Sunday, May 21, 2017

સનાતન શાશ્વત ધર્મ ઇસ્લામ : ડૉ. મહેબૂબ દેસાઈ


રાહે રોશન ના નિયમિત વાચક એસ્ટેટ એજન્ટ રહીમભાઈએ મને ઉપરોક્ત મથાળા નીચે ઇસ્લામની કેટલીક વિશિષ્ટતાઓ દર્શાવતો એક લાંબો મેસેજ વોટ્શોપ પર મોકલ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ જ ગમી જાય અને ઇસ્લામના સિદ્ધાંતો સામે મસ્તક નમી જાય તેવા એ મેસેજની સત્યતા તપાસીને, થોડો મઠારીને અત્રે મુકવાની લાલચ રોકી શકતો નથી. સૌ પ્રથમમાં તો ઇસ્લામના મૂળમાં એકેશ્વરવાદ અર્થાત તોહીદ છે. ઇસ્લામ કહે છે એક ઈશ્વર કે ખુદાની જ ઈબાદત કરો, જેને કોઈ રૂપ, રંગ કે આકાર નથી. જેને કોઈએ નથી બનાવ્યો પણ જેણે સમગ્ર વિશ્વનું સર્જન કર્યું છે. એવા ધર્મના કેટલાક અદભૂત મુલ્યો જાણવા જેવા છે.જેમ કે,

