Monday, July 13, 2015

પાટામાંથી મુક્તિ અને સિડની તરફ પ્રયાણ : ડો. મહેબૂબ દેસાઈ

તા. ૬ જુલાઈના રોજ મારે પુનઃ રોયલ હોબાર્ટ હોસ્પિટલની વિલિંગ્ડન ક્લીનીકમાં ઓપરશન કરેલ હાથને બતાવવા જવાનું હતું. તા ૨૫ જુને મારું ઓપરશન થયું હતું બરાબર દસ દિવસ પછી અર્થાત ૬ જુલાઈએ મારા હાથની શું  સ્થિતિ છે તેની જાણ મને થવાની હતી. હતી. વળી, આગળના પ્રવાસનો નિર્ણય પણ તે દિવસે દાક્તર મારા હાથને જોઈને કરવાના હતા. જો કે મારા હાથમાં થઇ રહેલ હલનચલને કારણે મને થોડો અંદાજો આવ્યો હતો. ઓપરેશનના છઠા દિવસે થોડી હિમ્મત કરી મેં કારની ડ્રાયવીંગ સીટ પર સ્થાન લીધું. અને ઝાહીદના ઘરના આગળના ચોક સુધી મેં કાર ડ્રાઈવ કરવાની હિંમત કરી હતી. ખુદાનો શુક્ર કે હું આસાનીથી કાર ડ્રાઈવ કરી શક્યો. એ પરથી મને થોડો અંદાજો તો આવી ગયો કે પાટાની અંદર બધું બરાબર છે. પણ આ તબક્કે આથી વધુ જોખમ લેવું હિતાવહ ન હતું. એ પછી ઓપરશનના આઠમાં દિવસે થોડું વધુ જોખમ લઇ હું કાર લઈને એકલો કિંગસ્ટોન બીચ પર જવા નીકળી પડ્યો. એ વખતે પણ મને ખુદાએ ખાસ્સી હિમ્મત આપી. એકાદ કલાક બીચ પર આરામથી બેસી હું હેમખેમ કાર ડ્રાઈવ કરી પરત આવ્યો. આથી મારો આત્મ વિશ્વાસ બેવડાયો. કાર ચલાવવાની મારા માટે નવાઈ  ન હતી. પણ હું તો માત્ર મારા હાથની સ્થિતિથી વાકેફ થવા માંગતો હતો.

એટલે જયારે ૬ તારીખે સવારે હું, ઝાહિદ, સાબેરા અને સીમા રોયલ હોબાર્ટ હોસ્પિટલની વિલિંગ્ડન ક્લીનીક પર પહોંચ્યા  ત્યારે મને મનોમન એટલી તો ધરપત હતી કે પાટાની અંદર રૂઝ આવી છે. અને હવે એક્સેસાઈઝ કરવા માટે મારે તૈયાર રહેવાનું છે. અને ખુદાની રહેમતથી બન્યું પણ એમ જ. મારો પાટો ખોલી ડ્રેસિંગ કરનાર વ્યક્તિએ કહ્યું

"વેરી ગૂડ પ્રોગ્રેસ"

અને તેણે એક પકડ જેવા મેડીકલ સાધન દ્વારા મારા હાથમાં લગાડેલ સ્ટેપલની પીનો કાઢવા માંડી. અહિયા ઓપરેશન પછી ટાંકા લેવાની પ્રથા નથી. ઓપરશન પછી ચામડીને જોડવા સ્ટેપલરની પીનો જેવી પીનોથી ચામડીને જોડવામાં આવે છે. એ પીનો કાઢતા સમયે મને થોડું દર્દ થયું. પણ પાંચેક મીનીટમાં તો બધી પીનો તેણે કાઢી નાખી. અને પછી કહ્યું,

"હવે પાટાની જરૂર નથી. છતાં એક પટ્ટી મારી દઉં છું. હવે આપ શાવર લઇ શકો છો. અને નિયમિત એકસેસાઇઝ કરતા રહેશો"

પણ આ તો એ ટ્રેસિંગ મેનનું મંતવ્ય હતું. ડોક્ટરનો અભિપ્રયા હજુ બાકી હતો. ડ્રેસિંગ પતાવી હું અને ઝાહિદ ડોકટરના રૂમમાં આવ્યા. ડોક્ટરે મારો હાથ તપાસી ખુશી વ્યક્ત કરતા કહ્યું,

"ઈટ્સ ફાઈન" અને તેણે હાથની કસરત કેમ કરવી તે મને સમજાવ્યું. ઝાહીદે કહ્યું,

"ડેડ અને મારા કુટુંબે નવમીએ સિડની અને ત્યાંથી ૧૨મીએ અમેરિકા જવાનું આયોજન કરેલ છે. ડેડ હવાઈ મુસાફરી કરી શકશે ?

