આગામી ૧ ડીસેમ્બરના રોજ ૯૫ વર્ષની ગાંધીજી
દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના ૬૨માં પદવીદાન સમારંભમાં ભારતના રાષ્ટ્રપતિ માં.પ્રણવ મુખરજી મુખ્ય
મહેમાન તરીકે આવી રહ્યા છે.૧૯૬૩ થી ૨૦૧૪ સુધી ભારતના ૪૪ મહાનુભાવો આ સ્થાન શોભાવી
ચૂકયા છે. જેમાં જવાહલાલ નહેરુ, ડો. રાધાકૃષ્ણ, ડો. ઝાકીરહુસેન, ખાન અબ્દુલા ગફાર
ખાન, આચાર્ય જે.બી. કૃપલાની, શ્રી ઉછરંગ રાય ઢેબર , ડો. વર્ગીસ કુરિયર, શ્રી
જ્ઞાની ઝૈલસિંઘ, મનુભાઈ પંચોલી, ઉષાબહેન મહેતા, બાબુભાઈ જશભાઈ પટેલ, ઉમાશંકર જોશી,
અર્જુન સિંગ, નારાયણ દેસાઈ, ગોપાલ કૃષ્ણ ગાંધી અને ચુનીભાઈ વૈદ જેવા દીગજ્જોનો તેમાં સમાવેશ થાય છે. આવો ભવ્ય
ભૂતકાળ ધરાવતી ગુજરાત વિદ્યાપીઠના ૬૨મા પદવીદાન સમારંભની તડામાર તૈયારીઓ ચાલી રહી
છે, ત્યારે ૯૫ વર્ષનો ગૂજરાત વિદ્યાપીઠનો ભવ્ય ઇતિહાસ આંખો સામે તરવા માંડે છે.
ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે, જેની સ્થપાના
ગાંધીજીએ કરી હોય અને જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્ર ભૂમિકા ભજવી હોય.
ગુજરાતમાં એવી એક માત્ર સંસ્થા છે ગૂજરાત વિદ્યાપીઠ. જ્યાં સ્નાતક, અનુસ્નાતક,
એમ.ફીલ. અને પીએચ.ડી. સુધીનું ઉચ્ચ શિક્ષણ મોટાભાગના તમામ વિષયો આપવામાં આવે છે, એ
સત્ય ગુજરાતના બહુ ઓછો વાલીઓ અને યુવાનો જાણે છે.
ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના
૧૮ ઓક્ટોબર ૧૯૨૦ના રોજ કરી હતી. એ અસહકાર આંદોલનનો યુગ હતો. પરિણામે દેશના
યુવાનોને રાષ્ટ્રીય કેળવણી આપવા અને સ્વાતંત્ર સંગ્રામના સૈનિકોના સંતાનોને
રચનાત્મક અને રાષ્ટ્રીય શિક્ષણ આપવાના ઉદેશથી શ્રી ડાહ્યાભાઈ ઈજતરામ વકીલના
મકાનમાં ગાંધીજીના વરદ હસ્તે ગૂજરાત વિદ્યાપીઠનો આરંભ થયો હતો. ગુજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ પ્રવેશ મેળવનારા
માત્ર ૫૯ વિદ્યાર્થીઓ હતા. આમાંના ઘણા ખરા તો સરકારી કોલેજની ઉજ્વળ કારકિર્દી
ત્યાગીને ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના
વેળાએ કહ્યું હતું,
"આપણે મહા
વિદ્યાલયની પ્રતિષ્ઠા રાષ્ટ્રીય દ્રષ્ટિએ કરીએ છીએ. વિદ્યાર્થીઓને બળવાન અને
ચારિત્રવાન બનાવવા માટે કરીએ છીએ. વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે મારી ઉપર જેટલી
શ્રધ્ધા છે તેટલી જ શ્રધ્ધા તમારા અધ્યાપકમાં રાખજો. પણ જો તમે તમારા આચાર્યને કે
અધ્યાપકને બલહીન જુવો તો તે સમયે પ્રહલાદના અગ્નિથી એ આચાર્યને અને અધ્યાપકને ભસ્મ
કરી નાખજો. અને તમારું કામ આગળ ચલાવો. એજ મારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે અને એજ
મારા વિદ્યાર્થીઓને આશીર્વાદ છે."
