Wednesday, April 1, 2015

અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી : ડૉ . મહેબૂબ દેસાઈ

હાલમાં જ એન.આઈ.ડી.ના ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મુસ્તકીમ ખાન તેમના અભ્યાસના ભાગ રૂપે તૈયાર કરી રહેલ "ભારતના મદ્રેસાઓ" પરની ફિલ્મ અંગે મને મળવા આવ્યા, ત્યારે ભારતમાં ચાલતા આધુનિક મદ્રેસાઓ અંગે અમારે વિગતે વાત થઇ હતી.  હાલના મોટાભાગના મદ્રેસાઓ આધુનિક શાળાઓ અને વિશ્વ વિદ્યાલયો જેવા જ બની ગયા છે. એ વાત આજે પણ આમ સમાજ સુધી પહોંચી નથી કે પહોંચાડવામાં આવી નથી. એવા આધુનિક શિક્ષણ આપતા મદ્રેસાઓમાં સુરતના બેગમપુરામાં કાર્યરત અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી સૌ પ્રથમ નજરમાં આવે છે. કોઈ પણ શૈક્ષણિક ક્ષેત્રમાં સક્રિય અધ્યાપક કે વિદ્યાર્થીઓએ તેના કેમ્પસની એકવાર મુલાકાત લેવી જોઈએ. અત્યંત ભવ્ય, સ્વચ્છ અને શૈક્ષણિક સાધન સામગ્રીથી સજ્જ આ શૈક્ષણિક સંસ્થામાં દેશ વિદેશના માત્ર શિયા દાઉદી વહોરા કોમના યુવા ભાઈઓ અને બહેનો અભ્યાસ કરે છે. ઇસ્લામના શિયા સંપ્રદાયના દાઉદી વહોરા શાખની આ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત ૧૯૬૦મા ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ૨૦૦૩માં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લઇ ચૂકયા છે. આ વિશ્વ વિદ્યાલયની ત્રણ શાખાઓ કંરાચી (૧૯૮૩), નૈરોબી(૨૦૧૧) અને મુંબઈમાં આજે પણ કાર્યરત છે. જ્યાં ધાર્મિક શિક્ષણ સાથે દુન્વયી અર્થાત પરંપરાગત શિક્ષણ દ્વારા સ્નાતકની પદવી આપવામાં આવે છે.

અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસાની સ્થાપના મૂળમાં સૈયદના મુફદ્દલ સેફૂદ્દીન સાહેબે કરી હતા. ૧૮૧૦માં  ૪૩માં દાઈ સૈયદના અબ્દાલી સેફૂદ્દીન સાહેબે એ સમયે નાનાપાયે એક મદ્રેસાની શરુઆત કરી હતી. તેની સ્થાપનામાં "દાવત" નામક ધાર્મિક સંસ્થાએ સહકાર આપ્યો હતો. પ્રારંભમાં તેનો ઉદેશ અરબી ભાષા દ્વારા દાવત સાહિત્યનું શિક્ષણ આપવાનો હતો. સૈયદના સાહેબના નિધન પછી ૫૧મા દાઈ ડો. તાહિર સેફૂદ્દીન સાહેબે અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસાના કેમ્પસને આધુનિક સ્વરૂપ આપ્યું. નવા મકાનો સાથે તેના અભ્યાસક્રમમાં પણ તેમણે આમુલ પરિવર્તન કર્યું. યુનિવર્સિટીના અભ્યાસક્રમોને  સમયને અનુરૂપ બનાવ્યા. પણ તેમણે ધર્મના પાયાના મૂલ્યો અને સિદ્ધાંતોને નવા અભ્યાસક્રમમાં યથાવત જાળવી રાખ્યા. આમ ૧૯૬૧ પછી આ મદ્રેસાએ ધાર્મિક શિક્ષણ સાથે પરંપરાગત આધુનિક શિક્ષણને પણ પોતાની ખાનગી યુનિવર્સિટીમાં સ્થાન આપ્યું.

