Thursday, March 24, 2016

એક ફરિશ્તાની વિદાઈ : ડૉ . મહેબૂબ દેસાઈ


 ધનવંતભાઈ સાથેનો મારો નાતો મિત્ર અને સ્વજન સમો હતો. અમે અવાનવાર ફોન પર મળતા અને નિરાંતે વાતો કરતા. એ દિવસે પણ સવારે મને અચાનક તેમની સાથે વાત કરવાનું મન થઇ આવ્યું. અને મેં તેમના મોબાઈલ પર રીંગ મારી. બે ત્રણ રીંગ પછી ફોન ઉપડ્યો. મેં કહ્યું,

"જય જિનેન્દ્ર, ધનવંતભાઈ"

અમારા વચ્ચે સંવાદનો આરંભ હું હંમેશા "જય જિનેન્દ્ર ધનવંતભાઈ" થી કરતો. તેના પ્રતિભાવમાં ધનવંતભાઈ હંમેશા "સલામ, મહેબૂબભાઈ" કહેતા. પણ એ દિવસે મારા ""જય જિનેન્દ્ર"ના જવાબમાં એક અજાણ્યો અવાજ સંભળાયો,

"અંકલ, હું ધનવંતભાઈનો પુત્ર બોલું છું. પપ્પાની તબિયત સારી ન હોય તેઓ હાલ ઇસ્પિતાલમાં છે." મને ધનવંત ઇસ્પિતાલમાં છે તેની જાણ આમ અચાનક થતા આધાત લાગ્યો. મેં પૂછ્યું,

"એકાએક શું થયું ?"

"અંકલ, તેમની તબિયત અચાનક ખરાબ થતા તેમને આઈસીયુમાં તૂરત દાખલ કરવા પડ્યા હતા. પણ હાલ તબિયત ઘણી સુધારા પર છે. આઈસીયુમાંથી હવે તેઓ બહાર આવી ગયા છે. પણ દાક્તરે વાત કરવાની ના પડી છે"

"કશો વાંધો નહિ, તમે મારા તરફથી તેમને સમાચાર પુછજો. હું પછી ફોન કરીશ."

 

અને અમારી વાત પૂરી થઇ. ધનવંતભાઈના અવસાનના ત્રણેક દિવસ પહેલા આ વાત થઇ હતી. હું અને ગુણવંતભાઈ શાહ મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં ઘણીવાર સહ વક્તા રહ્યા છીએ. એ નાતે મેં તુરત ગુણવંતભાઈ શાહને ફોન કર્યો. અને તેમને આ સમાચાર આપ્યા. જો કે તેમને તો તેની જાણ હતી જ. ફોન પૂર્ણ થયા પછી અસ્વસ્થ મને હું ઘણો સમય ગુમસુમ બાલ્કનીના હીચકા પર બેસી રહ્યો. અને મારું મન ધનવંતભાઈ સાથેના ભૂતકાળના સ્મરણોમાં સરી પડ્યું.

લગભગ આઠેક વર્ષ પહેલા મારા મોબાઈની રીગ વાગી. સામે છેડેથી એક મૃદુ સ્વર સંભળાયો,

"હું મુંબઈ જૈન યુવક સંઘમાંથી ધનવંત શાહ બોલું છું."

મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના  મેં ઘણા વખાણ સાંભળ્યા હતા. વળી, ધનવંતભાઈના નામથી પણ હું પરિચિત હતો. અલબત્ત અમે કોઈ દિવસ સદેહ મળ્યા ન હતા.

"ધનવંતભાઈ, આપણે ક્યારેય મળ્યા નથી. પણ આપના નામ અને કામથી હું પરિચિત છું."

"આભાર મહેબૂબભાઈ, આ વખતની વ્યાખ્યાનમાળામાં આપનું એક વ્યાખ્યાન રાખવાની ઈચ્છા છે.

