Friday, October 31, 2014

પેશ ઈમામનું સ્થાન અને કાર્ય : ડો. મહેબૂબ દેસાઈ

દિલ્હીની જામા અર્થાત જુમ્મા મસ્જિતના પેશ ઈમામ સૈયદ અહેમદ બુખારીએ ૨૨ નવેમ્બેરના રોજ દસ્તરબંદીના કાર્યક્રમમાં પાકિસ્તાનના વડા પ્રધાનને નિમંત્રણ આપ્યું. અને ભારતના વડા પ્રધાનને નિમંત્રણ ન આપ્યું. નિમંત્રણ ન આપવાનું કારણ આપતા પેશ ઈમામ શ્રી બુખારીએ કહ્યું,

"ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી"

આ ઘટના એક બુદ્ધિજીવી મુસ્લિમ તરીકે કોઈ પણ રાષ્ટ્રવાદી મુસ્લિમને ખૂંચે તેવી છે. એનું વિશ્લેષણ અને અર્થઘટન અનિવાર્ય છે. ભારતનો મુસ્લિમ છેલ્લા પંદર વર્ષોમાં ભણતો, વિચારો અને પોતાની રીતે સ્વતંત્ર પણે નિર્ણય લેતા થયો છે. પરિણામે ઉપરોક્ત ઘટનાનું વિશ્લેષણ તે સમજશે અને સ્વીકારશે, તેની મને શ્રધ્ધા છે. 

સૌ પ્રથમ આપણે પેશ ઈમામના કાર્ય અને સ્થાન અંગે વિચાર કરીએ. ભારતની દરેક નાની મોટી મસ્જીતમાં પેશ ઈમામ હોય છે. તેમનું મુખ્ય કાર્ય મસ્જીતમાં નમાઝ પઢવા આવતા દરેક મુસ્લિમને પાંચ વકતની નમાઝ પઢાવવાનું છે. દરેક મુસ્લિમ મસ્જિતમાં પેશ ઈમામની પાછળ નમાઝ પઢે છે. એ સિવાય પેશ ઈમામ ઇસ્લામ ધર્મ અંગેની ધાર્મિક સમસ્યાઓનું મુસ્લિમોને નિરાકરણ આપે છે. જો મસ્જિમાં મદ્રેસો અર્થાત ઇસ્લામિક  શિક્ષણ આપતી સ્કુલ ચાલતી હોય તો તેમાં તે શિક્ષક તરીકે પણ કાર્ય કરતા હોય છે. ગુજરાતી ઉર્દૂ શબ્દ કોશમાં "પેશ ઈમામ" નો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,

"નમાઝ પઢાવનાર. મસ્જિતમાં નમાઝ પઢાવનાર મૌલવી"

એ અર્થમાં "પેશ ઈમામ" એ કોઈ સમાજિક કે રાજકીય હોદ્દો ધરાવતા નથી. એ તો એક ધાર્મિક સ્થાન છે, જે માત્ર ઇસ્લામની નમાઝની ક્રિયા અને ઇસ્લામના નિયમોના અર્થઘટન સાથે જ જોડાયેલ છે. ભારતની દરેક મસ્જિતમાં પેશ ઈમામની નિયુક્તિ કરવામાં આવે છે. અને તેનો પગાર જે તે મસ્જીતના વહીવટકર્તા નક્કી કરે છે. અર્થાત પેશ ઈમામનું પદ એક નોકરી કરનાર વહીવટી સેવક જેવું જ છે. દર છ માસે મસ્જીતોના પેશ ઈમામ બદલાતા હોવામાં અનેક દ્રષ્ટાંતો ભારતની અનેક મસ્જિતમાં સાધારણ છે. ટૂંકમાં રાજા-મહારાજ , અમીરો-સરદારો કે સુલતાનો જેમ પેશ ઈમામનું પદ કે સ્થાન વંશપરંપરાગત નથી.

 હવે પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે ૨૨ નવેમ્બરે યોજેલ "દસ્તરબંદી" કાર્યક્રમની વાત કરીએ. "દસ્તરબંદી" શબ્દ દસ્તર અને બંદી શબ્દના જોડાણથી બન્યો છે. દસ્તર એટલે પાઘડી. બંદી એટલે બાંધવું. પાઘંડી બાંધવાના કાર્યક્રમને "દસ્તરબંદી" જશન-ઉત્સવ કહેવામાં આવે છે. ગુજરાતી-ઉર્દી શબ્દ કોશમાં "દસ્તરબંદી" શબ્દનો અર્થ આપતા કહેવામાં આવ્યું છે,

"૧. મુસ્લિમ અમીરો, સુલતાનો  અને સરદારોની એક પ્રથા, કે જેમાં જીવિત કે મૃતક અમીર, સુલતાન કે સરદાર પોતાના મોટા પુત્રને પાઘડી બાંધી તેનો વારસદાર જાહેર કરે છે.

