Friday, December 4, 2015

"વૈષ્ણવજન તો તેને કહીએ..." ભજનનું ઇસ્લામીકરણ : ડૉ. મહેબૂબ દેસાઈ

ગાંધીજીએ ૨૪,૨૫ ઓક્ટોબર૧૯૨૫ દરમિયાન કચ્છની મુલાકાત લીધી હતી. તેમની એ મુલાકાત કચ્છના ઇતિહાસમાં યાદગાર છે. પણ ગાંધીજી માટે એ બહુ સંતોષકારક ન હતી. ગાંધીજીની અનેક સભાઓમાં અસ્પૃશ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા જોઈ ગાંધીજી ઘણા વ્યથિત થયા હતા. અને એ માટે મુલાકાત દરમિયાન અનેકવાર તેમણે પોતાના વ્યાખ્યાનોમા દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આમ છતાં કચ્છમાં તેમને કેટલાક અદભુત અને યાદગાર અનુભવો પણ થયા હતા. કચ્છની એક સભામાં ગાંધીજીને ગૌરક્ષા માટે એક મુસ્લિમ ખોજા ગૃહસ્થ તરફથી રૂપિયા પાંચસોનું દાન મળ્યું હતું. એ ગૃહસ્થ વિષે મહાદેવભાઈ દેસાઈ લખે છે,

 
"એક ખોજા ગૃહસ્થે ગૌરક્ષા માટે રૂપિયા ૫૦૦ આપ્યા. આ સંબંધમાં ભાઈ ચમનની ઓળખાણ કરાવવી જરૂરી છે. નિખાલસતાનો એ નમુનો છે. કોઈનું રાખતો નથી. ગાંધીજીને પણ કઈ કહેતા સંકોચ નહિ, તેમ પોતાને વિષે માઠું કહેતા પણ સંકોચ નહી. સભાને બીજે દિવસે પોતે ગાંધીજી પાસે આવ્યા. અહિંસામાં પોતાની ઓછી થતી શ્રધ્ધાની વાત કરી. ખાદીથી એમનું શરીર સારું નથી રહેતું એવી વહેમની પણ વાત કરી. અને એકવાર પહેરેલી ખાદી કેમ છોડી એની પણ વાત કરી, ગૌરક્ષા માટે રૂ. ૫૦૦ આપ્યા, અને "વૈષ્ણવજન તો તેને કહીએ" નું ઉર્દૂ ભાષાંતર મુસ્લિમોને લગાડીને કરાયું એ ગાંધીજીને આપી ગયા." (મહાદેવભાઈની ડાયરી પુસ્તક આઠમું, પૃ. ૩૨૭).

"વૈષ્ણવ જન તો તેને કહીએ" ભજનના રચયતા આપણા જાણીતા સંત નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૧૮) છે. ૧૫મી સદીમાં રચાયેલ આ ભજનમા ઈશ્વરના ભક્તની ઉત્તમ લાક્ષણિકતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. પાંચ વર્ષની ઉમરે તેમના માતા પિતાનું અવસાન થતા તેઓ જૂનાગઢ આવી વસ્યા હતા. એમ કહેવાયા છે કે આઠ વર્ષની ઉમર સુધી તેઓ બોલી શકતા ન હતા. ૧૪૨૬મા તેમના લગ્ન માણેકબહેન સાથે થયા હતા. જૂનાગઢમા તેઓ તેમના ભાઈ બંસીધરના ઘરમાં રહેતા હતા. નરસિંહ મહેતાએ અનેક પ્રભાવક ભક્તિ ગીતો લખ્યા છે. પણ તેમનું આ ભજન ગાંધીજીને અત્યત પ્રિય હતું. અને એટલે જ ગાંધીજીએ તેને આશ્રમની ભજનાવલીમા સ્થાન આપ્યું હતું. ગાંધીજી માટે ચમનભાઈએ કરેલ "વૈષ્ણવજન તો તેને કહીએ"નું ઇસ્લામીકરણ કે ઉર્દૂકરણ સાચ્ચે જ માણવા જેવું છે. તેમાં પણ વૈષ્ણવ જનના લક્ષણો ઉત્તમ રીતે ઉભારવાનો પ્રયાસ થયો છે. પણ ઉર્દુમાં રચાયેલ વૈષ્ણવ જન ભજનનો અનુવાદ માણીએ એ પહેલા મૂળ "વૈષ્ણવજન તો તેને કહીએ" ભજન જોઈએ. જેથી તેના ઇસ્લામીકરણના થયેલ ફેરફારને સંપૂર્ણપણે માણી શકાય.

