Wednesday, July 2, 2014

ઈશ્વર-અલ્લાહ કોના છે ? : ડૉ.મહેબૂબ દેસાઈ


ઈશ્વર,અલ્લાહ,ખુદા,ભગવાન આ તમામ નામો એક એવી શક્તિના છે, જેને આપણે સૌ શ્રધ્ધા, વિશ્વાસ અને ઈમાન સાથે ભજીએ છીએ. માનીએ છીએ. તેની ઈબાદત કરીએ છીએ.તેની સામે મસ્તક ઝુકાવીએ છીએ. તેની સામે આપણા ગુનાહોની માફી માંગીએ છીએ. તેની સામે હાથ ફેલાવી આપણી અપેક્ષાઓ આશાઓ પુરી કરવા પ્રાર્થના કરીએ છીએ. એ શક્તિના નામ ભલે ઈશ્વર, ખુદા, અલ્લાહ કે ભગવાન એમ જુદા જુદા હોય પણ તે એક જ છે અને રહેશે.

એકેશ્વર વાદનો આપણોં સિદ્ધાંત વેદ-પુરાણોમાં સ્થાપિત થયેલો છે. એજ રીતે ઇસ્લામમા પણ તોહીદ નો સિદ્ધાંત એ જ એકેશ્વરવાદને રજુ કરે છે. એટલે ઈશ્વરને ગમે તે નામે પોકારો અંતે તો આપણો અવાજ એક જ ઈશ્વર-ખુદા કે ભગવાન પાસે પહોંચવાનો છે. આટલી સાદી વાત માનવી નથી સમજતો ત્યારે ધર્મના નામે અનેક સમસ્યાઓ સર્જાયા છે. તેનું ઉત્તમ ઉદાહરણ હાલમાં જ મલેશિયાની ઉચ્ચ અદાલતે આપેલ એક ચુકાદામાં જોવા મળે છે.

મલેશિયા મુસ્લિમ રાષ્ટ્ર છે. ત્યાં મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી છે. આ બંને કોમ વચ્ચે વર્ષોથી અલ્લાહ કે ખુદાના નામનો પ્રયોગ કરવા માટે છેક અદાલત સુધી લડત ચાલી છે. હાલમાં જ મલેશિયાની કોર્ટે તે કેસનો ચુકાદા આપતા જણાવ્યું છે કે ,

"મુસ્લિમ ન હોય તેવા લોકો માટે પોતાના ભગવાન માટે અલ્લાહ શબ્દના પ્રયોગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે છે."

"અલ્લાહ" શબ્દ અરબી ભાષાનો છે.જેનો અર્થ થાય છે સર્વ ગુણો ધરાવનાર વિશેષ વ્યક્તિ. જે પોતાની હસ્તી માટે બીજા પર આધાર નથી રાખતો તે. જેની ઈબાદત અર્થાત ભક્તિ કરવામાં આવે છે તે પરમાત્મા એટલે અલ્લાહ. આ ચુકાદો સાત જજોની બેંચે આપ્યો છે. પણ સાતમાંથી ત્રણ જજોએ આ ચુકાદાની વિરુદ્ધમા મત આપ્યો છે. ચુકાદામાં વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યા આવ્યું છે.

"અલ્લાહ શબ્દનો ઉપયોગ કરવાનો અધિકાર માત્ર મુસ્લિમોને છે. કેમ કે જો અન્ય ધર્મના લોકો તેનો ઉપયોગ કરશે તો મુસ્લિમો ભ્રમિત થઇ શકે છે. અને ધર્મના પરિવર્તનને પ્રોત્સાહન મળે છે."

કોર્ટમાં ખ્રિસ્તી પ્રતિનિધિઓએ તેના વિરોધમાં દલીલ કરતા કહ્યું કે.

"આ પ્રતિબંધ ગેરકાયદેસર છે. ખ્રિસ્તીઓ મલય ભાષા બોલે છે. તેઓ સદીઓથી પોતાની પ્રાર્થનાઓમાં, બાઈબલમાં અને ધાર્મિક ગીતોમાં અલ્લાહ શબ્દનો પ્રયોગ કરતા રહ્યા છે."