૧. દરેક મુસ્લિમ તેની કુલ આવકના અઢી ટકા જકાત અર્થાત ફરજીયાત દાન તરીકે આપશે.જેથી સમાજમાંથી આર્થિક અસમાનતા નિવારી શકાય. સમાજમા સમાનતા સ્થાપી શકાય. રમઝાન માસ જકાત આપવાનો ઉત્તમ માસ છે.
૨. ઇસ્લામ માનવતાવાદી ધર્મ છે. જકાત ફરજીયાત દાન છે. પણ ખેરાત મરજિયાત દાન છે. અને ખેરતા માત્ર પૈસાની જ ન હોય શકે. કોઈ પણ અસહાયને મદદ કરાવી. સુરદાસને માર્ગ ઓળંગવામા મદદ કરવી. વિદ્યાર્થીને વિના મુલ્યે ભણાવવા. આ બધા કૃત્યો ખેરાત અર્થાત દાન કે સદકાર્યો છે. ઈસ્લામે એ માટે ખાસ કહ્યું છે કે અસહાયને મદદ કરનાર માનવી સાચો મુસ્લિમ છે.  
૩. ઇસ્લામમા રમઝાન માસ ઉપવાસ અર્થાત રોઝાનો માસ છે. સૂર્ય ઉગે તે પહેલાથી અને સૂર્ય આથમે પછી ભુખ્યા તરસ્યા રહી ખુદાની ઈબાદત કરવાનો ઇસ્લામમા આદેશ છે. ઉપવાસ કે રોઝા દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. કારણ કે તે મન અને શરીરને શુદ્ધ કરવાનો માર્ગ છે. ભૂખ અને તરસનો અહેસાસ કરવાનો માર્ગ છે.
૪. ઇસ્લામમાં દીકરીનો જન્મ ખુદાની રહેમત (કૃપા)ની નિશાની છે. જે માનવી પોતાની નૈતિક રોઝીમાંથી દીકરીનું પાલન પોષણ કરશે, તેને શિક્ષણ આપશે, અને સારા કુટુંબમાં તેની શાદી કરશે, તે માનવી સાચા અર્થમાં જન્નતનો (સ્વર્ગનો) અધિકારી બને છે.
૫. ઇસ્લામ કહે છે સૌથી સારો માણસ એ છે જે તમામ સ્ત્રીઓ સાથે વિવિક પૂર્ણ વ્યવહાર કરે છે.
૬. ઇસ્લામમાં વિધવા સ્ત્રીને અપ સૂકનીયાળ માનવામાં આવતી નથી. તેને પણ બહેતર જીવનનો અધિકાર છે. અને એટલે જ વિધવાઓ અને તેના બાળકોને શક્ય તમામ સહાય કરો. અને સમાજમાં તેને  આદર અને માન આપો.
૭. ઇસ્લામમાં ઊંચ નીચના કોઈ ભેદો નથી. નમાઝ સમયે ખભાથી ખભો મિલાવી ઉભા રહો. તો જ નમાઝ પૂર્ણ થશે. કારણ કે ઇસ્લામ સમાનતાનો આગ્રહી છે. અને સમાનતા સ્વસ્થ સમાજ માટે અતિ અનિવાર્ય છે.
૮. ઇસ્લામમાં હિંદુ કે મુસ્લિમ કોઈ પણ ધર્મના પડોશીઓ સાથે હંમેશા સદ્વ્યવહાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાડોશીના સુખમાં સુખી અને તેના દુઃખમાં દુઃખી રહેનાર માનવી જ સાચો મુસ્લિમ છે.
૯. ઇસ્લામ કહે છે શરાબ અર્થાત દારૂ અને જુગાર એ તમામ બૂરીઓના મૂળમાં છે. તેનાથી હંમેશા દૂર રહો. એટલુ જ નહિ પણ તેના વ્યવસાય સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા માનવીઓ સાથે પણ કોઈ વ્યવહાર ન રાખો.
