Thursday, March 24, 2016
History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: એક ફરિશ્તાની વિદાઈ : ડૉ . મહેબૂબ દેસાઈ
History of Freedom Movement of Gujarat,Islam and Sufisim by Prof. Mehboob Desai: એક ફરિશ્તાની વિદાઈ : ડૉ . મહેબૂબ દેસાઈ: ધનવંતભાઈ સાથેનો મારો નાતો મિત્ર અને સ્વજન સમો હતો. અમે અવાનવાર ફોન પર મળતા અને નિરાંતે વાતો કરતા. એ દિવસે પણ સવારે મને અચાનક તેમની સાથ...
એક ફરિશ્તાની વિદાઈ : ડૉ . મહેબૂબ દેસાઈ
ધનવંતભાઈ સાથેનો
મારો નાતો મિત્ર અને સ્વજન સમો હતો. અમે અવાનવાર ફોન પર મળતા અને નિરાંતે વાતો
કરતા. એ દિવસે પણ સવારે મને અચાનક તેમની સાથે વાત કરવાનું મન થઇ આવ્યું. અને મેં
તેમના મોબાઈલ પર રીંગ મારી. બે ત્રણ રીંગ પછી ફોન ઉપડ્યો. મેં કહ્યું,
"જય જિનેન્દ્ર, ધનવંતભાઈ"
અમારા વચ્ચે સંવાદનો આરંભ હું હંમેશા "જય જિનેન્દ્ર
ધનવંતભાઈ" થી કરતો. તેના પ્રતિભાવમાં ધનવંતભાઈ હંમેશા "સલામ,
મહેબૂબભાઈ" કહેતા. પણ એ દિવસે મારા ""જય જિનેન્દ્ર"ના જવાબમાં
એક અજાણ્યો અવાજ સંભળાયો,
"અંકલ, હું ધનવંતભાઈનો પુત્ર બોલું છું. પપ્પાની તબિયત
સારી ન હોય તેઓ હાલ ઇસ્પિતાલમાં છે." મને ધનવંત ઇસ્પિતાલમાં છે તેની જાણ આમ
અચાનક થતા આધાત લાગ્યો. મેં પૂછ્યું,
"એકાએક શું થયું ?"
"અંકલ, તેમની તબિયત અચાનક ખરાબ થતા તેમને આઈસીયુમાં
તૂરત દાખલ કરવા પડ્યા હતા. પણ હાલ તબિયત ઘણી સુધારા પર છે. આઈસીયુમાંથી હવે તેઓ
બહાર આવી ગયા છે. પણ દાક્તરે વાત કરવાની ના પડી છે"
"કશો વાંધો નહિ, તમે મારા તરફથી તેમને સમાચાર પુછજો.
હું પછી ફોન કરીશ."
અને અમારી વાત પૂરી થઇ. ધનવંતભાઈના અવસાનના ત્રણેક દિવસ
પહેલા આ વાત થઇ હતી. હું અને ગુણવંતભાઈ શાહ મુંબઈ જૈન યુવક સંઘની વ્યાખ્યાનમાળામાં
ઘણીવાર સહ વક્તા રહ્યા છીએ. એ નાતે મેં તુરત ગુણવંતભાઈ શાહને ફોન કર્યો. અને તેમને
આ સમાચાર આપ્યા. જો કે તેમને તો તેની જાણ હતી જ. ફોન પૂર્ણ થયા પછી અસ્વસ્થ મને
હું ઘણો સમય ગુમસુમ બાલ્કનીના હીચકા પર બેસી રહ્યો. અને મારું મન ધનવંતભાઈ સાથેના
ભૂતકાળના સ્મરણોમાં સરી પડ્યું.
લગભગ આઠેક વર્ષ પહેલા મારા મોબાઈની રીગ વાગી. સામે છેડેથી
એક મૃદુ સ્વર સંભળાયો,
"હું મુંબઈ જૈન યુવક સંઘમાંથી ધનવંત શાહ બોલું
છું."
મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાના મેં ઘણા વખાણ સાંભળ્યા હતા. વળી, ધનવંતભાઈના
નામથી પણ હું પરિચિત હતો. અલબત્ત અમે કોઈ દિવસ સદેહ મળ્યા ન હતા.
