લગભગ પાંચેક વાગ્યે યુનિવર્સિટીથી આવી મેં મારી
નવી નક્કોર હોન્ડા સીટી કાર રોયલ અકબર રેસિડેન્ટસીના ખુલ્લા પાર્કીંગમાં પાર્ક
કરી. પાછળની સીટમાં મુકેલ લેપટોપ લીધું. કાર લોક કરી લીફ્ટ તરફ હજુ માંડ દસ કદમ
માંડ્યા હશે અને એક મોટો ધડાકો થયો. જાણે કોઈ બોંબ ન ફૂટ્યો હોય ? મેં પાછળ ફરીને
જોયું તો મારા હોશ ઉડી ગયા. મારી નવી નક્કોર હોન્ડા સીટી કારનો આગળનો કાચ ભુક્કો
થઇ ગયો હતો. બોનેટ પર મોટો ઘોબો પડ્યો હતો. કારની આસપાસ માટીના કુંડાના ટુકડા વેરવિખેર
પડ્યા હતા. થોડી મીનીટો આઘાતને કારણે હું કશું જ ન બોલી શક્યો. પછી જરા સ્વસ્થ થઇ
મેં ઉપર નજર કરી. પાંચમાં માળ સુધીની બાલ્કનીમાં કોઈ નજર ન આવ્યું. આસપાસ માણસો
ભેગા થઇ ગયા. કારની દશા જોઈ સૌ મને આશ્વાસન આપવા લાગ્યા. રોયલ અકબર રેસીડન્સીના
ચોકીદાર મારી પાસે ઉભા હતા. મેં તેમને થોડા ગુસ્સામાં પૂછ્યું,
"આ કુંડું ક્યાંથી પડ્યું છે ?"
"લગભગ ચોથા માળેથી પડ્યું લાગે છે"
મેં ઉપર નજર કરી મોટા અવાજે કહ્યું,
"અરે, આ કુંડું કોનું છે ? જેનું હોય તે બહાર આવશો ?"
પણ કોઈ બહાર ના આવ્યું. ધીમે ધીમે ફલેટના માણસો
ભેગા થવા લાગ્યા. કોલાહલ વધવા લાગ્યો.એટલે ઇસ્લામિક લિબાસમાં સજ્જ એક બહેન ચોથા
માળની બાલ્કનીમાં આવી ભેગા થયેલા માણસોને નીરખવા લાગ્યા. મેં તેમની સામે જોઈ
કહ્યું,
"આપા, યે ગમ્લા (કુંડા) આપકી બાલ્કની સે
ગીરા હૈ ?"
અને એ યુવતી એકદમ સજાગ બની ગઈ. પોતાની
બાલ્કનીમાં પક્ષીઓ માટે રાખેલ પાણીના કુંડાની જગ્યા પર તેની નજર ગઈ. અને તુરત તે
અંદર જતી રહી. તેના આ કૃત્યથી હું વધુ ગુસ્સે થયો.
"કેવા બેજવાબદાર માણસો છે. ખુદાનો ખોફ પણ
નથી રાખતા. બીજાનું ગમે તેટલું નુકસાન થાય,તેની તેમને જરા પણ પડી નથી"
હું મારું વાક્ય પૂરું કરું ત્યાતો એક યુવતી
મારી સામે આવી ઉભી રહી. લગભગ પાંચ ફૂટની ઊંચાઈ, એકદમ ગોરો વાન, નમણા ચહેરા પર
ઇસ્લામિક રૂમાલી બાંધેલી ૨૫-૨૭ વર્ષની એ યુવતીએ આવીને અંત્યંત નમ્ર ભાવે મને
કહ્યું,
"અંકલ,મેં માફી ચાહતી હું. યે મેરી ગલતી
સે હુવા હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ,
આપ કો દેને કો તૈયાર હું"
તેના માસુમ ચહેરામા મેં ક્ષમા અને પ્રાયશ્ચિતનો
ભાવ અનુભવ્યો.
"કયા નામ હૈ આપકા ?"
"મેરા નામ રોઝીમા હૈ. મેં ચોથે મજલે પર
રહતી હું. મેરે ખાવિંદ (પતિ)
ટ્રાન્સપોર્ટમેં કામ કરતે હૈ. મેં ભી બચ્ચો કો ટ્યુશન પઢાતી હું. મેરી હી
ગલતી સે આપકા ઇતના બડા નુકસાન હુવા હૈ. મૈ
આપ સે માફી ચાહતી હું. મુઝે માફ કર દીજીયે હૈ. આપ કા જો ભી નુકસાન હુવા હૈ મેં વો
દેને કો તૈયાર હું"
રોઝીમાની સૌજન્યશીલતાએ મારા ગુસ્સાને ઓગળી નાખ્યો.
