Tuesday, February 18, 2014

ભગતસિંગને આતંકવાદી કહેનાર પ્રોફેસર ડેવિડ હાર્ડીમેનને જવાબ : ડૉ મહેબૂબ દેસાઈ

 

અંગ્રેજ ઇતિહાસકાર અને યુ.કે.ની યુનિવર્સિટી ઓફ વર્વિકના પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ વિભાગમા ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ પોતાના વ્યાખ્યાનમાં શાસકીય ઇતિહાસના વિચારોને અભિવ્યક્ત કરતા, ભગતસિંગ અને ચંદ્રશેખર આઝાદને આતંકવાદી કહ્યા. પણ જયારે શ્રોતાઓમાંથી તેનો વિરોધ થયો, ત્યારે પોતાના કહેવાનો અર્થ આવો નથી એમ કહી વાતને વાળવાનો તેમણે પ્રયાસ કર્યો. પ્રોફેસર ડેવિડ હાર્ડીમેનના આ કૃત્યથી અંગ્રેજોનો ભારતના ઇતિહાસ અને તેના શહીદો પ્રત્યેનો ઊંડે ઊંડે પણ દ્રઢ થઇ ગયેલ અભિગમ છતો થાય છે. ભગતસિંગ જેવા પ્રખર ક્રાંતિકારીને આતંકવાદી કહેનાર અંગ્રેજ ઇતિહાસકાર પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન પોતાના અંગ્રેજ ભાઈઓની ઇતિહાસમાં નોંધાયેલા અમાનવીય અને ગેરકાનૂની નીતિને કેમ વિસરી જાય છે ? ભગતસિંગની ફાંસી અને એ પછીની ક્રૂર ઘટનાઓનો પોતાના વ્યાખ્યાનમા ઉલ્લેખ કરવાનું કેમ ટાળે છે ? ફાંસીના તમામ નિયમોને નેવે મૂકી અંગ્રેજોએ ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સાંજના સમયે ત્રણે ક્રાંતિકારીઓ ભગતસિંગ, સુખદેવ અને રાજ્યગુરુને ફાંસી આપી દીધી અને તેમના શબોને સતલજના કિનારે કેરોસીન છાંટી સળગાવી મુકાયા. અંગ્રેજોની એ ક્રૂરતાને અભિવ્યક્ત કરતા ભગતસિંગના સાથી ક્રાંતિકારી જીતેન્દ્ર નાથ સન્યાલ લખે છે,
"સામાન્ય રીતે ફાંસી વહેલી સવારે આપવામાં આવે છે. પણ સરદારને રાત્રે જ ખત્મ કરી નાખવાનો નિર્ણય લેવાયો હતો. સાંજના ચાર થી છ વાગ્યા દરમિયાન જે વોર્ડન અને અધિકારીઓ જેલ બહાર હતા, તે બધા ને બહાર જ રાખવામાં આવ્યા. અને જે જેલમાં હતા તેમને જેલમાં જ રાખવામાં આવ્યા. એક રૂમમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ, જિલ્લા મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેલની અંદર અને બહાર કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ સાંજે ૭.૩૫ કલાકે ત્રણે દેશભક્તોને તેમની કોટડીમાંથી બહાર લાવવામાં આવ્યા. તેમની આંખો પર પટ્ટીઓ બાંધવામાં આવી.અને તેમને ફાંસીના તખ્તા પર ઉભા કરી દેવામાં આવ્યા. બરાબર આજ સમયે "ડાઉન ડાઉન વિથ યુનિયન જેક" "બ્રિટીશ ઝંડાનું પતન  થાઓ"ના નારાઓ જેલમાંથી સંભળાતા હતા. અડધી માટે મિનીટ સુધી નારાઓ સંભળાતા રહ્યા. પછી અવાજો બંધ થઇ ગયા. એ પછી ત્રણે લાશો સ્ટ્રેચર પર મૂકી જેલની દીવાલના એક બાકોરામાંથી જેલ બહાર લાવવામાં આવી."
૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સવારે લાહોરના મહોલ્લાઓમાં જિલ્લા મેજીસ્ટ્રેટના હસ્તાક્ષરવાળા પોસ્ટરો લાગેલા હતા. તેમાં લખ્યું હતું,
"આમ જનતાને સૂચિત કરવામા આવે છે કે ગઈ કાલે સાંજે ભગતસિંગ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી દેવામાં આવી છે. અને તેમની લાશોને સતલજના કિનારે ભસ્મ કરી, તેની રાખ નદીમાં વહેવડાવી દેવામાં આવેલા છે."
 