"ધનવંતભાઈ, આપણે ક્યારેય મળ્યા નથી. પણ આપના નામ અને
કામથી હું પરિચિત છું."
"આભાર મહેબૂબભાઈ, આ વખતની વ્યાખ્યાનમાળામાં આપનું એક
વ્યાખ્યાન રાખવાની ઈચ્છા છે.
હાલ હિંસા અને ઇસ્લામને બહુ જોડવામાં આવી રહ્યા છે. એટલે
"ઇસ્લામ અને અહિંસા" જેવા કોઈ વિષય પર આપ વાત કરો એવી ઈચ્છા છે"
"ધનવંતભાઈ, આપ બુલાએ ઔર હમ ન આયે એસી તો કોઈ બાત નહિ .
હું ચોક્ક્સ આવીશ. પણ તારીખ અંગે આપણે એકવાર નિરાંતે વિચારી લઈશું"
"ચોક્કસ. એ માટે વ્યાખ્યાનમાળાની તારીખો નક્કી થાય
પછી હું આપને ફોન કરીશ."
મને બરાબર યાદ છે એ મારું મુંબઈ જૈન યુવક સંઘમાં પ્રથમ
વ્યાખ્યાન હતું. મુંબઈના પાટકર હોલમાં યોજેલ એ વ્યાખ્યાન પૂર્વે રાજકોટના કવિ, વિવેચક
અને ભજનિક ડો. નિરંજન રાજ્યગુરુના ભજનોનું આયોજન ધનવંતભાઈએ કર્યું હતું. એટલે મને નિરંજન
રાજ્યગુરુ જેવા સંત સાહિત્યના તજજ્ઞ સાથે હોટેલના એક જ રૂમમાં રહેવાની તક સાંપડી. સાંજનું
ભોજન અમે બંને એક જ થાળીમાં જમ્યા. મિયા અને મહાદેવનો આવો સુભગ સમન્વય કરાવનાર
ધનવંતભાઈ હતા. એ પ્રસંગ આજે પણ મારા જીવનનું ઉત્તમ સંભારણું બની રહ્યો છે. "ઇસ્લામ
અને અહિંસા" પરનું મારું એ વ્યાખ્યાન પછી તો ગુજરાતી વિશ્વકોશ વ્યાખ્યાન
માળામાં પણ ઘણું લોકભોગ્ય રહ્યું અને ગુજરાતી વિશ્વકોશે તેને શ્રી કસ્તુભાઈ લાલભાઈ
વિદ્યાવિસ્તાર ગ્રંથશ્રેણી :૯ જ્ઞાનાંજન-૨ (સંપાદક પ્રીતિ શાહ, પ્રકાશક ગુજરાતી
વિશ્વકોષ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ,૨૦૧૦) માં પણ સામેલ કર્યું.
એ પછી તો લગભગ દર વર્ષે મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં
મારે જવાનું થતું. અને તેને કારણે મને એ વિષય પર વાંચન અને લેખનની તક સાંપડતી. છેલ્લે
બે એક વર્ષ પૂર્વે
"ગીતા અને કુરાન" પર મેં આપેલા વ્યાખ્યાન આજે પણ
મુંબઈ જૈન યુવક સંઘની વેબ સાઈડ પર એ યાદોને જીવંત કરતુ હયાત છે. ધનવંતભાઈમાં
માનવતા એક ફરિશ્તાને છાજે તેટલી માત્રા ભરી હતી. માનવતાનો પ્રસંગ જ્યાં પણ જોવે, વાંચે
કે અનુભવે તેને પ્રબદ્ધ જીવનના અંતિમ
પૃષ્ટ પર તેઓ અવશ્ય મુકતા. મારા એવા ઘણાં પ્રસંગો તેમના વાંચવામાં આવ્યા હતા.
તેમાના તેમને ગમેલા પ્રસંગો તેમણે "પ્રબદ્ધ જીવન" માં પ્રસિદ્ધ કર્યા
હતા. એકવાર એવા જ એક "પ્રબદ્ધ જીવન"માં છપાયેલા મારા લેખનો પુરસ્કાર તેમણે
મને મોકલ્યો. એટલે મેં તેમને તુરત ફોન કર્યો,
" ધનવંતભાઈ, "પ્રબદ્ધ જીવન" માટે મને
લખવાનું ગમે છે. મુલ્યોના પ્રચાર પ્રસારમાં પ્રદાન કરવાનું પુણ્ય પણ મારી પાસેથી લઇ
લેશો ?"