આજે અલજામિયા તુસ સૈફીયાહ મદ્રેસા એક વિશ્વ વિદ્યાલય તરીકે વિદેશી ભાષાઓ સાથે  વિવિધ વિષયોનું શિક્ષણ આપતી આધુનિક સંસ્થા છે. જ્યાં વિદ્યાર્થીઓ નિવાસ સાથે  શિક્ષણ લે છે. અહિયાં શિક્ષા, આવાસ અને ભોજન માટે શિયા દાઉદી વહોરા કોમના વિદ્યાર્થી પાસેથી એક પણ પૈસો લેવામાં આવતો નથી. અર્થાત પ્રવેશ પામનાર દરેક વિદ્યાર્થીની સંપૂર્ણ જવાબદારી અલજામિયા તુસ સૈફીયાહ યુનિવર્સિટી અદા કરે છે. અહિયાં પાંચ અભ્યાસ શાખાઓમાં શિક્ષણ આપવામાં આવે છે. કુરાન અને કુદરતી વિજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, માનસશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર. શિક્ષણ માટે આધુનિક પદ્ધતિનો ઉપયોગ થાય છે. શિક્ષણમાં વિદ્યાર્થીને માહિતી સાથે તેની આલોચનાત્મક દ્રષ્ટિને વિકસાવવા પર વિશેષ ભાર આપવામાં આવે છે. પરિણામે માહિતીની  આલોચનાત્મક વિષ્લેષણ કરવાની વિદ્યાર્થીની દ્રષ્ટિ વિકસે છે. મહાવિદ્યાલયનો અભ્યાસક્રમ અગિયાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ થી ચાર કક્ષા સુધી માત્ર લેખિત પરીક્ષા લેવામાં આવે છે.પાંચમી અને છટ્ટી કક્ષામાં લેખિત પરીક્ષા સાથે લેખ લેખનની કસોટી પણ લેવામાં આવે છે. એ પછી સાત થી અગિયાર કક્ષા સુધી લેખિત સાથે મૌખિક પરીક્ષા પણ લેવામાં આવે છે. અહીના વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે અલીગઢ વિશ્વ વિદ્યાલયના અભ્યાસક્રમોમાં પણ જોડાઈ શકે છે. આંતર યુનિવર્સીટી કાર્યક્રમ અન્વયે અહીના વિદ્યાર્થીઓ નૈરોબી અને મિસ્રની યુનિવર્સિટીઓમાં મોકલવામાં આવે છે. અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીને "મુબ્તાઘલ ઇલ્મ" અને "અલ-ફકીહુલ જૈયદ" ની પદવી આપવામાં આવે છે. આ ઉપરાંત શિક્ષા, સંશોધન અને રચનાત્મક કાર્યો અને ભાષા વિજ્ઞાનના વિષય સાથે વિદ્યાર્થી સ્નાતકની પદવી મેળવી શકે છે. આગળ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પદવી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને  નૈરોબી યુનિવર્સિટીમાં માન્ય કરવામાં આવેલ છે.

આધુનિક કોમ્પુટર લેબથી સજ્જ આ યુનિવર્સિટીમાં ધાર્મિક વિષયોનું શિક્ષણ અરબી ભાષામાં આપવામાં આવે છે. જયારે આધુનિક વિષયોનું શિક્ષણ અંગ્રેજી ભાષામા આપવામાં આવે છે. વિશ્વ વિદ્યાલયમાં પ્રકાશન વિભાગનું મહત્વ આજે દરેક યુનિવર્સિટીઓમાં સ્વીકારવામાં આવ્યું છે. અલજામિયા તુસ સૈફીયાહ વિશ્વ વિદ્યાલયમાં અરબી, ઉર્દૂ અને ગુજરાતીના વિષયલક્ષી પુસ્તકોનું પ્રકાશન નિયમિત રીતે કરવામાં આવે છે. પરિણામે અભ્યાસના પુસ્તકો દરેક ભાષામાં વિદ્યાર્થીઓને આસાનીથી ઉપલબ્ધ થાય છે. યુનિવર્સિટીનું ગ્રંથાલય અત્યંત સમૃદ્ધ છે. લગભગ દોઢ લાખ પુસ્તકોથી સજ્જ આ ગ્રંથાલયમાં એક સો જેટલા દેશ વિદેશના વિવિધ વિષયોને લગતા સામયિકો આવે છે. આ ખાનગી વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડો. સૈયદના મુહંમદ બુરહાનુદ્દીન તુસ છે. જયારે તેના ઉપ કુલપતિ સૈયદના અલીકાદર મુદફ્ફલ સૈફુદ્દીન સાહેબ છે. સરકારની કોઈ પણ પ્રકારની આર્થિક સહાય વગર કાર્યરત આ યુનિવર્સિટી મુસ્લિમ મદ્રેસાઓની સંપૂર્ણ ઓળખને આધુનિક સ્વરૂપે સમાજ સમક્ષ રજુ કરતુ આદર્શ દ્રષ્ટાંત છે.

No comments:

Post a Comment