૨૩
માર્ચ ભારતના ઇતિહાસમાં શહીદીનો દિવસ. ભારતના ત્રણ ક્રાંતિકારીઓ ભગતસિંહ, સુખદેવ
અને રાજગુરુને અંગ્રેજ સરકારની તાનાશાહીએ ફાંસીના માંચડે ચડાવી દીધા. શહાદતનો દિવસ
અંગ્રેજ સરકારની શિકસ્ત અને ક્રાંતિકારીઓના વિજયનો દિવસ હતો. એ ત્રણ
ક્રાંતિકારીઓમાંના એક ભગતસિંહ ક્રાંતિનો જીવંત દરિયો હતા. તેમના વિચારો અને
આચારોમાં ભેદ ન હતો.એક સમયે ગાંધીજીના અસહકાર આંદોલનના પ્રખર પુરસ્કર્તા ભગતસિંહ
ગાંધીજીના વિચારોથી એકદમ ભિન્ન વિચાર ધારાના
નેતા બની ગયા. કારણ કે ગાંધીજીએ અસહકાર આંદોલન એકાએક બંધ કરવાની જાહેરાત
કરી. પરિણામે ભગતસિંહનો વિશ્વાસ ગાંધી વિચારોમાંથી ડગી ગયો. તેમને ક્રાંતિનો માર્ગ
અપનાવ્યો. ભગતસિંહના ક્રાંતિકારી વિચારોમાં કોઈ અણઘડ યુવાનની મનોદશા નથી જોવા
મળતી. પણ ક્રાંતિની પુખ્ત વિચારધારના દર્શન થયા છે. જે તેમના અદાલતમાં આપેલા
નિવેદનોમાંથી જોઈ શકાય છે. એમણે ક્રાંતિ સંદર્ભે ભરચક અદાલતમાં કહ્યું હતું,
"ક્રાંતિ માટે ખૂની લડાઈઓ અનિવાર્ય નથી. અને ન તો તેમાં
વ્યક્તિગત પ્રતિહિંસા માટે કોઈ સ્થાન છે. એ બોમ્બ અને પિસ્તોલનો સંપ્રદાય નથી.
ક્રાંતિ અમારો અભિપ્રાય છે. વિચાર છે. અન્યાય પર આધારિત આજની સમાજવ્યવસ્થામાં આમૂલ
પરિવર્તન છે"
ગૃહ
ત્યાગ કરી દેશ સેવામાં પરોવાયેલા ભગતસિંહ પિતાજીને એક પત્રમાં લખે છે,
"આપણે યાદ હશે કે જયારે હું નાનો હતો ત્યારે બાબાજીએ
મારા યજ્ઞોપવિત વકહ્તે જાહેર કર્યું હતું કે મને દેશસેવા માટે સમર્પિત કરી દીધો
છે. તેથી હું તે પ્રતિજ્ઞા પૂરી કરી રહ્યો છું"
"હિન્દુસ્તાન
સમાજવાદી પ્રજાતંત્ર સંઘ"એ એસેમ્બલીમાં બોમ્બ નાખવાની યોજના બનાવી. એ યોજનાનો
ઇતિહાસ પણ જાણવા જેવો છે. મૂળ યોજનામાં ક્યાય ભગતસિંહનું નામ ન હતું. તેમાં માત્ર
જયદેવ કપૂર અને બટુકેશ્વર દત્તના નામો જ હતા. સુખદેવને આ નિર્ણય યોગ્ય નહોતો
લાગ્યો. તેણે ભગતસિંહને પોતાનો વિચાર વ્યક્ત કરતા કહ્યું,
"શું તું ઈચ્છીશ કે તારા માટે પણ જજ એ જ ફેંસલો લખે
કે જે એમણે ભાઈ પરમાનંદ માટે લખ્યો હતો કે આ વ્યક્તિ ક્રાંતિકારી આંદોલનનું
મસ્તિષ્ક છે, પરતું એટલો કાયર છે કે પોતે પાછળ રહે છે અને પોતાના જુનિયરને ફાયરીંગ
લાઈનમાં આગળ મોકલી દે છે."
