Tuesday, December 22, 2015

મહંમદ સાહેબના અંતિમ દિવસો : ડો. મહેબૂબ દેસાઈ

ઈદે મિલાદનો લેખ પ્રસિદ્ધ થયા પછી અમદાવાદ નિવાસી એક બહેનનો ફોન આવ્યો. જેમા તેમણે મહંમદ સાહેબના વફાતનો સમય અને તે દિવસો અંગે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. આમ તો મહંમદ સાહેબ (સ.અ.વ.)ની વફાત થઇ કે તેઓ અવસાન પામ્યા એવું કહેવા કરતા ઇસ્લામના અનુયાયીઓ મહંમદ સાહેબએ (સ.અ.વ.)

"પર્દા ફર્માંયા" કહેવાનું વધારે પસંદ કરે છે. મહંમદ સાહેબ (સ.અ.વ.)એ "પર્દો ફરમાવ્યો" એ દિવસ હતો ૮ જૂન ઈ.સ.૬૩૨, સોમવાર,મુસ્લિમ ચાંદ ૧૨ રબીઉલ અવલ હિજરી સન ૧૧. સમય મધ્યાહન પછી.

છેલ્લા થોડા દિવસોથી મહંમદ સાહેબ બિમાર રહેતા હતા. બીમારીના આરંભ વિષે ઇબ્ને હિશામીની સીરતુલ નબીમાં લખ્યું છે,

"બીમારીની શરૂઆત એવી રીતે થવા પામી કે મહંમદ સાહેબ (સ.અ.વ.) અર્ધી રતના સમયે પોતાના ઘરમાંથી નીકળીને "જન્ન્તુલ બકી"(મદીનામાં આવેલ મશહુર કબ્રસ્તાન)માં ગયા. ત્યાં તેમણે કબ્રસ્તાન વાસીઓ માટે દુવા ફરમાવી. એ  આપ કબ્રસ્તાનથી પોતાના મકાને તશરીફ લાવ્યા. એ પછીના દિવસે સવારે આપ ઉઠ્યા ત્યારે આપે માથાના દુખાવાની વાત કરી હતી"

તેમની માંદગીનો આમ આરંભ થયો. ૬ જૂનની રાતે તેમને તાવ ખુબ વધ્યો. તેમની બેચેની જોઈને તેમની એક પત્ની ઉમ્મ સલમા રડવા લાગ્યા. મહંમદ સાહેબે તેમને શાંત પાડતા કહ્યું,

"રડો નહિ. જેને અલ્લાહ પર વિશ્વાસ છે તે આમ રડતા નથી"

એ આખી રાત મહંમદ સાહેબ કુરાનની આયાતો, જેમાં અલ્લાહની સ્તુતિ કરવામાં આવી છે તે વારંવાર પઢતા રહ્યા. ૭ જૂને મહંમદ સાહેબને ખુબ અશક્તિ મહેસૂસ થવા લાગી.બિમાર થયા તે દિવસથી જ તેઓ ઉપવાસ કરતા હતા. એટલે અશક્તિ સ્વાભાવિક હતી. અને તાવ પણ હતો જ. રવિવારે અર્ધ જાગૃત અવસ્થામાં કોઈ કે તેમને દવા પીવડાવવાની કોશિશ કરી. તેથી તેઓ નારાજ થયા. એ જ દિવસે તેમણે પત્ની આયશા ને કહ્યું,

"તમારી પાસે બિલકુલ પૈસા ન રાખશો. જે કઈ બચાવીને ક્યાંય રાખ્યું હોય તે ગરીબોને વહેચી દો"

આયશા એ થોડો વિચાર કર્યો પછી તેમને યાદ આવી જતા, પોતાની પાસે સાચવીને રાખેલા સોનાના છ દીનાર મહંમદ સાહેબના હાથમાં મૂકી દીધા. મહંમદ સાહેબે તુર્ત કેટલાક ગરીબ કુટુંબોમાં તે વહેચી દીધા.પછી બોલ્યા,

"હવે મને શાંતિ મળશે. હું અલ્લાને મળવા જાઉં અને એ સોનું મારી મિલકત રહે એ ખરેખર સારું નથી."

