આઝાદ ભારતની બિનસાંપ્રદાયકતામા એક શબ્દ વારંવાર વપરાય છે. અને તે કાફી પ્રચલિત પણ છે. તે છે ધાર્મિક સહિષ્ણુતા. અંગ્રેજીમાં જેને "રીલીજીયસ ટોલરન્સ" કહે છે.દરેક ધર્મના કેન્દ્રમાં ધાર્મિક સહિષ્ણુતા રહેલી છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં તેના ઉત્તમ દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે. ૧૧ સપ્ટેમ્બર ૧૮૮૩મા શિકાગોમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમા સ્વામી વિવેકાનંદજીએ કહેલા શબ્દો એ સંદર્ભમાં જાણવા જેવા છે. તેમાં હિંદુ ધર્મની સહિષ્ણુતા બાકાયદા વ્યક્ત થાય છે.
"મને કહેતા
ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને
વિશ્વબંધુત્વના પાઠો શીખવ્યા છે. અમે સર્વ ધર્મો પ્રત્યે સહિષ્ણુતા બતાવવામાં માનીએ
છીએ. એટલું જ નહિ પરંતુ સર્વ ધર્મો સત્ય છે. તેનો પણ અમે સ્વીકાર કરીએ છીએ.
પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમા ધર્મઝનુને અનેક સંસ્કૃતિઓને પાયમાલ કરી છે.
સમસ્ત પ્રજાને હતાશમાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોત તો
માનવ સમાજે આજના કરતા અનેક ગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેનો સમય હવે ભરાઈ
ચુક્યો છે. અને હું ખરા અં:તકરણ પૂર્વક આશા રાખું છું કે આ સભાના માનમાં આજે જે
ઘંટ રણકી ઉઠ્યો, તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનુનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ
અત્યાચારોનો અને સામાન ધ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી સમાન અનુદાર
ભાવનાઓનો પણ મૃત્યું ઘંટ બની રહેશે."
સ્વામી વિવેકાનંદજીના આ શબ્દો હિંદુ
ધર્મમા વ્યક્ત થયેલ ધર્મ સહિષ્ણુતાને વાચા આપે છે. ધાર્મિક સહિષ્ણુતા અંગે આપવામાં
આવતી વિવિધ વ્યાખ્યાઓનો અર્ક પણ એ જ છે. ધાર્મિક સહિષ્ણુતાની વ્યાખ્યા આપતા
વેબસ્ટર શબ્દ કોશમાં કહ્યું છે,
"અન્ય ધર્મ
કે સમાજના વિચારો, માન્યતા અને વ્યવહારોની નોંધ લેવી અને તેને માન આપવું એટલે
ધાર્મિક સહિષ્ણુતા"
જ્યોર્જ વોશિગ્ટને ઇ.સ.૧૯૭૦મા લખેલ એક
પત્રમાં કહ્યું છે,
"હાલ
સહિષ્ણુતા અંગે ઘણી ચર્ચા ચાલે છે. સહિષ્ણુતાએ માનવીની વૈચારિક,વ્યહવારિક અને
માન્યતાઓના આચરણને માન આપવાની પ્રક્રિયા છે. તેને બ્રિટીશ સરકારે પણ સ્વીકારેલ
છે."
દરેક ધર્મમાં આ વિચાર કેન્દ્રમાં રાખી
અન્ય ધર્મીઓ પ્રત્યે સહિષ્ણુતા અને પ્રેમ રાખવાના પ્રયાસો થયા છે. ભારતના ઇતિહાસમાં
મુસ્લિમ શાશકોના શાસનકાળમાં પણ પોતાના સહ ધર્મીયોના વિચારો, વ્યવહાર અને
માન્યતાઓને સ્વીકારી તેને માન અને સ્થાન આપવામાં આવ્યાના અનેક દ્રષ્ટાંતો નોંધ્યા
છે. અને તેના પરિપાક રૂપે જ આજે પણ મુસ્લિમ સંતોની મઝારો પર હંદુ ધર્મીયોના ઝુંડો જોવા
મળે છે. આ સંસ્કારોના મૂળમાં અરબસ્તાનમાં મહંમદ સાહેબે આચરણમાં મુકેલ સહિષ્ણુતાના
સિદ્ધાંતો રહેલા છે.મહંમદ સાહેબે તેમના ઉપદેશોમાં આ સહિષ્ણુતા વારંવાર વ્યક્ત કરી
છે. એ સમયે અરબસ્તાનમાં અનેક ખ્રિસ્તી ધર્મી લોકો વસતા હતા. કેટલાકને તો ખુદ મહંમદ
સાહેબે વસાવ્યા હતા. તેને ધ્યાનમાં રાખી મહંમદ સાહેબ કહેતા,
"ખ્રિસ્તીઓના
કાઝીઓને અને સરદારોને બદલવાનો કોઈને અધિકાર નથી. કોઈ તેમને તેમના હોદ્દા પરથી
ખસેડી શકશે નહિ."
