૨૫ ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, રોશની, નઈ રોશની, ફૂલછાબ, અંગ્રેજી પત્ર
"સન" અને જન્મભૂમી જેવા અખબારોના આદ્ય સ્થાપક શ્રી અમૃતલાલ શેઠ (૧૮૯૧ થી ૧૯૫૪) ની ૧૨૪મી જન્મ જયંતી ગઈ. આવતા વર્ષે તેમની જન્મ જયંતીને સવાસો
વર્ષ પૂર્ણ થશે. ૨૫
ઓગસ્ટ ૧૮૯૧ના રોજ લીંમડીના જૈન કુટુંબમાં જન્મેલ અમૃતલાલના પિતા દલપતરાય શેઠ
ધ્રાંગધ્રા રાજ્યમાં શિક્ષક હતા.
અમૃતલાલે મેટ્રિક થયા પછી ધરમપુર
રાજ્યમાં શિક્ષકની નોકરી સ્વીકારી. પણ એ બંધિયાર વાતાવરણમાં તેમને ન ફાવ્યું. એટલે
લીમડી-વઢવાણમાં રહી વકીલાતનું ભણ્યા. એ સમયના જાણીતા વકીલ પોપટલાલ ચૂડકરના હાથ
નીચે હાઇકોર્ટના પ્લીડરની પરીક્ષા આપી. એ સમયે ગીજીભાઈ બધેકા તેમના સહધ્યાય હતા.
પછી લીમડી આવી મેજિસ્ટ્રેટ બન્યા. મૂનસફ, જેલ સુપ્રિટેન્ડેન્ટ, સબ રજીસ્ટાર પણ
બન્યા. બરવાળા ચોવીસીનો કારભાર પણ તેમની પાસે જ હતો. પણ એક દિવસ ન્યાયના અમલમાં
તેમનું મન દુભાયું. તેમને આપેલ ચુકાદો યુવરાજે માન્ય ન કર્યો.
એ ડાઘ અંતરમાં ઘાટી રીતે પડી ગયો. અને
મનોમંથન કર્યું. રાજકોટ જઈ ધર્મપરાયણ સજ્જન મનસુખભાઈ મહેતાની સાથે ચર્ચ કરી અને
કહ્યું,
"અંગ્રેજો સામે ગાંધીજી લડી રહ્યા
છે. પણ દેશી રજવાડાઓની પ્રજાનું કોઈ નથી."
મનસુખભાઈએ કહ્યું,
"જેનું કોઈ નથી તેના તમે
થાવ"
અને આમ લીમડી રાજ્યની મેજિસ્ટ્રેટની
મોટી નોકરી છોડી અમૃતલાલ દેશી રાજ્યોની પ્રજાની સેવામાં જોડાયા.
ગાંધીયુગમાં સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ
મેળવનારા અમૃતલાલ શેઠ બહુમુખી પ્રતિભા ધરાવનાર લોકસેવક હતા.
રાષ્ટ્ર ભક્તિના અનેક ક્ષેત્રોમાં ધુમી
વળેલ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા. આજે ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલીઝમની બોલબાલા છે. પણ આજ થી ૭૦ વર્ષ પહેલા એ અંગે કોઈને
વિચાર સુધ્ધાં ન હતો આવ્યો, ત્યારે અમૃતલાલ શેઠે ઇન્વેસ્ટિગેટીંગ જર્નાલીઝમને
પોતાના જીવનમાં સાકાર કર્યું હતું. આ અંગે તેઓ લખે છે,
"એ દિવસોમાં સ્વરક્ષણ માટે છ ભડાકાની એક નાની
પિસ્તાલ હું કાયમ ખિસ્સામાં રાખતો. એ પિસ્તાલથી વધુ દૂર નહી એટલા અંતરે લવિંગના નિશાનો રાખી તે ઉડાવી
દેવાની કાર્યદક્ષતા મેં મેળવી હતી.ઓફિસમાં પણ છ ભડાકાની મોટી બંદુક રાખતો. અને
અનેક પ્રસંગે વૃક્ષો ઉપર નિશાનો ગોઠવી તે ઉડાવી દેતો. આ રીતે મારા ફરતું પિસ્તાલ
અને બંદુકનું વાતાવરણ રાખતો. અને એ વાતાવરણમાં મસ્તી પૂર્વક ફરતો. કોઈ કોઈવાર ભર વરસાદમાં રોજની ત્રીસ ચાલીસ માઈલની ઘોડેસવારી
કરતો. અને એમ ત્રણ ચાર દિવસોનો પ્રવાસ કરી આવી, એ પ્રવાસના વર્ણનો અને મારી જાત
તપાસથી શુદ્ધ થઇ આવેલી બાતમીઓ "સૌરાષ્ટ્ર"માં પ્રસિદ્ધ કરતો. અને રાજા
અને અધિકારીઓ થથરી ઉઠતા. હું જ્યાં જતો ત્યાં છડેચોક જતો. ગુપ્તવેશે કદી કોઈ સ્થળે
ગયો નથી. અને જયાં જાઉં ત્યાં જરૂર પડ્યે રાજાઓ અને અધિકારીઓને મળતો પણ ખરો."