હાલ હિંસા અને ઇસ્લામને બહુ જોડવામાં આવી રહ્યા છે. એટલે "ઇસ્લામ અને અહિંસા" જેવા કોઈ વિષય પર આપ વાત કરો એવી ઈચ્છા છે"

"ધનવંતભાઈ, આપ બુલાએ ઔર હમ ન આયે એસી તો કોઈ બાત નહિ . હું ચોક્ક્સ આવીશ. પણ તારીખ અંગે આપણે એકવાર નિરાંતે વિચારી લઈશું"

"ચોક્કસ. એ માટે વ્યાખ્યાનમાળાની તારીખો નક્કી થાય પછી  હું આપને ફોન કરીશ."

મને બરાબર યાદ છે એ મારું મુંબઈ જૈન યુવક સંઘમાં પ્રથમ વ્યાખ્યાન હતું. મુંબઈના પાટકર હોલમાં યોજેલ એ વ્યાખ્યાન પૂર્વે રાજકોટના કવિ, વિવેચક અને ભજનિક ડો. નિરંજન રાજ્યગુરુના ભજનોનું  આયોજન ધનવંતભાઈએ કર્યું હતું. એટલે મને નિરંજન રાજ્યગુરુ જેવા સંત સાહિત્યના તજજ્ઞ સાથે હોટેલના એક જ રૂમમાં રહેવાની તક સાંપડી. સાંજનું ભોજન અમે બંને એક જ થાળીમાં જમ્યા. મિયા અને મહાદેવનો આવો સુભગ સમન્વય કરાવનાર ધનવંતભાઈ હતા. એ પ્રસંગ આજે પણ મારા જીવનનું ઉત્તમ સંભારણું બની રહ્યો છે. "ઇસ્લામ અને અહિંસા" પરનું મારું એ વ્યાખ્યાન પછી તો ગુજરાતી વિશ્વકોશ વ્યાખ્યાન માળામાં પણ ઘણું લોકભોગ્ય રહ્યું અને ગુજરાતી વિશ્વકોશે તેને શ્રી કસ્તુભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી :૯ જ્ઞાનાંજન-૨ (સંપાદક પ્રીતિ શાહ, પ્રકાશક ગુજરાતી વિશ્વકોષ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ,૨૦૧૦) માં પણ સામેલ કર્યું. 

એ પછી તો લગભગ દર વર્ષે મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મારે જવાનું થતું. અને તેને કારણે મને એ વિષય પર વાંચન અને લેખનની તક સાંપડતી. છેલ્લે બે એક વર્ષ પૂર્વે

"ગીતા અને કુરાન" પર મેં આપેલા વ્યાખ્યાન આજે પણ મુંબઈ જૈન યુવક સંઘની વેબ સાઈડ પર એ યાદોને જીવંત કરતુ હયાત છે. ધનવંતભાઈમાં માનવતા એક ફરિશ્તાને છાજે તેટલી માત્રા ભરી હતી. માનવતાનો પ્રસંગ જ્યાં પણ જોવે, વાંચે કે અનુભવે  તેને પ્રબદ્ધ જીવનના અંતિમ પૃષ્ટ પર તેઓ અવશ્ય મુકતા. મારા એવા ઘણાં પ્રસંગો તેમના વાંચવામાં આવ્યા હતા. તેમાના તેમને ગમેલા પ્રસંગો તેમણે "પ્રબદ્ધ જીવન" માં પ્રસિદ્ધ કર્યા હતા. એકવાર એવા જ એક "પ્રબદ્ધ જીવન"માં છપાયેલા મારા લેખનો પુરસ્કાર તેમણે મને મોકલ્યો. એટલે મેં તેમને તુરત ફોન કર્યો,

" ધનવંતભાઈ, "પ્રબદ્ધ જીવન" માટે મને લખવાનું ગમે છે. મુલ્યોના પ્રચાર પ્રસારમાં પ્રદાન કરવાનું પુણ્ય પણ મારી પાસેથી લઇ લેશો ?"