તેમણે અત્યંત મૃદુ સ્વરે મને કહ્યું,
"મહેબૂબભાઈ, તમે તમારી રીતે મૂલ્યોના પ્રચારમાં યોગદાન
આપો છો. હું મારી રીતે આપી રહ્યો છું. પણ પુરસ્કાર એ લેખકનો અધિકાર છે. એ મુલ્ય પણ
મારે એક સંપાદક તરીકે જાળવવું જોઈએ ને ?"
ભાવનગર યુનિવર્સિટીમાંથી મેં સ્વેછીક નિવૃત્તિ લઇ ગુજરાત
વિદ્યાપીઠમાં જોડાવાનું નક્કી કર્યું. ત્યારે ઇતિહાસના મારા અધ્યાપકોએ મારા અંગે
એક " ગુજરાતના જાણીતા સંશોધક અને સર્જક ડો. મહેબૂબ દેસાઈ" નામક ગ્રંથ
બહાર પાડવાનું નક્કી કર્યું. એ માટે ગ્રંથના સંપાદકોએ મારી પાસેથી તેમનો નંબર લઇ મારા
અંગે એક લેખ તૈયાર કરી આપવા ધનવંતભાઈને વિનંતી કરી. એ વિનંતીને માન આપી તેમણે મારા
અંગે એક સુંદર લેખ લખી મોકલ્યો. જેનું મથાળું હતું "ડો. મહેબૂબ દેસાઈ : એક
મઘમઘતો ઇન્સાન". તેમાં તેમણે વ્યક્ત કરેલ ધર્મ અને સમાજ અંગેના વિચારો તેમની
વિશ્વશાંતિ પ્રત્યેની ઘનિષ્ટ નીસ્બધતા વ્યક્ત કરે છે. અને હું માનું છું કે
પર્યુષણ વ્યાખ્યાન માળામાં પણ તેઓ આજ ઉદેશને સાકાર કરવા વક્તા અને વિષયોની પસંદગી
કરતા હતા. તેઓ લખે છે,
"મહેબૂબભાઈ જેવા સો સો ધર્મ ચિંતકો દરેક દેશમાં હોય તો
ધર્મ પ્રત્યેની ગેરસમજ દૂર થાય, ધર્મની સાચી સમજ વિસ્તરાય અને મનભેદ સુધી પહોંચેલ
મતભેદો વીંધાય અને બંદુકના ધડાકાની જગ્યાએ વિશ્વ શાંતિના ઘંટનાદ ગૂંજે અને આગ જેવો
આતંકવાદ તો જગત ઉપરથી ભૂંસાઈ જ જાય"
વિશ્વ શાંતિની ખેવના કરનાર આવા ફરિશ્તાના મોબાઈલ પરથી જ એક
દિવસ રીંગ વાગી. મને થયું ધનવંતભાઈ સાજાસમા થઇ ગયા હશે. અને કઈક નવી વાત સાથે
અમારી ગુફ્તગુ પાછી આરંભાશે એમ માની મેં ફોન ઉપાડ્યો. મેં મારી હંમેશની આદત મુજબ તેમને
"જય જિનેન્દ્ર ધનવંતભાઈ" કહ્યું. પણ સામેથી ધનવંતભાઈના પ્રેમમાળ અવાજમાં
"સલામ, મહેબૂબભાઈ" ના સ્થાને એક ગંભીર અને દુઃખી અવાજ સંભળાયો,
"મહેબૂબભાઈ, ધનવંતભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા."
અને એકાએક મારા હાથમાંથી મારો મોબાઈલ સરી પડ્યો. જાણે
"સલામ, મહેબૂબભાઈ" નો મૃદુ અવાજ હંમેશ માટે ગુમાવ્યાનો તેને રંજ ન થયો
હોય !
આજે આપણી વચ્ચે ભલે ડો. ધનવંતભાઈ શાહ સદેહે નથી. પણ તેમણે
"પ્રબદ્ધ જીવન" અને "મુંબઈ જૈન યુવક સંઘની પર્યુષણ વ્યાખ્યાનમાળાનો
કંડારેલ મૂલ્યનિષ્ઠ માર્ગ આપણને હંમેશા રાહ ચીંધતો રહેશે એ જ અભ્યર્થના : આમીન.