૧૦. ઇસ્લામ કહે છે કે મજદૂરનો પસીનો સૂકાઈ એ પહેલા તેનું મહેનતાણું તેને ચૂકવી દો. મજદૂરની પસીનાની કે મહેનતની કમાઈને રોકી રાખવાનો તમને કોઈ અધિકાર નથી. કયારેય કોઈ મજદૂર કે અનાથની બદ્દદુવા ન લેશો. તેની એક બદ્દદુવા તમારી બરબાદીનું કારણ બની શકે છે.
૧૧. ઇસ્લામમાં ઈર્ષા અને ગીબત મોટા ગુનાહ છે. હંમેશા ઈર્ષાથી દૂર રહો. અને ગીબત અર્થાત કોઈની ટીકા ટિપ્પણ કરવામાં સમય બરબાદ ન કરો. એવી પ્રવૃત્તિ તમારા ગુનાઓમાં અભિવૃદ્ધિ કરે છે. અને જેની તમે ટીકા કરો છે તેના ગુનાઓને તે ધોવે છે. ટીકા તમારા સદકાર્યોને ઉધઈની જેમ ખાય જાય છે.
૧૨. ખુશ રહેવાનો ઉત્તમ માર્ગ ઇસ્લામમાં બતાવવામાં આવ્યો છે. અને તે એ છે તમારાથી અમીર ને ન જુવો. તમારાથી ગરીબને જોઈ હંમેશા ખુદાનો શુક્ર આભાર માનતા રહો કે ખુદાએ તમને તે ગરીબથી બહેતર જીવન આપ્યું છે.
૧૩. ઇસ્લામ કહે છે હંમેશા નૈતિક અર્થાત હલાલ કાર્યો જ આચરણમાં મુકો. સત્ય બોલવાનો આગ્રહ રાખો. વચન પાલન કરો. અને કયારેય કોઈનું દિલ ન દુભાવો. અનાયાસે કોઈને કઈ કહેવાય જાયતો તુરત તેની ક્ષમા યાચના કરી લો. અલ્લાહ તેમાં રાજી છે.
૧૪. ઇસ્લામમાં કહ્યું છે પાણીનો નિર્થક વ્યય ન કરો. વિના કારણ પાણીનો દુર વ્યય કરવો ગુનાહ છે. ઇસ્લામમાં વઝું અર્થાત નમાઝ પૂર્વે હાથ મોઢું ધોવાની ક્રિયામાં પણ પાણીની બચતને કેન્દ્રમાં રાખવામાં આવેલ છે.  
૧૫. રસ્તામા અવરજવર કરનાર માનવીઓને અડચણ રૂપ કે તકલીફ આપતી કોઈ પણ વસ્તુ મોટો પથ્થર, ખીલો કે ખાડો હોય તો તેને દૂર કરવાનુ કાર્ય પણ સવાબ(પુણ્ય) છે.ચાર રસ્તા પર ટ્રાફિક જામ થઈ જાય ત્યારે તેને યથાવત કરવામા પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે વિવેકપૂર્ણ સહાય કરવી એ પણ પુણ્યનું કાર્ય છે.  સત્તાધીશો તે દૂર કરશે મારે શું ? એવું માનનાર સાચો મુસ્લિમ નથી.
૧૬. ઇસ્લામમાં સ્ત્રી સન્માનની ભાવના પાયામાં છે. કોઈ પણ અજાણી સ્ત્રી પર નજર ન કરો. એવા સમયે નજર ફેરવી લો. કારણ કે પર સ્ત્રી પર બૂરી નજર કરાવી એ તો ગુનો છે જ, પણ તેના પર નજર કરવી એ પણ યોગ્ય નથી.

