હમણાં એક બેઠકમાં કોઈકે અહંકારના પ્રવાહમાં કહ્યું કે "આ કામ તો
હું જ કરી શકીશ." તેમના આ વિધાનમાં આત્મા વિશ્વાસ કરતા અહંકાર વધારે દેખાતો
હતો. આત્માવિશ્વાસ અને અંહકાર વચ્ચે આછો ભેદ છે.
"હું જ આ કરી શકીશ"
"હું આ કરી શકીશ" બંને વિધાનો સરલ
છે.પણ બંનેનો ભાવ ભિન્ન છે. એકમાં અહંકાર નીતરે છે. તો બીજામાં આત્મવિશ્વાસ.
અહંકારને ઉર્દુમાં મગરૂરી કહે છે. ઇસ્લામિક સાહિત્યમાં એ માટે ઉજબ શબ્દ પણ વપરાયો
છે. ઉજબ્ અર્થાત અહંકાર, અભિમાન. એ જ રીતે તક્ક્બુર શબ્દ પણ એવાજ અર્થમાં વપરાયો છે.
જેનો અર્થ થાય છે અભિમાન, ધમંડ કે શેખી. એવો જ બીજો એક શબ્દ પણ છે ગુમાન અર્થાત
ઘમંડ, અહંકાર, અભિમાન કે ગર્વ. ઇસ્લામમાં બદ ગુમાન અને નેક ગુમાન એવા બે શબ્દો
પ્રચલિત છે. ગુમાનના બે પ્રકારો પાડવામાં આવ્યા છે. એક નેક ગુમાન, જેને આપણે
અભિમાન કહીએ છીએ. બીજો શબ્દ બદ ગુમાન છે, જે અહંકારને વ્યકત કરે છે. ઇસ્લામમાં બદ
ગુમાન અર્થાત અહંકારનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
એક હદીસમાં હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"હું તમને બતાવું છું કે જન્નતી માણસો કોણ
છે. તે ગરીબ માણસો જન્નતમાં જશે જે લોકોની નજરમાં તુચ્છ છે. અને તે લોકો દોઝાકી છે
જે ઉદ્ધત, હરામખોર અને ઘમંડી છે"
ખુદા તક્ક્બુર (ઘમંડ) કરનારને દોસ્ત નથી માનતા.
હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પણ અનેક અવતરણોમાં તક્ક્બુરને
નાપસંદ ફરમાવેલા છે. એક અન્ય હદીસમાં આપે ફરમાવ્યું છે,
"જે માનવીના દિલમાં રાયના દાણા બરાબર પણ
તક્ક્બુર હશે તે જન્નતમાં દાખલ નહિ થઇ શકે"
"ત્રણ વસ્તુ હલાક (મૃત્યુ સમાન) છે. બખીલી
(કંજુસાઈ)ને અનુસરવું, મનોવિકારને આધિન થવું અને પોતાનાને મહાન સમજી ઘમંડ (ઉજબ)
કરવો"
એક આલીમ (જ્ઞાની ) એક આબિદ (તપસ્વી )પાસે આવ્યો
અને તેને પૂછ્યું,
"તમારી નમાઝ કેવી છે ?"
પેલા એ જવાબ આપ્યો,
"મારી નમાઝનું શું કહેવું ! હું રાતોની
રાતોં નમાઝ પઢું છું"
એ આલિમે પૂછ્યું,
"ખુદા પાસે તેમ કેટલું રડો છો ?"
પેલા આબિદે જવાબ આપ્યો,
"અરે હું ખુદા પાસે ચોધાર આંસુએ અવિરત
રડું છું. મારા જેવી ઈબાદત અને મારા જેવો ખુદનો ખોફ ખુદાના અન્ય કોઈ બંદામાં નહિ
હોય"
આલીમ આ સંભાળી એટલું જ બોલાયા,
"તમારી ઈબાદત (ભક્તિ ) અને તમારા ખુદા
પ્રત્યેના ખોફ (ડર) માં ઉજબ (ગર્વ) છે. જેથી તેનું કોઈ મુલ્ય નથી."