૧૯૩૦માં સવિનય કાનુન ભંગની લડતનો આરંભ
થયો. ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ તેમાં
પણ ગાંધીજી સાથે જોડાયા. દાંડીકૂચમાં મહા વિદ્યાલયના વિદ્યાર્થીઓની "અરુણ
ટુકડી" દાંડીકુચના પૂર્વ આયોજનમાં સક્રિય હતી. પરિણામે અંગ્રેજ સરકારે
ગૂજરાત વિદ્યાપીઠને બંધ કરવાનો આદેશ આપ્યો. અને ગૂજરાત વિદ્યાપીઠ બંધ પડી. એ પછી
૧૯૪૭માં ગાંધીજીના રહસ્ય મંત્રી મહાદેવભાઇ દેસાઈની સ્મૃતિમાં "મહાદેવભાઈ
દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલય" નો આરંભ થયો. મહા વિદ્યાલય પ્રારંભમાં ગૂજરાત
વિદ્યાપીઠના મૂળ મકાન "પ્રાણજીવન વિદ્યાર્થી ભવન" માં ચાલતું હતું. એ
પછી હાલનું નવું મકાન તૈયાર થતા ૧૯૬૩થી ત્યાં ખસેડાયું.
એ યુગના મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા
વિદ્યાલય આચાર્યો હરતી ફરતી સંસ્થા જેવા હતા. મહા વિદ્યાલયના પ્રથમ આચાર્ય શ્રી અસુદમલ
ટેકચંદ ગિડવાનીજી હતા. જેઓ અંગ્રેજીના અધ્યાપક હતા. તે પછી આચાર્ય જીવતરામ કૃપલાનીજી,
કાકા સાહેબ કાલેલકર, મગનભાઈ પ્ર. દેસાઈ, રામલાલ પરીખ, મોહનભાઈ પટેલ. રતિલાલ આડતિયા
જેવા વિદ્વાન મહાનુભાવોએ મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા મહા વિદ્યાલયને વિકસાવવામાં નોંધપાત્ર
ભૂમિકા ભજવી હતી. ૧૯૬૩માં ભારત સરકારે ગૂજરાત વિદ્યાપીઠને કાયદાથી સ્થાપિત
યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો. અને વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ, નવી દિલ્હી (University Grants
Commission, New Delhi) દ્વારા માન્યતા
આપી. આજે ગૂજરાત વિદ્યાપીઠ ગુજરાતની એકમાત્ર એવી યુનિવર્સિટી છે, જે ગાંધી વિચારને
કેન્દ્રમાં રાખી ઉચ્ચ શિક્ષણનું કાર્ય કરે છે. ૧૯૭૮થી મહાદેવભાઈ દેસાઈ સમાજ સેવા
મહા વિદ્યાલયના સ્નાતક વિભાગો રાંધેજા અને સાદરામાં ખસેડાયા છે. રાંધેજામાં બહેનો
અને સાદરામાં ભાઈઓ માટે સ્નાતક અભ્યાસક્રમો શરુ થયા. જયારે અનુસ્નાતક અભ્યાસક્રમો
અમદાવાદ ખાતે રાખવામાં આવ્યા છે. એ મુજબ
રાંધેજા અને સાદરના કેન્દ્રો મહાદેવભાઈ દેસાઈ ગ્રામ સેવા મહા વિદ્યાલય તરીકે
વિકસ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠ જેને ગાંધીજી હંમેશા
જ્ઞાનપીઠ કહેતા, તેના નવ દાયકાના ઇતિહાસમાં અનેક મહાનુભાવો તેના સાનિધ્યમાં પાંગર્ય
છે. તેની યાદી તો ઘણી લાંબી થવા જઈ રહી છે. પણ જયારે એવા નામોને યાદ કરવા બેસીએ
છીએ ત્યારે કેટલાક નામો આંખો સામે ઉપસી આવે છે. ગૂજરાત વિદ્યાપીઠના આજીવન કુલપતિ (૧૯૨૦
થી ૧૯૪૮) એવા મહાત્મા ગાંધીજી, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, આચાર્ય કૃપલાની,
ગીદવાનીજી, કાકા સાહેબ કાલેલકર, શંકરલાલ બેંકર, મહાદેવભાઇ દેસાઈ, કિશોરલાલ
મશરુવાલા, નરહરી પરીખ, જુગતરામ દવે, ડાહ્યાભાઈ પટેલ, મણીબહેન પટેલ. ફકરૂદ્દીન
ઈબ્રાહીમ, પંડિત સુખલાલજી, પરીક્ષિત મજમુદાર, પંડિત બેચરદાસ દોશી, ધર્માનંદ
કોસંબી, રસિકલાલ પરીખ, કવિ સુન્દરમ્, નગીનદાસ પારેખ, મગનભાઈ દેસાઈ, ઠાકોરભાઈ
દેસાઈ, જેઠાલાલ ગાંધી, રામનારાયણ પાઠક, વિઠ્ઠલદાસ કોઠારી, કનુભાઈ દેસાઈ, ચંદ્રકાંત
ઉપાધ્યાય, મોરારજી દેસાઈ, રામલાલ પરીખ, ડો. રતિલાલ આડતિયા, ઇન્દુલાલ યાજ્ઞિક, પૂ.