આ તમામ આદેશો એ સૂચવે છે કે કુરાને શરીફ માત્ર ધાર્મિક ગ્રંથ નથી. પણ એ તો સમગ્ર માનવજાતને નૈતિક જીવન માર્ગ ચિંધતો ગ્રંથ છે. તેમાં ઉત્તમ જીવન જીવવાનો માર્ગ બતાવવામાં આવ્યો છે. દરેક માનવીએ જીવનમા એકવાર તો કુરાને શરીફનું અધ્યન કરવું જ જોઈએ. કારણ કે ઉપરોક્ત બાબતો તો કુરાને શરીકની અનેક માનવ મુલ્યોને વ્યક્ત કરતી બાબતોમાની થોડીક જ છે.


Saturday, May 20, 2017

વિશ્વના પ્રથમ સ્ત્રી-પુરુષ આદમ અને હવ્વા : ડૉ. મહેબૂબ દેસાઈ


ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિધ્ધાંત મુજબ માનવીનું સર્જન સૃષ્ટિના ક્રમિક વિકાસ સાથે થયું છે. એ મુજબ માનવજાતના મૂળ પુરુષ વાનરમાંથી માનવીનુ સર્જન થયું છે. પણ વિશ્વના મોટાભાગના ધર્મ ગ્રંથો આદમ અને હવ્વાને વિશ્વના પ્રથમ સ્ત્રી પુરુષ માને છે. ઇન્જીલ, તૌરાત, બાઈબલ, ઉપનિષદ અને પવિત્ર કુરાને શરીફમાં આ અંગે સમાન વિચારો જોવા મળે છે. જેમકે હિંદુ ધર્મ માનવીના આદી પુરુષ તરીકે મનુને માને છે. અને પુરુષ મનુ દ્વારા સૃષ્ટિનું સર્જન અને વિકાસ થયાનું માને છે. એટલે જ મનુના બાળકોને માનવ કહેવામા આવે છે. તેનો ઉલ્લેખ બૃહદરણયક ઉપનિષદમા પણ જોવા મળે છે. મનુના સર્જન પછી બૃહદરણયક ઉપનિષદમા લખ્યું છે,
તેને એકલા હવે ચેન પડ્યું નહી. બીજું કોઈ હોય તો સારું.તેણે પોતાના બે ભાગ પાડ્યા. તેમાંથી સ્ત્રી પુરુષ જન્મ્યા. યાજ્ઞવલ્કયએ કહ્યું છે ‘જેમ દાળની એક ફાડ આખા દાણાનો અડધો ભાગ થાય છે તેમ આ પુરુષ એકલો પોતાના ખરા સ્વરૂપ જેવો અડધીયા જેવો છે, એની આ જે ઉણપ હતી તે સ્ત્રી વડે પૂરી થઈ.
એ જ રીતે ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મો હઝરત આદમને વિશ્વના પ્રથમ પુરુષ તરીકે માને છે. હઝરત આદમના સર્જન અંગે કુરાને શરીફમાં અનેક આયાતો જોવા મળે છે. જેમ કે
અમે તેને માટીમાંથી પૈદા કર્યો છે
ખરેખર અમે તેને સડેલી સૂકાઈ ગયેલી માટીમાંથી પૈદા કર્યો છે
અમે તેને ચીકણી ખનકતી માટીનીના ગારામાંથી પૈદા કર્યો છે
માટીનો રંગ ઘઉં વર્ણો હોય છે. હઝરત આદમ પણ ઘઉં વર્ણા હતા. જેથી તેમનું નામ આદમ પડ્યું. હિબ્રુ ભાષામાં માટીને આદામ કહે છે. કેટલાક ઉલેમાઓ મુજબ પાણી અને માટીના મિક્ષણને અદમત કહે છે. આ મિક્ષણમાથી બનેલ માનવી એટલે આદમ. અન્ય એક વિચાર મુજબ આદમ શબ્દ અદીમુલઅર્દ પરથી આવ્યો છે. અદીમુલઅર્દ એટલે ઝમીનનું સ્તર. એજ ઝમીનમાંથી ખુદાએ આદમનું સર્જન કર્યું હોય, તે આદમ કહેવાયા. એજ રીતે અદમનો અર્થ સરદાર થાય છે. આદમ સમગ્ર માનવીઓના, ખીલ્કતના સરદાર હોવાથી તે આદમ તરીકે ઓળખ્યા. આદમ માનવજાતના પિતા હતા. તેથી તેમના સંતાનો આદમી કહેવાયા. એક ઇસ્લામી રિવાયત (કથન) મુજબ ઇસ્લામના છ નબીઓમા સૌથી પહેલા નબી (પયગમ્બર) હઝરત આદમ હતા. એમ કહેવાય છે કે આદમનું માટીનું પુતળું બનાવ્યા પછી શુક્રવારે સાંજે ચાર મુખ્ય ફરિશ્તાઓની હાજરીમાં અલ્લાહે તેમા રૂહ નાખી. તેમને જીવંત બનાવ્યા. અને તેમને જન્નતના બાગમાં રહેવાની છૂટ આપી. એ દિવસ પણ જુમ્માનો અર્થાત શુક્રવારનો હતો.