એ જ રાત્રે ઘરમાં દીવો કરવા તેલ સુધ્ધાં ન હતું. પત્ની આયશાએ દીવો કરવા માટે પડોશીને ત્યાંથી થોડું તેલ માંગી, દીવો કર્યો. મહંમદ સાહેબની એ રાત્રી પણ માંદગીમાં વીતી. ૮ જૂન સવારે તાવ થોડો ઓછો થયો હતો. મહંમદ સાહેબને ખુદને તબિયત કંઇક સારી લાગતી હતી. મહંમદ સાહેબના નિવાસ બહાર મસ્જિતના ચોકમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પયગમ્બર સાહેબની ખબર જાણવા ઉત્સુક બની ઉભા હતા. ફઝરની નમાઝનો સમય થયો. અબુબક્ર નમાઝ પઢાવવા ગયા. હજુ પ્રથમ રકાત પૂરી થઇ હતી. એટલામાં આયશાની ઝૂંપડીનો પરદો ઊંચકાયો. બે માણસોના ટેકે મહંમદ સાહેબ બહાર આવ્યા. તેમને જોઈ બહાર ઉભેલા સૌના ચહેરા ખીલી ઉઠ્યા. મહંમદ સાહેબે સસ્મિત પોતાના  સાથી ફઝલને ધીમા સ્વરે કહ્યું,

"અલ્લાહે સાચ્ચે જ મને આ નમાઝ બતાવીને મારી આંખો ઠારી છે"

એજ ટેકાથી મહંમદ સાહેબ નમાઝ પઢતા લોકો તરફ આગળ વધ્યા. લોકોએ ખસીને મહંમદ સાહેબને રસ્તો કરી આપ્યો. અબુબક્ર નમાઝ પઢવતા હતા. તેઓ પાછે પગે ખસીને મહંમદ સાહેબ માટે ઈમામની જગ્યા કરવા ગયા. પણ મહંમદ સાહબે હાથના ઈશારાથી તેમને ના પડી. અને તેઓ નમાઝ પઢાવવાનું ચાલુ રાખે તેમ સૂચવ્યું. અને પોતે તેમની પાસે જમીન પર બેસી ગયા. અબુબકરે નમાઝ પૂરી કરી.

નમાઝ પછી મહંમદ સાહેબ ફરી પાછા આયશાની ઝૂંપડીમા ચાલ્યા ગયા. એઓ અત્યંત થાકી ગયા હતા. એક લીલું દાતણ માંગીને તેમણે દાંત સાફ કર્યા. પછી કોગળા કરીને સુઈ ગયા. આયશાનો હાથ મહંમદ સાહેબના જમણા હાથ પર હતો. તેમણે તેને પોતાનો હાથ ખસેડી લેવા ઈશારો કર્યો. થોડીવાર પછી તેમના મુખમાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા,

"હે અલ્લાહ, મને ક્ષમા આપ અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ"

પછી

"સદાને માટે સ્વર્ગ !" "ક્ષમા " "હા  પરલોકના મુબારક સાથીઓ" શબ્દો સાથે મસ્જિતમાંથી પાછા ફર્યા પછી થોડા કલાકમાં જ હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની ૧૨ તારીખને સોમવાર ઈ.સ. ૬૩૨, ૮ જૂનના રોજ મધ્યાહન પછી થોડીવારે મહંમદ સાહેબે "પર્દો ફરમાવ્યો".


બહાર મસ્જિતમા લોકોનું ટોળું ભેગુ થયું હતું. ઘણાને વિશ્વાસ નહોતો પડતો કે ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે. સમાચાર મળતા જ અબુબક્ર મહંમદ સાહેબના રૂમમાં આવ્યા. અને તેમણે મહંમદ સાહેબના મુખ પરથી ચાદર ખસેડી અને તેમનું મોઢું ચૂમ્યું અને પછી કહ્યું,

"આપ જીવનમાં સૌના પ્રિય રહ્યા અને મૃત્યુમાં પણ પ્રિય રહ્યા છો. આપ મારા મા અને બાપ બંને કરતા મને પ્રિય હતા.આપે મૃત્યુના કડવા દુઃખો ચાખી લીધા. અલ્લાહની નજરમાં આપ એટલા કીમતી છો કે તે આપને મૌતનો આ પ્યાલો બીજીવાર પીવા નહિ દે"

બહાર આવી અબુબક્રએ લોકોને કુરાને શરીફની બે આયાતોનું સ્મરણ કરાવ્યું. એક આયાત કે જેમાં ખુદાએ મહંમદ સાહેબને ફરમાવ્યું હતું,

"અવશ્ય તું પણ મરણ પામશે અને આ બધા લોકો પણ મરણ પામશે"

અને બીજી આયાતમા ખુદાએ ફરમાવ્યું છે,

"મહંમદ એક રસુલ છે. તો પછી એ મરી જાય કે માર્યો જાય તો શું તમે તમારા ધર્મ (ઇસ્લામ) થી વિમુખ થઇ

જશો ?"