Thursday, March 10, 2016
નમાઝ અને યોગા : ડૉ. મહેબૂબ દેસાઈ
૫,૬ માર્ચના રોજ
ગુજરાત યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગ અને હોલીસ્ટીક રીસર્ચ સેન્ટર, સૂરતના સંયુક્ત
ઉપક્રમે "હોલીસ્ટીક વે ઓફ લીવીંગ એન્ડ યોગા" વિષયક રાષ્ટ્રીય
સેમિનારનું આયોજન થયું હતું. એ સેમીનારના ઉદઘાટન સમારંભમાં અધ્યક્ષ સ્થાનેથી
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન. એમ પટેલ સાહેબે તેમના વ્યાખ્યાનમાં કહ્યું
હતું,
"ઇસ્લામમાં મહંમદ સાહેબે દરેક મુસ્લિમને પાંચ સમયની નમાઝનો આદેશ આપ્યો
છે. દરેક પાક મુસ્લિમ પાંચ સમયની નમાઝ પઢે છે. તે નમાઝ પઢવાની ક્રિયા પણ એક
પ્રકારનો યોગ છે."
કુલપતિશ્રીનું આ
વિધાન સાચ્ચે જ વિચાર માંગી લે તેવું છે. નમાઝની ક્રિયાને યોગ સાથે સરખાવી મા.
પટેલ સાહેબે બંને ધર્મના સમન્વયકારી સ્વરૂપને વાચા આપી છે. દરેક ધર્મના મૂલ્યો અને
વિચાર એક સમાન છે. પણ મંઝીલ પર પહોંચવાના માર્ગો કે કિયા ભિન્ન છે. અલબત્ત યોગાને
આપણે ધર્મ કરતા વિજ્ઞાન કહીએ તો પણ દરેક ધર્મના પાયામા રહેલા જ્ઞાન અને વિજ્ઞાનના
વિચારોમાં માનવકલ્યાણની ભાવના સમાન છે. નમાઝની ક્રિયાએ પણ ઇસ્લામના આદેશ મુજબની
શારીરિક, માનસિક અને અધ્યાત્મિક કસરત છે. તે દ્વારા માનસિક તાણ, સાથે હદય અને
કમરના રોગોમાં અવશ્ય રાહત મળે છે.બલ્ડ પ્રેશર સમતુલ રહે છે. યોગા અને નમાઝ બંનેની
ઉત્પતિના મૂળમાં શારીરિક અને આધ્યાત્મિક તંદુરસ્તી છે. બંને પોતાના સ્થાને
સ્વતંત્ર અને આગવી વિચાર ધારા ધરાવે છે. પણ બંનેના ઉદેશો સમાન છે.
યોગ અને ઇસ્લામની
નમાઝનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયાસ વિદ્વાનોએ અનેક વાર કર્યો છે. એવો એક પ્રયાસ ૧૭ જુન ૨૦૧૫ના રોજ દિલ્હીમાં થયો
હતો. રાજ્ય કક્ષાના સ્વસ્થય અને કુટુંબ કલ્યાણ મંત્રી શ્રીપાદ યાસ્સૂ નાયકે
"યોગા એન્ડ ઇસ્લામ" નામક અંગ્રેજી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. ૩૨
પૃષ્ઠ અને ૧૨ પ્રકરણની આ નાનકડી પુસ્તિકાનું પ્રકાશન આર.એસ.એસ સાથે જોડાયેલ મુસ્લિમ
રાષ્ટ્રીય મંચ દ્વારા થયું હતું. તેમાં "યોગ ઇઝ નોટ અન ઇસ્લામિક",
"ઓબ્જેકટીવસ ઓફ યોગા ઇઝ નોટ સ્પ્રેડ હિંદુ રીલીજીયન", "નમાઝ ઇઝ વન
સોર્ટ ઓફ યોગા આસન" અને યોગા ઇઝ નોટ અનનોન તો મુસ્લિમ" જેવા પ્રકરણોમાં
નમાઝની ક્રિયાઓ સાથે યોગના આસનોની સામ્યતા દર્શાવવામાં આવી છે. જો કે આ પુસ્તિકાની
કેટલીક બાબતોનો મુસ્લિમ ધર્મગુરુઓએ વિરોધ કર્યો હતો.
