Saturday, May 20, 2017

વિશ્વના પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવ્વા : ડૉ. મહેબૂબ દેસાઈ


ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત મુજબ માનવીનું સર્જન સૃષ્ટિના ક્રમિક વિકાસ સાથે થયું છે. એ મુજબ માનવજાતના મૂળ પુરુષ વાનરમાંથી માનવીનુ સર્જન થયું છે. પણ વિશ્વના મોટાભાગના ધર્મ ગ્રંથો આદમ અને હવ્વાને વિશ્વના પ્રથમ સ્ત્રી પુરુષ માને છે. ઇન્જીલ, તૌરાત, બાઈબલ, ઉપનિષદ અને પવિત્ર કુરાને શરીફમાં આ અંગે સમાન વિચારો જોવા મળે છે. જેમકે હિંદુ ધર્મ માનવીના આદી પુરુષ તરીકે મનુને માને છે. અને પુરુષ મનુ દ્વારા સૃષ્ટિનું સર્જન અને વિકાસ થયાનું માને છે. એટલે જ મનુના બાળકોને માનવ કહેવામા આવે છે. તેનો ઉલ્લેખ બૃહદરણયક ઉપનિષદમા પણ જોવા મળે છે. મનુના સર્જન પછી બૃહદરણયક ઉપનિષદમા લખ્યું છે,
તેને એકલા હવે ચેન પડ્યું નહી. બીજું કોઈ હોય તો સારું.તેણે પોતાના બે ભાગ પાડ્યા. તેમાંથી સ્ત્રી પુરુષ જન્મ્યા. યાજ્ઞવલ્કયએ કહ્યું છે ‘જેમ દાળની એક ફાડ આખા દાણાનો અડધો ભાગ થાય છે તેમ આ પુરુષ એકલો પોતાના ખરા સ્વરૂપ જેવો અડધીયા જેવો છે, એની આ જે ઉણપ હતી તે સ્ત્રી વડે પૂરી થઈ.
એ જ રીતે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો હઝરત આદમને વિશ્વના પ્રથમ પુરુષ તરીકે માને છે. હઝરત આદમના સર્જન અંગે કુરાને શરીફમાં અનેક આયાતો જોવા મળે છે. જેમ કે
અમે તેને માટીમાંથી પૈદા કર્યો છે
ખરેખર અમે તેને સડેલી સૂકાઈ ગયેલી માટીમાંથી પૈદા કર્યો છે
અમે તેને ચીકણી ખનકતી માટીનીના ગારામાંથી પૈદા કર્યો છે
માટીનો રંગ ઘઉં વર્ણો હોય છે. હઝરત આદમ પણ ઘઉં વર્ણા હતા. જેથી તેમનું નામ આદમ પડ્યું. હિબ્રુ ભાષામાં માટીને આદામ કહે છે. કેટલાક ઉલેમાઓ મુજબ પાણી અને માટીના મિક્ષણને અદમત કહે છે. આ મિક્ષણમાથી બનેલ માનવી એટલે આદમ. અન્ય એક વિચાર મુજબ આદમ શબ્દ અદીમુલઅર્દ પરથી આવ્યો છે. અદીમુલઅર્દ એટલે ઝમીનનું સ્તર. એજ ઝમીનમાંથી ખુદાએ આદમનું સર્જન કર્યું હોય, તે આદમ કહેવાયા. એજ રીતે અદમનો અર્થ સરદાર થાય છે. આદમ સમગ્ર માનવીઓના, ખીલ્કતના સરદાર હોવાથી તે આદમ તરીકે ઓળખ્યા. આદમ માનવજાતના પિતા હતા. તેથી તેમના સંતાનો આદમી કહેવાયા. એક ઇસ્લામી રિવાયત (કથન) મુજબ ઇસ્લામના છ નબીઓમા સૌથી પહેલા નબી (પયગમ્બર) હઝરત આદમ હતા. એમ કહેવાય છે કે આદમનું માટીનું પુતળું બનાવ્યા પછી શુક્રવારે સાંજે ચાર મુખ્ય ફરિશ્તાઓની હાજરીમાં અલ્લાહે તેમા રૂહ નાખી. તેમને જીવંત બનાવ્યા. અને તેમને જન્નતના બાગમાં રહેવાની છૂટ આપી. એ દિવસ પણ જુમ્માનો અર્થાત શુક્રવારનો હતો.