અલી,ઓસામ,ફજલ અને અન્ય સહાબીઓએ મહંમદ સાહેબના પાર્થવી શરીરને સ્નાન કરાવ્યું. તેમના શરીર પર બે ચાદરો લપેટવામાં આવી. સૌથી ઉપર યમનની એક કીનારીદાર ચાદર ઓઢાડવામાં આવી. એમના પાર્થવી શરીરને અંતિમ દીદાર માટે રાખવામાં આવ્યું. એ પછી મંગળવારે અબુબકર અને ઉમરે જનાજાની નમાઝ પઢાવી. અને તે જ દિવસે આયશાની ઝૂંપડીમાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, ત્યાજ તેમને દફનાવવામાં આવ્યા.

 

 

Saturday, December 5, 2015

ઈદ-એ-મિલાદ : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અનુયાયીઓએ મહંમદ પયગમ્બર (...)સાહેબનો જન્મદિવસ ઈદ-એ-મિલાદ અર્થાત બારે વફાત ૨૪ ડીસેમ્બરના રોજ ઉજવ્યો. ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(...)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ઈ..૫૭૧. મહંમદ સાહેબ(...)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે જ માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી ન હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી જ તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે જ તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના એ પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. આ અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(...)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા.આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો આ નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને એ સાથે જ દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (...)સાહેબે આ દુનિયામાં આંખો ખોલી.

યુવાનીમાં "અલ અમીન" અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (...)સાહેબ એક સારા વેપારી હતા. હઝરત ખદીજાના વેપારી જહાજો લઈને વિદેશમાં ઈમાનદારીથી વેપાર કરી સારો નફો રળીને લાવ્યા હતા. તેમનામાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક "લાઈફ ઓફ મહંમદ" માં લખે છે,

"મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાન્તમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શો, એ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવા, ચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉતારાની ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી."

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટો, યાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા. યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,

"તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતા, જગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા."

યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક "મહંમદ એન્ડ મહંમદઇઝમ"માં લખે છે,

"મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન), એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો"

ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક "પ્રીચિંગ ઓફ ઇસ્લામ" માં લખે છે,

"મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું"  

આમ મહંમદ પયગમ્બર (...)સાહેબ અંગે વિશ્વના અનેક વિદ્વાનોએ પોતાના શબ્દો દ્વારા તેમના વિષે અઢળક અભિપ્રયો પાઠવ્યા છે. પણ ભાવનગરમાં વસતા નાનકડા શાયર મન્સુર કુરેશીએ મહંમદ પયગમ્બર (...)સાહેબની શાનમાં રચેલ એક ગઝલ આપની સાથે શેર કરી વિરમીશ.


"મશહુર છે જગતમાં શરાફત હુઝુરની

 રબને હતી પસંદ ઈબાદત હુઝુરની

 
કેવા હતા અબુબક્ર, ઉમર ઉસ્માન ને અલી !

જેણે કદી ના છોડી ઈબાદત હુઝુરની


જન્નત થશે વાજિબ, મળે જો અગર તને

અલ્લાહના ફઝલથી શફાઅત હુઝુરની


છે કેવો આલી મરતબો અલ્લાહથી મળ્યો !

જિબ્રીઈલ લઈને આવે ઇજાઝત હુઝુરની


આખિરમાં આવીને થયા ઈમામુલ અંબિયા,

છે કેટલી બુલંદ ઈમામત હુઝુરની


કાકાનો છે કાતિલ છતાં માફી મળે અહીં !

એવી હતી અનોખી અદાલત હુઝુરની


મનસુર ! દુવા એજ સદા માંગતો રહે,

મુજને ય મળી જાય શફાઅત હુઝુરની"


માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(...)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે. તેમાના જન્મ દિવસે નિમિત્તે આપણે સૌ તેમના આદર્શ જીવનમાથી થોડા વચનો પણ જીવન અને સમાજમાં અપનાવીશું તો સમાજ અને જીવનમાં વ્યાપેલી વિસમતાઓને અવશ્ય નિવારી શકીશું.
 