યોગને ઇસ્લામની
નમાઝની ક્રિયા સાથે સરખાવવાનો આ પ્રથમ પ્રયાસ ન હતો. આ પહેલા પણ આ વિષય પર વડોદરાના
અશરફ એફ નિઝામીએ "નમાઝ, ધી યોગા ઓફ
ઇસ્લામ" નામક પુસ્તક ૧૯૭૭ પ્રકાશિત કર્યું હતું. જેમાં નમાઝની વિવિધ
ક્રિયાઓને યોગોના આસનો સાથે સરખાવવામાં આવ્યા હતા.એ પછી તેમણે રાયપુરમાં યોજાયેલ
"National Yoga Convention"માં "Synthesis of Namaz and Yoga" વિષયક સંશોધન પત્ર ૩ ઓગસ્ટ ૧૯૮૧ના રોજ રજુ કર્યું હતું. જેમાં તેમણે
નમાઝની કુલ સાત અવસ્થાઓને યોગના આસનો સાથે સરખાવી, ઈબાદતમાં એકાગ્રતા લાવવામાં
તેમની ભૂમિકા સમજાવી હતી. તેમણે પોતાના સંશોધન પત્રમાં રજુ કરેલ વિગતો જાણવા જેવી
છે. તેઓ પોતાના શોધ પત્રના આરંભમાં લખે છે,
"એરેબીક ભાષામાં
નમાઝને "સલાહ" કહે છે. સલાહ શબ્દ "સીલા" પરથી આવ્યો છે. જેનો
અર્થ થાય છે મુલાકાત કે મળવું. એ અર્થમાં નમાઝ એટલે ખુદા સાથેની મુલાકાત.
નમાઝની ક્રિયામાં ખુદાનો બંદો ખુદા પાસે પોતાની કેફિયત રજુ કરે છે
અને ખુદા તેનો સ્વીકાર કરે છે."
નમાઝ હઝરત મહંમદ સાહેબે ખુદાની ઈબાદત માટે આપેલ
ક્રિયા છે. પાંચ સમયની અર્થાત ફજર (સૂર્યોદય પહેલા પ્રભાત), ઝોહર (બપોર), અશર
(સાંજ), મગરીબ (સૂર્યાસ્ત પછી) અને ઈશા (રાત્રી) ની નમાઝ દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. દરેક
નમાઝમાં રકાત હોય છે. એક રકાતમાં સાત શારીરિક ક્રિયા કરવાની હોય છે. એ સાત
ક્રિયાઓને ૧. કીયામ ૨. રુકુ ૩. કોમાહ ૪. સજદા ૫. જલસા ૬. કદાહ અને ૭. સલામ કહે છે. જો કે આમ તો સાચા અર્થમાં જોઈએ તો નમાઝની આંઠ ક્રિયાઓ
છે. ૧. તકબીર ૨. કીયામ ૩. રુકુ ૪. કોમાહ ૫. સજદા ૬. જલસા ૭. કદાહ અને ૮.સલામ. પણ શારીરિક કસરતની દષ્ટિએ સાત
ક્રિયાઓ મહત્વની છે.
જેમાં કીયામ સૌ પ્રથમ છે. કીયામમાં બંને હાથ નાભી પર
બાંધી નીચી નજર રાખી સિધ્ધા ઉભા રહેવું. એ પછીની ક્રિયા રુકુંમા કમરેથી વાંકા વળી
બંને હાથો ઘૂંટણ પર રાખવા અને નજર બંને પગોની વચ્ચે નીચે રાખવી. "રુકુ"ની
સ્થિતિને યોગના "અર્ધ ઉત્તરાસન" અથવા અર્ધ શીર્ષાસન સાથે સરખાવી શકાય.