૨.  ઇસ્લામ અંગેનું શિક્ષણ આપતી સંસ્થાઓ કે મદ્રેસામાંથી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ શિક્ષણ પૂર્ણ થતા તેમને પ્રમાણિત કરતા પાઘડી બાંધવામાં આવે છે. તે ક્રિયાને પણ "દસ્તરબંદી" જશન કહેવામાં આવે છે.

એ અર્થમાં પેશ ઈમામનું પદ સેવક સ્વરૂપનું છે. તે ધાર્મિક સ્થાન છે અને વંશપરંપરાગ નથી.

પેશ ઈમામનું પદ કયારેય કોઈ યુગમાં વંશપરંપરાગ રહ્યું નથી. દરેક મસ્જિતોમાં નિયુક્ત થતા પેશ ઈમામો પગારદાર સેવકો જ હોય છે. મસ્જિતના ટ્રસ્ટીઓ કે વહીવટકર્તાઓ તેમનો પગાર નક્કી કરે છે. પેશ ઈમામનું સ્થાન કાયમી પણ નથી હોતું. અલબત્ત તેમની ગરીમાને ધ્યાનમાં રાખી મુસ્લિમ સમાજ તેમને માન આપે છે. એવા સંજોગોમાં કોઈ પેશ ઈમામ પોતાન પુત્રને પેશ ઈમામી સોંપવા "દસ્તરબંદી" કાર્યક્રમ યોજે તો તે તેની અંગત બાબત છે. કારણ કે એવા

"દસ્તરબંદી" કાર્યક્રમને ન તો કોઈ ઇસ્લામિક નિયમનું કે વારસાગત પરંપરાનું બળ છે, ન કોઈ આધાર. ન તે કોઈ આમ મુસ્લિમ સમાજનો જાહેર કાર્યક્રમ છે. ન કોઈ ઇસ્લામી કાર્યક્રમ છે. તે તો એક મસ્જીતના પેશ ઈમામનો અંગત કાર્યક્રમ છે.

આવા કાર્યક્રમમાં કોને બોલાવવા અને કોને ન બોલાવવા એ કાર્યક્રમના આયોજક પર નિર્ભર છે. પણ એ માટે ભારતના મુસ્લિમોને આગળ ધરી પોતાના અંગત વિચારો પ્રસરાવવા એ યોગ્ય નથી. "ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા નથી" એ વિધાન દ્વારા ભારતના મુસ્લિમોના ખભા પર બંદુક રાખી ફોડવાની પેશ ઈમામ શ્રી બુખારીની નીતિ સાચ્ચે જ દુખદ છે. એમા કયાંય ઇસ્લામની આધ્યત્મિકતા નથી. એ તો નર્યું રાજકીય વિધાન છે. જે તેમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. વળી, ભારતના મુસ્લિમોએ શ્રી નરેન્દ્રભાઈ મોદીને માફ કર્યા છે કે નહિ, એ તપાસવાની પારાશીશી પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ પાસે નથી. આમ છતાં વારવાર મુસ્લીમોના રાહબર બનવાનો પ્રયાસ કરનાર પેશ ઈમામ શ્રી બુખારી સાહેબે પોતાના સ્થાન અને તેની માર્યદાને પામી લેવા જોઈએ. વળી, "દસ્તરબંદી" કાર્યક્રમએ તેમનો અંગત કૌટુંબિક કાર્યક્રમ હોવા છતાં એક રાષ્ટ્રવાદી મુસ્લિમ તરીકે ભારતના વડા પ્રધાનની અન્ય રાષ્ટ્રના વડા પ્રધાન સામે જાહેરમાં અવગણા કરવાનું કૃત્ય કોઈ પણ હિંદુ કે મુસ્લિમ ભારતીય સાંખી ન લે. વડા પ્રધાન ગમે તે પક્ષના હોય પણ જયારે તે ભારતના વડા પ્રધાન તરીકે બેઠા હોય ત્યારે તેમનું માન સન્માન એ રાષ્ટ્રનું માન સન્માન છે. એટલી સાદી સમજ કોઈ પણ ભારતીયમાં હોય તે સ્વભાવિક છે. પણ પેશ ઈમામ શ્રી બુખારી સાહેબ આ સાદી સમજથી આજે પણ કોશો દૂર લાગે છે.  

 

No comments:

Post a Comment