આજથી ૩૫૯
વર્ષ પહેલા ઔરંગઝબે ભારતના શાસક તરીકે (૩૧ જુલાઈ ૧૬૫૮) શાસનના સુત્રો સંભાળ્યા
હતા.મંદિરોને તોડનાર અને ધર્માંધ બાદશાહ તરીકે ભારતના
ઇતિહાસમાં ઔરંગઝેબનું ચરિત્ર ખરડાયેલું છે. જાણીતા ઈતિહાસકાર સર જદુનાથ સરકારે
ઔરંગઝેબના જીવનને ઉજગરતા પાંચ ગ્રંથો લખ્યા છે, તેમાં તેમણે ઔરંગઝેબની ધાર્મિક
નીતિને અનેક આધારભૂત દસ્તાવેજો સાથે રજુ કરી છે. “ઔરંગઝેબનો ઈતિહાસ” નામે (History of Aurangzeb in 5 volumes) ૧૯૧૨ થી ૧૯૨૪ દરમિયાન લખાયેલ આ ગ્રંથોમાં ઇતિહાસકાર જદુનાથ
સરકારે ઔરંગઝેબના ચરિત્રને એક અલગ જ અંદાજમા રજુ કરેલ છે. એ પછી આધુનિક ઈતિહાસકાર પ્રોફે.
બી.એન. પાંડેએ એક પુસ્તક લખ્યું હતું, જેનુ નામ
“ભારતીય સંસ્કૃતિ અને મુઘલ સામ્રાજય” હતું. પ્રોફે. બી.એન.પાંડે ઓરિસ્સાના
ભૂતપૂર્વ રાજ્યપાલ અને રાજ્યસભાના સભ્ય હતા. અલહાબાદ નગરપાલિકાના ચેરમેન રહી
ચુકેલા ઇતિહાસકાર પ્રોફે. બી.એન. પાંડેએ પોતાના ઉપરોક્ત ગ્રંથમાં ઔરંગઝેબની ધાર્મિક
નીતિને ઉજાગર કરતા અનેક નવાઈ પમાડે તેવા દ્રષ્ટાંતો આપ્યા છે. એક અનુભવી ઈતિહાસ
સંશોધક તરીકે તેમણે પુસ્તકમાં આલેખેલ કેટલીક બાબતો જાણવા જેવી છે. તેઓ લખે છે,
“જયારે હૂં અલાહાબાદ નગરપાલિકાનો ચેરમેન (૧૯૪૮ થી
૧૯૫૩) હતો, ત્યારે મારી સામે એક સમસ્યા આવી હતી. એ ઘટના સોમેશ્વર નાથ મહાદેવ મંદિરની
સંપતિ સબંધિત હતી. મંદિરના મહંતના મૃત્યું પછી
તેની સંપતિના બે દાવેદારો ઉભા થયા હતા. એક દાવેદારે પોતાના વારસાગત
દસ્તાવેજો રજુ કર્યા. એ દસ્તાવેજોમાં ઔરંગઝેબના ફરમાનો પણ હતા. જેમાં ઔરંગઝેબે આ
મંદિરના નિભાવ માટે આપેલ જાગીર અને નકદ અનુદાનનો પણ ઉલ્લેખ હતો. મને લાગ્યું કે ઔરંગઝેબના
આ ફરમાન ખોટા હશે. મને નવાઈ પણ લાગી કે ઔરંગઝેબ જેવો ધર્માંધ બાદશાહ મંદિરને જાગીર
કેવી રીતે આપી શકે ?
