ઈતિહાસ લેખન એ
કળા છે. એવી
કળા કે જેમાં
આધારભૂત તથ્યો સાથે
સત્યની નજીક પહોંચવાનો
લેખક રસપ્રદ શૈલીમાં
પ્રયાસ કરે છે.
જો કે એ
કળા સૌને વરતી
નથી. ઇતિહાસ અધ્યાપક,
ઇતિહાસ સંશોધક અને
ઇતિહાસ લેખક ત્રણે
જુદા જુદા કાર્યો છે. એટલે ઇતિહાસનો સારો
અધ્યાપક સારો સંશોધક
કે ઇતિહાસકાર હોય
તે જરૂરી નથી.
આપણા કેટલાક આઝાદીની
ચળવળના નેતાઓએ ઇતિહાસ
લખવાનો પ્રયાસ કર્યો
છે. પણ તેમાં
સફળતા માત્ર બે
જ નેતાઓને મળી
છે. એક ગાંધીજી
અને બીજા જવાહરલાલ
નહેરુ છે. ગાંધીજીએ
લખેલ "દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ" અને આત્મકથા "સત્યના પ્રયોગો" તેમની રસપ્રદ
ઇતિહાસ લેખનની કળા
વ્યકત કરે છે.
આજે આપણે જવાહરલાલ નહેરુ (૧૮૮૯-૧૯૬૪)ની ૧૨૫મી જન્મ
જયંતીની ઉજવણી કરી
રહ્યા છે. ત્યારે
તેમના વિવિધ પાસાઓ
પર લેખન અને
ચર્ચાઓનો આરંભ થાય તે સ્વભાવિક છે. અત્રે આપણે
જવાહરના એક એવા પાસની વાત કરવી
છે, જેના વિષે
ઝાઝું લખાયું નથી, કે વિચાર્યું નથી.
જવાહરલાલ નહેરુએ લખેલા પુસ્તકોમાં બહુ
જાણીતા અને પ્રસિદ્ધ પુસ્તકોમાં "મારું
હિન્દનું દર્શન" અને "જગતના ઈતિહાસનું રેખાદર્શન" નો
સમાવેશ થાય છે. એ બંને ગ્રંથોમાં જવાહર એક ઇતિહાસકાર તરીકે ઉપસી આવ્યા છે. છતાં
એક ઇતિહાસકાર તરીકે કયારેય તેમનું મૂલ્યાંકન થયું નથી. કયારેય તેમની નોંધ લેવાઈ
નથી.
ઇતિહાસ સાથેનો જવાહરનો નાતો છેક બચપણથી
હતો. એમના અગ્રેજ શિક્ષકે એમને વારંવાર ઈતિહાસની વાતો કરી, ઇતિહાસમાં તેમના રસને
જીવંત કર્યો હતો. વળી, એમના પિતાના મુનશી મુબારકઅલી પણ તેમને ૧૮૫૭ની ક્રાંતિની
વાતો કરતા હતા. કારણ કે ૧૮૫૭મા એમનું આખું કુટુંબ અંગ્રેજ ફોજે તારાજ કર્યું હતું.
આમ ઇતિહાસ પ્રત્યે જવાહરને ધીમે ધીમે શોખ જાગતો ગયો. એ જ રીતે ઘરમાં રામાયણ અને
મહાભારતની વાતો સાંભળીને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી પણ તેઓ વાકેફ થયા ગયા. આમ નાનપણથી ઇતિહાસ પ્રત્યેનો તેમનો
લગાવ વિસ્તરતો ગયો હતો. અને યુવાનીમાં તે એટલો વિકસ્યો કે વિશ્વના ઇતિહાસનો અભ્યાસ
તેમને ઊંડાણ પૂર્વક કર્યો.
