Saturday, October 17, 2015

"હઝરત મહંમદ અને ઇસ્લામ" અદભૂત પુસ્તક ; ડૉ. મહેબૂબ દેસાઈ

૨૬ સપ્ટેમ્બર ૧૮૮૬ના રોજ જન્મેલ પંડિત સુંદરલાલ (૧૮૮૬-૧૯૮૧)ના બે મહત્વના પુસ્તકો "ભારત મેં અંગ્રેજી રાજ ૧,," (૧૯૨૬) અને "હઝરત મહંમદ અને ઇસ્લામ" (૧૯૪૦) ને પ્રકાશિત થયે અનુક્રમે  ૮૯ અને ૭૫ વર્ષો થવા આવ્યા છે. આમ છતાં આજે પણ એ બંને પુસ્તકો ઇતિહાસ અને ઇસ્લામના અભ્યાસુઓ માટે અમુલ્ય ગ્રંથો બની રહ્યા છે. અત્રે મારે પંડિત સુંદરલાલના બીજા નાનકડા પુસ્તક "હઝરત મહંમદ અને ઇસ્લામ" વિષે થોડી વાત કરવી છે. ૧૫૦ પૃષ્ઠોના હિન્દીમાં લખાયેલ આ પુસ્તકનું સૌ પ્રથમવાર પ્રકાશન ૧૯૪૦મા થયું હતું. એ પછી ૧૯૪૫માં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું બીડું ગાંધીજીના અંતેવાસી શ્રી કિશોરીલાલ મશરુવાલા એ ઝડપ્યું. તેમણે ગાંધીજીના પરમ મિત્ર અને દક્ષિણ આફ્રિકના સાથી ઈમામ સાહેબ બાવઝીરના આગ્રહથી પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. પણ સરકારી વહીવટમાં તે આખી ફાઈલ ખોવાઈ ગઈ. એટલે એ પુસ્તક ગુજરાતીમાં બહાર પાડવાની યોજના ખોરંભે પડી ગઈ. પણ પંડિત સુંદરલાલ કોઈ પણ રીતે શ્રી કિશોરીલાલ મશરુવાલાનું નામ આ પુસ્તક સાથે જોડવા માંગતા હતા. આ અંગે કિશોરીલાલ પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે,

"કોઈ બીજા પાસે તે ભાષાંતર કરાવી લેવા નવજીવનને ભલામણ કરી.પણ પંડિત સુંદરલાલે મને જતો કરવા નિષ્ઠુર થઇ ઇનકાર કર્યો. અને મારું નામ પુસ્તક સાથે છપાઈ તેવો આગ્રહ રાખ્યો. પરિણામે જે ભાઈએ પરિશ્રમપૂર્વક આ અનુવાદ તૈયાર કર્યો તે મારે ફરી તપાસી જઈ મારી મહોર મારી આપવાનું માથે આવ્યું."

આમ ૧૯૪૫મા "હઝરત મહંમદ અને ઇસ્લામ" નામક પુસ્તકનું નવજીવન પ્રકાશન, અમદાવાદ દ્વારા પ્રકાશન થયું. આજ દિન સુધી આ પુસ્તાકની લગભગ છ આવૃતિઓ સાથે પચ્ચીસ હજાર નકલો વેચાઈ ચુકી છે. એ જ પુસ્તક આજે પણ પુનઃ મુદ્રણના તબક્કમાં છે. ટૂંક સમયમાં તેની એક વધુ આવૃત્તિ નવજીવન પ્રકાશન દ્વારા પ્રસિદ્ધ થઇ રહી છે. ત્યારે સૌને જાણવાનું મન થાય કે એક ગેર મુસ્લિમ પણ વિદ્વાન ચિંતક પંડિત સુંદરલાલ દ્વારા લખાયેલ આ પુસ્તકમાં એવું તો શું છે જેના કારણે હિંદુ અને મુસ્લિમ બને વાચકો તેની દરેક આવૃત્તિને વધાવી લે છે.


ટૂંકા, માહિતીપ્રદ અને રસમય ૩૨ પ્રકરણોમાં પથરાયેલ આ પુસ્તકમાં હઝરત મહંમદ સાહેબના જીવનને સરળ ભાષામાં આલેખવામાં આવેલ છે. સાથે સાથે ઇસ્લામના સિદ્ધાંતો અને મહંમદ સાહેબના અસરકારક છતાં ટૂંકા અવતરણો અને જીવન પ્રસંગો પણ તેમાં સુંદર રીતે આલેખવામાં આવ્યા છે. મહંમદ સાહેબ અંગે લખાયેલ આધારભૂત ગ્રંથોના આધારો લઇ મહંમદ સાહેબના કાર્યોને ધારદાર શૈલીમાં રજુ કરવામાં પંડિત સુંદરલાલ સફળ રહ્યા છે. મહંમદ સાહેબના સાથીઓ અંગે પણ આધારભૂત અવતરણો દ્વારા મહંમદ સાહેબ પ્રત્યેની તેમની વફાદારી વ્યક્ત કરવામાં આવી છે. જેમ કે હઝરત અબુ તાલિબ અંગે પંડિત સુંદરલાલ વિલિયમ મૂરેનું અવતરણ ટાંકતા લખે છે,