એટલે કોઈ નિર્ણય લેતા પહેલા મેં ડૉ. સર તેજ
બહાદુર સપ્રુનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું. તેઓ અરબી અને ફારસીના જાણકાર હતા. મેં
તેમને દસ્તાવેજો અભ્યાસ અર્થે આપ્યા. તેમણે દસ્તાવેજોનો અભ્યાસ કરી જણાવ્યું કે
તમામ દસ્તાવેજો અસલી અને વાસ્તવિક છે.એ પછી તેમણે પોતાના મુનશીને બોલાવી બનારસની
જંગમવાડી શિવ મંદિરની ફાઈલ લાવવા કહ્યું. એ મુકદમો છેલ્લા ૧૫ વર્ષથી અલહાબાદ હાઇકોર્ટમા
ચાલી રહ્યો હતો. જંગમવાડી મંદિરના મહંત પાસે ઔરંગઝેબના કેટલાય ફરમાનો હતા. જેમાં
મંદિરના નિભાવ માટે જાગીરો આપવામાં આવી હતી. આ દસ્તાવેજોએ ઔરંગઝેબનું એક નવું જ
ચિત્ર મારી સમક્ષ ઉભું કર્યું. એ પછી તો
મેં ડૉ. સપ્રુની સલાહ મુજબ ભારતના ભિન્ન મંદિરોને પત્ર લખી તેમને વિનતી કરીકે
તેમની પાસે ઔરંગઝેબના કોઈ ફરમાનો હોય તો તેની નકલ મને મોકલે, જેમાં તેણે મંદિરોના
નિભાવ માટે આપેલ જાગીરો અને નકદ નાણાનો ઉલ્લેખ હોય. અને જોત જોતામાં મારી સામે એવા
અનેક દસ્તાવેજો આવ્યા જેમાં ઔરંગઝેબે મંદિરોના નિભાવ માટે આપેલ જાગીરોનો ઉલ્લેખ
હતો. એવા કેટલાક મંદિરોમા ઉજ્જેનનું મહાકાલેશ્વર મંદિર, ચિત્રકૂટનું બાલાજી મંદિર,
ગોહાટીનું ઉમાનંદ મંદિર, શત્રુંજ્યના જૈન મંદિરોના દસ્તાવેજો મળી આવ્યા. આ ઉપરાંત
ઉત્તર ભારતના અનેક પ્રમુખ મંદિરો અને ગુરુદ્વારોને ઔરંગઝેબ દ્વારા આપવામાં આવતી
નિભાવ માટેની જાગીરોના દસ્તાવેજો પણ મળી આવ્યા. આ તમામ ફરમાનો ઇ.સ. ૧૬૫૯ થી ૧૬૮૫
દરમિયાનના હતા. આ દસ્તાવેજો દ્વારા એ જરૂર સિદ્ધ થાય છે કે ઔરંગઝેબ અંગે
ઈતિહાસકારોએ આલેખેલ ઈતિહાસ પક્ષપાત પર આધારિત છે. મને વિશ્વાસ છે કે જો યોગ્ય રીતે
સંશોધન કરવામાં આવે તો ઔરંગઝેબના જીવનનું એક નવું પાસું ઇતિહાસમાં ઉજાગર થઈ શકે.
મને કહેતા આનંદ થાય છે કે આ વિષય પર જ્ઞાનચંદ અને પટના મ્યુઝીયમના ભૂતપૂર્વ
ક્યુરેટર ડૉ. પી.એલ.ગુપ્તા પણ સઘન સંશોધન કરી રહ્યા હતા. ઔરંગઝેબને ધર્માંધ
ચિતરવામાં જેણે મહત્વનો ભાગ ભજવ્યો હતો તે “ફરમાને બનારસ” હતું. આ
ફરમાન બનારસ શહેરના મુહલ્લા ગૌરીમા રહેતા એક બ્રામણ પરિવાર અંગે હતું. ઈ.સ. ૧૯૦૫મા ગોપી ઉપાધ્યાયના નવાસા મંગલ પાંડેએ
સીટી મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યું હતું. અને એશિયાટિક સોસાયટી” બંગાળના જર્નલમા તે ૧૯૧૧મા પ્રસિદ્ધ
થયું હતું. પરિણામે સંશોધકોનું એ તરફ ધ્યાન દોરાયું. અને ત્યારથી ઈતિહાસકારો એ
ફરમાનનો હવાલો આપી ઔરંગઝેબને હિંદુ મંદિરોના નિર્માણ પર પ્રતિબંધ મુકનાર બાદશાહ
તરીકે મૂલવવા લાગ્યા હતા.એ લિખિત ફરમાન ઔરંગઝેબે ૧૫ જુમાદુલ અવ્વલ હિજરી ૧૦૬૫, ૧૦
માર્ચ ૧૬૫૯ના રોજ બનારસના સ્થાનિક અધિકારીના નામે એક