છે. એ પછી કોમાહમા ફરીવાર ઉભા થઇ સંપૂર્ણ શાંત અને એકાગ્ર
ચિત્તે ઉભા રહેવાનું છે. પછી "સજદા"માં જવાનું છે. નમાઝમાં
"સિજદા"ની ક્રિયા એક વિશિષ્ઠ અવસ્થા છે. જેમાં બંને ઘુટણ અને બંને
હાથોની હથેળીઓ સાથે પેશાની એટલે કે કપાળ અને નાકને જમીન પર ટેકવવામાં આવે છે. તેને
નમાઝમાં "સિજદો" કહેવામાં આવે છે. યોગના સંદર્ભમાં આ સ્થિતિને
"બાલાસન" અથવા અર્ધ શીર્ષાસન પણ કહી શકાય છે. નમાઝમાં બે વાર સિજદો
કરવામાં આવે છે. સિજદા પછીની અવસ્થા "જલસા"ની છે. "જલસા" અર્થાત
બને પગો ઘુટણથી વાળી બંને હાથો ઘુટણ પર રાખી, નજર નીચી રાખી, ટટ્ટાર બેસવાની
ઇસ્લામિક સ્થિતિ. મેડીટેશન માટેની આ ઉત્તમ સ્થિતિ છે. જેને યોગાના સંદર્ભમાં
"વર્જાસન" સાથે સરખાવી શકાય. અને એ પછીની સલામની ક્રિયા છે. જેમાં નજર
બંને ખભા પર રાખી મસ્તકને જમણી અને ડાબી બાજુ ફેરવવામાં આવે છે. નજર અને ગરદનને
તેથી કસરત મળે છે.
આ પ્રમાણે પાંચ સમયની માત્ર ફર્ઝ નમાઝ અદા કરતી વખતે
દરેક મુસ્લિમ ઉપર મુજબની રોજ ૧૯૯ વાર શારીરિક ક્રિયા (કસરત) કરે છે. સમગ્ર માસ
દરમિયાન કુલ ૩૭૫૦ શારીરિક ક્રિયા કે કસરત દરેક મુસ્લિમ નમાઝ અદા કરતી વખતે કરે છે.
જયારે સમગ્ર વર્ષ દરમિયાન ૪૨,૮૪૦ વાર તે પાંચ સમયની નમાઝ અદા કરતી વખતે શારીરિક
ક્રિયા કે કસરત કરે છે. માનવીનું આયુષ્ય સરેરાશ ૫૦ વર્ષનું ગણીએ તો ૧૦ વર્ષની
ઉમરથી તેણે નમાઝ પઢવાનું શરુ કર્યું હોય તો તે પોતાના આયુષ્ય દરમિયાન ૧,૭૧૩,૬૦૦
વાર આંગિક ક્રિયા કે કસરત નમાઝ દરમિયાન કરે છે. પરિણામે નિયમિત નમાઝ પઢનાર મુસ્લિમ
શારીરિક, માનસિક કે આધ્યાત્મિક રીતે હંમેશા તંદુરસ્ત રહે છે. અને એટલે જ કુરાને
શરીફ (૨૬.૪૫)માં કહ્યું છે,
"પાબંધ નમાઝી
શારીરિક માંદગી કે માનસિક વ્યથાઓથી કયારેય પીડાતો નથી"
Monday, March 7, 2016
ઇસ્લામમાં બહુપત્નીત્વ અને તલાક : ડૉ. મહેબૂબ દેસાઈ
૮ માર્ચને આંતર રાષ્ટ્રીય
સ્ત્રી દિવસ તરીકે આપણે ઉજવાયો. એ સંદર્ભમાં જ હમણાં ઇસ્લામના કાનૂન મુજબ ત્રણવાર
તલાક બોલવાથી તલાક થઇ જાય છે અને ચાર પત્ની પ્રથાના વિરુદ્ધમાં ત્રણ શિક્ષિત
મહિલાઓએ આરંભેલ જેહાદની સ્ટોરી "દિવ્ય ભાસ્કર"માં વાંચી. આમ તો આ બંને
આદેશો ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફની આયાતોના સંદર્ભમાં અર્થઘટનના મહત્વના મુદ્દાઓ
છે.