તેમણે અત્યંત મૃદુ સ્વરે મને કહ્યું,

"મહેબૂબભાઈ, તમે તમારી રીતે મૂલ્યોના પ્રચારમાં યોગદાન આપો છો. હું મારી રીતે આપી રહ્યો છું. પણ પુરસ્કાર એ લેખકનો અધિકાર છે. એ મુલ્ય પણ મારે એક સંપાદક તરીકે જાળવવું જોઈએ ને ?"

ભાવનગર યુનિવર્સિટીમાંથી મેં સ્વેછીક નિવૃત્તિ લઇ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાવાનું નક્કી કર્યું. ત્યારે ઇતિહાસના મારા અધ્યાપકોએ મારા અંગે એક " ગુજરાતના જાણીતા સંશોધક અને સર્જક ડો. મહેબૂબ દેસાઈ" નામક ગ્રંથ બહાર પાડવાનું નક્કી કર્યું. એ માટે ગ્રંથના સંપાદકોએ મારી પાસેથી તેમનો નંબર લઇ મારા અંગે એક લેખ તૈયાર કરી આપવા ધનવંતભાઈને વિનંતી કરી. એ વિનંતીને માન આપી તેમણે મારા અંગે એક સુંદર લેખ લખી મોકલ્યો. જેનું મથાળું હતું "ડો. મહેબૂબ દેસાઈ : એક મઘમઘતો ઇન્સાન". તેમાં તેમણે વ્યક્ત કરેલ ધર્મ અને સમાજ અંગેના વિચારો તેમની વિશ્વશાંતિ પ્રત્યેની ઘનિષ્ટ નીસ્બધતા વ્યક્ત કરે છે. અને હું માનું છું કે પર્યુષણ વ્યાખ્યાન માળામાં પણ તેઓ આજ ઉદેશને સાકાર કરવા વક્તા અને વિષયોની પસંદગી કરતા હતા. તેઓ લખે છે,

"મહેબૂબભાઈ જેવા સો સો ધર્મ ચિંતકો દરેક દેશમાં હોય તો ધર્મ પ્રત્યેની ગેરસમજ દૂર થાય, ધર્મની સાચી સમજ વિસ્તરાય અને મનભેદ સુધી પહોંચેલ મતભેદો વીંધાય અને બંદુકના ધડાકાની જગ્યાએ વિશ્વ શાંતિના ઘંટનાદ ગૂંજે અને આગ જેવો આતંકવાદ તો જગત ઉપરથી ભૂંસાઈ જ જાય"

વિશ્વ શાંતિની ખેવના કરનાર આવા ફરિશ્તાના મોબાઈલ પરથી જ એક દિવસ રીંગ વાગી. મને થયું ધનવંતભાઈ સાજાસમા થઇ ગયા હશે. અને કઈક નવી વાત સાથે અમારી ગુફ્તગુ પાછી આરંભાશે એમ માની મેં ફોન ઉપાડ્યો. મેં મારી હંમેશની આદત મુજબ તેમને "જય જિનેન્દ્ર ધનવંતભાઈ" કહ્યું. પણ સામેથી ધનવંતભાઈના પ્રેમમાળ અવાજમાં "સલામ, મહેબૂબભાઈ" ના સ્થાને એક ગંભીર અને દુઃખી અવાજ સંભળાયો,

"મહેબૂબભાઈ, ધનવંતભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા."

અને એકાએક મારા હાથમાંથી મારો મોબાઈલ સરી પડ્યો. જાણે "સલામ, મહેબૂબભાઈ" નો મૃદુ અવાજ હંમેશ માટે ગુમાવ્યાનો તેને રંજ ન થયો હોય !

આજે આપણી વચ્ચે ભલે ડો. ધનવંતભાઈ શાહ સદેહે નથી. પણ તેમણે "પ્રબદ્ધ જીવન" અને "મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાનો કંડારેલ મૂલ્યનિષ્ઠ માર્ગ આપણને હંમેશા રાહ ચીંધતો રહેશે એ જ અભ્યર્થના : આમીન.

 

No comments:

Post a Comment