 

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥


સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥


સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

 
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

 
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

 

ઉપરોક્ત ગુજરાતી ભજનનું ઉર્દૂ કે ઇસ્લામીકરણ સરળ ભાષામા કરવાનો પ્રયાસ ભાઈ ચમને કર્યો છે. આમ છતાં કેટલાક ઉર્દૂ શબ્દો એવા પણ તેમણે વાપર્યા છે જે થોડા ભારે છે. અને સમાન્ય જનને સમજવામા મુશ્કેલી પડે તેવા છે. પરિણામે તેનો ગુજરાતી અર્થ કૌંસમા આપેલ છે. ભજનનું ઉર્દુકરણ થયું હોવા છતાં તેમા વ્યક્ત થયેલ ભક્તિનો ભાવ યથાવત રહ્યો છે.  

 

 "મુસ્લિમ ઉસકો કહીએ, ઔરો કા દર્દ જાને

 અહેસાં (અહેસાન) કરે કિસી પર, તો વો ભી ભૂલ જાને

 

 સબસે ઝુકાએ સર કો, ગીબત (ટીકા) હરેક કી છોડે

 દિલ ઔર ઝબાનો તનસે બદીઓસે (દુષણો) મુંહ કો મોડે

 

 એક હી નજર હો સબ પર, માદર પરાઈ ઝન (સ્ત્રી) હો,

 જુઠ કભી ન બોલે, મિટ્ટી પરાયા ધન હો.

 

 હીર્સોહવસ (કામ) કો છોડે, રબ્બીવીર્દ (વૈરાગ) હો ઝબાં કા,

 પરબત (પ્રતિબિંબ) હય ઐસે તનમેં હરપાક આસ્તાં (તીર્થ) કા

 

 બુખ્લો (લોભ) નિફાકો (કપટ) શહવર્ત (મોહ) હો ગયઝ (ક્રોધ) દૂર જીસસે,

 ઐસા બસર હૈ લે લો જન્નત કા નૂર જીસસે"

 
ભક્તિ અર્થાત ઈબાદતને ભાષા સાથે કોઈ સબંધ નથી. તેને કોઈ શ્લોક કે આયાત સાથે પણ સબંધ નથી. ભક્તિ ગીત, શ્લોક કે આયાત એ માનવીને મુલ્ય નિષ્ઠ વ્યવહાર તરફ નિર્દેશ માત્ર કરે છે. ભક્તિ કે ઇબાદતમાં તેનો ઉપયોગ માત્ર સ્વને ખુદામાં લીન કરી મુલ્યનિષ્ઠા માર્ગ તરફ સ્વને દોરવા માટે જ થયા છે. "વૈષ્ણવ જન તો તેને કહીએ"  ભજન તેનું ઉત્તમ ઉદાહણ છે. તેમાં ખુદાનો બંદો કે ઈશ્વરનો ભક્ત કેવો હોવો જોઈએ તેના લક્ષણો આપવમાં આવ્યા છે. જે બીજાની પીડાને અનુભવે છે. જે નિરાભિમાની છે. જેણે મોહ, માયા અને કામ ક્રોધને વશ કર્યા છે. જે લોભી અને લાલચુ નથી. તે ખુદા-ઇશ્વરનો સાચો ભક્ત છે. જુદી જુદી ભાષા અને ધર્મમાં રચાયેલા આવા ભક્તિ ગીતો પોતીકી ભાષામાં અનુવાદિત કરવાનું કાર્ય સમાજમાં ધર્મિક સદભાવને પ્રસરાવવા માટે અનિવાર્ય છે. ગાંધી યુગમાં આવા કાર્યો થતા હતા. આ ભજન તેની સાક્ષીરૂપ છે. આજે પણ આપણા ભક્તિ ગીતોના અનુવાદો થવા જોઈએ. જેથી આપણી ધાર્મિક સદભાવના અને સંવાદિતતા જીવંત રહે અને એક તંદુરસ્ત સમાજના સર્જનમાં આપણે સૌ સહભાગી બની શકે એજ દુવા : આમીન.
 
 
 

No comments:

Post a Comment