમાં એક ભવ્ય મસ્જિતનું
સર્જન કરવાનો આરંભ થયો હતો. ફ્રાંસ અને મુસ્લિમ મૈત્રીના પ્રતિક સમી આ મસ્જિત
ઇસ્લામના અનુયાયીઓની જે દેશમાં રહેતા હોય તેની વફાદારીના પ્રતિક સમી છે. પ્રથમ
વિશ્વ યુધ્ધમાં જર્મની સામે લડતા શહીદ થયેલા ફ્રાંસના એક લાખ મુસ્લિમોની યાદમાં
ફ્રાંસ સરકારે આ મસ્જિતનું સર્જન હાથ ધર્યું હતું. આજે એ મસ્જિત પેરીસની સૌથી મોટી, ભવ્ય અને સ્થાપત્ય કલાના અદભુદ નમુના સમી છે. ૪૫૦ ઉત્તર આફ્રિકન શિલ્પીઓ
અને કલાકારો દ્વારા તેનું સર્જન થયું છે. તેનું સ્થાપત્ય મૂર્શી શૈલીનું છે.તેનો
એક માત્ર મિનારો ૩૩ મીટર ઊંચાં છે. મસ્જિતનું ઉદઘાટન અર્થાત પ્રથમ નમાઝ ૧૫ જુલાઈ
૧૯૨૬ના રોજ અલ્જેરિયાના સૂફી સંત અહેમદ અલ અલવી (૧૮૯૬-૧૯૩૪) દ્વારા નમાઝ પઢાવીને
થયું હતું. એ સમયે ફ્રાંસના પ્રમુખ પણ
ઉપસ્થિત રહ્યા હતા. અને એ દિવસે પેરિસના કાઉન્સિલર શ્રી પોઉલ ફ્લેઉરોટએ પ્રજાને
સંદેશ આપતા કહ્યું હતું,
“૧૯૧૪મા પ્રથમ વિશ્વયુદ્ધથી
અલિપ્ત રહેવા ફ્રાંસે ઘણાં પ્રયાસો કર્યા હતા. છતાં તેને યુધ્ધમાં હોમી દેવામાં
આવ્યું. અને તેના પર અન્યાયિક હુમલો કરવામા આવ્યો. એવા કપરા સમયે ફ્રાંસે પ્રજાને
યુદ્ધનો સામનો કરવા અપીલ કરી. ત્યારે આફ્રિકન વિભાગના તમામ મુસ્લિમો દેશ પર આવી
પડેલ આફતનો સામનો કરવા તૈયાર થઈ ગયા હતા. અને યુદ્ધમા એક લાખ જેટલા મુસ્લોમો દેશ
માટે શહીદ થયા. એ ઘટના તેમની દેશ ભક્તિનું પ્રમાણ છે. તેની યાદ આ મસ્જિત હંમેશા
કરાવતી રહેશે.”
મસ્જિતના બાંધકામનો આરંભ થયો ત્યારે તુર્કીસ્તાનના ખલીફા સુલતાન
અબ્દુલ હમીદએ ફ્રાંસની
સરકારને અભિનંદન આપતા, ફ્રાંસમા
ધાર્મિક અને સંસ્કારીક ઇસ્લામિક સંગઠનની સ્થાપના કરવાનું સુચન કર્યું હતું. અને
તેમણે ફ્રાંસ સરકારને ભલામણ કરતા કહ્યું હતું કે,
“ફ્રાંસના
શહેર પેરિસમાં એક એવી મુસ્લિમ સંસ્થાનું સર્જન થવું જોઈએ જે માત્ર ફ્રાંસની પ્રજા
માટે જ નહી પણ સમગ્ર વિશ્વ માટે નમુના રૂપ બને રહે.”
તેના પરિપક રૂપે ૨૯ જુન ૧૯૨૦ના પાર્લામેન્ટની બેઠકમા ફ્રાંસની સરકારે “પેરિસમાં મુસ્લિમ ઇન્સ્ટીટયુટનું સર્જન” નામક બીલ પસાર
કર્યું હતું. પાર્લામેન્ટના સભ્ય એન્ડોરડ હેરિઓટએ અંગે કહ્યું છે,
“પેરિસમાં મુસ્લિમ ઇન્સ્ટીટયુટના સર્જનને અમે સૌ
આવકારીએ છીએ. તે માત્ર ઇસ્લામિક ઈબાદતનું સ્થાન ન બની રહેતા, એરેબીક
ગ્રંથાલય, શિક્ષણ, સંસ્કારોનું જતન કરતી સંસ્થા બની રહે, તે જ તેના
સર્જનનો સાચો ઉદેશ છે. કારણ કે તે એક લાખ મુસ્લિમોની શહાદતનું પ્રતિક છે.”