"કોઈ
ખ્રિસ્તી સ્ત્રી કોઈ મુસ્લિમ સાથે લગ્ન કરે તો તે મુસ્લિમ તેના માર્ગમાં કશી અડચણ
નહિ નાખે. તેને દેવળમાં જતાં પ્રાર્થના કરતા કે પોતાના ધર્મ પ્રમાણે વર્તતા રોકશે
નહિ."
"ખ્રિસ્તી
કોમ સામે કોઈ હથિયાર નહિ ઉપાડે. હા, તેમના રક્ષણ માટે હથિયાર ઉઠાવવાનો મુસ્લિમનો
ધર્મ છે."
આપણે ત્યાં હાલ વાતચીતના આરંભમાં
કહેવાતા સંબોધન કે શબ્દોનું ચલણ વધતું જાય છે. જેમ કે એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે
છે ત્યારે કહે છે,
"અસ્સલામોઅલયકુમ" તેના
જવાબમાં
"વાલેકુમ
અસ્ સલામ" કહેવામાં આવે
છે. એ જ રીતે અન્ય સંપ્રદાયો કે ધર્મોના લોકો પણ આવા શબ્દ પ્રયોગો કરતા થયા છે.
જેમ કે "જય માતાજી" , "જયશ્રી કૃષ્ણ" , "જય
સ્વામીનારાયણ" , "જય સોમનાથ" , "જય
જિનેન્દ્ર" આ અંગે પણ મહંમદ સાહેબે ફરમાવ્યું છે,
"જયારે
તમને કોઈ સલામ કરે તો તમે તેને અત્યંત સારા શબ્દોમાં જવાબવાળો. અથવા જેવા શબ્દો
તેણે કહયા છે તેવા જ શબ્દોમાં જવાબવાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે."
આ ક્રિયા ભલે અત્યંત સામાન્ય લાગતી હોય.
પણ સહિષ્ણુતા કેળવવામાં તેનું મોટું પ્રદાન છે. તમે અન્યના સંબોધનને જેવા
સ્વીકારીને અભિવાદનમાં તેનો ઉપયોગ કરશો કે તુરત એ વ્યક્તિ તમારા અભિવાદનના શબ્દોનો
ઉપયોગ કરવા માંડશે. હું જયારે જયારે જય જેનેદ્ર , જય માતાજી કે જય સ્વામિનારાય
કહું છુ ત્યારે ત્યારે મને સામેથી "સલામાલેકુમ" શબ્દ અવશ્ય
સંભળાય છે.
સહિષ્ણુતાનું એક અન્ય લક્ષણ પણ દરેક
ધર્મે સ્વીકારેલ છે. અને તે એ છે "ક્ષમા". હિંદુ ધર્મમાં "ક્ષમા
વીરસ્ય ભૂષણમ" ક્ષમા વીરનું આભુષણ છે એમ કહેવામાં આવ્યું છે. ક્ષમા
માંગનારા અને ક્ષમા આપનારા બંને મહાન છે. ઇસ્લામમાં મહંમદ સાહેબે ક્ષમા અને સબ્રને
વિશેષ સ્થાન આપ્યું છે. મહંમદ સાહેબને ઝેર આપી મારી નાખવાનો પ્રયાસ કરનાર યહુદી સ્ત્રીને
કશી સજા કર્યા વગર મહંમદ સાહેબે માફ કરી દીધી હતી. મહંમદ સાહેબ હંમેશા કહેતા,
"તમે
પૃથ્વીવાસીઓ પર દયા અને ક્ષમા કરો, આકાશવાળો તમારા પર દયા અને ક્ષમા કરશે."
આવી ધાર્મિક સહિષ્ણુતા દરેક દેશ કે
સમાજ માટે અનિવાર્ય છે. અને તો જ સમાજમાં સાચી લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાને
આપણે સાકાર કરી શકીશું.