બ્રામણની ફરિયાદના આધારે મોકલ્યું હતું. જેમાં લખ્યું હતું,
“આપણા પવિત્ર કાનૂન મુજબ અમે એ
નિર્ણય કર્યો છે કે પ્રાચીન મંદિરોને તોડવામાં નહિ આવે. અલબત્ત નવા મંદિરો નહી
બનાવવામાં આવે. અમારા આ ન્યાય પ્રિય શાસનમાં અમારા પ્રતિષ્ઠિત દરબારમા એવી સુચના
પ્રાપ્ત થઈ છે કે કેટલાક લોકો બનારસ શહેર
અને તેની આસપાસના હિંદુ નાગરીકો અને મંદિરોમા વસતા બ્રામણો અને પુરોહિતોને હેરાન
કરી રહ્યા છે. તથા તેમના મામલાઓમાં દરમિયાનગીરી કરી રહ્યા છે. આ પ્રાચીન મંદિરો
તેમની દેખરેખ નીચે છે. આમ છતાં એ લોકો ઈચ્છે છે કે આ બ્રામણો અને પુરોહિતોને તેમના
સ્થાન પરથી હટાવી મુકવામાં આવે. આવી દરમિયાનગીરી આ સમાજ માટે પરેશાનીનું મુખ્ય
કારણ બની છે. અને એટલે જ અમારું ફરમાન છે કે કોઈ પણ વ્યક્તિ ગેરકાનૂની રીતે બ્રામણ
અને હિંદુ નાગરિકોને પરેશાન ન કરે. જેથી પહેલાની જેમ જ એ સ્થાનો પર તેમનો કબજો યથાવત
રહે અને હદય પૂર્વક તેઓ ઈશ્વર દત્ત અમારા સામ્રાજય માટે પ્રાર્થના કરતા રહે”
આવું એકલ દોકલ ફરમાન ઇતિહાસમાં જોવા નથી મળતું. બનારસ શહેરમા જ
આવું જ બીજું એક અન્ય ફરમાન પણ જોવા મળે છે. જેમાં લખ્યું છે,
“રામનગર (બનારસ)ના મહરાજ ધીરજ રાજા રામસિંહે અમારા
દરબારમાં અરજી આપી છે કે તેમના પિતાએ ગંગા નદીના કિનારે તેમના ધાર્મિક ગુરુ ભગવત ગોસાઈના નિવાસ માટે એક મકાન બનાવ્યું
હતું. હવે કેટલાક લોકો તેમને હેરાન કરી રહ્યા છે. તેથી આ શાહી ફરમાન દ્વારા
વર્તમાન અને આવનાર અધિકારીઓ એ વાતની પૂરી તકેદારી રાખશે કે કોઈ પણ વ્યક્તિ ગોસાઈને
પરેશાન ન કરે અને તેને ડરાવે ધમકાવે નહિ. અને તેના કોઈ પણ મામલામાં હસ્તક્ષેપ ન
કરે. જેથી તેઓ ઈશ્વર દત્ત અમારા સામ્રાજય માટે પ્રાર્થના કરતા રહે. આ ફરમાન પર
તુરત અમલ કરવામાં આવે.”
અમદાવાદની જે ઘટનાનો ઉલ્લેખ કરી ઔરંગઝેબને ધર્માંધ તરીકે મુલવવામા આવ્યો છે, તેનો પણ ડૉ. પાંડેએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરતા લખ્યું છે,
અમદાવાદની જે ઘટનાનો ઉલ્લેખ કરી ઔરંગઝેબને ધર્માંધ તરીકે મુલવવામા આવ્યો છે, તેનો પણ ડૉ. પાંડેએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરતા લખ્યું છે,
“સાધારણ
ઈતિહાસકારો અમદાવાદના નગરશેઠ દ્વારા બનાવવામાં આવેલ ચિંતામણી મંદિરનો ઔરંગઝેબે નાશ
કર્યાનો ઉલ્લેખ કરી તેને ધર્માંધ ગણે છે. એમ કરી તેઓ વાસ્તવિકતા પર પડદો નાખી
રહ્યા છે. ઔરંગઝેબે એજ નગરશેઠના બનાવેલા શેત્રુંજય અને આબુના મંદિરોના નિભાવ માટે
આપેલ જાગીરોનો ઉલ્લેખ કરવાનું તેઓ કેમ ટાળે છે ?”
આવી અનેક
ઘટનાઓનો ઉલ્લેખ કરી ઈતિહાસકાર
પ્રોફે. બી.એન. પાંડેએ ઔરંગઝેબની ઉદાર ધાર્મિક નીતિને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો
છે.
No comments:
Post a Comment