ઇસ્લામમાં ચાર પત્ની
કરવાની છૂટ અર્થાત બહુપત્નીત્વની પ્રથા એ યુગની સામાજિક અને રાજકીય જરૂરિયાતનું
પરિણામ છે. પ્રાચીન અને મધ્યયુગમાં યુરોપ અને એશિયાના બધા દેશોમાં એ રીવાજ પ્રચલિત
હતો. પ્રાચીન સમયમાં ભારતમાં પણ રાજા-મહારાજાઓ એક કરતા વધુ પત્નીઓ રાખતા હતા. રાજા
દશરથ, સમ્રાટ અશોક, અકબર જેવા રાજાઓ તેનું ઉત્તમ ઉદાહર છે. ઇસ્લામમાં બહુપત્નીત્વનો
સિધ્ધાંત એ સમયના અરબસ્તાનના સામાજિક અને રાજકીય જરૂરિયાતને કારણે સ્વીકારવામાં આવ્યો
હતો. જેમ કે હઝરત ખદીજા સાથેના પ્રથમ નિકાહ પછી હઝરત મહંમદ સાહેબના થયેલા અન્ય
નિકાહઓ એક ય બીજા સ્વરૂપે રાજકીય કારણોસર થયા હતા, નહિ કે વૈભવ વિલાસ અને શારીરિક
જરૂરિયાત (નફસાની ખ્વાહિશ) માટે. અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્ડ લેન પોલ આ અંગે લખે
છે,
"એમના કેટલાક
લગ્નો તો, જે કેટલીક સ્ત્રીઓના પતિ ઇસ્લામની લડાઈમાં માર્યા ગયા હતા, તેમનો વિચાર
કરીને કરવામાં આવ્યા હતા. તે સ્ત્રીઓને કશો આધાર ન હતો. તેમના પતિઓને મહંમદ સાહેબે
ખુદ લડાઈમાં મોકલ્યા હતા. એટલે મહંમદ સાહેબ પાસે આશરો મેળવવાનો તેમને અધિકાર હતો.
અને મહંમદ સાહેબ અંત્યંત દયાળુ હતા. તેમણે નિકાહ કરીને તે બેસહારા સ્ત્રીઓને આશરો
આપ્યો હતો."
એ સમયે અરબસ્તાનમાં
થતી રોજે રોજની લડાઈઓમાં હજારો સૈનિકો માર્યા જતા હતા. પરિણામે સમાજમાં વિધવાઓ અને
અનાથોની સંખ્યા વધતી જતી હતી. જયારે બીજા પક્ષે પુરુષોની સંખ્યા ઘટતી જતી હતી. એવા
સંજોગોમાં સમાજમાં અનૈતિક સબંધો અને વ્યભિચાર ન વિસ્તરે માટે જ ઇસ્લામમાં ચાર
પત્નીઓ સુધીની છૂટ આપવામાં આવી હતી. અને એટલે જ બહુપત્નીત્વના આ સિદ્ધાંતને સ્પષ્ટ
કરતા કુરાને શરીફમાં ખાસ કહેવામાં આવ્યું છે,
"અને જો તમને એ
બાબતનો ડર હોય કે તેમની સાથે નિકાહ કર્યા સિવાય અનાથો સાથે તમે ન્યાય નહિ કરી શકો,
તો જે સ્ત્રીઓ તમને ગમે તેમાંથી બે,ત્રણ કે વધારેમાં વધારે ચાર સાથે નિકાહ કરી લો.