Friday, December 4, 2015

"વૈષ્ણવજન તો તેને કહીએ..." ભજનનું ઇસ્લામીકરણ : ડૉ. મહેબૂબ દેસાઈ

ગાંધીજીએ ૨૪,૨૫ ઓક્ટોબર૧૯૨૫ દરમિયાન કચ્છની મુલાકાત લીધી હતી. તેમની એ મુલાકાત કચ્છના ઇતિહાસમાં યાદગાર છે. પણ ગાંધીજી માટે એ બહુ સંતોષકારક ન હતી. ગાંધીજીની અનેક સભાઓમાં અસ્પૃશ્યો માટે અલગ બેઠક વ્યવસ્થા જોઈ ગાંધીજી ઘણા વ્યથિત થયા હતા. અને એ માટે મુલાકાત દરમિયાન અનેકવાર તેમણે પોતાના વ્યાખ્યાનોમા દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. આમ છતાં કચ્છમાં તેમને કેટલાક અદભુત અને યાદગાર અનુભવો પણ થયા હતા. કચ્છની એક સભામાં ગાંધીજીને ગૌરક્ષા માટે એક મુસ્લિમ ખોજા ગૃહસ્થ તરફથી રૂપિયા પાંચસોનું દાન મળ્યું હતું. એ ગૃહસ્થ વિષે મહાદેવભાઈ દેસાઈ લખે છે,

 
"એક ખોજા ગૃહસ્થે ગૌરક્ષા માટે રૂપિયા ૫૦૦ આપ્યા. આ સંબંધમાં ભાઈ ચમનની ઓળખાણ કરાવવી જરૂરી છે. નિખાલસતાનો એ નમુનો છે. કોઈનું રાખતો નથી. ગાંધીજીને પણ કઈ કહેતા સંકોચ નહિ, તેમ પોતાને વિષે માઠું કહેતા પણ સંકોચ નહી. સભાને બીજે દિવસે પોતે ગાંધીજી પાસે આવ્યા. અહિંસામાં પોતાની ઓછી થતી શ્રધ્ધાની વાત કરી. ખાદીથી એમનું શરીર સારું નથી રહેતું એવી વહેમની પણ વાત કરી. અને એકવાર પહેરેલી ખાદી કેમ છોડી એની પણ વાત કરી, ગૌરક્ષા માટે રૂ. ૫૦૦ આપ્યા, અને "વૈષ્ણવજન તો તેને કહીએ" નું ઉર્દૂ ભાષાંતર મુસ્લિમોને લગાડીને કરાયું એ ગાંધીજીને આપી ગયા." (મહાદેવભાઈની ડાયરી પુસ્તક આઠમું, પૃ. ૩૨૭).

"વૈષ્ણવ જન તો તેને કહીએ" ભજનના રચયતા આપણા જાણીતા સંત નરસિંહ મહેતા (૧૪૧૪-૧૪૧૮) છે. ૧૫મી સદીમાં રચાયેલ આ ભજનમા ઈશ્વરના ભક્તની ઉત્તમ લાક્ષણિકતાઓ વ્યક્ત કરવામાં આવી છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. પાંચ વર્ષની ઉમરે તેમના માતા પિતાનું અવસાન થતા તેઓ જૂનાગઢ આવી વસ્યા હતા. એમ કહેવાયા છે કે આઠ વર્ષની ઉમર સુધી તેઓ બોલી શકતા ન હતા. ૧૪૨૬મા તેમના લગ્ન માણેકબહેન સાથે થયા હતા. જૂનાગઢમા તેઓ તેમના ભાઈ બંસીધરના ઘરમાં રહેતા હતા. નરસિંહ મહેતાએ અનેક પ્રભાવક ભક્તિ ગીતો લખ્યા છે. પણ તેમનું આ ભજન ગાંધીજીને અત્યત પ્રિય હતું. અને એટલે જ ગાંધીજીએ તેને આશ્રમની ભજનાવલીમા સ્થાન આપ્યું હતું. ગાંધીજી માટે ચમનભાઈએ કરેલ "વૈષ્ણવજન તો તેને કહીએ"નું ઇસ્લામીકરણ કે ઉર્દૂકરણ સાચ્ચે જ માણવા જેવું છે. તેમાં પણ વૈષ્ણવ જનના લક્ષણો ઉત્તમ રીતે ઉભારવાનો પ્રયાસ થયો છે. પણ ઉર્દુમાં રચાયેલ વૈષ્ણવ જન ભજનનો અનુવાદ માણીએ એ પહેલા મૂળ "વૈષ્ણવજન તો તેને કહીએ" ભજન જોઈએ. જેથી તેના ઇસ્લામીકરણના થયેલ ફેરફારને સંપૂર્ણપણે માણી શકાય.