મેં તેને શાંત સ્વરે કહ્યું,
"બેટા, મેરી ગાડીકા કંપ્લીટ બીમા હૈ. ફિર
ભી મુઝે મીનીમમ રકમ તો ભરની પડેગી. લેકિન વો ગાડી કા સર્વે હોને કે બાદ પતા ચલેગા
કી મુઝે કીતની રકમ ભરની પડેગી"
"અંકલ, આપ જીતની કહોગે ઉતની રકમ મેં દે
દુંગી.લેકિન આપ મુઝે માફ કર દે. યહી મેરી ગુઝારીશ હૈ. ક્યોકી અલ્લાહ માફી માંગને
વાલો કે કરીબ રહતા હૈ, ઉસસે ખુશ રહતા હૈ"
બીજે દિવસે સવારે નવેક વાગ્યે મારી ડોરબેલ
વાગી. હું યુનિવર્સિટી જવા તૈયાર થતો હતો. સાબેરાએ કહ્યું રોજીમાં અને તેના પતિ
આવ્યા છે. મેં અસ્ સલામો અલયકુમ કહીને તેમને આવકાર્યા. માથે રૂમાલી બાંધેલી રોઝીમાએ
સોફા પર સ્થાન લેતા કહ્યું,
"વાલેકુમ અસ્ સલામ અંકલ, આપે મીનીમમ
ભરવાના પૈસા કેટલા થાય છે તે મને ખબર ન હતી. એટલે હાલ પૂરતા હું દસ હજાર લાવી છું.
પછી જે કઈ વધુ થાય તે મને કહેશો તો પહોંચાડી દઈશ" એમ કહી રોજીમાં એ નોટોનું
બંડલ ટીપોઈ પર મુકયું. હું અને સાબેરા તેની સચ્ચાઈને જોઈ રહ્યા. મેં તેમના પતિ
અફઝલભાઈને પૂછ્યું
"આપની ટ્રાન્સપોર્ટ કંપની છે ?
"ના,મારી પોતાની કપની નથી. હું અમદાવાદ
વેરાવળ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરું છું"
સાબેરાએ એ બંને યુગલને શરબત આપ્યું. થોડીવાર
અમારા વચ્ચે મૌન છવાયેલું રહ્યું. પછી
મેં કહ્યું,
"બેટા રોઝીમા, હું તારી તહજીબ, તમીઝથી
કાફી પ્રભાવિત થયો છું. ગઈકાલે એક પળનો પણ વિચાર કર્યા વગર, એક પણ દલીલ કર્યા વગર તે તારી ભૂલ કબુલ
કરી લીધી હતી, તે બાબત ઇસ્લામિક
શિષ્ટાચારનો ઉત્તમ નમુનો છે. વળી, આજે નુકસાનીના
પૈસા પણ આપ બંન્ને આપવા આવ્યા છો. એ બદલ પણ આપનો આભાર. આપ બંનેના આવા સૌજન્ય પૂર્ણ
વ્યવહારે અમારા બંને વૃધ્ધોના મન જીતી લીધા છે. રહી ખર્ચની વાત, મોટા ભાગનો ખર્ચ
તો ઇન્સ્યુરન્સ કંપની ભોગવશે.બાકીના જે કઈ થશે તે હું ભોગવી લઈશ. એટલે આપની પાસેથી
અમારે એક પણ પૈસો લેવાનો નથી."
મારી વાત સંભાળી રોઝીમા અને અફઝલભાઈએ મને પૈસા
લઇ લેવા બહુ આગ્રહ કર્યો. પણ હું એ યુગલના જીવનમાં વણાઈ ગયેલ ઇસલામિક તહજીબ
(સંસ્કૃતિ) થી એટલો પ્રભાવિત થયો હતો કે મેં પ્રેમથી એ પૈસા લેવાની ના જ પાડી.
અંતે રોઝીમાએ પૈસા પોતના હાથમાં લેતા કહ્યું,
"અંકલ આપે જયારે પૈસા લેવાની ના જ પાડી
છે, ત્યારે એક વડીલ સ્વજન તરીકે આપને એક વાત કરવાનું મને ગમશે"
હું અને સાબેરા રોઝીમાને એજ નજરે તાકી રહ્યા.
તેના જેવી સુશીલ અને પાબંધ નમાઝી યુવતી શું કહેવા માંગે છે તે સાંભળવા અમે ઉત્સુક
હતા. ચહેરા પર આછું સ્મિત પાથરતા એ બોલી,
"આ વેકેશનમાં બાળકો સાથે મારા પિયર વેરાવળ
જવા માટે ટ્યુશનમાંથી બચાવી, આ રકમ મેં ભેગી કરી હતી. પણ મારા હાથે આપની કારને
નુકશાન થતા મેં વિચાર્યું કે કોઈનું નુકશાન કરી ફરવા જવાથી ઈશ્વર-અલ્લાહ નારાજ થાય
છે. એટલે આ પૈસા અંકલને આપી દેવા. બાળકો સાથે પિયર હું આવતા વર્ષે જઈશ"
એટલું બોલી રોઝીમાં અટકી. તેના અવાજમાં
અલ્લાહના ખોફ સાથે થોડી ભીનાશ પ્રસરેલી હતી. આટલી નાની ઉંમરમાં રોઝીમાએ કેળવેલ શિષ્ટાચાર
જોઈ મારી આંખો ઉભરાઇ આવી. થોડા સ્વસ્થ થઇ મેં
કહ્યું,
"બેટા રોઝીમા, તમારા જેવી યુવતીને ઈશ્વર-અલ્લાહે
જે આધ્યાત્મિક જ્ઞાન અને શિષ્ટાચાર બક્ષ્યા છે તેની સામે આ રકમ તો તુચ્છ છે. બસ
અમારા બંને વૃધ્ધો માટે તમે ઈશ્વર-અલ્લાહને દુવા કરશો એજ અમારી ગુઝારીશ છે"
અને રોઝીમા અને તેમના પતિ અફઝલભાઈએ વિદાઈ લીધી.
પણ તેમની ઇસ્લામિક તહજીબ અને તમિજ આજે પણ મારા હદયમાં જ્યોત બની પ્રજવલિત છે. અને
રહેશે.