આમ આદમનું સર્જન ખુદાએ કર્યું. પણ આદમ પોતાની એકલતા ન જીરવી શક્યા. તે પોતાની જાતને એકલા મહેસૂસ કરવા લાગ્યા. અલ્લાહ હઝરત આદમની વ્યથાથી પરિચિત હતા. એટલે એક દિવસ તેઓ સુતા હતા ત્યારે અલ્લાહના આદેશ મુજબ હઝરત આદમની ડાબી પાંસળી કાઢી લેવામાં આવી.
એ ડાબી પાંસળીમાંથી અલ્લાહે એક અતિ સુંદર એક સ્ત્રીનું સર્જન કર્યું. જયારે હઝરત આદમ ઊંઘમાંથી ઉઠ્યા ત્યારે તેમની બાજુમાં એક સુંદર સ્ત્રીને જોઈ નવાઈ પામ્યા. અને તેને પૂછ્યું,
તમે કોણ છો ? અને શા માટે મારી પાસે બેઠા છો ?
હું એક સ્ત્રી છું. તમને સાથ અને આશ્વાશન આપવા ખુદાએ મારું સર્જન કર્યું છે.
ત્યાં હાજર એક ફરિશ્તાએ હઝરત આદમના જ્ઞાનને ચકાસવા પૂછ્યું,
આ સ્ત્રીનું નામ શું છે ?
હઝરત આદમ તુરત બોલી ઉઠ્યા, એ સ્ત્રીનું નામ હવ્વા છે
ઇસ્લામની હદીસની બે માન્ય કિતાબો બુખારી શરીફ અને મુસ્લિમમા આ અંગે કહ્યું છે,
સ્ત્રીઓ સાથે નમ્રતા અને ભલમનસાઈથી વર્તો, કારણ કે સ્ત્રીંનું સર્જન પ્રુરુષની પાંસળીમાંથી કરવામા આવ્યું છે. એટલે જ સ્ત્રી પાંસળી જેવી ટેડી અર્થાત તેને સમજવી મુશકેલ છે. જેથી તેના વાંકાપણાને સીધું કરવાની જહેમત ન લેતા તેની સાથે તકેદારી પૂર્ણ અને પ્રેમાળ વર્તન અનિવાર્ય છે. જેથી તમેં તેની પાસેથી પ્રેમપૂર્વક, નમ્રતા અને વિવેકથી કાર્ય લઇ શકશો
હઝરત આદમ અને હવ્વાને પૈદા કર્યા પછી અલ્લાહે ફરમાવ્યું,
તમે જન્નતમાં મન ફાવે ત્યાં હરોફરો, ખાઓપીઓ પરંતુ પેલા ફળના ઝાડ પાસે જશો નહિ અને તેનું ફળ ખાશો નહી
પરંતુ હઝરત આદમને ઇબ્લીસ નામના એક શૈતાને બહેકાવ્યા. અને હઝરત આદમ અને હવ્વા એ ફળથી દૂર ન રહી શક્યા. અને તે ફળ બંનેએ આરોગ્યું. અલ્લાહે હઝરત આદમને આ અંગે કહ્યું,
તું મારી વાત કેમ વિસરી ગયો ? કેમ પેલું ફળ તે ખાધું ?
હઝરત આદમએ કહ્યું,
ખુદાતઆલા, આપના સોગંદ અમને શૈતાને બહેકાવ્યા હતા. પરિણામે અમે સન્માર્ગેથી ભટકી ગયા. અમને માફ કરી દો
ખુદાએ ફરમાવ્યું,
ક્ષમા તો તમને મળશે. પણ તમારી ભૂલની સજા પણ મળશે.તમારે જ્ન્ન્તમાંથી પૃથ્વી પર જવું પડશે. નિયત કરેલા સમય સુધી ત્યાજ રહેવું પડશે. જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરવો પડશે.મૃત્યુંને પામવું પડશે.
કુરાને શરીફમાં આ બાબતને આલેખતા કહ્યું છે,
જો તમે ફળ ખાશો તો આપત્તિમાં આવી પડશો
આમ જન્નતની સાહેબી હઝરત આદમ અને હવ્વાને છોડવી પડી. અને ખુદાએ તેમને પૃથ્વી પર મોકલી આપ્યા. એક આધાર મુજબ હઝરત આદમ અને હવ્વાને ખુદાએ પૃથ્વી પર અલગ અલગ સ્થાનો પર ઉતાર્યા હતા. હવ્વાને અરબસ્તાનના જીદાહ અને હઝરત આદમને લંકા મધ્યમા આવેલા એક પહાડ પર ઉતારવામાં આવ્યા હતા. આજે પણ એ પહાડ આદમ પહાડ ના નામે ઓળખાય છે.
એ દિવસ પણ જુમ્માનો  દિવસે હતો. આદમ અને હવ્વા ૧૩૦ વર્ષ સુધી જન્નતમાં રહ્યાનું મનાય છે.  