"પોતે મહંમદ સાહેબનો ધર્મ નહોતા માનતા છતાં અબુ તાલિબ પોતાન ભત્રીજા માટે પોતાના પર તથા પોતાના આખા કુળ પર જે જાતની આફત નોતરી તે પરથી સાબિત થાય છે કે અબુ તાલિબ કેટલા ઉંચ્ચ સ્વભાવના, કેટલા વિશાલ હદયના, કેટલા બહાદુર અને સાચા પુરુષ હતા. આ વસ્તુ પરથી મહંમદ સાહેબના દિલની  સચ્ચાઈની  પાકી ખબર પડે છે. કારણ કે કોઈ સ્વાર્થી દગાખોરને માટે અબુ તાલિબ કદી આવી આફતમાં ન પડત......ઇસ્લામના પયગમ્બરના મિશનમાં આસ્થા નહિ હોવા છતાં અબુ તાલિબે પયગમ્બરનું આમ રક્ષણ કર્યું, તેમાં તેમની બહાદુરી હેરત પમાડનાર છે. અને અબુ તાલિબ જેવા જબરજસ્ત અને સાચા માણસ પર મહંમદ સાહેબ આટલી ઊંડી છાપ પાડી શક્યા એ તેમની ઈમાનદારીની મોટી સાબિતી છે" (પૃષ્ઠ ૪૬,૪૭)

પ્રકરણ ૨૫ મહંમદ સાહેબની છેલ્લી મક્કાની યાત્રા અંગે છે. એ સમયે તેમની ઉંમર ૬૨ વર્ષેની હતી. મક્કામાં હજની વિધિ પૂર્ણ કર્યા પછી અરફાતની ટેકરી પર બેસીને મહંમદ સાહેબે ભરેલ હૃદયે સૌને ઉપદેશ આપતા કહ્યું હતું,

"હે લોકો, મારી વાત ધ્યાનપૂર્વક સાંભળો કેમ કે આ વર્ષ પછી હું કદી તમારી પાસે આવી શકીશ કે નહિ તેની મને ખબર નથી....જેમ આ નગર તે જ તમારામાંથી દરેક માટે તન,ધન અને માલમિલકત એક બીજાને માટે પવિત્ર વસ્તુ છે.કોઈ બીજાના જાન કે માલ મિલકતને હાથ ન લગાડી શકે....અલ્લાહે દરેક માણસને માટે તેના બાપદાદાની માલ મિલકતમાંથી તેનો હિસ્સો મુક્કરર કરી દીધો છે. એટલે જે જેનો હક છે તે તેની પાસેથી છીનવી લેનારું કોઈ વસિયતનામું માનવમાં નહીં આવે."

આવા અનેક આધારભૂત ઇસ્લામિક સત્યોથી સભર આ પુસ્તકમાં હદીસમાંથી તારવી મહમંદ સાહેબના કેટલાક સુંદર ઉપદેશો અને પ્રસંગોનું પણ એક નાનકડું પ્રકરણ "ઉપદેશ અને પ્રાર્થનાઓ" આપવામાં આવે છે. જેમાં મોમીન(મુસ્લિમ)ની વ્યાખ્યા આપતા મહંમદ સાહેબ ફરમાવે છે,

"મોમીન તે છે જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપી સૌ નિશ્ચિત રહે છે"

"મોમીન થવા માંગતો હોય તો તારા પાડોશીનું ભલું કર. અને મુસ્લિમ થવા ઈચ્છતો હોય તો જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌ માટે સારું માન અને બહુ હસીશ નહિ, કારણ કે ખરેખર, વધારે હસવાથી હૃદય કઠોર બની જાય છે."(પૃષ્ઠ ૧૩૧).

દુનિયા અને સમાજજીવની કેટલાક મહત્વની બાબતોં અંગે પણ મહંમદ સાહેબના અવતારનો માણવા જેવા છે.

"આ દુનિયાનો મોહ રાખવો એજ બધા પાપોનું મૂળ છે."

"તમે તમારી તરફથી મને છ બાબતોની ખાતરી આપો અને હું તમને સ્વર્ગની ખાતરી આપું છું ૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો ૨. વચન આપો તે પાળો. ૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો ૪. દુરાચારથી બચો ૫. નજર હંમેશા નીચી રાખો ૬. કોઈના પર જબરજસ્તી ન કરો." (પૃષ્ઠ ૧૩૬,૧૩૭).

જેહાદ શબ્દ વિષે દુનિયામાં જેટલી ગેરસમજ છે એટલી બીજા કોઇં શબ્દ વિષે ભાગ્યેજ હશે. આ પુસ્તકમાં તે અંગે પણ સરળ ભાષામાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

"જેહાદ શબ્દ કુરાનમાં જુદી જુદી રીતે સેંકડો વાર આવ્યો છે. પરંતુ આખા પુસ્તકમાં એકે જગ્યાએ એ શબ્દ લડાઈના અર્થમાં નથી આવ્યો. અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કેવળ 'જૈહદ' એટલે કોશિશ કરવી એવો છે. ધર્મમાં અલ્લાહને નામે કોઈ પણ જાતની કોશિશ, ચેષ્ટા કે અભિક્રમ કરવો, પોતાના જાનમાલથી, ગરીબોની સેવા અને અનાથોનું પાલન કરીને, નમાઝ પઢીને, રોજા રાખીને કે બીજાઓને દાન કરીને પોતાના મન પર કાબુ મેળવીને, પોતાન ગુસ્સાને મારીને, સાચા ધાર્મિક બનવાની કોશિશ કરવી, બીજાને ઉપદેશ આપીને તેમને સાચા ધર્મને રસ્તે વાળવા-આ અર્થોમાં જ જેહાદ શબ્દ કુરાનમાં આવ્યો છે, અને આ જ જેહાદનો દરેક માણસને ઉપદેશ કરવામાં આવ્યો છે."  

આજ થી ૭૫ વર્ષ પહેલા પ્રકશિત થયેલ આ પુસ્તક દરેક મુસ્લિમે વસાવવા જેવું છે.
 

2 comments:

  1. i need this book hazarat mohammad s.a.w ane islam
    where i get that book please send info about that

    ReplyDelete
  2. I am interested in getting this book too. Please let me know where can I find it.

    ReplyDelete