મોટા, નાનાભાઈ ભટ્ટ, શ્રી રંગ અવધૂત, મૂળશંકર ભટ્ટ, ખડુંભાઈ દેસાઈ, દિનકર મહેતા,
કરસનદાસ માણેક, જેવા અનેક મહાનુભાવોએ ગુજરાત વિદ્યાપીઠના ધડતરમાં પોતાના જીવનનો
અમુલ્ય સમય આપ્યો છે. આવો ભવ્ય ઇતિહાસ ધરાવતી ગુજરાત વિદ્યાપીઠ અંગે સરદાર પટેલ
લખે છે,
"ગૂજરાત
વિદ્યાપીઠમાં શિક્ષણ લેવાનું સદભાગ્ય મને મળ્યું નથી. પરંતુ ઈ.સ. ૧૯૨૦-૨૧માં તે
સ્થપાઈ ત્યારેથી હું તેના કામો તથા પ્રગતિ રસપૂર્વક નિહાળતો રહ્યો છું. અને મારે
માટે તે હંમેશા એક ખાસ આકર્ષણ અને પ્રેરણાનું સ્થાન રહેલું છે. તેના કેટલાક
સ્નાતકોને હું ઓળખું છું. કેટલાક જોડે જાહેર જીવનમાં મારા મોંઘા સાથીઓ તરીકે મને
૧૯૩૦ પછી કામ કરવાનો લહાવો મળ્યો છે. આ બધાથી મારી એ સંસ્થા પ્રત્યેની નિષ્ઠા અને
ભક્તિ હંમેશા વધતી રહી છે.....આ સંસ્થાએ ગુજરાતના જાહેરજીવનમાં જે ક્રાંતિ આણી છે,
તેજ પ્રગટાવ્યું છે, શિક્ષણ કોને કહેવાય તેનો નમુનો રચી દેખાડ્યો છે- એ વસ્તુ
વધારે મોટી અને મુખ્ય છે. હિંદના શિક્ષણ જગતમાં એ વસ્તુ વિરલ હતી. અને એણે નવ
ગુજરાતને ઘડવામાં રસયાણ જેવું કામ લીધું છે."
ગાંધીજીએ શિક્ષણને હંમેશા કેળવણી કહી
છે. માનવીને જે કેળવે છે, તે જ સાચી કેળવણી. એ નાતે ગુજરાત વિદ્યાપીઠ ભલે સ્નાતક,
અનુસ્નાતક. એમ.ફીલ. અને પીએ.ડી. કક્ષા સુધીનું શિક્ષણ આપતી હોય, પણ તે આપવાની તેની
પદ્ધતિમાં યુવાનોને જીવન સંઘર્ષ માટે કેળવવાનું, ઘડવાનું કાર્ય કેન્દ્રમાં છે. જે
ઉચ્ચ શિક્ષણના આજના માહોલમાં અનિવાર્ય છે. આપણી પ્રાચીન શિક્ષણ પ્રથામાં આશ્રમ
જીવન અનિવાર્ય હતું. ગાંધીજીની ગુજરાત વિદ્યાપીઠ પણ આશ્રમ જીવનના પડછ્યા સમાન છે.
નિવાસી આશ્રમ શાળાની જેમ જ અહિયા વિદ્યાર્થી રહે છે. અને જીવન શિક્ષણ સાથે ઉચ્ચ
શિક્ષણ મેળવે છે. સાદગી અને સંયમ અહીના વાતાવરણમાં ધબકે છે. શિક્ષક અને
વિદ્યાર્થીનો નાતો અહિયા અભ્યાસ પુરતો સીમિત નથી. જીવન શિક્ષણના દરેક તબક્કે
વિદ્યાર્થી સાથે અધ્યાપક પણ કદમો માંડીને ચાલે છે. અહીયા વિદ્યાર્થી પોતાના
કેમ્પસને પોતે જ સ્વચ્છ રાખે છે. ટૂંકમાં સ્વાશ્રય અહીના વાતાવરણ અનુભવ્યા છે.
ગૂજરાત વિદ્યાપીઠનું ગ્રંથાલય અંત્યંત સમૃદ્ધ છે. તેનો કોપી રાઈટ વિભાગ વિદ્યાર્થીઓ,
અધ્યાપકો અને સંશોધકો માટે સ્વર્ગ સમાન છે. આવી વિદ્યાપીઠમાં ભણવું એ આજના બદલાતા
જતા યુગમાં સાચ્ચે જ એક લહાવો છે.
No comments:
Post a Comment