ઘમંડ કે મગરૂરી માનવીના સર્વ ગુણોને અવગુણમાં
પરિવર્તિત કરી નાખે છે. મગરૂરી માનવીના જીવનમાં ઉધઈ જેવું કાર્ય કરે છે. એ માનવીના
સદગુણોને કોરી ખાય છે. ઘમંડ, મગરૂરી કે અહંકાર માનવીના વ્યવહાર વર્તનમાં નિર્દયતા,
સ્વાર્થ અને અમાનવીયતા આણે છે. સંત તુલસીદાસની એક ચોપાઈ છે :
"દયા ધરમ કો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન
તુલસી દયા ન છોડીએ જબ લગ ઘટમે પ્રાન"
ધર્મના મૂળમાં દયા છે. પણ અભિમાનના મૂળમાં પાપ
છે. તુલસીદાસ અભિમાનને સૌથી મોટો દુર્ગુણ માને છે. દયાની વિરોધી વૃત્તિ ક્રૂરતા
છે. પણ ક્રૂરતા કરતા પણ વધારે મોટો દુર્ગુણ અભિમાન છે. આવો દુર્ગુણ જે માનવીમાં
પ્રસરી જાય છે, તે સમાજમાં નિરુપયોગી બની જાય છે. તેનું પતન થાય છે.
એક સંતને એમના એક શિષ્યે પૂછ્યું,
"મહારાજ, આપણે બધા પૃથ્વીવાસીઓ તો અનાજ, ફળ
આદિ ખાઈએ છીએ. પણ ભગવાન શું ખાતા હશે ?"
સંતે એક પળનો પણ વિચાર કર્યા વગર કહ્યું,
"ભગવાન માણસનું અભિમાન ખાય છે. ભગવાનનો
ખોરાક અભિમાન છે."
અભિમાન માનવીની આધ્યાત્મિક કે ભૌતિક પ્રગતિમાં
મોટું અવરોધક બળ છે.
અભિમાન કે ઘમંડ કરનારા માનવીના લક્ષણો પણ
ઇસ્લામિક ગ્રંથોમાં આપવામાં આવ્યા છે. જે માનવી હલનચલન અને બોલવામાં અકડાઈ રાખે,
મહેફિલ કે મજલિસમાં ઉચ્ચ સ્થાન માટે અપેક્ષા રાખે, બરોબરિયા પર સરસાઈ મેળવવાની નાહક્ક
કોશિશ કરે, ખુદાએ બક્ષેલ ધન દોલતનો ગર્વ કરે, માન-પાનની ભુખ રાખે, પોતાના વખાણની
ખેવના રાખે અને પોતાના ઇલમને શ્રેષ્ટ માને તે માનવી મગરૂર છે. ઉજબને આધિન છે.
તક્ક્બુરથી ઘેરાયેલો છે. જ્ઞાની-આલીમ પોતાના જ્ઞાનનું અભિમાન નથી કરતો. એ નાનામાં
નાના માનવી પાસેથી સતત શીખવા તત્પર રહે છે. આંબાને જેમ ફળ લાગતા જાય છે તેમ તે
ઝૂકતો જાય છે. અમીર માનવી પોતાના ઘનને ખુદાની દેન સમજી, ગરીબો માટે, સમાજ માટે
વાપરે છે. માન-મોભો કે રુતબો તો ખુદાએ આપેલ નેમત છે, તેનો જે માનવી સમાજ અને
જરૂરતમંદો માટે હંમેશા સદુપયોગ કરે છે તેજ માનવી ખુદનો સાચો બંદો છે. અને એટલે જ રહીમે
તેમના એક દોહામાં કહ્યું છે
"બડા બડાઈ ના કરે, બડે ન બોલે બોલ,
રહીમન હિરા કબ કહે લાખ ટકા હૈ મોલ"
પણ અભિમાન, ઘમંડ ઉજબ કે તક્ક્બુરમા જે માનવી
હંમેશા રાચતો રહે છે તેનું સમાજમાં કોઈ માન કે સ્થાન રહેતું નથી. તેવા માનવી માટે કબીર
કહે છે,
"બડા હુઆ તો કયા હુઆ જૈસે પૈડ ખજુર,
પંથી કો છાયાં નહિ, ફળ લાગે અતિ દૂર"
મહાકવિ ડાન્ટેએ "ઇન્ફર્નો"મા લખ્યું છે,
"અભિમાન, ઈર્ષા અને લોભ એ તણખા છે, જેણે
તમામ માનવીઓના હૈયામાં આગ ચાંપી છે"
ગાંધીજીએ તેમની આત્મકથાની પ્રસ્તાવનામાં લખ્યું
છે,
"ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ
સત્યનો જય થાઓ.....જે કોઈ સત્યનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોય એણે તો અભિમાનને
ઓગળવા માટે નમ્રતાનો આશ્રય લેવો જ રહ્યો"
ટૂંકમાં તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ
તમારું તો અચૂક પતન કરે છે. માટે અહંકાર, ઉજબ , તક્ક્બુર કે ગુમાનથી ઈશ્વર આપણને
સૌને દૂર રાખે એજ દુવા : આમીન.
No comments:
Post a Comment