Friday, May 12, 2017

સૂરે યાસીન અને પર્યાવરણ : ડૉ. મહેબૂબ દેસાઈ


૧૧ મેંના રોજ શબે બરાત હતી. અર્થાત ક્ષમાયાચના સાથે મૃતકોની રુહ (આત્મા) માટે પ્રાર્થના (દુવા) કરવાનો દિવસ. એ દિવસે સાંજે હું કુરાને શરીફના દિલ સમી સૂરે યાસીનનું પઠન કરતો હતો.બરાબર એજ સમયે મારા મોબાઇલની રીંગ વાગી. સામે છેડેથી ધર્મદર્શનના સહ સંપાદક શંભુભાઈનો અવાજ સંભળાયો,
મહેબૂબભાઈ, ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ છે. એટલે ઇસ્લામ અને પર્યાવરણ અંગે લખો એવી વિનતી છે.
મેં ટૂંકમાં હા પાડી અને પુનઃ સૂરે યાસીનનું પઠન કરવા માંડ્યું. આમ તો મેં અનેકવાર સૂરે યાસીન પઢી છે. પણ એ દિવસે મને તેમાં પર્યાવરણની આયાતો નજરે પડી. કુરાને શરીફની એજ ખાસિયત છે કે તેની આયાતો જયારે જયારે તમે પઢો છો ત્યારે ત્યારે તમને તેમાંથી નવા અર્થો સાંપડે છે. સૂરે યાસીનની ૩૩ થી ૪૪ આયાતોમાં પર્યાવરણના અભ્યાસુઓ માટે જાણવા અને સમજવા જેવી અનેક મહત્વની બાબતો આપવામાં આવી છે. સૌ પ્રથમ એ આયાતોનો અનુવાદ માણીએ.

અને એક નિશાની માટે મૃત જમીન છે તેને અમે જીવંત કરી દીધી અને તેમાંથી અનાજ કાઢ્યું, બસ તેમાંથી જ તેઓ ખાય છે (૩૩) અને અમે તેમાં બગીચા બનાવ્યા ખજૂર અને દ્રાક્ષના અને તેમાં અમુક ઝરણા વહાવી દીધા (૩૪) કે તેના ફળોમાંથી ખાય અને તેને તેમના હાથોએ નથી બનાવ્યા, પછી કેમ ઉપકાર નથી માનતા ? (૩૫) પવિત્ર હસ્તી છે જેણે બધી વસ્તુઓના જોડાઓ બનાવ્યા, એ પ્રકારમાંથી જે જમીનમાંથી ઉગે છે અને પોતે તેમની જાતમાંથી અને વસ્તુઓમાં કે જેમની તેમને ખબર નથી (૩૬) અને તેમના માટે એક નિશાની રાત છે, અમે તેના ઉપરથી દિવસને ખેંચી લઈએ છીએ. પછી ત્યારે જ તેઓ અંધારામાં રહી જાય છે (૩૭) અને સૂર્ય પોતાના નિશ્ચિત માર્ગે (કક્ષા) ચાલ્યો જાય છે. આ મહા બળવાન સર્વજ્ઞ અલ્લાહ દ્વારા નિર્માણધીન છે (૩૮) અને ચંદ્રની અમે કક્ષાઓ (મંઝીલો) વહેંચી દીધી છે એટલે સુધી કે પછી (એ રીતે) આવી રહ્યો છે, જેમ કે ખજુરની ડાળખી (૩૮) ન સૂર્ય થઈ શકે છે કે ચંદ્રને પકડી લે અને ન જ રાત આગળ વધી શકે છે દિવસથી. અને દરેક અલગ અલગ (નિશ્ચિત) વર્તુળ (ભ્રમણકક્ષા)મા તરે છે.(૪૦) અને તેમના માટે એક નિશાની છે કે અમે તેમની નસલ (સંતતી)ને ઉઠાવી લીધી તે ભરેલા વહાણમા (૪૧) અને અમે તેમના માટે વહાણ જેવી વસ્તીઓ બનાવી જેના ઉપર સવાર થાય છે (૪૨) અને જો અમે એમ ઇચ્છીએ તો તેમને ડૂબાડી દઈએ પછી કોઈ તેમની ફરિયાદે ન પહોંચે અને ન જ તેઓ છોડાવી શકે (૪૩) પરંતુ અમે પોતાની મહેરબાનીથી  અને તેમનું કામ ચલાવવા એક નિશ્ચિત સમય સુધી મંજુર રાખ્યા છે(૪૪).
સૂરે યાસીનની ઉપરોક્ત આયાતોમાં અલ્લાહની કુદરતની નિશાનીઓ, અને તેમણે માનવજાતને આપેલ નેમતો અને ઉપકારોનું આલેખન છે. સુક્કીભઠ્ઠ જમીન ઉપર આસમાનથી પાણી વરસાવી તે જમીનને જીવંત કરી, તેમાં વનસ્પતિ, વૃક્ષો અને ખજુર જેવા મીઠા ફળો ઉગાડવાનું કાર્ય અલ્લાહની રહેમત અર્થાત કૃપા છે. વળી, જમીનની સપાટી પર અને અને જમીનની નીચે ઝરણા વહેવડાવવાનું કાર્ય પણ અલ્લાહની માનવજાતને મોટી ભેટ છે. જમીનમાં નાખેલા બીજને પોષવાનું કાર્ય, ઉગાડવાનું અને તેની  મુક્કમલ સ્થિતિમાં ફળ બનાવવાનું કાર્ય તો માત્ર અલ્લાહની જ અપાર શકિતોમાનું એક છે. સૂર્ય અને ચંદ્રને તેના નિશ્ચિત માર્ગ પર ચલાવવાનું અને રાત અને દિવસનું સર્જન કરવાનું કાર્ય પણ અલ્લાહ સિવાય કોઈના અખત્યારમા નથી.