આમ આદમનું સર્જન ખુદાએ કર્યું. પણ આદમ પોતાની એકલતા ન જીરવી શક્યા. તે પોતાની જાતને એકલા મહેસૂસ કરવા લાગ્યા. અલ્લાહ હઝરત આદમની વ્યથાથી પરિચિત હતા. એટલે એક દિવસ તેઓ સુતા હતા ત્યારે અલ્લાહના આદેશ મુજબ હઝરત આદમની ડાબી પાંસળી કાઢી લેવામાં આવી.
એ ડાબી પાંસળીમાંથી અલ્લાહે એક અતિ સુંદર એક સ્ત્રીનું સર્જન કર્યું. જયારે હઝરત આદમ ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમની બાજુમાં એક સુંદર સ્ત્રીને જોઈ નવાઈ પામ્યા. અને તેને પૂછ્યું,
તમે કોણ છો ? અને શા માટે મારી પાસે બેઠા છો ?
હું એક સ્ત્રી છું. તમને સાથ અને આશ્વાશન આપવા ખુદાએ મારું સર્જન કર્યું છે.
ત્યાં હાજર એક ફરિશ્તાએ હઝરત આદમના જ્ઞાનને ચકાસવા પૂછ્યું,
આ સ્ત્રીનું નામ શું છે ?
હઝરત આદમ તુરત બોલી ઉઠ્યા, એ સ્ત્રીનું નામ હવ્વા છે
ઇસ્લામની હદીસની બે માન્ય કિતાબો બુખારી શરીફ અને મુસ્લિમમા આ અંગે કહ્યું છે,
સ્ત્રીઓ સાથે નમ્રતા અને ભલમનસાઈથી વર્તો, કારણ કે સ્ત્રીંનું સર્જન પ્રુરુષની પાંસળીમાંથી કરવામા આવ્યું છે. એટલે જ સ્ત્રી પાંસળી જેવી ટેડી અર્થાત તેને સમજવી મુશકેલ છે. જેથી તેના વાંકાપણાને સીધું કરવાની જહેમત ન લેતા તેની સાથે તકેદારી પૂર્ણ અને પ્રેમાળ વર્તન અનિવાર્ય છે. જેથી તમેં તેની પાસેથી પ્રેમપૂર્વક, નમ્રતા અને વિવેકથી કાર્ય લઇ શકશો
હઝરત આદમ અને હવ્વાને પૈદા કર્યા પછી અલ્લાહે ફરમાવ્યું,
તમે જન્નતમાં મન ફાવે ત્યાં હરોફરો, ખાઓપીઓ પરંતુ પેલા ફળના ઝાડ પાસે જશો નહિ અને તેનું ફળ ખાશો નહી
પરંતુ હઝરત આદમને ઇબ્લીસ નામના એક શૈતાને બહેકાવ્યા. અને હઝરત આદમ અને હવ્વા એ ફળથી દૂર ન રહી શક્યા. અને તે ફળ બંનેએ આરોગ્યું. અલ્લાહે હઝરત આદમને આ અંગે કહ્યું,
તું મારી વાત કેમ વિસરી ગયો ? કેમ પેલું ફળ તે ખાધું ?
હઝરત આદમએ કહ્યું,
ખુદાતઆલા, આપના સોગંદ અમને શૈતાને બહેકાવ્યા હતા. પરિણામે અમે સન્માર્ગેથી ભટકી ગયા. અમને માફ કરી દો
ખુદાએ ફરમાવ્યું,
ક્ષમા તો તમને મળશે. પણ તમારી ભૂલની સજા પણ મળશે.તમારે જ્ન્ન્તમાંથી પૃથ્વી પર જવું પડશે. નિયત કરેલા સમય સુધી ત્યાજ રહેવું પડશે. જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરવો પડશે.મૃત્યુંને પામવું પડશે.
કુરાને શરીફમાં આ બાબતને આલેખતા કહ્યું છે,
જો તમે ફળ ખાશો તો આપત્તિમાં આવી પડશો
આમ જન્નતની સાહેબી હઝરત આદમ અને હવ્વાને છોડવી પડી. અને ખુદાએ તેમને પૃથ્વી પર મોકલી આપ્યા. એક આધાર મુજબ હઝરત આદમ અને હવ્વાને ખુદાએ પૃથ્વી પર અલગ અલગ સ્થાનો પર ઉતાર્યા હતા. હવ્વાને અરબસ્તાનના જીદાહ અને હઝરત આદમને લંકા મધ્યમા આવેલા એક પહાડ પર ઉતારવામાં આવ્યા હતા. આજે પણ એ પહાડ આદમ પહાડ ના નામે ઓળખાય છે.
એ દિવસ પણ જુમ્માનો  દિવસે હતો. આદમ અને હવ્વા ૧૩૦ વર્ષ સુધી જન્નતમાં રહ્યાનું મનાય છે.  


No comments:

Post a Comment