"ઓહ, શ્યોર, ધેર ઇસ નો પ્રોબ્લેમ. હી કેન ટ્રાવેલ"

"એ માટે આપે તેઓ ટ્રાવેલ કરવા ફીટ છે તેવું પ્રમાણપત્ર આપવું પડશે"

"ઓકે" ઝાહિદ પાસેથી પ્રમાણપત્રનું ફોર્મ લઇ દાક્તર અંદર ગયા. થોડીવારમાં ભરેલ ફોર્મ પાછું આપતા તેમણે પુનઃ હાથની કસરત કરવા પર ભાર મુક્તા કહ્યું,

"ફલાઈટમાં બેઠા બેઠા પણ કસરત કરતા રહેશો'

અને અમે દાક્તરની ચેમ્બરમાંથી બહાર આવ્યા. બહાર સાબેરા અને સીમા આતુરતાથી અમારી રાહ જોઈ રહ્યા હતા. બહાર આવતા જ સાબેરાએ પૂછ્યું,

"શું કહ્યું ડોકટરે ?"

હું કઈ કહું એ પહેલા ઝાહિદ ખુશી વ્યક્ત કરતા બોલી ઉઠ્યો,

"બહુ સરસ રુઝ આવી ગઈ છે. પાટો સંપૂર્ણ નીકળી ગયો છે. હવે માત્ર હાથની કસરત કરતા રહેવાનું છે."

એ સંભાળી સાબેરાની મોટી મોટી આંખો ખુશીના આંસુઓથી ઉભરાઈ ગઈ.અને તેના મુખમાંથી શબ્દો સારી પડ્યા,

"ખુદાનો શુક્ર છે"

મેં કહ્યું,

"યકીનન ખુદાનો શુક્ર છે. પણ હજુ મંઝીલ ઘણી દૂર છે. હાથની કસરત બરબર ન થાય તો અવશ્ય હાથમાં ખોડ રહી જાય. હવે એ તરફ થોડું વધારે ધ્યાન આપવું પડશે."


મેં પણ મનોમન નત મસ્તકે ખુદાનો ખુબ ખુબ શુક્ર અદા કર્યો. કારણ કે આગળના પ્રવાસ માટેની થોડી મોકલાશ થઇ હતી. અત્યાર સુધી મારા હાથને કારણે અમે સૌ આગળના પ્રવાસ માટે દ્વિધામાં હતા. પણ આજે ડોક્ટરના મંતવ્ય અને પ્રમાણપત્ર પછી સૌના ચહેરા પર થોડો આનંદ અને અઢળક ખુદાનો શુક્ર દેખાઈ રહ્યા હતા. ઘરે આવી સીમા અને સાબેરાએ જવાની તયારી કરવા માંડી. કરિશ્માએ સિડનીથી પાછા અમદાવાદ જવાનું હતું. એટલે તેણે પણ પોતાની બેગ તૈયાર કરવા માંડી. અમારા બધામાં ઝેનનો આનંદ જોવા જેવો હતો. એ તો  જેને મળે તેને સામેથી સમાચાર આપવા લાગ્યો હતો. ઝાહીદના મિત્રો, તેમની પત્નીઓ અને ઘરમાં આવતા કોઈ પણ મુલાકાતીને અચૂક કહેતો,

"અંકલ આઈ એમ ગોઈંગ ટુ અમેરિકા" અને પેલો આગુંતક તેના સમાચાર જાણી કહેતો,

"ઓહ, વેરી ગૂડ. બેસ્ટ લક ફોર યોર જર્ની"

અમારા અગાઉથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ હોબાર્ટથી ૯ જુલાઈએ સવારે છ વાગ્યાની ફ્લાઈટમાં અમારું આખું કુટુંબ, હું મારી પત્ની સાબેરા,પુત્ર ઝાહિદ, તેની પત્ની સીમા, પૌત્ર ઝેન અને મારી દીકરી કરિશ્મા બધા સૌ પ્રથમ સિડની ગયા. સિડનીમાં અમારું રોકાણ ત્રણ રાત અને ત્રણ દિવસનું ઇન્શાહ અલ્લ્લાહ હતું. સિડનીના જોવા લાયક સ્થળોની મુલાકત લઈ, ૧૨ જુલાઈએ સવારે છ કલાકે કરિશ્મા ભારત પરત જશે. અને અમે તે જ દિવસે બે કલાક પછી બોસ્ટનની ફલાઇટ પકડીશું. ખુદાને દુવા કરું છું કે અમારી આગળની સફરને આનંદપૂર્ણ અને આસન કરે -આમીન  

No comments:

Post a Comment