આ કેફિયત કોઈ ફિલ્મના હીરો કે નવલકથાના
નાયકની નથી. પણ ગાંધીયુગમાં અંગ્રેજો અને દેશી રાજાઓની ઊંઘ હરામ કરનાર
"સૌરાષ્ટ" નામક સાપ્તાહિકના સ્થાપક અને તંત્રી અમૃતલાલ શેઠની છે. એ વખતે
રાણપુરમાંથી "સૌરાષ્ટ્ર" નામક સાપ્તાહિક નીકળતું. જેણે ગાંધીજીના
"નવજીવન" સાથે સૌરાષ્ટ્રમાં પત્રકારત્વની એક નવી હવા પ્રસરાવી હતી. જેણે
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન નીડર પત્રકારત્વની નવી દિશા ઉઘાડી હતી. એ યુગમાં અમૃતલાલ
શેઠના સાપ્તાહિક "સૌરાષ્ટ્ર"ની ગુજરાત અને સૌરષ્ટ્રના દેશી રાજ્યો અને
અંગ્રેજોમાં એવી ધાક હતી કે કેટલાક દેશી રાજ્યોએ તો "સૌરાષ્ટ્ર" પ્રવેશ
પર પોતાના રાજ્યમાં પ્રતિબંધ મુક્યો હતો. અને આમ છતાં "સૌરાષ્ટ્ર"ની
નકલો દેશી રાજ્યોની પ્રજા ગમે ત્યાંથી મેળવીને વાંચતી, વંચાવતી અને તેના અહેવાલોને
પથ્થરની લકીર માની તેના પર આંખ બંધ કરી વિશ્વાસ મુકતી. કારણ કે સૌરાષ્ટ્રના
અંકોમાં રજુ થતા અહેવાલો રાજાઓ કે અધિકારીઓની ખુશામતના બદલે નક્કર સનાતન સત્ય રજુ
કરતા હતા.
જેમ કે જામનગર રાજ્યના શાસક
જામરણજીતસિંહનું જયારે સ્વદેશમાં આગમન થયું ત્યારે "સૌરાષ્ટ્ર"ના
ડીસેમ્બર ૨૯, ૧૯૨૮ના અંકમાં જામરણજીતસિંહને ઉદેશેની "ઉડાઉગીરી છોડો"નામક
મથાળા નીચે લખ્યું હતું,
"રાજ્યની
ઉપજનો લગભગ ત્રીજો ભાગ આપ પોતાના માટે જ વાપરી નાખો એ આજના યુગમાં યોગ્ય ન જ ગણાય.
જે રાજાને રાણી નથી, સંતાન નથી, તે રાજા ઓછામાં ઓછી ગણત્રીએ વાર્ષિક ત્રીસ લાખ
રૂપિયા પોતાની જાત પાછળ ખર્ચે એ રાજ પ્રજા નભાવી ન શકે....મહેમાનો કે મિત્રો પાછળ
આપ બહુ ઓછું ખર્ચ કરો એમ પ્રજા જરૂર ઈચ્છે. એકાદ ગવર્નર કે વાઈસરોયના સત્કાર પાછળ
લાખો રૂપિયાનું ખર્ચ કરવું એટલે ગરીબ પ્રજાના પરસેવાથી ભેળું કરેલું દ્રવ્ય
બિનજવાબદાર રીતે ઉડાવી દેવું. શહેનશાહને પણ એવી રીતે દ્રવ્ય ઉડાડવાની સત્તા નથી, એ
આપથી ક્યાં અજાણ છે?"
લીમડી રાજ્યના મેજીસ્ટ્રેટ જેવા ઉચ્ચ
હોદ્દાનો ત્યાગ કરી ગાંધીજીના સ્વાતંત્ર્ય યજ્ઞમાં પોતાની જાતને હોમી દેનાર શ્રી
અમૃતલાલ શેઠે ૧૯૨૧ના ઓક્ટોબરની ૨ જી તારીખે બ્રિટીશ ભારતના એક નાનકડા ગામડા
રાણપુરમાંથી "સૌરાષ્ટ્ર" નામક સાપ્તાહિકનો આરંભ કર્યો હતો. ત્યારે તેના
૨૯ ઓક્ટોબર ૧૯૨૧ના અંકના તંત્રી લેખમાં યજુર્વેદનું અવતરણ ટાંકતા તેમણે લખ્યું
હતું,
"હું મારી
માતૃભુમિને માટે, તેના દુઃખ નિવારણ માટે સર્વ પ્રકારના કષ્ઠ સહન કરવાને તૈયાર છું.
તે કષ્ઠ ચાહે ત્યાંથી આવે, અને ચાહે તેટલા આવે તેની મને ચિંતા નથી."