આ વિવાદ આમતો પ્રથમ દ્રષ્ટિએ સાવ સામન્ય લાગે છે. પણ આ મુદ્દા પર મલેશિયામા અનેક રમખાણો થયા છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ આ વિવાદ અંત્યંત ગૌણ છે. શબ્દ "અલ્લાહ" "ખુદા" કે "પરવરદિગાર" એ પરમાત્મા, ઈશ્વર કે ભગવાન માટે વપરાતા શબ્દો છે. તેના પર કોઈનો ઈજારો નથી. વળી શબ્દ ભેદને કારણે તેના અસ્તિત્વમા કોઈ ભેદ ઉભો થતો નથી. પણ આવા ભેદોના સર્જક આપણા મોટા મોટા આલિમો કે ધર્મ વડાઓ છે. થોડા વર્ષો પૂર્વે મને  એક મૌલવી સાહેબ કહ્યું હતું,

"ખુદા હાફીઝ કરતા અલ્લાહ હાફીઝ શબ્દનો પ્રયોગ કરવો જોઈએ"
એક મુસ્લિમ બીજા મુસ્લિમથી વિદાય લેતા કે છુટા પડતા "ખુદા હાફીઝ" અર્થાત "ખુદા તમારી રક્ષા કરે" કહે છે. આ અંગે કેટલાક આલિમો એવી દલીલ કરે છે કે

"ખુદા શબ્દ મોટે ભાગે બાઈબલમાં વપરાયો છે. મુસ્લિમોએ "ખુદા હાફીઝ"ના સ્થાને "અલ્લાહ હાફીઝ" શબ્દનો પ્રયોગ કરવો જોઈએ"
આવા ભેદો આપણા સમાજ જીવનમાં સમસ્યાઓ સર્જે  છે. અલ્લાહ કે ખુદા શબ્દના પ્રયોગ માટે કોઈ પ્રતિબંધ ન હોવા જોઈએ. કારણ કે અલ્લાહ કે ખુદા સૌના છે. એટલી નાની વાત માટે પણ અદાલતમાં જવું પડે તે સાચ્ચે જ શરમજનક બાબત છે.

 અલ્લાહ માત્ર મુસ્લિમોના   નથી વાત કુરાન- -શરીફમાં વારંવાર કહેવામાં આવી છે. કુરાન- -શરીફમાં કહ્યું છે,
"
રબ્બીલ આલમીન " અર્થાત "સમગ્ર માનવજાતના અલ્લાહ"
કુરાન--શરીફમાં ક્યાંય "રબ્બીલ મુસ્લિમ" અર્થાત "મુસ્લિમોના અલ્લાહ" કહ્યું નથી.
જેમ અલ્લાહ શબ્દ સમગ્ર માનવજાત માટે છે તેમજ ઈશ્વર શબ્દ પણ દરેક માનવ સમાજ માટે છે. ક્યારેક હું મારા લેખમાં ઈશ્વર શબ્દ લખું છું. ત્યારે કેટલાક મિત્રો મને ટોકે છે. એક મુસ્લિમ દાકતર મિત્રએ તો એકવાર મને ફોન કરીને કહ્યું હતું,
"
તમે વારંવાર અલ્લાહ શબ્દ સાથે ઈશ્વર શબ્દ શા માટે લખો છો ?"
ત્યારે મેં તેમને કહ્યું હતું ,
"
અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે."
અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,
"
અલ્લાહ એક શબ્દ નથી. એ ઈમાન છે. વચન  નથી. બહુવચન છે. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગ, નથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે. તે શાશ્વત, સનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે."
આમ છતાં અલ્લાહ પરમકૃપાળુ છે. કુરાન--શરીફમાં કહ્યું છે,
"
અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી "
અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિ, ધર્મ કે રંગભેદને સ્થાન નથી. અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે. અલ્લાહથી ડરનાર, તેની ઈબાદતમાં રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.

કુરાન--શરીફમાં આજ બાબતનો ઉલ્લેખ કરતા કહ્યું છે,
"
વાસ્તવિકતા છે કે અલ્લાહથી ડરનાર, તેની ઈબાદત કરનાર સર્વ માટે જન્નતમાં બક્ષિશોના ભંડાર છે."
ટૂંકમાં , અલ્લાહ શબ્દ માત્ર ઇસ્લામની જાગીર નથી. તે તો "રબ્બીલ આલમીન" છે. સમગ્ર માનવજાતનો અલ્લાહ છે. અને એટલેજ ઈસ્લામને વિશ્વમાં "માનવધર્મ ઇસ્લામ" તરીખે ઓળખવામાં આવે છે.

No comments:

Post a Comment