એજ રીતે સૂરે યાસીનની આયાત ૭૬ થી ૮૩ પણ પર્યાવણને લગતી કેટલીક આયાતો જોવા મળે છે. જેનો અનુવાદ નીચે મુજબ આપી શકાય.
હવે તેમની વાતથી દિલગીર ન થાવ ! અમે જાણીએ છીએ જે તેઓ છુપાવે છે અને જે જાહેર કરે છે.(૭૬) શું માનવી જોતો નથી કે અમે તેને એક (વીર્ય) ટીપામાંથી બનાવ્યો, પછી ત્યારે જ તે ઝગડનાર બોલનાર થઈ ગયો (૭૭) અને મારા ઉપર એક (અઘટિત) દ્રષ્ટાંત બેસાડે છે અને ભૂલી ગયો પોતાની પૈદાઇશ ! કહેવા લાગ્યો કોણ હાડકાને સજીવ કરશે જયારે તે જિર્ણ થઈ જશે (૭૮) તમે કહો તેમને તે જ સજીવ કરશે જેણે તેમને પ્રથમવાર સર્જ્યા અને તે સઘળું કઈ સર્જવાનું જાણે છે (૭૯) જેણે તમારા માટે લીલા વૃક્ષમાંથી આગ બનાવી, પછી હવે તમે  તેનાથી અગ્નિ પેટાવો છો (૮૦) શું જેણે આસમાન અને જમીન બનાવ્યા તેમના જેવા નથી બનાવી શકતો ? કેમ નહી ! અને તે જ અસલ સર્જનહાર અને સઘળું જાણનાર છે.(૮૧) તેનો હુકમ (નિયમ) એ જ છે જે જયારે કોઈ વસ્તુને ઉત્પન કરવા ઈચ્છે તો તેને કહે છે, “થઈ જા” તે તે જ વખતે થઈ જાય છે. (૮૨) બસ પવિત્ર છે તે હસ્તી જેના હાથમાં દરેક વસ્તુની સત્તા છે અને તેના જ તરફ ફરી (પાછા) તમે ચાલ્યા જશો(૮૩)”

અરબસ્તાનમા બે મશહુર વૃક્ષો મરુખ અને અફાર થાય છે. જેની ડાળીઓ લીલી અને તાજા પાણીથી ભરેલી હોય છે. તે ડાળીઓ એક બીજા સાથે ધસવાથી તેમાંથી આગ ઉત્પન થાય છે. વળી, દરેક વૃક્ષ સુકાઈ ગયા પછી આગ ઉત્પન કરાવાનું માધ્યમ બને છે. એ જ અર્થમાં આ આયાતમા તેનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે.

પર્યાવણને સ્પર્શતી આવી અનેક આયાતો કુરાને શરીફમા ઠેર ઠેર જોવા મળે છે. કારણ કે કુરાને શરીફ એક માત્ર ધાર્મિક ગ્રંથ નથી. પણ જીવન જીવવાની કળા અને જીવન રહસ્યો વ્યક્ત કરતો મહાન ગ્રંથ છે.