ભગતસિંગના બહેન અને પાર્વતી દેવીને લાહોરના સ્મશાન પાસેના એક તૂટલા પુલ નીચેથી લાશના અધકચરા બળેલા ટુકડાઓ મળ્યા હતા. જેલના કાનુન મુજબ ફાંસી પછી લાશ તેના કુટુંબીજનોને આપવામાં આવે છે. પણ જ્યાં જંગલ કાનુન અને સામંતશાહી શાશન હોય ત્યાં એવી આશા અસ્થાને છે. અસ્થીના મળી આવેલા એ ટુકડાઓને લારીમાં નાખી લાહોર શહેરમાં લાવવામાં આવ્યા. લગભગ એક લાખ જેટલા સ્ત્રી-પુરુષોએ ખુલ્લા માથા અને ખુલ્લા પગે શહેરના મુખ્ય માર્ગો પર શહીદોના અસ્થી સાથે શાંત સરઘસ કાઢ્યું. સરઘસ બરાબર લાલ લાજપત રાયની અંત્યેષ્ઠિના સ્થાને આવીને સભામાં ફેરવાઈ ગયું. પુરષોત્તમ લાલ શર્માએ સરદાર ભગતસિંગની શહીદી પર મહાત્મા ગાંધીજીના વક્તવ્યને વાંચી સંભાળવું.
 
આ ઘટનાના સમાચાર નેતાઓને ૨૩ માર્ચના રોજ રાત્રે સાડા નવ વાગ્યે મળ્યા. એ સમયે નેતાઓ ગુરુવારથી કરાંચીમા શરુ થઈ રહેલા કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા દિલ્હી રેલ્વે સ્ટેશને આવ્યા હતા. ટેલીફોન પર સમાચાર જાણી બધા નેતાઓના ચહેરા પર ઉદાસી પ્રસરી ગઇ. પંડિત નહેરુ, માલવીયાજી અને ગાંધીજી બધાની આંખો ઉભરાઈ આવી. પંડિત નહેરુ તો એટલા ભાંગી પડ્યા કે રેલ્વેના ડબ્બામા ચડતા ચડતા લપસી પડ્યા અને પડતા પડતા રહી ગયા.ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપ્યા પછી ડેલી વર્કર, ન્યુયોર્કના ૨૩ માર્ચના ૧૯૩૧ના અંકમાં બ્રિટીશરોની આ ખૂનરેજીને વ્યક્ત કરતા લખ્યું હતું,
 
"ભારતની આઝાદીના યોદ્ધા લાહોર જેલના ત્રણ કેદી ભગતસિંગ, રાજગુરુ અને સુખદેવને બ્રિટીશ લેબર સરકારે સામ્રાજ્યવાદના હિતમાં ફાંસી પર લટકાવી દીધા. મેકડોનાલ્ડના નેતૃત્વ વાળી બ્રિટીશ લેબર સરકારની અત્યાર સુધીની આ સૌથી મોટી લોહિયાળ ઘટના છે. લેબર સરકારના આદેશ મુજબ જાણી જોઈને ફસાવવામાં આવેલ ત્રણ ભારતીય ક્રાંતિકારીઓની ફાંસી એ બાબત સ્પષ્ટ કરે છે કે બ્રિટીશ સામ્રાજયવાદને બચાવવા માટે મેકડોનાલ્ડ શાશન કઇ હદ સુધી નીચે જઈ શકે છે."
 
ઈતિહાસની આ સચ્ચાઈને પામવામાં પ્રોફેસર ડેવિડ હાર્ડીમેન ક્યાં તો નિષ્ફળ ગયા છે, ક્યાં તો અંગ્રેજ શાશકોના લખાયેલા ઇતિહાસના પ્રભાવમાંથી હજુ મુક્ત થયા નથી. પરિણામે ભારતમા વ્યાખ્યાન આપવા આવ્યા હોવા છતાં પોતાના હદય અને મનમાં દ્રઢ થઇ ગયેલ ભગતસિંગ અને ચંદ્રશેખર આઝાદની આતંકવાદી છબી અનાયસે પણ તેમના હોઠો પર ઉપસી આવી છે.

No comments:

Post a Comment