જવાહરલાલ નહેરુએ જેલમાંથી તેમની પુત્રી
પ્રિયદર્શની, ઇન્દુ અથવા ઇન્દીરા ગાંધીને લખેલા પત્રો તેમની ઐતિહાસિક દ્રષ્ટિ અને
ઇતિહાસ લેખન ક્ષમતાને વ્યક્ત કરે છે. એ પત્રોનો સંગ્રહ "મારું હિન્દનું
દર્શન" અને "જગતના ઈતિહાસનું રેખાદર્શન" નવજીવન,અમદાવાદ
દ્વારા ગુજરાતીમાં પણ પ્રકશિત થયેલ છે. તેમાં જવાહર એક ઇતિહાસકાર તરીકે આપણી સમક્ષ
રજુ થાય છે. ઈતિહાસને જોવા અને લખવાની નહેરુની દ્રષ્ટિ આધુનિક હતી. રાજા
મહારાજાઓના ઇતિહાસ અને તેના આલેખનથી તેઓ કોશો દૂર હતા. તેમના ઉપરોક્ત બંને
ગ્રંથોમાં પ્રથમ દ્રષ્ટિએ જ તેનો આપણે અહેસાસ થાય છે. પોતાના ઇતિહાસ ઉપયોગીતા અંગે
તેઓ લખે છે,
"ઇતિહાસની ઉપયોગિતા એ છે કે, એ
વર્તમાન યુગને સમજવા માટે સહાયભૂત બને છે. ભૂતકાળનું કોઈ પણ વર્ણન વાંચીને પહેલો
પ્રશ્ન એ ઉદભવો જોઈએ, કે, એનાથી આજના યુગના જીવન પર શો પ્રકાશ પડે છે ? આજનો યુગ
ગતિમાન યુગ છે. એમાં જીવિત અને કર્મરત રહેવું ઘણું આસન છે."
જવાહરના આ શબ્દોથી આપણે જવાહરની ઇતિહાસ
લેખક તરીકેની મુલવણી કરી શકીએ. જવાહર એક બીજી પણ સ્પષ્ટતા કરતા કહે છે,
"ઇતિહાસ એ એક સંગિઠત એકતા છે.
જ્યાં સુધી દુનિયાના બીજા ભાગોમાં શું બને છે, એની પૂરી જાણકારી ન થયા ત્યાં સુધી
કોઈ પણ દેશનો ઇતિહાસ પુરો સમજાય નહિ"
"વિશ્વના ઇતિહાસનું રેખા દર્શન" આપણને અનેક ઈતિહાસકારોએ કરાવ્યું છે. પણ જવાહારે જે રીતે કરાવ્યું
છે તેમાં નવી શોધ કરવાનો કોઈ દાવો નથી. એમણે તો એક જ સત્ય વારંવાર પરોક્ષ રીતે
પ્રતિપાદિત કર્યું છે, કે જે ઇતિહાસકાર કેવળ હકીકત જ આલેખે છે, એ ઈતિહાસને બીજાનું
પ્રેરણા શ્રોત કયારેય બનાવી શકતો નથી. માનવજાતિ માટે કોઈ સંદેશ આપી શકતો નથી. કોઈ
નાની મોટી હકીકતની ખોજ કરવામાં જ ઈતિહાસ્કારનું કર્તવ્ય પૂર્ણ થતું નથી.પરંતુ
તેનું કાર્ય તો માનવને ઉત્ક્રાંતિનો રાહ બતાવવાનું છે. એને પ્રગતિના પંથે લઇ
જવાનું છે. એવું કાર્ય હકીકતોનો ખડકલો કરનાર ઇતિહાસકાર ન કરી શકે. એવું કાર્ય તો
એવી કર્મશીલ વ્યક્તિઓ કરી શકે, જેમણે પોતાના દેશના જીવનમાં સક્રિય ભાગ લીધો હોય
અને જેમણે ઇતિહાસના ધડતરમાં મહત્વનો ફાળો આપ્યો હોય.
જવાહરે લખેલ "જગતના ઈતિહાસનું
રેખાદર્શન" અનેક મર્યાદાઓ વચ્ચે જેલમાં લખાયું છે. ત્યાં સાધન સામગ્રીનો
સપૂર્ણ અભાવ છે. જોઈએ તેવા સંદર્ભ ગ્રંથો ઉપલબ્ધ નથી. નાની મોટી હકીકતોની સત્યતા
પુરવાર કરવા કોઈ સાધનો નથી. કોઈ મહાન ઈતિહાસવિદોના અભિપ્રય મેળવવા ન તો તેમનું
સાહિત્ય ઉપલબ્ધ છે, ન તેમની સાથે કોઈ
પત્રવ્યવહાર થઇ શકે તેમ છે. અને આમ છતાં આજે પણ તેમનો ગ્રંથ "જગતના ઈતિહાસનું
રેખાદર્શન" ઐતિહાસિક ગ્રંથોમાં અગ્ર સ્થાન ધરાવે છે. એ જવાહરની ઇતિહાસકાર
તરીકેની દ્રષ્ટિ અને ક્ષમતા વ્યક્ત જવાબદાર છે.