 

વૈષ્ણવ જન તો તેને કહિયે જે પીડ પરાયી જાણે રે

પર દુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥


સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે

વાચ કાછ મન નિશ્છળ રાખે ધન ધન જનની તેની રે. ॥૧॥


સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે

જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥

 
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે

રામ નામ શુ તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥

 
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે

ભણે નરસૈયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥

 

ઉપરોક્ત ગુજરાતી ભજનનું ઉર્દૂ કે ઇસ્લામીકરણ સરળ ભાષામા કરવાનો પ્રયાસ ભાઈ ચમને કર્યો છે. આમ છતાં કેટલાક ઉર્દૂ શબ્દો એવા પણ તેમણે વાપર્યા છે જે થોડા ભારે છે. અને સમાન્ય જનને સમજવામા મુશ્કેલી પડે તેવા છે. પરિણામે તેનો ગુજરાતી અર્થ કૌંસમા આપેલ છે. ભજનનું ઉર્દુકરણ થયું હોવા છતાં તેમા વ્યક્ત થયેલ ભક્તિનો ભાવ યથાવત રહ્યો છે.  

 

 "મુસ્લિમ ઉસકો કહીએ, ઔરો કા દર્દ જાને

 અહેસાં (અહેસાન) કરે કિસી પર, તો વો ભી ભૂલ જાને

 

 સબસે ઝુકાએ સર કો, ગીબત (ટીકા) હરેક કી છોડે

 દિલ ઔર ઝબાનો તનસે બદીઓસે (દુષણો) મુંહ કો મોડે

 

 એક હી નજર હો સબ પર, માદર પરાઈ ઝન (સ્ત્રી) હો,

 જુઠ કભી ન બોલે, મિટ્ટી પરાયા ધન હો.

 

 હીર્સોહવસ (કામ) કો છોડે, રબ્બીવીર્દ (વૈરાગ) હો ઝબાં કા,

 પરબત (પ્રતિબિંબ) હય ઐસે તનમેં હરપાક આસ્તાં (તીર્થ) કા

 

 બુખ્લો (લોભ) નિફાકો (કપટ) શહવર્ત (મોહ) હો ગયઝ (ક્રોધ) દૂર જીસસે,

 ઐસા બસર હૈ લે લો જન્નત કા નૂર જીસસે"

 
ભક્તિ અર્થાત ઈબાદતને ભાષા સાથે કોઈ સબંધ નથી. તેને કોઈ શ્લોક કે આયાત સાથે પણ સબંધ નથી. ભક્તિ ગીત, શ્લોક કે આયાત એ માનવીને મુલ્ય નિષ્ઠ વ્યવહાર તરફ નિર્દેશ માત્ર કરે છે. ભક્તિ કે ઇબાદતમાં તેનો ઉપયોગ માત્ર સ્વને ખુદામાં લીન કરી મુલ્યનિષ્ઠા માર્ગ તરફ સ્વને દોરવા માટે જ થયા છે. "વૈષ્ણવ જન તો તેને કહીએ"  ભજન તેનું ઉત્તમ ઉદાહણ છે. તેમાં ખુદાનો બંદો કે ઈશ્વરનો ભક્ત કેવો હોવો જોઈએ તેના લક્ષણો આપવમાં આવ્યા છે. જે બીજાની પીડાને અનુભવે છે. જે નિરાભિમાની છે. જેણે મોહ, માયા અને કામ ક્રોધને વશ કર્યા છે. જે લોભી અને લાલચુ નથી. તે ખુદા-ઇશ્વરનો સાચો ભક્ત છે. જુદી જુદી ભાષા અને ધર્મમાં રચાયેલા આવા ભક્તિ ગીતો પોતીકી ભાષામાં અનુવાદિત કરવાનું કાર્ય સમાજમાં ધર્મિક સદભાવને પ્રસરાવવા માટે અનિવાર્ય છે. ગાંધી યુગમાં આવા કાર્યો થતા હતા. આ ભજન તેની સાક્ષીરૂપ છે. આજે પણ આપણા ભક્તિ ગીતોના અનુવાદો થવા જોઈએ. જેથી આપણી ધાર્મિક સદભાવના અને સંવાદિતતા જીવંત રહે અને એક તંદુરસ્ત સમાજના સર્જનમાં આપણે સૌ સહભાગી બની શકે એજ દુવા : આમીન.