"ગેરમાર્ગે
દોરાયેલા જેહાદીઓ થોડું આત્મ નિરીક્ષણ કરે, એ સમય આવી ગયો છે. તેમના તાજેતરમાં
આત્મઘાતી કુત્યોને કારણે વિશ્વભરના મુસ્લિમો પ્રતિ દુર્ભાવ અને તિરસ્કારનું મોજું
ફરી વળ્યું છે.તેઓ દરેક સ્થળે અને અને ક્ષેત્રમાં શંકાસ્પદ અને અવિશ્વાસને પાત્ર
બન્યા છે. ખુદ ઇસ્લામ જાણે બર્બર અને અમાનુષી ધર્મ હોય તેવી છાપ ઊભી થઇ છે.કોઈકે
કહ્યું છે "કાંઈ બધા જ મુસ્લિમો આતંકવાદી નથી હોતા, પણ બધાજ આતંકવાદીઓ
મુસ્લિમ હોવાનું માલુમ પડે છે" આ વિધાન બિન-મુસ્લિમોના મુસ્લિમો પ્રતિના વલણના
સાર રૂપ છે. આંતકવાદઓ અને તેમને સમર્થન
આપનારાઓએ જરા થોભીને વિચારવું જોઈએ કે ખરેખર શું તેમની જેહાદ તે પાછળના ઉદેશને સિદ્ધ કરી શકે છે ખરી ? જેહાદીઓ જે કરી રહ્યા
છે તેનું કરુણ પરિણામ તો એ છે કે વિશ્વભરમા બિનમુસ્લિમો મુસ્લિમોથી વિમુખ થઇ ગયા
છે."
ઉપરોક્ત બાબત એ સૂચવે છે કે "જેહાદ"ના નામે આચારવામા આવતી હિંસાને કારણે સમગ્ર
વિશ્વના મુસ્લિમો શરમિંદા બને છે. અને મુખ્ય પ્રવાહમાં જોડવામાં તેમણે પહાડ જેવો
સંધર્ષ કરવો પડે છે. વળી, જેહાદ જેવા આઘ્યાત્મિક શબ્દનો સાચો અર્થ મુસ્લિમ
સમાજમાં પ્રચલિત કે જાણીતો ન હોવાને કારણે સામન્ય મુસ્લિમ બિન મુસ્લિમને તેની સમજ
આપવામાં પણ નિષ્ફળ નીવડ્યો છે.
જેહાદ એટલે અલ્લાહની રાહમાં જાન, માલ, અને
આચરણથી પ્રયત્ન કરવો. એ માટે કષ્ટ સહેવું, આપવું નહીં. હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ આ
અંગે ફરમાવ્યું છે,
"તમારી નફસ(આત્મા) સામે જેહાદ કરો."
મોહ, માયા, ઇરછા, આકાંક્ષાઓ તમન્નાઓ પર પ્રતિબંધ મૂકવાનો
પ્રયાસ એટલે જેહાદ. જેહાદ શબ્દ કુરાને શરીફમાં અનેક વાર ઉપયોગમાં લેવાયો છે. પરંતુ
આખા ગ્રંથમાં કયાંય એ શબ્દ યુદ્ધ, ખૂનામરકી કે હિંસાના અર્થમાં નથી વપરાયો.
અરબીમાં જેહાદ શબ્દનો અર્થ કોશિશ કરવી એવો થાય છે.
ઇસ્લામમાં અલ્લાહના માર્ગે કોશિશ કરવાની
ક્રિયાને જેહાદ કહે છે. પોતાના જાનમાલની, ગરીબોની સેવા, અનાથોનું પાલન-પોષણ કરીને, નમાજ
પઢીને, રોજા(ઉપવાસ) રાખીને, બીજાઓને
દાન કરીને, પોતાના મન પર કાબૂ મેળવીને, પોતાના
ગુસ્સાને નિયંત્રિત કરીને, ખુદાના સાચા ખિદમતદાર બનીને, બીજાઓને
સદ્ઉપદેશ આપીને તેમને નૈતિક માર્ગે વાળવા જેવાં અનેક કર્યો માટેનો સંનિષ્ઠ પ્રયાસ
એટલે જેહાદ.