આમ પેરીસની મસ્જિત સાથે એક મુસ્લિમ સંસ્થાના સર્જનના પણ બીજ વવાયા. આજે આ
મસ્જિત માત્ર ઈબાદત કરવાનું કે નમાઝ પઢવાનું માત્ર સ્થાન નથી. પણ ત્યાં ઇસ્લામિક
શિક્ષણ અને સંસ્કારોના પ્રચાર પ્રસારનું કાર્ય પણ સક્રિય રીતે થાય છે.
અમે જયારે મસ્જિતની મુલાકાતે પહોંચ્યા ત્યારે ત્યાં અનેક પ્રવાસીઓને
મસ્જિતની કલાત્મક કારીગરી નિહાળતા જોયા. ટુકમાં આ મસ્જિત પ્રવાસીઓ માટે ખુલ્લી રાખવામાં
આવેલ છે. મસ્જિતનું દ્વાર કમાન આકારનું છે, જેના ઉપર કુરાને શરીફને આયાતો
સુંદર અક્ષરોમાં અરબી ભાષામાં કંડારેલી છે. અને તે દ્વાર પર ઇસ્લામિલ પ્રતિક સમા
ચાંદ તારાનું નિશાન જોવા મળે છે. મસ્જિતમા પ્રવેશતા જ તેની ભવ્યતાનો અહેસાસ થાય
છે. સુંદર ગાર્ડનમા પ્રવેશ્યાનો સૌ પ્રથમ અનુભવ થાય છે. એ પછી એક કોરીડોરમાંથી
પસાર થાવ એટલે સામે જ નમાઝ માટેનો મોટો હોલ (ઈબાદત ગાહ) આવેલ છે. અલબત્ત તેમાં
પ્રવાસીઓને પગરખા ઉતારીને જવા માટે વિનંતી કરતા એક અંગ્રેજ બહેન ઉભા હતા. મેં
તેમને અંગ્રેજીમા પૂછ્યું.
“વઝુંખાનું કયા છે?” તેમણે મને આંગળી ચિંધતા કહ્યું,
“નીચે બેઝમેન્ટમા”
મસ્જિતનું વઝુંખાનું અર્થાત નમાઝ પૂર્વે શારીરિક રીતે હાથ મો ધોઈ સ્વચ્છ
થવાની ક્રિયા કરવાનું સ્થાન. મેં વઝું કરી નમાઝ ખંડમા જઈ બે રકાત શુક્રાનાની નમાઝ
પઢી. શુક્રાનાની નમાઝ અર્થાત ખુદાનો આભાર માનતી પ્રાર્થના.એ પછી મેં મસ્જિતનું
નિરીક્ષણ કરવા માંડ્યું. મસ્જિતના ઈબાદત ખંડની કમાનો પણ સુંદર અને કલાત્મક છે. વળી,
મહેરાબ ઉપર પણ સુંદર નકશી કામ જોવા મળે છે. નમાઝ પઢી હું બહાર આવ્યો ત્યારે એક
બ્રિટીશ યુગલ કઈંક મુઝવણમાં ઉભેલું મને દેખાયું. મેં હેલો કહ્યું એટલે તેણે મને પૂછ્યું,
‘અહી સ્ત્રીઓ માટે નમાઝ પઢવા અલગ રૂમ નથી ?’
મેં કહ્યું,’ ભારતમાં તો એવી કોઈ વ્યવસ્થા નથી હોતી, પણ અન્ય દેશોમાં હોય
છે. માટે અહિયાં પણ હોવી જોઈએ.’
એમ જવાબ વાળી હૂં બહાર નીકળો. ઈબાદત ખાના બહાર એક વિશાલ ગ્રંથાલય આવેલું
છે. જેમાં દરેક વિષયના ગ્રંથો જોવા મળ્યા. મેં અગાઉ કહ્યું તે મુજબ આ મસ્જિત માત્ર
ઈબાદત માટેનું સ્થાન નથી. પણ સક્રિય શિક્ષણ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો મોટું
કેન્દ્ર પણ છે. જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ અવારનવાર કરવામાં આવે
છે. મસ્જિતમા એક કાફે પણ આવેલા છે. જ્યાં પ્રવાસીઓ અને નમાઝીઓ માટે અલ્પાહાર મળે
છે. પ્રવાસીઓ સ્વખર્ચે તેનો આનંદ લઇ શકે છે. મસ્જિતની વિશાળતા અને ભવ્યતા જોવામા
લગભગ એકાદ કલાકનો સમય પ્રવાસીએ અવશ્ય ફાળવવો પડે છે.
ઇસ્લામી તહેજીબ અને સંસ્કારોનું આવું ધામ દરેક રાષ્ટ્રમાં હોય તો ઇસ્લામ અંગેની
ગેરસમજો દૂર કરવામા તે અવશ્ય ઉપયોગી બની રહે.