આ
વાત ભગતસિંહને ખૂંચી. વળી, "હિન્દુસ્તાન સમાજવાદી પ્રજાતંત્ર સંઘ"એ
બેઠકમાં એક સુંદર મહિલા પણ હાજર હતી. સુખદેવને લાગ્યું કે ભગતસિંહ એ મહિલાથી આકર્ષાયા
છે. અને એટલે પોતાનું નામ તેમણે સામેલ નથી કર્યું. બીજે દિવસે ભગતસિંહે
એસેમ્બ્લીમાં બોબ ફેકવામાં પોતાનું નામ આગ્રહ કરી મુકાવ્યું. એ ઘટનાને યાદ કરતા
જયદેવ કપૂર લખે છે,
"એ દિવસે ભગતસિંહે મને પહેલીવાર પરાજય આપ્યો. અને તે
એક મોટા અભિયાનમાં જોડાઈ ગયો અને હું પાછળ રહી ગયો"
૮
એપ્રિલ ૧૯૨૯ના રોજ એસેમ્બ્લીમાં બોમ્બ ફેંક્યા પછી જેલના બંધિયાર વાતાવરણમાં પણ ભગતસિંહની
સ્વસ્થ મનોદશા તેમના એ યુગમાં લખાયેલા પત્રોમાં વ્યક્ત થાય છે. જેલમાથી પોતાના
ભાઈને લખેલા એક પત્રમાં પ્રેમ અંગેના પોતાના વિચારોને વ્યક્ત કરતા ભગતસિંહ લખે છે,
"જ્યાં સુધી પ્રેમના નૈતિક સ્તરનો સંબધ છે, હું કહી
શકું કે પોતાનમાં કઈ જ નથી, સિવાય એક આદેશ, પરંતુ એ પાશવિક વૃત્તિ નહિ, એક માનવીય,
અત્યંત મધુર ભાવના છે. પ્રેમ પોતાનામાં કયારેય પાશવિક વૃત્તિ નથી. પ્રેમ તો
મનુષ્યના ચારિત્ર્યને ઊંચું કરે છે. તે ક્યારેય ચારિત્ર્યનું અધઃપતન કરતો નથી. પણ
તેની પ્રથમ શરત એ છે કે તે સાચો પ્રેમ હોય"
"હા, એક યુવક, એક યુવતી પરસ્પર પ્રેમ કરી શકે છે અને
તેઓ આવેગોથી ઉપર ઉઠી શકે છે. પોતાની પવિત્રતા જાળવી શકે છે.હું એ વાત સ્પષ્ટ કરવા
માંગું છું કે જયારે મેં કહ્યું હતું કે પ્રેમ માનવીને કમજોરી છે તો તે એક સાધારણ
માનવી માટે નહોતું કહ્યું.જે સ્તર પર સાધારણ માનવી હોય છે. આ એક અત્યંત આદર્શ
સ્થિતિ હોય છે, જ્યાં મનુષ્ય પ્રેમ-ધૃણા આદિના આવેગો ઉપર કાબુ મેળવી લેશે. જયારે
મનુષ્ય પોતાન કાર્યોના આધારે આત્માના નિર્દેશને મનાવી લેશે, પરંતુ આધુનિક સમયમાં આ
બૂરાઈ નથી પણ મનુષ્યને માટે સારું અને લાભદાયક છે.મેં એક મનુષ્યના અન્ય મનુષ્ય
સાથેના પ્રેમની નિંદા કરી છે, પરંતુ તે પણ એક અદ્રશ સ્તર ઉપર. આમ હોવા છતાં
મનુષ્યમાં પ્રેમની ઊંડી ભાવના હોવી જોઈએ. જેને એક જ મનુષ્યમાં સીમિત ન કરી દે.
પરંતુ વિશ્વમય રાખે."
ભગતસિંહની
ધર્મની વિભાવના ભિન્ન હતી. તેમના ધાર્મિક વિચારો ઘણા પુખ્ત હતા. તે વિચારોની તાજગી
આજે પણ આપણે મહેસૂસ કરી શકીએ છીએ.૧૯૨૮માં હિન્દી સામયિકમાં લખેલ એક લેખમાં તેઓ લખે
છે,
" આ ધર્મોએ હિન્દોસ્તાનને કેદખાના જેવું બનાવી દીધું
છે. બધાય, આ ધર્મવાળા અને તે ધર્મવાળા ડંડા, લાકડીઓ, તલવારો અને છુરા હાથમાં લઈને
એકબીજાના માથા વધેરી રહ્યા છે. આવા કોમી હુલ્લડો પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને
અખબારોનો હાથ હોય છે. હિન્દોસ્તાનની નેતાગીરીનું દેવાળું નીકળી ગયુ છે. આ સ્થિતિ
જોઈ રડવું આવી રહ્યું છે."
