વિશ્વના
મહાન ઈતિહાસકાર આર્નોલ્ડ જે. ટોયેન્બી (૧૮૮૯ થી ૧૯૭૫)ની ૧૪ એપ્રિલ ૨૦૧૫ના રોજ
૧૨૬મી જન્મ જયંતી છે. ઇતિહાસમાં બે આર્નોલ્ડ ટોયેન્બી જાણીતા છે.એક આર્નોલ્ડ ટોયેન્બી બ્રિટનના જાણીતા આર્થિક
ઇતિહાસકાર,
તો બીજા બ્રિટનના જ આર્નોલ્ડ જે. ટોયેન્બી વિશ્વ
વિખ્યાત ઇતિહાસકાર. વિશ્વ વિખ્યાત ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયેન્બીએ તેમના જીવનકાળ
દરમિયાન જાપાનની સાંગ્યો યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. ત્યારે સાંગ્યો
યુનિવર્સિટના પ્રોફેસર કૈ વકાઈઝૂમીએ તેમની સાથે વિવિધ વિષયો અંગે વાર્તાલાપ કર્યો
હતો. એ વાર્તાલાપ તેના મૂળ સ્વરૂપમાં જાપાનના સામયિક "મૈનિશી શિબુન"માં
હપ્તાવાર પ્રસિદ્ધ થયો હતો. એ વાર્તાલાપમાં
પુછાયેલા વિવિધ વિષયોને લગતા ૬૭ પ્રશ્નો અને તેના આર્નોલ્ડ ટોયેન્બી આપેલા ઉત્તરો
હાલમાં જ મારા વાંચવામાં આવ્યા. તેમાં આર્નોલ્ડ ટોયેન્બીના વિચારોની સ્પષ્ટતા અને
તેના બેબાક ઉત્તરો મનને જીતી લે તેવા છે. તેનો ગુજરાતી અનુવાદ "ભાવિમાં
ટકી રહેવા માટે" (૧૯૮૨) નામે આપણા જાણીતા સાહિત્ય વિવેચક મા. તખ્તસિંહ
પરમારે વર્ષો પૂર્વે ભાષાન્તર નિધિ દ્વારા કર્યોં હતો. એ વાર્તાલાપમાં આર્નોલ્ડ
ટોયેન્બીએ જીવનહેતુ,
યંત્રો, ધર્મ, શિક્ષણ,
ટેકનોલોજી અને નવી પેઢી અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યાં છે. તેમાં
ઇસ્લામ અને હિંદુ ધર્મ વિષયક આર્નોલ્ડ ટોયેન્બીના વિચારો જાણવા જેવા છે. પ્રોફેસર
કૈ વકાઈઝૂમીના ધર્મ વિષયક એક પ્રશ્નના જવાબમાં, ધર્મની
પોતાની સમજને વ્યકત કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,
"નૈતિકતાના ગાળા વિષે મેં ખુબ વાતો કરી, પણ
ધર્મના સંદર્ભમાં હું નૈતિકતાનો અર્થ કયો કરું છું તે મેં કહ્યું નથી. મારે મન
નૈતિકતા એટલે એક સમાજિક પ્રાણી તરીકે પોતાના બાંધવો સાથેના સબંધો માટે આવશ્યક વર્તનનું
એક ધોરણ. પોતાનાથી પર એવા કોઈ તત્વ સાથે સબંધ સ્થાપવા માટે, આપણે જોયું છે તેમ મનુષ્યે
પોતાના અહં પર વિજય પ્રાપ્ત કરવો પડે છે, અહંથી પર થવું પડે છે. ધર્મનો આ પ્રથમ
અને મૂળભૂત તકાજો છે. માટે જ પ્રત્યેક ધર્મમાં, અન્ય બાબતો સાથે, નૈતિક વર્તનના
ધોરણોનો સમાવેશ થાય છે."
આર્નોલ્ડ
ટોયેન્બીએ માનવ સંસ્કૃતિ અને તેના ધર્મોનો વિશેષ અભ્યાસ કર્યો હતો. હિંદુ ધર્મ અને
ઇસ્લામ અંગેના તેમના વિચારો ઘણા પ્રમાંર્જીત અને સંતુલિત હતા. બંનેને એક બીજાના
પુરક માનતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,
"વિશ્વપારની પરમ સત્તા અંગે હિંદુ-ઇસ્લામની
અભિવ્યક્તિ ભિન્નતાનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પણ આ બંને નિરૂપણો પરસ્પર વિરોધી હોય
તેમ હું માનતો નથી. એ વિરોધી નહિ, એક બીજાના પુરક છે. તે એક બીજાની પુરતી કરે છે. મૂળભૂત
રીતે વિવિધતામાં એકતાનો ખ્યાલ હિંદુ ધર્મ રજુ કરે છે. હિંદુ ધર્મ ભિન્નતા કરતા વ્યક્તિચેતનાથી
પર એવા બ્રહ્મતત્વ વાત કરે છે. આ વ્યક્તિ નર દેહધારી વ્યક્તિ કરતા ખુબ ખુબ વિશેષ
છે. પણ માનવ કે પશુરૂપ ધરતા દેવ દેવીઓની, અવતારવાદી પરંપરા પણ એ સ્વીકારે છે.