કોઈ પણ ઇતિહાસ લેખનમાં નિર્ભેળ સત્ય
આલેખન અનિવાર્ય છે. ઇતિહાસકાર અંગત લાગણી, વિચારો અને પૂર્વગ્રહોથી પર રહી ઇતિહાસ
લેખન કરે છે. જવાહર પોતે સ્વભાવે અંત્યંત લાગણીશીલ હોવા છતાં ઇતિહાસ લેખક તરીકે
ક્યાય તેમની એ લાગણી કે પૂર્વગ્રહ વ્યક્ત કરતા નથી. અંગ્રેજ શાસકોની કુટનીતિથી તેઓ
પરિચિત છે. છતાં એક ઇતિહાસકાર તરીકે એ પોતાની પુત્રીને લખે છે,
"હિન્દના અંગ્રેજોના કૃત્યો અને
કરતુકો વિષે વાંચી, તથા તેમણે અખત્યાર કરેલ નીતિ અને તેણે પરિણામે દેશભરમાં
વ્યાપેલી ભારે હાડમારી અને વિપતો જાણીને તું ક્રોધે ભરાશે, પરન્તુ એ બધું બનવા
પામ્યું તેમાં દોષ કોનો હતો ?.....નબળાઈ અને બેવકુફી હંમેશા આપખુદીને નોતરે છે.
આપણી માંહ્યોમાંહ્યની ફૂટનો લાભ અંગ્રેજો ઉઠાવી શકે, એમાં આપણા અંદરો અંદર લડાઈ
ટટો કરનારાઓનો દોષ છે. જુદા જુદા પક્ષોનો લાભ ઉઠાવી, આપણામાં ફાટફૂટ પાડી, જો તેઓ
આપણને કમજોર બનાવી શકે, તો આપણે તેમને તેમ
કરવા દઈએ છીએ. એ વસ્તુ જ અંગ્રેજો આપણા કરતા વધારે ચડિયાતા હતા, તેની નિશાની
છે."
જવાહરમાં ઇતિહાસકાર તરીકે એક અન્ય ગુણ
પણ હતો. અને તે ચિંતન. ઇતિહાસકાર એટલે માત્ર માહિતી આપનાર નહિ. પણ માહિતીનું
વિશ્લેષ્ણ કરનાર ચિંતક છે. ઇતિહાસકાર ઘટનાના કારણો અને પરિણામોની માત્ર માહિતી નથી
આપતો. પણ ઘટનાનું ઐતિહસિક દ્રષ્ટિએ અર્થઘટન અને વિશ્લેષણ પણ કરે છે. પોતાના મૌલિક
ચિંતન , દ્રષ્ટિ અને દર્શન દ્વારા ઘટનાને મુલવે છે. અને એટલે જ જવાહર આપણી શાળા
કોલેજોમાં ભણાવતા ઇતિહાસ અંગે કહે છે,
"શાળા કોલેજોમાં આપણને ઈતિહાસને
નામે જે ભણાવવામાં આવે છે, તેમાં ઇતિહાસ જેવું બહુ ઓછું દેખાય છે. બીજાઓની વાત તો
હું નથી જાણતો, પણ મારે વિષે તો કહી શકું કે શાળામાં હું નહિ જેવો ઇતિહાસ શીખ્યો
છું.... અને જે કઈ હિન્દનો ઇતિહાસ શીખ્યો હતો તે મોટે ભાગે ખોટા અને વિકૃત
હતો."
ઇતિહાસ માત્ર વાંચવાની સામગ્રી નથી. પણ
વાંચ્યા પછી મનન અને વિચાર માટે પ્રેરણા આપતી સામગ્રી છે. એટલે તેના લેખનમાં
સત્યને પામવાનો આધારભૂત સનિષ્ટ પ્રયાસ રસપ્રદ શૈલીમાં રજુ કરવાની આવડત અનિવાર્ય
છે. જવાહરના ઐતિહાસિક લખાણોમાં આ બંને બાબતો જોવા મળે છે. જવાહરની દ્રષ્ટિ ઇતિહાસ
લેખન શૈલી સર્વગ્રાહી, સર્વવ્યાપી અને પૂર્વગ્રહ મુક્ત છે. એમનું પરિસ્થિતિનું
પૃથક્કરણ ઝીણવટ ભર્યું , રસપ્રદ અને મૌલિક છે. જેમ કે ગ્રીસના નગરરાજ્યોની શાશન
પદ્ધતિ લોકશાહી સ્વરૂપની હતી કે નહિ તેની તેઓ ઝીણવટ પૂર્વક તપાસ કરે છે.અને તેની
સાથે ભારતના નગર રાજ્યોની પણ તે વાત કરતા કહે છે,
"હિન્દમાં નગર રાજ્યો સ્થાપવાની
આર્યોની જ ભાવના હતી. પરન્તુ ભૌગોલિક પરિસ્થિતિ, દેશની પ્રાચીન સંસ્કૃતિ એ બધાની
અસરને કારણે આર્યોએ નગર રાજ્યોની કલ્પનાનો ત્યાગ કર્યો."