ભગતસિંગ
જ્યાં રહ્યા ત્યાં તેમણે ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે. સ્વતંત્રતા, ન્યાય અને
સ્વાભિમાન માટેની તેમની લડતને કોઈ સીમાના બંધનો નથી નડ્યા. જેલમાં પણ તેમનો એ
સ્વભાવ યથાવત રહ્યો હતો. પોતાના અધિકારોની પ્રાપ્તિ માટે જેલમાં પણ તેમણે
ક્રાંતિની જ્યોત પેટાવી હતી. ૧૭ જુન ૧૯૨૯ના રોજ ઇન્સ્પેકટર જનરલ જેલ, પંજાબ,
લાહોરને લખેલા એક પત્રમાં તેઓ લખે છે,
"એસેમ્બલી બોંબકાંડ દિલ્હીના સંબધમાં મને આજીવન કેદની
સજા અપાઈ છે તેથી સ્પષ્ટ છે કે હું રાજકીય કેદી છું. દિલ્હી જેલમાં મને વિશેષ ભોજન
મળતું હતું. પરંતુ અહિયા આવતા મારી સાથે સામાન્ય અપરાધી જેવો વ્યવહાર કરાઈ રહ્યો
છે. તેથી હું ૧૫ જુન, ૧૯૨૯થી ભુખ હડતાલ પર છું. આ બે ત્રણ દિવસોમાં મારું વજન
દિલ્હી જેલની અપેક્ષાએ છ પાઉન્ડ ઘટી ગયું છે. હું આપનું ધ્યાન એ તરફ દોરવા ઈચ્છું છું કે મને દરેક રીતે રાજકીય
કેદીનો વિશેષ દરજ્જો મળવો જોઈએ. મારી માંગણીઓ છે-સારું ભોજન, (દૂધ, ધી,દાળ,ભાત
વગેરે) સાથે મજુરી ન કરાવાય. સ્નાન સુવિધા (સાબુ , તેલ ,હજામત વગેરે) અને પ્રત્યેક
પ્રકારનું સાહિત્ય- ઇતિહાસ,અર્થશાસ્ત્ર, રાજકીય. કવિતા, નાટક અથવા નવલકથા,
સમાચારપત્રો. મને આશા છ કે આપ ઉદારતાપૂર્વક મારા કથન પર વિચાર કરશો અને આપનો
નિર્ણય લેશો."
૨૩
માર્ચે ભગતસિંહને ફાંસીની સજા થઇ. ૨૨ માર્ચે તેમના સાથીઓને લખેલા એક પત્રમાં આ
ક્રાંતિકારી લખે છે,
"મારું નામ હિન્દોસ્તાની ક્રાંતિકારી પક્ષનું
મધ્યબિંદુ બની ચૂક્યું છે. અને ક્રાંતિ પસંદ કરનાર પક્ષના આદર્શોએ અને બલિદાનોએ મને
બહુ મોટો બનવી દીધો છે.એટલો મોટો કે જીવતા રહેવાની સ્થિતિમાં આનાથી મોટો કદી ન બની
શકું. આજે મારી કમજોરીઓ લોકો સામે નથી. જો હું ફાંસીથી બચી જઈશ તો તે જાહેર થઇ જશે
અને ક્રાંતિ-મધ્યબિંદુ નબળું બની જશે. અથવા કદાચ ભૂંસાઈ જાય, પરંતુ મારા દિલેરી
રૂપે હસતા ફાંસી મેળવવાની પરિસ્થિતિમાં હિન્દોસ્તાનની માતાઓ પોતના બાળકોને ભગતસિંહ
બને એવી ઈચ્છા કર્યા કરશે. અને દેશની આઝાદી માટેના બલિદાન આપનારની શક્તિ એટલી વધી
જશે કે ક્રાંતિ રોકવાની સામ્રાજ્યવાદની સંપૂર્ણ શક્તિ હણાય જશે"
ક્રાંતિના
આવા સંવાહક ભગતસિંહને તેમની તેમની ૮૪મી પુણ્ય તીથી નિમિત્તે વંદન.
No comments:
Post a Comment