ત્યારે ઇસ્લામ પરમ સત્તાના માનવીય પાસા પર- જેને કારણે માનવ તેની સાથે સંબધ સ્થાપી
શકે- પર ભાર મુકે છે. માનવ જાતને આ બંને રૂપોની જરૂર છે. ભિન્ન ભિન્ન વ્યક્તિઓને
પોતાની સ્વભાવભિન્નતા અને દ્રષ્ટિભિન્નતાને કારણે આ બેમાંથી એક રૂપની ઝંખના રહ્યા
કરે છે."
આર્નોલ્ડ
ટોયેન્બીના હિંદુ અને ઇસ્લામ અંગેના ઉપરોક્ત વિચારો વિશ્વ સમાજમાં બંનેનું મુલ્ય સ્વીકારવા
પ્રેરે છે. બંનેની આરાધના-ભક્તિમાં ઇષ્ટ દેવની ઈબાદત-પૂજાને આર્નોલ્ડ ટોયેન્બી પ્રાધાન્ય
આપે છે. ઈશ્વરના માનવ કે પશુરુપનો ઉલ્લેખ કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે કે
અવતારવાદી પરંપરા એ હિંદુ ધરમનું ઉજળું પાસુ છે. ઈશ્વર કે ખુદાની પ્રાપ્તિ માટે અહંને
ઓગળી નાખાવની શરત બને ધર્મમાં સમાન છે. ઇસ્લામના માનવીય અભિગમને આર્નોલ્ડ ટોયેન્બી
બખૂબી વ્યક્ત કરે છે. પરમ સત્તા અર્થાત ખુદા અને માનવી સાથેના માનવીય સંબંધો પર ઇસ્લામ
અવલંબિત છે. બંને ધર્મની ભિન્નતાના ઉજળા પાસાને વ્યક્ત કરતા આર્નોલ્ડ ટોયેન્બી કહે
છે,
"આ સ્વભાવભિન્નતાને જાતિ કે રાષ્ટ્ર સાથે સબંધ નથી.
પ્રત્યેક માનવસમુહમાં એક્યા બીજા સ્વરૂપે ભિન્નતાનું
અસ્તિત્વ હોય છે જ. પણ ભિન્ન ભિન્ન ધર્મોના અનુયાયીઓ પરસ્પર સહિષ્ણુ બને એ જરૂરી છે. કારણ કે આ ભિન્ન માર્ગો એક જ સમાન
લક્ષ્ય તરફ દોરી જાય છે. જેથી અમુક વ્યક્તિ બીજા માર્ગનું અનુકરણ કરતી હોય તો તેની
સાથે ઝગડો કરવાની જરૂર નથી. એનો સહર્ષ સ્વીકાર જરૂરી છે. ઐતિહાસિક ધર્મોમાં ઘુસી
ગયેલ બિનજરૂરી અવરોધો દૂર કરવા જરૂરી છે. તેનાથી સમાજને મુક્ત કરવો જરૂરી છે. તો જ
ધર્મોની ભિન્નતા સમાજમાં એખલાસ સર્જશે"
ધાર્મિક
વિભૂતિઓ અંગે પણ આર્નોલ્ડ ટોયેન્બીના વિચારો ઘણા પર્માંર્જિત છે. ઇ.સ. પૂર્વે છઠા
સૈકાના ધાર્મિક પુરુષો વિષે લખતા આર્નોલ્ડ ટોયેન્બી કહે છે,
"આ સૈકામાં આધ્યાત્મિક વિભૂતિઓ, ધર્મસ્થાપકો અને તત્વજ્ઞાનીઓની
તેજસ્વી જ્યોતીર્માંલા એક સાથે અસ્તિત્વમાં હતી. બુદ્ધ, લાઓત્સ, કન્ફ્યુશિયસ,
પયગમ્બર ઝરથુસ્ત અને ઇઝરાઇલના અનામી મસીહા આ શતકમાં થઈ ગયા. જેમણે ધર્મને સમાજના
ઉથાન અને સમાનતાની ધરી બનાવી હતી. ઈ.સ. પૂર્વે આઠમાં શતકથી ઈ.સ.ના સાતમાં શતક
દરમિયાન મહમદ માનવતા ની વાત કરતા જોવા મળે છે."
ટુંકમાં,
દુનિયાના ધર્મોની ભિન્નતાનો આર્નોલ્ડ ટોયેન્બી જરૂર સ્વીકાર કરે છે. પણ તેમાં
સમાનતા, સહિષ્ણુતા અને માનવતાને તે નિહાળે છે. અને માનવ સમાજને તેમાંથી સહ
અસ્તિત્વમાં રહેવાની મળતી શીખ પર ભાર મુકે છે. તેને પ્રાધાન્ય આપે છે.