ઇતિહાસમાં ઘટનાઓ જેટલું જ મહત્વ
ચરિત્રો ધરાવે છે. ઇતિહાસકાર ઘટનાઓ સાથે
ચરિત્રોને પણ
સાકાર કરે છે. જવાહારે જગતના અવતારી મહામાનવોના ચરિત્રો પણ મૌલિક દ્રષ્ટિએ મૂલવ્યા
છે. ભગવાન બુદ્ધ અંગે તેઓ લખે છે,
"પ્રચલિત ધર્મ, વહેમ, ક્રિયાકાંડને બધાયે સ્થાપિત હિતો પર
પ્રહાર કરવાની તેમની હિમ્મત હતી........તે પ્રમાણશાસ્ત્ર તર્કબુદ્ધિ તથા અનુભવને
અનુસરવાની હિમાયત કરતા હતા. સદાચાર તથા નીતિમત્તા પર ભાર મુક્ત હતા. તેમની પદ્ધતિ
મનોવિશ્લેષણની અથવા ચિત્તના સંશોધનની હતી. અને તેમનું મનોવિજ્ઞાન આત્માની હસ્તીનો
સ્વીકાર કરતુ હતું. એમની આખીએ વિચારસરણી તત્વવિદ્યાના ચિંતનની વાસી હવા પછી,
પર્વતમાંથી આવતી તાજી હવાના લહેર સમાન હતી."
સાહિત્ય અને
ઇતિહાસને કઈ સંબંધ નથી એમ કહેનાર વિદ્વાનો માટે જવાહરનું અવતરણ ઉત્તમ દ્રષ્ટાંત
છે.
જવાહરે પોતાના
ઇતિહાસ લેખનમાં આધાર તરીકે વિદેશી પ્રવાસીઓના અહેવાલોને પ્રાધાન્ય આપ્યું છે.
કોલંબસ, અલ્બેરુની ઇબ્ને બતુતા, હ્યએન સંગ, માર્કોપોલો,
કોન્તી નિકોલ એ
બધાનું વર્ણન અને તેમના અહેવાલોનું રસિક આલેખન તેમના ઇતિહાસનું એક મહત્વનું પાસુ
છે. એ જ રીતે જવાહરે ધર્મ , રાજકારણ , અર્થશાસ્ત્ર, સંસ્કૃતિ , વિજ્ઞાનનો વિકાસ ,
સમાજ જીવન, ઉદ્યોગ ,ભાષા અને રાજ્ય વહીવટ એ બધા
વિષયોની છણાવટ પોતાના ઐતિહાસિક ગ્રંથોમાં કરી છે. આમ છતાં એક આદર્શ
ઈતિહાસકારની જેમ તેની અંતિમ પ્રમાણભૂતતા માટે કયારેય દાવો કર્યો નથી. આ અંગે તેઓ તેમની
પુત્રી ઇન્દિરાને લખે છે,
"આ પત્રોમાં મેં જે કાંઈ લખ્યું છે, તેને કોઈ પણ વિષયની છેવટની
કે પ્રમાણભૂત હકીકત માનીશ નહિ. રાજ્દાવારી પુરુષ કંઈનું કંઈ કહેવા માંગતો હોય છે. અને વાસ્તવમાં તે
જાણતો હોય છે તેના કરતા વધારે જાણવાનો ડોળ કરે છે. આથી એને બહુ સાવચેતીથી નિહાળવો
જોઈએ."
જવાહરલાલ નહેરુને ઇતિહાસકાર તરીકે
સ્થાપિત કરવાની આ ટૂંકી ચર્ચાનો ઉદેશ જવાહરને ઉત્તમ ઇતિહાસકાર તરીકે સિદ્ધ કરવાનો
નથી. પણ તેમના આ પાસા વિષે સેવાયેલ ઉપેક્ષાને ન્યાય આપવાનો છે. એ દ્રષ્ટિએ વાચકો
પુનઃ તેમના બંને ઇતિહાસ ગ્રંથો "મારું હિન્દનું દર્શન" અને "જગતના
ઈતિહાસનું રેખાદર્શન" તપાસશે તો અવશ્ય આ લેખનો ઉદેશ સાકાર થયો માનીશ.