અને આમ તલવારની ધાર પર આરંભાયેલી
"સૌરાષ્ટ્ર" સત્યયાત્રામા પછીતો ઝવેચંદ મેઘાણી, હરગોવિંદ માયરામ પંડ્યા,
ગોપાલદસ વિદ્ધાસ જેવી અનેક કલમો જોડાઈ. જેમાં પ્રગટેલ અગનજવાલાએ ગુજરાત અને
સૌરાષ્ટ્રના દેશી રાજ્યોની પ્રજાના ખમીરને પુનઃ જીવંત કરી લોકલડતનો નવો દોર
આરંભાયો હતો. જે કે સત્યની આ યાત્રામાં કસોટીના અનેક પ્રસંગો પણ આવ્યા હતા. જામ
સાહેબના ઉગ્ર રોષનું કેન્દ્ર "સૌરાષ્ટ્ર" અને અમૃતલાલ શેઠ બન્યા હતા.
જામ સાહેબના બેજવાબદાર અને અવિચારી વિધાનો જેવાકે ધોલેરા સત્યાગ્રહ ફંડના હિસાબો
અને તેના ગેરવહીવટ અંગે જામ સાહેબે પોતાના ભાષણોમાં કરેલા જાહેર નિવેદનોને
"ટાઈમ્સ ઓફ ઇન્ડિયા"એ પોતાના અખબારમાં પ્રસિદ્ધ કરી વિવાદ જગાવ્યો હતો.
પણ એ વિવાદે અમૃતલાલ શેઠને પોતાની સત્યત સિદ્ધ કરવની તક આપી. અને તેમણે "ટાઈમ્સ
ઓફ ઇન્ડિયા" સામે નુકસાની વળતરનો દાવો માંડ્યો. દાવો ખાસ્સો લાંબો ચાલ્યો.
અંતે સત્યનો વિજય થયો. અને નુકસાની વળતર અને દાવના ખર્ચ પેટે રૂ. દસ હજાર
"ટાઈમ્સ ઓફ ઇન્ડિયા"એ અમૃતલાલ શેઠને આપવાનું સ્વીકાર્યું.
૧૯૩૦માં ગાંધીજી સાથે મીઠાના
સત્યાગ્રહનો આરંભ કરનારા દેશના અગ્ર નેતાઓમાંના એક અમૃતલાલ શેઠ પણ હતા. અમૃતલાલ
શેઠની ધોલેરાની ખાડીમાં મીઠાનો કાયદો ભંગ કરવાની યોજનાને ગાંધીજીએ મંજૂરી આપી હતી.એ
યોજનાં પ્રમાણે ધોલેરા અને ધંધુકા તાલુકાના ગરાસદારો-ભાયાતો, ખેડૂતો,સામાન્ય
પ્રજાજનો વગેરે સાથે સૌરાષ્ટ્રના હજારો નવજવાનો અને નાગરિકોને નોતરવામાં આવ્યા.
અમૃતલાલ શેઠનું "સૌરાષ્ટ્ર" ત્યારે સાચા અર્થમાં રણશિંગુ બની ગયું.
ઝવેરચંદ મેઘાણીના શૌર્ય અને કવિત્વથી ભરપુર ગીતો તેમાં છપાતા. અને લાખો લોકોને એ પ્રેરણા
આપતા. બર્માના યુદ્ધ મોરચે જઈ સુભાષ ચંદ્ર બોંસ અંગેની ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજો
જાનના જોખમે એકઠા કરી ભારતની પ્રજાને
તેનાથી વાકેફ કરનાર પણ અમૃતલાલ જ હતા. ૧૯૪૫મા તેઓ સયુંકત રાષ્ટ્ર સંઘની સ્થાપનાના
સાક્ષી બનવા સાંફ્ર્ન્સીસકો ગયા. એ અરસામાં "જન્મભૂમિ" અખબારનો આરંભ
કર્યો.
"જન્મભૂમી" અખબાર માત્ર
સમચારો પૂરતું સીમિત ન હતું. પ્રજાના દુઃખ દર્દોમાં સહભાગી પણ હતું. ૧૯૪૫-૪૬માં કોમી
હુલ્લડોમાં રાષ્ટ્રવાદી મુસ્લિમોનું આશ્રય સ્થાન હતું. જુનાગઢની આરઝી હકુમતના નેતા
સામળદાસ ગાંધીને મુંબઈની માધવબાગની સભામા તલવાર આપી વિદાય કરનાર અમૃતલાલ શેઠ હતા. આવા
મહામાનવ અમૃતલાલ શેઠનું ૧૯૫૪ના જુલાઈ માસની ૩૦મી તારીખ શુક્રવારના રોજ હદયરોગના
હુમલાથી મુંબઈમાં અવસાન થયું. આજે પણ સૌરાષ્ટ્રના એ સિંહની ગર્જના તેમણે આરંભેલા
અખબારોના પાનાઓ પર સૌ મહેસુસ કરે છે.
No comments:
Post a Comment