પરંતુ ડર હોય કે તમે તે બધી સ્ત્રીઓ સાથે સમાન ઇન્સાફ નહિ કરી શકો તો એક જ નિકાહ
કરો"
ઓહદના યુદ્ધ પછી
ઉતારેલી આ આયાત (શ્લોક)માં પણ એકથી વધુ લગ્નો માટેનું સ્પષ્ટ કારણ આપવામાં આવ્યું છે. સાથો સાથ દરેક પત્ની સાથે સમાન
વર્તન-વ્યવહાર કરવા પર ખાસ ભાર આપવામાં આવ્યો છે. પણ જો માનવ સહજ સ્વભાવને કારણે તમે
દરેક પત્ની સાથે સમાન વ્યવહાર, વર્તન અને પ્રેમ ન રાખી શકો તો માત્ર એક જ પત્ની
કરવાનું સૂચવવામાં આવ્યું છે. કુરાને શરીફમાં પણ આ અંગે સાફ શબ્દોમાં કહ્યું છે,
"અને તમે ઈચ્છો
તો પણ બધી પત્નીઓ સાથે સમાન વર્તન કરી શકવાને શકિતમાન નથી"
આ આયાત દ્વારા ખુદાએ
સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે માનવીનો ચંચળ સ્વભાવ તેને બધી પત્નીઓ સાથે સમાન
વ્યવહાર, વર્તન અને પ્રેમ આપવામાં અસમર્થ છે. અર્થાત કુરાને શરીફમાં પણ પરોક્ષ
રીતે એક પત્નીત્વના સિદ્ધાંતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
ઇસ્લામમાં તલાકની છૂટ
આપવમાં આવી છે. પણ સાથે સાથે કુરાને શરીફમાં એમ પણ કહેવામા આવ્યું છે ,
"ખુદાની નજરમાં
સૌથી ખરાબ જો કોઈ વસ્તુ હોય તો તે તલાક છે"
હઝરત મહંમદ પયગમ્બર
(સ.અ.વ.) સાહેબ પણ તલાકને ધિક્કારતા હતા. કારણ વગર સ્ત્રીને તલાક આપવી એ ઇસ્લામમાં
મોટો ગુનો છે. હઝરત મહંમદ સાહબે ફરમાવ્યું છે,
"જેટલી વાતની
પરવાનગી મનુષ્યને આપવામાં આવી છે તેમાંથી સૌથી વધારે ધ્રુણાસ્પદ બાબત તલાક
છે"
અને એટલે જ તલાક
નિવારવાના ઉપાયો કુરાને શરીફમાં આપવામાં આવ્યા છે. જો પતિ પત્ની વચ્ચે કોઈ ઝગડો
થાય તો કુરાને શરીફમાં તે અંગે ફરમાવવામાં આવ્યું છે,
"એક પંચ પતિ
તરફથી અને એક પત્ની તરફથી, એમ બે પંચો આપસમાં સુલેહ કરાવી દે. કારણ કે ખુદા સંપમાં
રાજી છે, સહાયક છે. પતિ પત્ની વચ્ચે સંપ કરાવવાનું કાર્ય સવાબ (પુણ્ય) છે."
ઇસ્લામમાં ત્રણવાર
તલાક બોલવાથી તલાક થઇ જાય છે, એવી સામાન્ય સમજ અંગે પણ કુરાને શરીફમાં સ્પષ્ટતા
કરવામાં આવેલા છે. પ્રથમ, દ્વિતીય અને તુતીય એમ ત્રણ તલાક વચ્ચે એક માસનો સમય
રાખવાનું કુરાને શરીફમાં ફરમાવ્યું છે. કુરાને શરીફના પારા-૨ સયકુલની રુકુ ૨૯માં
જણાવવામાં આવ્યું છે,
"બે વાર તલાક
આપ્યા પછી પતિ સ્ત્રીને ત્રીજી વાર તલાક આપી દે તો તે સ્ત્રી તેના માટે હલાલ રહેશે
નહિ. સિવાય કે તેના નિકાહ બીજા પુરુષ સાથે થાય અને તે તેને તલાક આપે. ત્યારે જો
પહેલો પતિ અને સ્ત્રી બંને એમ વિચારે કે અલ્લાહના કાનૂન મુજબ બંને ચાલશે તો તેમના
એકબીજા સાથે નિકાહ થઇ શકે"
આ ક્રિયાને ઇસ્લામમાં
"હલાલા" કહે છે.
આમ ઉતાવળે,
જલ્દબાજીમાં કે ગુસ્સામાં આપેલ તલાક પતિ પત્નીના દાંપત્ય જીવનને ખંડિત ન કરી નાખે
તેની પુરતી તકેદારી ઇસ્લામમાં લેવાઈ છે. વળી, તલાક આપનાર વ્યક્તિને પણ લગ્નજીવન એ
જ સ્ત્રી સાથે આરંભવા માટે જે શરત ઇસ્લામે મૂકી છે તે સખત સજા અને હિદાયત સમાન છે.
અને એટલે જ તલાકની ઇસ્લામે છૂટ એવા સંજોગોમાં જ આપી છે, જયારે પતિ પત્ની વચ્ચે
સમાધાનના બધા પ્રયાસો છતાં સાથે રહી શકવું બિલકુલ શકય ન હોય.
Subscribe to:
Posts (Atom)