આ સંદર્ભમાં જ કુરાને શરીફમાં જેહાદનો
ઉલ્લેખ થયો છે. કુરાને શરીફમાં કહ્યું છે,
"સબ્ર સાથે
જેહાદ કરો."
જે
મુસ્લિમોએ પોતાના ધર્મનું રક્ષણ કરવા પોતાના ઘરબાર છોડીને ઇથિયોપિયાના ખ્રિસ્તી
બાદશાહનું શરણ લીધું હતું, તેમના એ કાર્યને પણ જેહાદ કહેવામાં આવેલ છે.
ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ
(સ.બ.વ.)ના અનેક કિસ્સાઓ, સંવાદો જિહાદ કે જેહાદનો આ જ અર્થ વ્યકત કરે છે. કુરાને
શરીફમાં મહંમદ સાહેબને આદેશ આપતા ખુદાએ કહ્યું છે,
"જે લાકો તમારી વાતમાં વિશ્વાસ રાખતા નથી અથવા મુસ્લિમ હોવા
છતાં સરચાઈ અને પવિત્રતા સાથે વર્તતા નથી, તેમની સામે જેહાદ ચાલુ રાખો."
હજરત આઈશા (રહિ.) એ એકવાર મહંમદ સાહેબ
(સ.બ.વ.)ને પૂછ્યું,
"યા
રસુલિલ્લાહ, તમે જેહાદને સૌથી શ્રેષ્ઠ અમલ ગણો છો, તો
શું અમારે તે ન કરવી?"
મહંમદ સાહેબ (સ.બ.વ.) એ ફરમાવ્યું,
"સર્વશ્રેષ્ઠ જેહાદ ‘હજજે મબરૂર’ છે." અર્થાત્ હજ દ્વારા ગુનાહોની મુકિત સૌથી શ્રેષ્ઠ જેહાદ છે.
મહંમદ સાહેબને એક વાર કોઈકે પૂછ્યું,
"સૌથી
શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) કોણ?"
આપે ફરમાવ્યું,
‘એ મુસ્લિમ જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે."
સહાબીએ વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, ‘એટલે
શું?’
મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ફરમાવ્યું,
"અલ્લાહના માર્ગમાં જેહાદ કરવાનું દૃષ્ટાંત એવા માણસ જેવું છે
કે જે માણસ દિવસના રોજા રાખે છે અને રાત્રે ખુદાની ઇબાદતમાં લીન રહે છે."
એક વાર મહંમદ સાહેબ (સ.અ.વ.)ને કોઈકે
પૂછ્યું,
"સૌથી
મોટી જેહાદ કઈ?"
આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું,
"સૌથી મોટી
જેહાદ પોતાની વૃત્તિઓ પર કાબૂ મેળવવાની છે. પોતાના ક્રોધ અને વાસનાઓ પર જીત એ જ
સૌથી મોટી જેહાદ છે?"
ઇસ્લામના ધર્મગ્રંથ કુરાને શરીફમાં આવી
મોટી જેહાદને "જેહાદ-એ-અકબરી" તરીકે
ઓળખાવેલ છે. આમ જેહાદ એટલે યુદ્ધ-ખૂનામકરી નહીં.
કુરાને શરીફમાં હથિયારબંધ લડાઈનો
ઉલ્લેખ છે. પણ જયાં જયાં આવી લડાઈનો ઉલ્લેખ છે ત્યાં ત્યાં જેહાદ શબ્દ વપરાયો નથી.
તેના સ્થાને "કેતાલ" શબ્દ વપરાયો છે.અરબી શબ્દ "કેતાલ"
નો અર્થ થાય છે હથિયારબંધ લડાઈ અર્થાત સશસ્ત્ર લડાઈ.
જેહાદ શબ્દનો આવો આઘ્યાત્મિક અર્થ
જયારે સૌ પામશે ત્યારે જેહાદ શબ્દને નામે આતંકવાદીઓ દ્વારા થતી હિંસાને ઇસ્લામ
સાથે જોડવાની અને ઇસ્લામને બદનામ કરવાની પરંપરા અવશ્ય બંધ થશે.
http://worldofmaheshjoshi.blogspot.in/
ReplyDelete